ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ
લોગઇન:
કુદરતનો કારભાર જરા જોઈને જજો.
આ સાંજ ને સવાર જરા જોઈને જજો.
સુખિયા બની જવાય સુખી જોઈ અન્યને,
સુખનાં ઘણાં પ્રકાર જરા જોઈને જજો.
સંતાપ ટાળશે એ સહજતાથી આપનાં,
વૃક્ષોની સારવાર જરા જોઈને જજો.
એવું છે કોઈ જણ જે નિરાધાર થઈ જશે,
એના જવાબદાર! જરા જોઈને જજો.
જાઓ ભલે અહીંથી, ખુશીથી જજો તમે,
પોતાને એકવાર જરા જોઈને જજો.
— વિહંગ વ્યાસ
કેટલીક પળો જીવનમાં એવી આવે છે જ્યારે માણસને લાગે છે કે હવે આગળ કંઈ નથી. બધું પૂરુ થઈ ગયું. હવે ચોતરફ કેવળ ઘોર અંધકાર છે, નિરાશા છે, વસવસા છે, મેણાટોણાં છે, અનાદર છે, અપમાન છે, તિરસ્કાર છે, ધિક્કાર છે. આ અંધકારમય જગતમાં મારા માટે કોઈ જગ્યા નથી. હું હોઉં કે ન હોઉં કોઈને કશો જ ફેર પડતો નથી. એવા સમયે મન કહે છે, હવે જીવનલીલા સમાપ્ત કરી લેવી જોઈએ. જે અસ્તિત્ત્વનો કોઈ અર્થ નથી, એ અસ્તિત્વને ખતમ કરી દેવું જોઈએ. એ ક્ષણે માણસ પોતે જ પોતાનો ન્યાયાધીશ બની જાય છે, પોતે જ પોતાનો દોષારોપણ કરનાર અને પોતે જ દંડ આપનાર બની જાય છે. પરંતુ એ નિર્ણય લેતા પહેલાં, એક વાર… ફક્ત એક વાર… પોતાની સાથે જોડાયેલાં વ્યક્તિઓ તરફ નજર કરે, પોતાના અંગત સ્વજન, મિત્રો, બાળકો, પરિવાર વિશે જરા વિચારે. જીવનમાં એકાદ પણ, સારી ઘટના ઘટી હોય તેના તરફ ધ્યાન દે, પ્રકૃતિમાં રહેલી પોઝિટિવ બાબતો તરફ નજર કરે તો કદાચ… કદાચ આત્મહત્યા તરફ જતાં તેનાં ચરણ થંભે, પાછાં વળે. કવિ ભાવેશ ભટ્ટનો શેર ખૂબ માર્મિક છે-
જઈ એને પૂછીએ, નામ એના બાળકોના
કોઈ તાકી રહ્યું છે ટ્રેનનાં પાટાની સામે
કવિ વિહંગ વ્યાસે આપઘાતીને ઉદ્દેશીને સરસ ગઝલ લખી છે. આત્મહત્યા કોઈ એક પળનો નિર્ણય નથી; એ અનેક ગડમથલો, ભાંગી પડેલી અપેક્ષાઓ, તૂટી ગયેલા સંબંધો, નિષ્ફળતાનું કડવું ઝેર, અને અંદરના એકાંતની લાંબી યાત્રાનો અંતિમ પડાવ છે. અને એ વળાંક પર ઊભેલા માણસને કોઈ ઉપદેશ નથી સાંભળવો હોતો, ઉપદેશની એના પર અસર થતી પણ નથી. એને તો કેવળ એટલું યાદ અપાવવાની જરૂર હોય છે કે તારા વિના જગતમાં હજી પણ કોઈકને ફર્ક પડે છે.
સૂર્ય રોજ સાંજે ઢળી જાય છે, બીજા દિવસે ઊગવા માટે. દુઃખ પોતાના અંધકારના ઓળા પાથરતું હોય છે, પણ ત્યાં સુધી, જ્યાં સુધી સુખનો સૂર્ય ન ઊગે. જીવનની એક સાંજને અંતિમ સત્ય માની લેવું એ ભૂલ છે. વરસાદ પડે ત્યારે ધરતી કાદવથી ખરડાઈ જાય છે, પણ એ જ વરસાદ પછી લીલોતરી લાવે છે. જે પળે મન કાદવમાં ફસાયું હોય, એ જ પળે કોઈ નવું બીજ અંદર અંકુરિત થઈ રહ્યું હોય છે તે ન ભૂલવું જોઈએ.
આપણે પોતાના દુઃખને જ એકમાત્ર સત્ય માનીને મોટી ભૂલ કરતાં હોઈએ છીએ. દુઃખ હંમેશાં આપણને આપણું મોટું લાગતું હોય છે અને સુખ હંમેશાં બીજાનું. પરંતુ જીણવટથી જોઈએ તો ખબર પડે કે દરેક વ્યક્તિના જીવનમાં એક યુદ્ધ ચાલી રહ્યું છે, દરેક માણસ પોતાની લડાઈ લડી રહ્યો છે, હાર તેને જ મળે છે, જે સ્વીકારી લે છે. કોઈ બહારથી મજબૂત દેખાતા હોય, સમાજમાં લોખંડી ગણાતા હોય, પણ એકાંતમાં રાત્રે, તકિયા ભીંજવતા હોય તેમ પણ બને.
માણસ ઘણી વાર વિચારે છે કે ‘મારા વગર શું ફરક પડશે?’ પરંતુ દુનિયા કોઈ ગણિતનો પ્રશ્ન નથી કે જ્યાં એક અંક કાઢી નાખો તો જવાબ યથાવત રહે. કોઈ બાળક છે જે તમારી રાહ જુએ છે. કોઈ મિત્ર છે જેને તમારી જરૂર છે. કોઈ માતા છે જે તમારી એક ઝલક માટે ટળવળે છે. આત્મહત્યા એ માત્ર એક વ્યક્તિનો અંત નથી; એ અનેક હૃદયો પર પડેલો કારમો ઘા છે.
વૃક્ષોને જુઓ. પાન ઝરે છે, ડાળીઓ સૂકાઈ જાય છે, પણ મૂળ જમીનમાં રહે છે. જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે ઉપરથી બધું સૂકાયેલું લાગે છે. પરંતુ અંદર મૂળ જીવંત હોય છે. માણસે પોતાનું મૂળ શોધવું જોઈએ.
કોઈ પણ ભાવના શાશ્વત નથી. આજે જે અસહ્ય લાગે છે, તે જ વાત છ મહિના પછી કદાચ હાસ્યાસ્પદ પણ લાગી શકે. માનસિક પીડા ઘણી વાર તરંગ જેવી હોય છે, ઉછળે છે, પછડાય છે, તૂટે છે, જોડાય છે, અને પાછી શાંત થાય છે. એ તરંગને પસાર થવા માટે સમય આપવો જોઈએ. જીવન કદાચ સરળ નથી. પરંતુ નકામું પણ નથી.
લોગઆઉટઃ
वो तो बता रहा था कई रोज़ का सफ़र
ज़ंजीर खींच कर जो मुसाफ़िर उतर गया
— होश नोमानी रामपुरी
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો