કવિતાએ શું કરવાનું હોય?

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

શિયાળું રાત્રિએ તાપણું પેટાવે,
ઝાડને ગળચટ્ટી છાંયડી પાડતાં
શીખવે ઉનાળામાં,
ચોમાસામાં કહે વરસાદને –
ખાબકી પડ!

શું શું બનવાનું હોય કવિતાએ?
કાચ સાંધવાનું રેણ?
ભૂખ્યાનું અન્ન?
અનિદ્રાના દરદીની ઊંઘ?
સૈનિકના ઘાવ પર પાટો?
હા!
શિશુના કલશોરનો ઉત્સવ ઉજવવાનો હોય,
ચુંબનતરસ્યાં ફૂલો માટે પતંગિયા બનવાનું હોય,
માતાના સ્તનમાં દૂધ બનવાનું હોય,
શયનખંડના શુષ્ક એકાંતમાં
મધુર ઐક્ય રચવાનું હોય કવિતાએ.

કવિતાએ શું કરવાનું હોય?
જ્યાં ઈશ્વરનાં હાથ ન પહોંચે
ત્યાં પંહોચવાનું હોય કવિતાએ.

– એ બધું તો ખરું જ,
પણ સૌથી મોટું કામ એ કે
તેણે આખું ગામ ઊંઘતું હોય ત્યારે
જગાડવાનો હોય કવિને…

— રમેશ પારેખ

એક કવિ બીજા કવિનો ઇન્ટરવ્યૂ કરે ત્યારે કેવું સુંદર સાહિત્યિક પરિણામ મળે, તે જોવું હોય તો કવિ હરીન્દ્ર દવેએ લીધેલો રમેશ પારેખનો ઇન્ટરવ્યૂ વાંચવો પડે. અહીં તેની એક નાનકડી ઝલક જુઓ.

હરીન્દ્ર દવેઃ કાવ્યની વ્યાખ્યા કરશો?

રમેશ પારેખઃ કાવ્યની વ્યાખ્યા કોણ કરી શક્યું છે? છતાં મારે વ્યાખ્યા કરવાની જ હોય તો, કાવ્ય એટલે ખાલી શીશીમાં ધુમાડો ભરવાની મથામણ.

હરીન્દ્ર દવેઃ એક કવિ તરીકે જિંદગીને કઈ રીતે જુઓ છો ?

રમેશ પારેખઃ એક માણસ પોતાના જખમને જોતો હોય તે રીતે.

કવિતાનું કામ એટલું વિશાળ છે કે તેને એક જ અર્થમાં બાંધી શકાય તેમ નથી. કવિતા જાગૃતિની અવસ્થા છે. અથવા તો, તેને જાગૃતિની અવસ્થા કહેવા કરતાં ય માત્ર એટલું જ કહીએ કે “કવિતા એક અવસ્થા છે”. એ અવસ્થામાંથી ક્યારેક જીવનનો આકરો તાપ નીપજે છે, તો ક્યારેક ધોધમાર વરસાદ. તે અન્ન બનીને ઓડકાર પણ જન્માવે. તો છાંયડો બનીને આકરા તાપમાં શેકાતા કોઈ વ્યક્તિની હામ પણ બની શકે. કોઈ ઘાયલનો મલમ પણ થાય, અને મહોબ્બત પણ. કવિતા ઊંડો ચિત્કાર છે અને ભીનો સત્કાર પણ. કવિતા ઉલ્લાસભર્યો ઉત્સવ છે તો પોકમાં રેલાતો શોક પણ.

જ્યાં સુધી દુનિયામાં માણસ જીવશે, ત્યાં સુધી કવિતા કોઈ ને કોઈ સ્વરૂપે તેનામાં હાજર રહેશે. ક્યારેક નાનાં ખળખળતાં ઝરણા સ્વરૂપે, ક્યારેક પ્રચંડ પૂર માફક. ક્યારેક જૂના-પુરાણા દર્દની યાદ થઈને તો ક્યારેક આવનારી આફતનો નાદ તરીકે. તે અંતરાઆત્માની અભિવ્યક્તિ થઈને નિરંતર વહેતી રહેશે. એક હૃદયથી બીજા હૃદય સુધી, એક મનથી બીજા મન સુધી. એક સંવેદનથી બીજા સંવેદન સુધી.

મનોજ ખંડેરિયા પણ લખે છે કે, “કવિતા તો છે કેસર વહાલમ, ઘોળો સોના વાટકડીમાં.” આ કેસર એટલે આપણી સંવેદનશીલતા અને સોનાવાટકડી એટલે લાગણીભીનું હૈયું. આપણી સંવેદના આપણા હૃદયના ખરલમાં ઘુંટાતી હોય છે, તેનો આસવરસ એ જ કદાચ — કવિતા. રમેશ પારેખ જેવો સંવેદનશીલ કવિ એટલા માટે જ કવિતા પર ભારોભાર શ્રદ્ધા રાખે છે. તે સારી રીતે જાણે છે કે કવિતાએ શું કરવાનું હોય. પોતાની કડકડતી એકલતા લઈને કોઈ ઊભું હોય ત્યાં તાપણું બનવાનું, સંઘર્ષ અને પીડાના તાપમાં કોઈ શેકાતું હોય ત્યાં શીળી છાંયડી થવાનું, સૂકાભડ સંબંધો પર પ્રેમભર્યા વરસાદને ખાબકી પાડવાનું કામ તો કવિતાએ જ કરવાનું હોય. પરંતુ શિશુની કિલકારીથી લઈને વૃદ્ધના ધ્રૂજતા અવાજનો સાદ તેણે જગતમાં પડઘાવવાનો હોય છે.

અને મોટી વાત એ છે કે જ્યાં ઈશ્વરના હાથ પણ ન પહોંચતા હોય ત્યાં કવિતાએ પહોંચવાનું હોય છે. રમેશ પારેખ કહે છે તેમ આખું ગામ ઊંઘતું હોય ત્યારે તેણે સ્વયં કવિને જાગતો રાખવાનો હોય છે. જે સમાજમાં કવિ ઊંઘતો હોય ત્યાં અત્યાચારને વાચા નથી મળતી, આનંદને વ્યક્ત કરી શકે તેવી રવાની નથી જન્મતી. ન તો ત્યાં પ્રશ્ન જન્મે છે, ન તો પડકાર. એક જાગતો કવિ આખા સમાજની ઊંઘ ઉડાડવા માટે કાફી હોય છે. કવિતા જે કરી શકે તે તલવાર પણ નથી કરી શકતી.

લોગઆઉટઃ

કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય?
સરવરો સુકાઈ જાય?
નદીઓ વહેતી થંભી જાય?
ડુંગરા ડોલી ઊઠે?
ઘાસ ઊગતું બંધ થઈ જાય?
પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય?
ના, ના, એવું એવું તો ના થાય–
પણ… પછી
જળપરીઓ છાનીમાની
ઝીણાં પવનવસ્ત્રો ઉતારી
જલક્રીડા કરવા ના આવે;
ડુંગરા વાદળની પાંખો પહેરીને
ઊડી ના શકે;
ઘાસને આંસુના ફૂલ ના ફૂટે;
પૃથ્વી ગોળ ગોળ ફરે
પણ ઠેરની ઠેર રહે
અવકાશમાં;
આકાશ ભણી ઊચેં ના જાય.

કવિતા કરવાનું બંધ કરીએ તો
આમ, તો કશું ના થાય
એટલે કે કશું થાય જ નહીં!

– જયન્ત પાઠક

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો