ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ
લોગઇન:
આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી;
રૂપાળું એક નામ, હવે બોલવું નથી.
યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું,
કેવું મળ્યું ઇનામ, હવે બોલવું નથી.
પૂછો ના પ્રીત મોંઘી છે કે સસ્તી છે દોસ્તો,
ચૂકવી દીધાં છે દામ, હવે બોલવું નથી.
લ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઈ ગઈ,
શબ્દો હવે હરામ, હવે બોલવું નથી.
– સૈફ પાલનપુરી
માનવ સંબંધોમાં ઘણી વાર સૌથી ઊંડાં સત્યો બોલાતાં નથી; એ તો આંખના ઇશારે, સ્મિતના સહારે, અને હૈયાના ધબકારે જીવાતાં રહે છે. કવિ સૈફ પાલનપુરી ગુજરાતી ગઝલનું ગૌરવવંતું નામ છે. તેમની ગઝલોએ ગુજરાતી ભાષાને રળિયાત કરી છે. તેમની ઉપરની ગઝલમાં કશું ન બોલવાનું કહીને તેઓ ઘણું બધું બોલી ગયા છે. ખરી કવિતાની એ જ તો મજા હોય છે, ઓછા શબ્દોમાં વધુ વાત. આમ પણ મૌનથી ગંભીર વાણી બીજી એક્કે નથી હોતી.
ઘણીવાર એવો સમય પણ આવે છે, જ્યારે શબ્દો ભારરૂપ લાગે છે. ત્યારે લોકો નજરથી કામ લે છે, કારણ કે નજરમાં દંભ કે દલીલ નહીં દિલગિરી હોય છે. અહીં “બોલવું નથી”નો અર્થ મૌન રહેવા સાથે નથી. બોલવું નથી એ શબ્દોમાં જ ઘણું બધું બોલાય છે. કેટલાક અનુભવો શબ્દોમાં આવતાંની સાથે જ તેમની પવિત્રતા ગુમાવી બેસે છે. જેમ કોઈ જૂના પત્રને વારંવાર ખોલવાથી એની સુગંધ ધીમે ધીમે ઓછી થવા લાગે છે, તેમ કેટલીક યાદો શબ્દોમાં પરોવીએ ત્યારે તેની માસૂમિયત મુરઝાઈ જાય છે. કવિ પોતાની માસૂમિયતને મુરઝાવા દેવા માગતા નથી, એટલા માટે જ તેઓ કહે છે કે અમારે કશું બોલવું નથી, અમે તો અમારી આંખોથી જ એ ગમતું નામ ઉચ્ચારીશું, તેને શબ્દોમાં નહીં લાવીએ.
યુવાની અને સાહસને સીધો સંબંધ છે. ઝવેરચંદ મેઘાણીએ લખેલું, “ઘટમાં ઘોડા થનગને ને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમકા પર યૌવન માંડે આંખ.” યુવાન શરીરમાં ઘોડા જેવો થનગનાટ હોય છે. તે અજાણ્યાં સાહસો કરવા માટે સદાય તત્પર રહે છે. કવિએ અહીં એક ‘રેશમી’ સાહસ વિશે વાત કરી છે. જેનો સીધો સંકેત પ્રણય તરફ છે. કવિએ રેશમનું રૂપક બહુ સમજી-વિચારીને વાપર્યું છે. રેશમ નરમ હોય છે, આકર્ષક હોય છે, પરંતુ ખૂબ જ સંવેદનશીલ પણ હોય છે; જરાક અમથા ઘસારાથી તેની સપાટી ખરડાઈ જાય છે. યુવાનીમાં કરાયેલા નિર્ણયો ઘણી વાર એવા જ હોય છે — જુસ્સાદાર, ઉલ્લાસભર્યા, અને ક્યારેક નિર્દોષ અહંકારથી છલોછલ. તે સમયમાં માણસ ગમે તેવા મોટા જોખમ પણ સહેલાઈથી લઈ લે છે, એને લાગે છે કે દુનિયા એની માટે જ છે. પણ પછી, જ્યારે સમયની ધૂળ નીચે બેસી જાય, ત્યારે સમજાય છે કે દરેક સાહસનું પરિણામ ચમકદાર નથી હોતું. કવિએ ‘કેવું મળ્યું ઇનામ’ જેવા ભાવ દ્વારા એક વ્યંગ વ્યક્ત કર્યો છે.
દુનિયા ઘણીવાર દરેક લાગણીને બજારના ત્રાજવે તોલે છે. પરંતુ હૃદયના વ્યવહારોમાં આ ગણિત ચાલતું નથી. કવિ ‘ચૂકવી દીધાં છે દામ’ કહે છે, પરંતુ અહીં કોઈ સોદો થયો નથી, એક ઊંડો અનુભવ જીવી લેવાયો છે. એવો અનુભવ, જેનું મૂલ્ય રૂપિયા કે ચીજવસ્તુઓમાં આંકી ન શકાય. પણ પોતાના અંતરાત્માના કોઈ કિંમતી હિસ્સાથી અંકાય.
કવિ અંતિમ શેરમાં કહે છે કે સામેની વ્યક્તિની નજર નીચી થઈ ગઈ છે, હવે બોલવાનો કોઈ અર્થ નથી. શબ્દો હરામ હોય ત્યા શું બોલવું. પ્રણયમાં શરમથી નજર ઢળી જાય છે, જ્યારે વ્યવહારુ જીવનમાં કશુંક એવું કામ કરી નાખીએ, જે નહોતું કરવા જેવું, તો પણ નજર નીચી ઢળી જાય છે. સંબંધોમાં એક તબક્કો એવો પણ આવે છે, જ્યાં એકબીજાને કંઈ કહેવાનું નથી હોતું, છતાં બધું સમજાઈ જતું હોય છે. કવિએ સંબંધોના ગૌરવ અને સન્માનનું મહત્વ પણ સૂક્ષ્મ રીતે રજૂ કર્યું છે. કેટલીક લાગણીઓની સુંદરતા એમાં જ હોય છે કે તે અધૂરી રહી જાય.
લોગઆઉટઃ
જરૂરતથી વધારે બોલવું સારું નથી,
અને હૈયું ગમે ત્યાં ખોલવું સારું નથી.
- સલીમ દેખૈયા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો