ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ
લોગઇન:
ચાલ્યા કરે હળુ હળુ થાક્યા કરે મકાન,
અંતે ફળીનાં બાંકડે હાંફ્યા કરે મકાન.
ઊડી ગયા છે જ્યારથી ટહુકા વિદેશમાં,
બે ચાર લીલી ડાળખી માંગ્યા કરે મકાન.
પોતું કરેલ ઓસરી; ધોયા વગરના પગ,
એકાદ પગલું ફર્શ પર વાંછ્યા કરે મકાન.
નક્કી કશુંક તો હતું સામેની બારીએ,
અમથું સવાર-સાંજ ના તાક્યા કરે મકાન.
જે નેમપ્લેટ પર હતો એ જણ ગયો છે ક્યાં?
મૂંગી હજાર અટકળો બાંધ્યા કરે મકાન.
— પારુલ ખખ્ખર
ગુજરાતી ભાષામાં એક સુંદર ભજન છેઃ જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. શરીર ભાડાનું મકાન છે, અને મકાન ખંડેર થાય છે. પણ ખંડેર થતા પહેલાં તેમાં અનેક ઉમંગો જિવાય છે, રંગો છલકાય છે. સંબંધોની સુવાસ પથરાય છે. અનુભવનું નાણું એકઠું થાય છે. એ નાણાના જોરે જ આપણી આંતરિક સમૃદ્ધિ કે પાયમાલી નિશ્ચિત થતી હોય છે. પારૂલ ખખ્ખરે ઈંટ-પથ્થરના મકાનને પ્રતિક બનાવી ઉંમરની અમુક અવસ્થાઓને ખૂબ બારીકાઈથી કંડારી છે.
વૃદ્ધાવસ્થા જીવનની અંતિમ અવસ્થા છે, પણ અંત નથી. ત્યાં કાયા જીર્ણ થાય છે, માયા તો એટલી જ યુવાન હોય છે, જેટલી પહેલા હતી. શરીર થાકે છે, પણ મન તો અગાઉ જેટલું જ ઊર્જામય હોય છે. જે મકાન કાયમ હર્યુંભર્યું રહેતું હોય, ત્યાં એકએક સન્નાટો સુસવાટા મારવા માંડે ત્યારે ઉદાસી સિવાય બીજું શું બચે? વૃદ્ધાવસ્થાએ પહોંચેલ વ્યક્તિએ જીવનભર જે ચાર દીવાલોમાં શ્વાસ લીધા હોય, સપનાં ઉછેર્યાં હોય તે સપનાંને પાંખો આવતા દૂર જઈ વસે ત્યારે થાકેલા દેહ સાથે ફળિના ઓટલા પર બેસીને એમની સાથેની યાદો વાગોળ્યા સિવાય બીજો કશો હોય પણ ક્યાંથી! તેમાં શરીરના હાંફની સાથે મનનો થાક પણ હોય છે. કોઈ નથી-નો વસવસો પણ હોય છે. તેમની આંખો સતત ઝંખ્યા કરતી હોય છે કે ઊડી ગયેલાં પંખીઓ માળામાં પાછાં આવે, ફરીથી મકાન હર્યું ભર્યું થાય, ફરીથી ટહુકાઓથી રેલાય.
ફળિયાની ધૂળમાં રમતાં બાળકો ગમે ત્યારે ઘરમાં દોડી આવે, તેમનાં ધૂળમાટીમાં રજોટાયેલી નાની પગલીઓથી ઘરને મેલુંદાટ કરી મૂકે. હજી કચરાંપોતાં કરીને માંડ નવરાં થયા હોઈએ ત્યાં તો ઘર ઘર હતું ન હતું થઈ જાય. ત્યારે ચીડ તો ચડે, પણ જ્યારે એ બાળકો ચાલ્યાં જાય, ઘર ખાલી થઈ જાય, ત્યારે સ્વચ્છ ઘર ખાવા દોડે. મન સતત ઝંખ્યા કરે કે ક્યારે એ તોફાની પગલાંઓ પાછાં આવે અને ઘરને મેલું કરે. તેમના કિલ્લોલથી ભરી દે. જે ઘર બાળકોનાં માટીવાળા ગંદા પગથી ખરડાય છે, તે ઘર ખૂબ નસીબદાર છે.
મકાન માત્ર અભાવનું સાક્ષી નથી હોતું, તે ભાવ અને ભાવનાની છબીઓ પણ ઝીલે છે. એક ઘરમાં ધબકતું યુવાન હૈયું સામેના ઘરની બારીના ધબકારા પોતાની છાતીમાં ઝીલતું હોય છે. કારણ-અકારણ આંખો એ બારી તરફ દોરવાઈ જાય છે. શરીર ભલે ગમે ત્યાં હોય, મન ચોવીસે કલાક એ બારીની આસપાસ જ હોય છે.
જે ઘરમાં વર્ષો સુધી જીવ્યા હોઈએ તે ઘરનું ફર્નિચર નહીં, ભીંતનો કણેકણ આપણને ઓળખતો હોય છે. ઘરમાં અન્ય કોઈ હોય ન હોય, ખાલી દીવાલને જોઈને પણ સાંત્વના મળતી હોય છે. પણ જ્યારે ઘરમાં જ કોઈ ન હોય તો ભીંતો બાપડી સાંત્વના પણ કોને આપે? મકાનમાં — જિવાયેલી જિંદગીની ઊર્જા હોય છે. એ ઊર્જાના ચાલ્યા જવાથી નિર્જીવ ભીંતો સુધ્ધા વસવસો અનુભવતી હોય, પણ તેને વાચા નથી કે વ્યક્ત કરી શકે. એને વ્યક્ત કરવા માટે તો પારૂલ ખખ્ખર જેવા સજ્જ કવિઓ જોઈએ.
લોગઆઉટઃ
પથ્થરને ઈંટનું ભલે પાકું મકાન છે,
એ ઘર બને ન ત્યાં સુધી કાચું મકાન છે.
વાતોનાં છે વિસામાને મીઠા છે આવકાર,
પૂછે છે પગરવો મને કોનું મકાન છે?
મારા મકાનનું તને સરનામું આપું, લખ,
ખુલ્લા ફટાક દ્વાર તે મારું મકાન છે.
તારા જ ઘર સુધી મને કેડી લઈ ગઈ,
પહેલા હતું જ્યાં ઘર ત્યાં તો ઊચું મકાન છે.
કોયલ કમાડે આવીને ટહુક્યાં કરે છે રોજ,
અફ્સોસ ના રહ્યો કે આ નાનું મકાન છે.
એક બે ફલાગેં બહાર હું જઈ શકું છું પણ,
ભીતરની ભીંત ઠેકતા લાંબું મકાન છે.
- ગૌરાંગ ઠાકર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો