તો હું જીવી ગયો હોત

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

‘કોઈ નથી‘ના આ બંધ ઓરડામાં
આંટા મારતી
મારી એકલતાના કાનમાં
તમે 'હું છું ને' એટલું જ બોલ્યા હોત
તો હું જીવી ગયો હોત,

મરણના મારગે આ ચરણ ઊપડ્યાં ત્યારે
તમે માત્ર 'ઊભા રહો' એટલું જ કહ્યું હોત
તો હું જીવી ગયો હોત,

મુખ પર ઢંકાયેલી
મૃત્યુની ચાદરને સહેજ આઘી કરીને
તમે માત્ર 'કેમ છો?' એટલું જ પૂછ્યું હોત
તો હું જીવી ગયો હોત,

આમ તો કદાચ
મરવા કરતાં જીવાવાનુ જ સહેલું હતું
પણ..તે મારા હાથમાં નહોતું!

- જયંત પાઠક

જયંત પાઠક એટલે ‘વનાંચલ‘ના સર્જક, આદિવાસીનું તીણું તીર ઝીલનારા કવિ. સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં તેમણે સુપેરે કલમ ચલાવી છે. તેમની ઉપરોક્ત કવિતા તેમની કવિપ્રતિભાની મજબૂત ઝાંખી કરાવે છે. ‘તો હું જીવી ગયો હોત‘ એ વાક્યનાં પુનરાવર્તન દ્વારા કવિ આપણને જીવનની કેટલીક એવી ક્ષણો બતાવે છે, જ્યાં કોઈકની હામ, આશ્વાસન અને સથવારો જીવાદોરી સમાન સાબિત થાય છે. બીમાર માણસનો ઇલાજ માત્ર દવાથી નથી થતો, પ્રેમ અને હૂંફ પણ જોઈએ. અદમ ટંકારવીનો શેર છે-
કેવળ દવાથી રોગ અમારો નહીં મટે,
સંબંધ પણ ઉમેરો જરા સારવારમાં!

કવિ જયંત પાઠકે આ કવિતા દ્વારા સમજાવ્યું છે મૃત્યુ તરફ જતાં ચરણને રોકવા માટે આશ્વાસનનું અમૃત કાફી છે. કવિએ ઊભો કરેલો ભાવવિસ્તાર કોઈ મોટા નાટ્યાત્મક પ્રસંગની વાત નથી કરતો; તે તો સાવ સરળ શબ્દો પ્રયોજે છે: “હું છું ને”, “ઊભા રહો”, “કેમ છો?” પણ આ ત્રણ સરળ વાક્યો પાછળ એક સંપૂર્ણ માનવીય બ્રહ્માંડ ધબકે છે. ક્યારેક જીવવું કે મરવું કોઈ મોટા તત્વજ્ઞાન પર આધારિત નથી હોતું; તે કોઈ એક ક્ષણ પર, કોઈ એક અવાજ પર, કોઈ એક વ્યક્તિન હાજરી પર નિર્ભર હોય છે.

આ રચનાની શરૂઆત જ બંધ ઓરડાથી થાય છે. બંધ ઓરડો માત્ર ભૌતિક જગ્યા નથી; માનસિક સ્થિતિ છે. તેમાં પ્રકાશ નથી, નથી સંવાદ, ત્યાં પોતાના અવાજનો પડઘો પણ કંટાળાજનક બની જાય છે. “આંટા મારતી એકલતા” શબ્દપ્રયોગ સૂચવે છે કે એકલતા અહીં સ્થિર નથી; તે ગતિશીલ છે, ચંચળ છે. આ એકલતાને નાથવા ટોળાં કરવાની જરૂર નથી કે નથી ઘોંઘાટ ઉછેરવાની જરૂર. તેને હરાવવા માટે કોઈ વ્યક્તિ દ્વારા કહેવામાં આવતું વાક્ય, “ચિંતા ન કરીશ, હું છું ને” પૂરતું છે. કોઈ આપણી સાથે છે, આપણે એકલા નથી, આ ભાવ જ જીવવા માટે પૂરતો હોય છે.

ક્યારેક નાની નાની હૂંફ, નાનાં નાનાં આશ્વાસનો, નાના નાના ટેકાઓ જીવનનો મોટો ભાર ઉપાડી લેતા હોય છે. જીવન ખૂબ સુંદર છે, પરંતુ તેના સૌંદર્યને જાણવું પડે છે. ઝેર બની ગયેલા જીવતર પર પણ કોઈનું વ્હાલ રેડાય તો જીવન અમૃત બની જતું હોય છે. કડવી જિંદગી મીઠી લાગવા માંડતી હોય છે.

આ રચનાનો અંત અત્યંત માર્મિક છે, કવિ લખે છે, “મરવા કરતાં જીવાવાનું જ સહેલું હતું, પણ તે મારા હાથમાં નહોતું.” જીવવા માટે માત્ર એક સહારો પૂરતો હતો. પરંતુ તે સહારો પણ પોતાના હાથમાં નહોતો. આપણે ઘણી બાબતો પર નિયંત્રણ રાખી શકીએ છીએ, પણ બીજાની હાજરી, બીજાનો પ્રેમ, બીજા દ્વારા મળતી હૂંફ પર નહીં.

અહીં એક બાબત સ્પષ્ટ છે. અહીં મૃત્યુની ઇચ્છા જેટલી પ્રબળ નથી, તેટલી જીવવાની ઇચ્છા પ્રબળ છે. વારંવાર “તો હું જીવી ગયો હોત” કહેવામાં આવે છે. આ વાક્યમાં મરણ નહીં, જીવનની તરસ છે. માણસ અંત સુધી જીવવા માગે છે; માત્ર પરિસ્થિતિ, એકલતા અને અવગણના તેને મરણ તરફ ધકેલે છે. આ રચના એક રીતે જીવન માટેનો ચિત્કાર છે, જો કોઈ સાંભળે તો.

માણસ સામાજિક પ્રાણી છે; તેને સંબંધોની જરૂર છે. જ્યારે આ સંબંધો તૂટે કે નબળા પડે, ત્યારે ખાલીપો જન્મે છે. આ ખાલીપો માત્ર ઉદાસિન નથી કરતો, પણ જીવંત રહેવાની પ્રેરણાને પણ ખાઈ જાય છે. “હું છું ને” જેવા શબ્દો એ ખાલીપામાં દીવો પ્રગટાવે છે.

આ રચના આપણને એક જવાબદારી પણ સોંપે છે. કદાચ આપણે વિચારીએ કે આપણું એક વાક્ય શું ફેર પાડશે? પરંતુ અહીં સ્પષ્ટ થાય છે, એક વાક્ય જિંદગી અને મૃત્યુ વચ્ચેની રેખા બની શકે છે.

લોગઆઉટઃ

છે કાંઈ જિંદગીમાં, તો એ જ છે સહારો,
એક યાદ છે તમારી, એક શ્વાસ છે અમારો.
— અમૃત ઘાયલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો