ગમે તે જીતશે, હારશે જનતા

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

લોકશાહીમાં ભલે જીતે ગમે તે પક્ષ પણ,
એટલું નક્કી કે જનતા હારવાની હોય છે.
- કિશોર બારોટ

આપણા દેશના નેતાઓ ખૂબ સેવાભાવી છે. પોતાના પક્ષમાં ટિકિટ ન મળે તો બીજા પક્ષમાંથી ચૂંટણી લડશે, પણ ધરાર સેવા કરીને જ રહેશે. આવા સેવાભાવી લોકો ચૂંટણીના પડઘમ વાગતાની સાથે પોતાની ચિલ્ડ એસી ઑફિસમાંથી નીકળીને સેવકોના કાફલા સાથે અંતરિયાળ વિસ્તારોમાં નીકળી પડે છે — પ્રજાનો વિકાસ કરવા માટે. કેમેરા, રિપોર્ટરો અને ખાસ માણસો સાથે. ક્યાં ક્યાં શું શું કમી છે, તેને કેમ નિવારી શકાય અને પ્રજાનું કઈ રીતે ભલું કરી શકાય તે વાત તેમને ચૂંટણી આવવાના થોડા સમય પહેલા સાધુને આત્મજ્ઞાન લાધે, તેમ લાધે છે. પછી રાતોરાત વાયદાના પરબીડિયાંઓ છપાય છે. પબ્લિકમાં લાભોની લહાણી થાય છે. નવી નવી યોજનાની લોલીપોપો વહેંચાય છે. અને લોકો હોંશેહોંશે ચૂસે છે પણ ખરા. પણ જેવી જીત થાય — બધું સાડા ચાર વર્ષ માટે ક્યાંક ભોંયમાં ભંડારાઈ જાય છે, જેમ બર્ફીલા પ્રદેશમાં વસતા નાનાં પ્રાણીઓ બરફ પડવાની શરૂઆત થાય એટલે હુંફાળી જગ્યાએ છુપાઈ જાય તેમ. પછી ઠંડી ઋતુ જાય, બરફ ઓગળે એટલે આપોઆપ બહાર નીકળે. બસ આ જ ચક્ર વર્ષોથી ચાલ્યા કરે છે.


શેખાદમ આબુવાલાએ લખ્યું છે-
રાજનીતિને કરી કેટલી ખૂબીથી શહીદ,
રાજ રાખીને તમે નીતિની ગરદન કાપી.

નીતિનું ગળું કાપીને રાજ કરાનારા શાસકો પાસે આપણે વિકાસ અને ન્યાયની આશા રાખીએ છીએ. ખરી દાદ તો આટઆટલા નિષ્ફળ ગયા પછી પણ નેતાઓ પાસે આશા રાખીનારી પબ્લિકને આપવી જોઈએ. નેતાઓ તો જીતીને પોતાનો વિકાસ કરી લે છે, પણ પ્રજા બાપડી એ જ ધૂળિયા રસ્તા, ગટરો, કચરાના ઢગલા, અને ગંદકીમાં સબડ્યા કરે છે. તેમની માંગણી અને લાગણી ધૂળ ને ધાણી થઈ જાય છે. તેમણે કરેલી રજૂઆતો અને અરજીઓને કોકે સ્ટેચ્યુ કહ્યું હોય તેમ, જ્યાં હોય ત્યાં જ ચોંટી જાય છે. નથી હાલતી, ચાલતી, આગળ વધતી. અરે એ અરજીઓ તો કોઈને દેખાતી પણ નથી. લોકો નોકરી માટે, સુવિધા માટે, ઝઝૂમ્યા કરે છે. તેમને ખબર છે કે કશો ખાસ ફેર પડવાનો નથી, છતાં આશા રાખે છે કે કશુંક બદલાશે. મત આપીને રાજી થાય છે.

કિશોર બારોટે સહજ રીતે, પણ કડવા સત્ય જેવી વાત કરી છે. પક્ષ કોઈ પણ જીતે, નેતા ગમે તે જીતે, પણ હાર તો બિચારી પબ્લિકની જ થાય છે. જે સત્તામાં નથી તે નીતિ, પ્રામાણિકતા, સેવાભાવ, કાયદા અને વાયદાની વાતો કરશે. એમને સાંભળીને આપણને પણ થાય કે આ માણસ જો ચૂંટાઈ જાય તો ધરતીને સ્વર્ગ બનાવવાથી કોઈ રોકી શકવાનું નથી. અને નવાઈની વાત તો એ કે એ માણસ ચૂંટાઈ પણ જાય, પણ પેલું સ્વર્ગ ક્યાંય દેખાય નહીં જ નહીં ને. એ તો હતું ત્યાં ને ત્યાં જ — ધારણામાં જ રહે છે.

દરેક મંદિરમાં દીવો ધરવો પડે છે, બાધા-આખડીઓ કરવી પડે છે, તપ, પૂજા, આરાધના કરવા પડે છે, ત્યારે પ્રભુની કૃપા સાંપડે છે. આપણી સરકારી કચેરીઓ આવાં જ મંદિરો છે. જ્યાં સુધી લાંચરુશ્વતનો દીવો ન પ્રગટે ત્યાં સુધી કચેરીમાં બેઠેલા દેવતાઓની આંખો ખૂલતી નથી. જ્યાં સુધી પગાર સિવાયની એક્સ્ટ્રા કમાણીના રૂપિયાનો ખણખણતો અવાજ તેમના કાનમાં ન પડે, તેમની અંદર પ્રસન્નતાનો પારો ચડતો જ નથી. તમે ગમે તેટલા સાચા હોવ, ગમે તેટલા લીગલી પેપર્સ હોય, બધું જ કાયદા મુજબ હોય છતાં, તમારે રૂપિયાનો રૂડો દીવો તો ધરવો પડશે, તો જ શાસકદેવ પ્રસન્ન થશે, અને તેમને આશીર્વાદ મળે.

રાવજી પટેલની પ્રસિદ્ધ કવિતા મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, કાવ્યમાં એક પંક્તિ આવે છે, “મારી વેલ શંગારો વીરા, શગને સંકોરો, રે અજવાળા પહેરી ઊભા શ્વાસ…” સરકારી કામની વેલ શણગારવી હોય તો શગ નહીં, વગ વાપરવી પડે છે. તો જ કાગળિયામાં અજવાળા થાય છે. બાકી તમે તૂટીને ત્રણ થઈ જાવ, અંધારા ઊલેચી નહીં શકો.

લોગઆઉટઃ

‘તપ’ નહીં પણ ‘વગ’ પ્રભુનું ડોલતું આસન કરે,
આ હકીકત જે ન સમજે તે ભજનકીર્તન કરે.
– ‘મસ્ત હબીબ સારોદી’ (મુલ્લા રમૂજી)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો