એક આશિકનું દિલ – એક છરી

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

મારો અવાજ તારા લગી ન પહોંચે
તો એમાં ઉમેર પડઘો –
પૌરાણિક કથાઓનો પડઘો.
અને એમાં ઉમેર –
એક રાજકુમારી
અને રાજકુમારીમાં ઉમેર –
તારું રૂપ
અને તારા રૂપમાં ઉમેર –
એક આશિકનું દિલ
અને ઉમેર આશિકના દિલમાં-
એક છરી.

– અફઝલ અહમદ સૈયદ

પ્રેમમાં મળતી પીડાની વાત વર્ષોથી કહેવાઈ રહી છે, અને આજે પણ કહેવાય છે. આ વ્યથા એવી છે જેને ક્યારેય કાટ નથી લાગતો, દરેક યુગમાં આ દર્દ નવી રીતે ઊભરાય છે. પેઢીઓ બદલાય છે, સમાજ બદલાય છે, રીત અને રિવાજો પણ સ્વરૂપ બદલે છે. પૌરાણિકતા આધુનિકતામાં ઢળે, પરંતુ પ્રેમનું દર્દ એનું એ જ. એની એ જ આહ, એનો એ જ કણસાટ, ને ટીસ પણ એની એ જ.

વર્ષો પહેલાં મીરાંબાઈએ કહ્યું હતું, “જો મૈં ઐસા જાનતી પ્રીત કિજે દુઃખ હોય, નગર ઢંઢેરા પીટતી પ્રીત ન કીજે કોઈ.” મીરાંએ વર્ષો પહેલાં ઢંઢેરો પીટી દીધો હતો કે પ્રેમમાં પારાવાર વ્યથા છે. અનેક આશિકો, ઘાયલો પણ પોતાના દર્દનાં ગીતો ગાઈ ચૂક્યાં છે, પણ હૃદય પ્રેમમાં પડવાથી વાજ નથી આવતું. જોકે, પ્રેમમાં પડવાની ક્રિયામાં જ ‘પડવું’ શબ્દ આવી જાય છે. જ્યાં પડવાનું નિશ્ચિત હોવા છતાં, એક લાગણી એવી છે, જે વારંવાર પડવા ઝંખે છે. જેમ પતંગાને ખબર છે કે અંધકારમાં ચમકતી જ્યોત પાસે જવાથી તેનું મૃત્યુ નિશ્ચિત છે, છતાં તે જાય છે, પોતાના દેહને સમર્પિત કરે છે અને બળી મરે છે. પ્રણયભંગ થયેલા પ્રત્યેક વ્યક્તિઓ આ પતંગા જેવા હોય છે, ફર્ક એટલો જ, પતંગા બળીને ખાખ થઈ જાય છે, જ્યારે પ્રેમીઓ બાહ્ય રીતે તો જીવંત હોય છે, અંદરથી રાખ થઈ ગયા હોય છે.

જિગર મુરાદાબાદીનો આ શેર પ્રેમ કેટલો અઘરો છે, તે ગહનતાથી વ્યક્ત કરે છે,
ये इश्क़ नहीं आसाँ बस इतना समझ लीजे,
एक आग का दरिया है और डूब के जाना है

આગનો મહાકાય દરિયામાં ડૂબીને સામે પાર પહોંચવું સંભવ નથી. પ્રેમની સફર આગના દરિયામાં ડૂબીને આગળ વધતી સફર છે. આગની જાણ હોવા છતાં હૃદયમાં કોઈ એવું અજાયબ તત્ત્વ હોય છે, જે અગ્નિમાં ખાબકે છે, જાતને હોમી દે છે.

અફઝલ અહમદ સૈયદે પ્રેમની પીડાને ન સમજનાર વ્યક્તિને — પોતાની પ્રેયસીને ઉદ્દેશીને લખ્યું છે. એક રીતે તો તેઓ એમ કહેવા માંગે છે કે જા, તને મારું દર્દ નહીં સમજાય. મારી અંદર એક ટીસ ઊઠી રહી છે, હું ચીસો પાડી રહ્યો છું, પરંતુ મારી વ્યથાનો એક શબ્દ સુધ્ધાં તારા કાન સુધી નથી પહોંચી રહ્યો. પોતાની વ્યથા સમજાવવા માટે કવિ એક તરકીબ અપનાવે છે. કહે છે, જો મારો અવાજ તારા સુધી ન પહોંચતો હોય તો અવાજમાં પડઘો ઉમેર. પર્વતો સામે પાડેલી ચીસ દૂર સુધી પડઘાતી હોય છે. અને પર્વતોમાં હોય છે તીક્ષ્ણ અને બરછટ પથ્થરો. આ રીતે તે પોતાની પ્રેયસીને પણ પથ્થર સમાન ગણી રહ્યા હોય તેમ બને. પથ્થરોના કાનમાં અવાજ ક્યાંથી પહોંચે, હા, પડઘાય ખરો. પરંતુ આ પડઘો માત્ર એક પ્રતિધ્વનિ નહીં, જૂની-પુરાણી કથાઓનો પડઘો બને તેવું તેઓ ઇચ્છે છે. આવો પડઘો તેમને કેમ પાડવો છે? એ તો આપણે એ પૌરાણિક કથાને સમજીએ તો ખ્યાલ આવે.

કથામાં એક રાજકુમારી છે, અને એ રાજકુમારીમાં પ્રેયસીને પોતાનું રૂપ ઉમેરવાનું કહે છે. બીજા અર્થમાં કવિ કહે છે એ રાજકુમારી એટલે સ્વયં તું. અને તારી પર આવી ગયેલું એક આશિકનું દિલ, એક પ્રેમીનું હૃદય અને એ પ્રેમી એટલે હું. અને પછી એ પ્રેમીના હૃદયાં ભોંકાયેલી એક છરી. બસ આટલું ધાર એટલે આપોઆપ મારી હાલત તને સમજાઈ જશે.

કવિ સીધી રીતે કહેવા નથી માગતા કે મારા હૃદયમાં પ્રણયભંગનું એક ધારદાર ખંજર ભોંજાયેલું છે, એ તો કથા રચે છે, પોતાની પ્રેયસીને ધારવા કહે છે અને ધારણાની કેડી પર લઈ જઈને દર્દના ભોંકાયેલા કાંટાનો પરિચય કરાવવા માગે છે.

કવિ અફઝલ અહમદ સૈયદ સમકાલીન ઉર્દૂ કવિ અને અનુવાદક છે, શાસ્ત્રીય અને આધુનિક ઉર્દૂ અભિવ્યક્તિમાં તેમની નિપુણતા માટે જાણીતા છે. 1946માં ભારતના ગાઝીપુરમાં જન્મેલા આ કવિ 1976થી કરાચી, પાકિસ્તાનમાં રહે છે.

લોગઆઉટઃ

દર્દને ગાયા વિના રોયા કરો,
પ્રેમમાં જે થાય છે જોયા કરો.
– કૈલાસ પંડિત

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો