ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ
લોગઇન:
ઘણી ઉતાવળ મને,
વાવ્યા પહેલાં ફળને માટે દોડું વૃક્ષની કને,
મૂળ શોધું પણ મળે નહીં, આભાસી ઝૂલે ડાળ;
મહોર મંજરી વગર શું મળશે ફળની પૂરી ભાળ?
કોઈ જાણતલ મને બતાવો, ભટકું વન ઉપવને!!
ઘણી ઉતાવળ મને!!
મનની માયાજાળમાં ઉગ્યા વૃક્ષે વૃક્ષે પાન,
ગ્રન્થ ગ્રન્થનાં પાન ઉકેલ્યાં તોય ન આવ્યું ભાન,
કોઈ કહે કે કોઈ વેળા આવું તો ભૈ બને,
ઘણી ઉતાવળ મને!
– વિનોદ ગાંધી
વિનોદ ગાંધીએ સરળ શબ્દોમાં ગહન કાવ્ય લખ્યું છે. ઉતાવળ માનવીની સૌથી જૂની બીમારી છે. તેની દવા મળતી નથી, પરંતુ સમજ આવી જાય તો કાબૂ મેળવી શકાય. માણસ ચાલતો થયો ત્યારથી જ દોડવા લાગ્યો છે. દોડવાનું કારણ પગમાં શક્તિ આવી તેથી નહીં, પરંતુ મનમાં અશાંતિ આવી તેથી. આજે આ ઉતાવળ માત્ર સમય બચાવવા માટે નથી રહી; તે જીવન બચાવવાની ઉતાવળ બની ગઈ છે.
આપણે પરિણામ માટે એટલા આતુર છીએ કે પ્રક્રિયા બોજો લાગે છે. બીજ વાવવાની પ્રક્રિયા લાંબી, પાણી આપવું કંટાળાજનક, અને રાહ જોવી તો રીતસર ગુનો લાગે છે. માણસને હવે વૃક્ષ નહીં, સીધું ફળ જોઈએ છે. એ પણ તાજું, ચમકદાર અને મીઠું. પણ કુદરત પાસે ‘તરત’ નામનો કોઈ વિભાગ નથી. કુદરત માત્ર ‘ક્રમ’ ઓળખે છે. જ્યાં ક્રમ તૂટે ત્યાં ખોટી અપેક્ષા જન્મે છે, અને અપેક્ષાના પાયામાં દુઃખ હોય છે.
આજના માણસને મૂળ જેવી મજબૂતાઈ જોઈએ, પણ માટી ખોદવા તૈયાર નથી. તેને ડાળીઓમાં લટકતો આભાસ ગમે છે. ઉપરથી સુંદર, હવામાં ઝૂલતો, દૂરથી આશ્વાસન આપનારો. મૂળિયાં તો અંધારામાં હોય છે, ગંદકીમાં, માટીમાં, જ્યાં હાથ ગંદા થાય, નખ કાળા પડે. ત્યાં ઉતાવળ કામની નથી; ત્યાં તો ધીરજ જોઈએ, સહનશીલતા જોઈએ. આપણે તો પ્રકાશમાં ઊભા રહીને અંધારાની માંગ કરીએ છીએ.
મન એક અજીબ જંગલ છે. ત્યાં દરેક વિચાર એક વૃક્ષ છે, અને દરેક વૃક્ષ પર હજારો પાન. માણસ પાન ગણવામાં આખું જીવન કાઢી નાખે છે, પણ વૃક્ષ સમજાતું નથી. ગ્રંથો ખોલે છે, અધ્યાય વાંચે છે, પાન પલટે છે, પરંતુ ભાન આવતું નથી. કારણ એ નથી કે ગ્રંથ ખોટો છે; કારણ એ છે કે વાંચનમાં ઉતાવળ છે. શબ્દો આંખે ચઢે છે, પરંતુ મનમાં ઉતરતા નથી. વાંચન કોઈને બતાવી દેવા માટે નહીં, પણ પોતાને દીપાવી દેવા માટે હોય છે.
સમજ એક ફૂલ જેવી છે. તે ત્યારે જ ખીલે છે જ્યારે સમય આવે. પહેલાં કળી આવે, પછી મહોર, પછી સુગંધ. જો કોઈ સીધું સુગંધ માગે અને કળી તોડે, તો સુગંધ પણ નહીં મળે અને ફૂલ પણ મરી જશે. જીવનમાં આપણે એ જ કરીએ છીએ. સમજ આવે એ પહેલાં જ નિર્ણય લઈ લઈએ છીએ, પરિપક્વતા આવે એ પહેલાં જ ઉપદેશ આપવા લાગી જઈએ છીએ, અનુભવ થાય એ પહેલાં જ અભિપ્રાય બાંધી લઈએ છીએ. પછી કહીએ છીએ કે જીવન કડવું છે.
જીવન કોઈ સ્પર્ધા નથી. જીવન તો એક યાત્રા છે. ઉતાવળા કદાચ જલદી પહોંચે, પણ અસંતોષ સાથે; સમજદાર ધીમા, પણ સંતોષ સાથે પહોંચે છે. જે વહેલો ફળ તોડે તે કાચું ખાય છે; જે રાહ જુએ છે તેને મીઠાશ મળે છે. પણ રાહ જોવી સહેલી નથી, કારણ કે રાહ જોવામાં અહંકાર ભૂખ્યો રહે છે. અહંકારને તરત જોઈએ.
આજના સમયની સૌથી મોટી ટ્રેજેડી એ છે કે આપણે બનવા કરતાં દેખાવા વધારે ઉત્સુક છીએ. મૂળ મજબૂત કરવા કરતાં ડાળીઓ ફેલાવવાની ઉતાવળ છે. પરિણામે થોડો પવન આવે તો બધું ઢળી પડે છે. મજબૂતી અંદરથી આવે છે, અને અંદર સુધી પહોંચવા માટે સમય લાગે છે. કોઈપણ સાચું પરિવર્તન ધીમું હોય છે, એટલું ધીમું કે બહારથી દેખાતું નથી. તેથી જ આપણે એને શંકાની નજરે જોઈએ છીએ.
ઉતાવળ માણસને ક્યારેક ખૂબ બુદ્ધિશાળી લાગે છે. તેને લાગે છે, હું ઝડપી છું, સ્માર્ટ છું. પરંતુ ઉતાવળ ઘણીવાર ડરનું એક સ્વરૂપ હોય છે. એવો ડર કે બીજો આગળ ન નીકળી જાય. આ ડર આપણને અંદરથી ખોખલા કરે છે. શાંતિ ડર વગર આવે છે, અને ડર દૂર કરવા માટે સમય સાથે મિત્રતા કરવી પડે. ધૈર્ય એ હાર નથી; ધૈર્ય એ સમજણની શરૂઆત છે.
ઉતાવળથી બચવું એટલે જીવનને નકારી નાખવું નહીં, પરંતુ જીવનને એની ગતિએ સ્વીકારવું. જ્યારે માણસ આ સ્વીકાર શીખી જાય છે, ત્યારે તે ભટકતો નથી. તેને કોઈ રાહ બતાવનારની જરૂર રહેતી નથી, કારણ કે તેનું મન પોતે જ માર્ગ બની જાય છે. અને ત્યારે જ, કોઈ એક શાંત ક્ષણે, તેને ખબર પડે છે જે ફળ માટે તે દોડતો હતો, તે તો હંમેશાં તેની અંદર જ હતું.
લોગઆઉટઃ
ધીરે ધીરે રે મના, ધીરે સબકુછ હોય;
માલી સીંચે સૌ ઘડા, ઋતુ આયે ફલ હોય
– કબીર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો