આવું તે કોણ હોય કોમળ?

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

આવું તે કોણ હોય કોમળ?
તાજા કપાસમાંથી ફૂટ્યું હો રૂ કે પછી વરસ્યાં વિનાનું કોઈ વાદળ!

અડકો તો લાગે કે હમણાં કરમાઈ જશે જાણે લજામણીનો છોડ,
દૃષ્ટિ પડતાં જ એના ધબકારા જાણે એક સામટી મૂકી દે છે દોટ!
ગાલને હથેળી પર એ રીતે ટેકવ્યા, પાંદડી પર બેઠું હો ઝાકળ!

એને તો એની કંઈ પરવાય નંઈ એ તો એના જ હોય સાત સૂરમાં,
ક્યારેક વિચારોના વંટોળે હોય અને ક્યારેક હો કલ્પનના પૂરમાં.
હળવેથી કાન પાસે હોઠને લઈ જાવ અને કહેવાનું એટલું કે સાંભળ-
આવું તે કોણ હોય કોમળ?

— સ્નેહલ જોષી

કવિ સ્નેહલ જોષી કાવ્યારંભે પ્રશ્ન કરે છે, ‘આવું તે હોય કોણ કોમળ?’ એ કોઈ અન્ય વ્યક્તિને આવું નથી કહી રહ્યા, પણ અન્ય વ્યક્તિ વિશે ચોક્કસ કહી રહ્યા છે. જેના વિશે કહી રહ્યા છે, એ વ્યક્તિની કોમળતા તેમના હૈયાના ગુલાબ પર ઝાકળ જેમ બાઝેલી છે. તેમનું નામ છતું નથી કરતા, પણ નમણાશ જરૂર ઊઘાડી આપે છે. વળી એ કોમળતા કેવી? તો કવિ પોતે જણાવે છે, કોઈ બિલકુલ તાજા કપાસમાંથી રૂ ફૂટ્યું હોય તેવી, અથવા તો વરસ્યા વિનાની કોઈ વાદળી આકાશમાં વિહરી રહી હોય તેવી. માત્ર પ્રથમ બે પંક્તિઓ વાંચીએ તો અમુકને કદાચ સ્પષ્ટ ન પણ થાય કે આ કોઈ વ્યક્તિ વિશે વાત થઈ હી છે. પરંતુ અંતરાના ઊંડાણમાં ઊતરીએ તો આપોઆપ કોઈ પ્રણયમગ્ન પ્રેમીની પ્રેયસી વિશેની કોમળતા હૈયાને અડે.

લજામણીના છોડ દ્વારા કવિએ ભાવ અને ભાવના બંને નિરૂપ્યા છે. લજામણીનો છોડ ખૂબ લજ્જાળુ હોય છે, સ્પર્શતાની સાથે તેનાં પાંદડાંઓ સંકોચાઈ જાય છે. અહીં સ્પર્શ માત્ર શારીરિક નથી, નજર માત્ર મળે તો એ લજ્જાળુતા હૃદયના ધબકારામાં ઊભરાતી દેખાય છે. પ્રેમમાં ઘણીવાર આવું બને છે. કોઈ ખાસ વ્યક્તિ સામે આવી જાય, નજરો મળે તો હૃદય જાણે એક ક્ષણ માટે પોતાની ગતિ ગુમાવી દે છે.

કવિએ પોતાની પ્રેયસીની નાજુકાઈ દર્શાવવા માટે એક સરસ પંક્તિ લખી છે, ‘ગાલને હથેળી પર એ રીતે ટેકવ્યા, પાંદડી પર બેઠું હો ઝાકળ!’ ઝાકળનું પ્રતિક અહીં અર્થસભર છે. ઝાકળ ખૂબ નાજુક હોય છે—થોડો પવન, થોડો સૂર્યપ્રકાશ, અને તે ગાયબ. કવિ અહીં સૂચવે છે કે જે પાત્રનું વર્ણન થઈ રહ્યું છે તે અત્યંત લાગણીસભર છે. રૂપની નમણાશ તો ખરી પરંતુ હૃદયની કોમળતા પણ પ્રાથમિક સ્થાને છે. તેની અંદર કવિને સવિશેષ નર્મળતાના દર્શન થાય છે. કયા પ્રેમીને પોતાની પ્રેમિકામાં નિર્મળતા ન દેખાય!

આવી પ્રેયસી જગતના ઘોંઘાટથી પર છે, તેને બહારની પળોજણોની તમા પણ નથી. એ તો પોતાના પ્રણયરંગોમાં લીન છે, વાદ્યોના સૂર નહી, પણ હૃદયના સૂરમાં ખોવાયેલી છે. જે હૃદયના ઋજુ માર્ગમાં ભૂલા પડ્યા હોય તેને જગતના માર્ગોની પરવા નથી હોતી. એ તો પ્રણયપંથના પ્રવાસી હોય છે. હૃદયના ઋજુ માર્ગ પર મળેલી આ પ્રેયસી જ્યારે વિચારોના વંટોળમાં ખોવાયેલી હોય, અથવા કલ્પનાના રંગીન પૂરમાં વહેતી હોય તેવા સમયે તેના કાનમાં જઈને હળવેથી તેને જ પૂછવાનું કે આવુંં કોમળ કોણ હોય? અને જ્યારે તે સમજશે કે આ તો મારા વિશે જ વાત થઈ રહી છે, મારો પ્રશ્ન જ મને પૂછાઈ રહ્યો છે, ત્યારે તેના મુખ પર શરમાળ, લજ્જાળુ સ્મિત ઊભરાઈ આવશે.

પ્રેયસીની લજ્જા અને કોમળતા વિશે અનેક કાવ્યો લખાયાં છે, પરંતુ પ્રેયસી પોતાના પ્રેમીની લજ્જાળુતા વિશે વાત કરે તેવું બહુ ઓછું લખાયું છે. આપણે ત્યાં ભાસ્કર વોરાએ આ વિષય પર એક સુંદર ગીત લખ્યું છે.

લોગઆઉટઃ

પિયુ મારો લીલો લજામણીનો છોડ,
અડકું અડકું ત્યાં તો અણિયાળી આંખ્યુંમાં શરમું ના ફૂટે પરોઢ.

વ્હાલપના વેણ બે’ક બોલું બોલું ત્યાં તો અવળું રે મુખ કરી લેતો,
ઘેન ના રે ઘુમ્મટમાં ઘેરી વળું ત્યાં તો ના રે કહેવાનું કહી દેતો;

એને જોઈ જોઈ કૂણા આ કાળજડામાં જાગે કેસરિયા કોડ
લીલી છમ લાગણીની વેલ જરા ધીરેથી ઊંચી કરીને એને વીંટું,
સાગ તણા સોટા પર ઊઘડતું ફૂલ જેવું ફૂલ હજી ક્યાંયે ના દીઠું;
એને મોહી મોહી બાંધ્યો મેં માહ્યરામાં મનના મિલનનો મોડ.

— ભાસ્કર વ્હોરા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો