ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ
લોગઇન:
મને શીર્ષક મળ્યું પુસ્તક હજી લખવાનું બાકી છે
જગતની ભોમ પર મારે હજી ભમવાનું બાકી છે
બન્યું પ્રહલાદ જેવું મન અને તન હોલિકા જાણે
વિના અહીં ચૂંદડી બંનેને બસ બળવાનું બાકી છે
— દશરથ પ્રજાપતિ
આપણે સૌ જાણે કે શીર્ષક લઈને જન્મીએ છીએ: કોઈનો વંશ, કોઈની અપેક્ષા, કોઈનું સ્વપ્ન લઈને. અવતરતાની સાથે અમુક શીર્ષકો આપોઆપ આપણા કપાળે લખાઈ જાય છે — ધર્મ, જાતિ, પરંપરા અને રિવાજોનાં શીર્ષક. તમારે મંદિર જવાનું, મસ્જિદે કે દેવળે, નક્કી થઈ જાય છે. કપાળે તિલક કરવાનું કે ટોપી પહેરવાની નિર્ધારિત થઈ જાય છે. આ શીર્ષકો આપણે મને-કમને સ્વીકારી લઈએ છીએ. અને આ શીર્ષકો સાથે જ જીવનનું પુસ્તક લખવું પડે છે.
કવિ દશરથ પ્રજાપતિ કદાચ જન્મ સમયે મળતાં આવાં શીર્ષકો તરફ આંગળી ચીંધે છે. આ બધાં મથાળાં તો મળી ગયાં હવે પુસ્તક લખવાનું છે. પણ લખવા માટે જગતની ભોમ પર ભમવું પડશે. પણ આ ભમવાનું ઉમાશંકર જોશી કહે છે તેમ, ભોમિયા વિનાનું છે. ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી.’ જીવનની ગલીકૂંચીઓ ખોળવામાં કોઈ રાહબર નથી થવાનું, આપણાં ચરણ, ને આપણી હિંમત — બે જ વસ્તુ સાથે રહેવાની છે.
પરંતુ આ યાત્રા એટલી સહેલી નથી. કવિએ મનને પ્રહલાદ અને શરીરને હોલિકાનું રૂપક આપ્યું છે. પ્રહલાદ ભક્તિનું પ્રતિક છે, નિખાલસતા, નિર્દોષતા અને વિશ્વાસનું પ્રતિક છે. જ્યારે હોલિકા દહનનું. અહંકાર, દ્વેષ, દુર્ભાવના અને દંભનું પ્રતિક છે. જીવનમાં ઘણી વાર આપણું મન પ્રહલાદ જેવું નિર્દોષ બનવા માગે છે, પણ પરિસ્થિતિ હોલિકા જેવી દ્વેષમય હોય છે.
હોલિકાદહન એ માત્ર તહેવાર નથી, પરંતુ આપણી અંદરના દંભ, દ્વેષ, અહંકાર, દુર્ભાવને બાળીને ખાખ કરવાનો અવસર છે. જીવનમાં આગળ વધવું હોય તો ઘણું બધું દહન કરવું પડે છે. બાળક મોટું થઈ જાય ત્યારે આપોઆપ તેના વિસ્મય અને સહજતાનું દહન થઈ જાય છે, વિદ્યાર્થીએ પોતાની આળસનું દહન કરવું પડે છે, માતાપિતાએ પોતાની અપેક્ષાનું, પ્રેમીએ શંકાનું, સમકક્ષોએ ઈર્ષાનું, ધનવાને અભિમાનનું, વિજયી વ્યક્તિએ અહંકારનું.
અગ્નિનો સ્વભાવ વિનાશ નથી, શુદ્ધિકરણ છે. સોનાને શુદ્ધ થવું હોય તો તપવું પડે, માટીના ઘડાએ પાકવું હોય તો ભઠ્ઠીમાં શેકાવું પડે, માણસે પણ ઉન્નત થવા માટે સંઘર્ષની આગમાંથી પસાર થવું પડે છે. હોલિકાદહનનો તહેવાર આપણને શીખવીને ગયો કે દર વર્ષે આપણે કશુંક સળગાવી દેવું જોઈએ – ઈર્ષા, અભિમાન, લોભ, લાલચ, ક્રોધ, દુર્ભાવ, દંભ, અફસોસ, અધૂરપ, વસવસા, અને એવું બીજું ઘણું બધું. જો આ બધું બાળીએ નહીં તો એ આપણી અંદર જ લાકડા જેમ ખડકાતું રહે છે, અને એક દિવસ આપણા જ વસવસાનો તણખો આ લાકડાને ભડકામાં ફેરવી નાખે છે, જેમાં આપણું પોતાનું દહન થઈ જાય છે. પોતે ખાખ થઈએ તે પહેલા આ બધાને રાખ કરવા જરૂરી છે.
દહનનો અર્થ અંત નથી, પરિવર્તન છે. જેટલો વધારે ભાર, એટલો વધારે થાક. જિંદગીની મુસાફરીમાં મનની અંદર કેટકેટલાં પોટલાં ઊંચકીને ફરવાનું? કોઈ આપણા કરતાં વધારે દેખાવડું હોય તો ઈર્ષા થાય, હું કેમ આવો દેખાવડો નથી? ક્યાંક આપણી હાર થાય તો પણ દ્વેષ જન્મે, એ કેમ જીત્યો? આ બધું મનના પોટલામાં જમા થતું રહે છે. માથે વજન ઉપાડીને ફરતા માણસ કરતા ખાલી હાથે ફરતી વ્યક્તિ ઓછી થાકે છે. આ બધા પોટલાં ફેંંકી દેવા જોઈએ. આપણી હાર, આપણું અપમાન આપણને વધારે શુદ્ધ કરવા માટે આવતાં હોય છે. જ્યારે અહંકારને સળગાવીએ ત્યારે હળવાશ આવે છે, સ્વાર્થને સળગાવીએ તો સેવા જન્મે છે, ડરને સળગાવીએ ત્યારે સાહસ પેદા થાય છે. જીવનનું સાચું પુસ્તક ત્યારે લખાય જ્યારે આપણે દહનની પ્રક્રિયા સ્વીકારીએ. ફક્ત શીર્ષકથી કંઈ નથી થતું. જીવનના પાનાં પર અગ્નિના અક્ષરોથી લખાવું પડે છે. જે અંદરની હોલિકાને સળગાવે છે એ જ પોતાના પ્રહલાદને બચાવી શકે છે. હોળી જૂના વસવસા, રંજ અને ઈર્ષાને બાળીને એકમેકને ગળે મળવાની તક આપે છે.
લોગઆઉટઃ
गले मुझ को लगा लो ऐ मिरे दिलदार होली में
बुझे दिल की लगी भी तो ऐ मेरे यार होली में
— भारतेंदु हरिश्चंद्र
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો