ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ
લોગઇન:
છે બધું નિર્ભર તમારા માનવા પર,
આમ તો ગીતા એ કેવળ ચોપડી છે.
— મકરંદ મુશળે
ઉપરનો શેર વાંચતાની સાથે જ જલન માતરીનો અમર શેર યાદ આવી જાય-
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી.
આપણે વાવેવાતે પુરાવા અને કારણોની પડપૂછ કરનારા માણસો છીએ. કંઈ પણ થાય તો આ આમ કેમ, પેલું તેમ કેમ? ઊંડી શ્રદ્ધાના સૂર આપણને બોદા સંભળાય છે. આપણી આસપાસ કહેવાતા બાબાઓ, સંતોએ એટલી બધી માયાજાળ પાથરી છે કે ખરા શ્રદ્ધાળુ પણ સૂકા જોડે લીલું બળે તેમ બળી જાય છે.
ગીતા, કુરાન, બાઈબલ આ ગ્રંથો આપણી શ્રદ્ધાના દીવડા છે. મકરંદ મુશળેએ બે જ પંક્તિમાં કેટલી મોટી વાત કરી દીધી છે! શ્રદ્ધાનો દીવો પેટાવતી વખતે અંધશ્રદ્ધાના વાવાઝોડાનો ભોગ બનવું પડે છે. તમે માનો તો છે, નથી માનતા તો નથી. જેમ અંધકારમાં ઊભેલું નાનું ઝાડ કોઈ માણસ હોવાની ભ્રાંતિ ઊભી કરી શકે. કાળરાત્રીએ પવનમાં હલતી ડાળી સાપ હોવાનો ભ્રમ ઊભો કરી શકે. આપણે ભ્રમને સત્ય અને સત્યને ભ્રમ માનવા ટેવાયેલા છીએ. કવિ માનવમનની આ ટેવ બહુ સારી રીતે જાણે છે. તે એમ નથી કહેતા કે આ ગ્રંથમાં જે છે તે સત્ય છે, તે તો વાંચનાર પર છોડે છે, ખરા કવિની એ જ નિશાની હોય છે કે તે પોતાની વાત સાચી ઠેરવવા કારણોનાં ખડકલાં ન કરે.
ચોપડી એ જ, શબ્દો એ જ, છતાં એક માણસ માટે એ જીવનદીપ બની જાય, તો બીજા માટે માત્ર કાગળનો ઢગલો. કેમ? કેમકે પુસ્તકમાં શક્તિ નથી, શક્તિ તો આપણા વિશ્વાસમાં છે. ગીતા એક દર્પણ છે, જેમાં આપણે આપણું જ પ્રતિબિંબ જોઈએ છીએ. જો આપણાં અંતરમાં શંકા હોય, તો ગીતા પણ શંકાસ્પદ લાગે. જો શ્રદ્ધા હોય, તો એ જ ચોપડી ઈશ્વરનો અવાજ બની જાય.
જિંદગી જમીન જેવી છે, શ્રદ્ધા બીજ સમાન અને ગીતા જેવા પવિત્ર ગ્રંથો વરસાદ જેવા. જિંદગીની જમીનમાં શ્રદ્ધાનું બીજ વાવીએ જ નહીં તો ગમે તેટલો વરસાદ ખાબકે, કશું અંકૂરવાનું નથી. કશું ફૂટવાનું નથી. જ્યાં શંકાનો ખાર જામ્યો હોય ત્યાં ગમે તેટલી ખેતી કરો — બધું નકામું.
આ વાત માત્ર ધાર્મિક ગ્રંથો સુધી મર્યાદિત નથી. જીવનના દરેક ક્ષેત્રમાં શ્રદ્ધાનું સત્ય કામ કરે છે. એક શિક્ષક માટે જ્ઞાન જાદુઈ છડીનું કામ કરે છે, તેને શિક્ષણમાં ભરોસો છે, એ જ્ઞાનની છડીથી વિદ્યાર્થીઓને રોશન કરે છે. એક ચિત્રકાર માટે રંગો જીવંનનો પર્યાય છે, કેમકે તેને કલામાં વિશ્વાસ છે. એક પ્રેમી માટે પ્રેમ ઈશ્વરનું બીજું રૂપ હોય છે. કેમકે તેને પ્રેમમાં વિશ્વાસ છે. કવિ માટે લેખન શ્વાસ લેવા બરોબર છે, કલમ હાથમાંથી છીનવો લો, તે જીવતેજીવત મરી જશે.
પણ જે માણસ દ્વિદ્ધાના દરિયામાં ડૂબેલો હોય, તે આ વાત નહીં જાણે. તેને આજે આ બાજુ જવું હોય છે, કાલે પેલી બાજું. રોજ બે-બે ફૂટ ખાડો ખોદનારો માણસ ઊંડો કૂવો ખોદી શકતો નથી. તેની માટે તો એક જ સ્થાન પર વિશ્વાસપૂર્વક મચ્યા રહેવું પડે. વાતેવાતે શંકા કરનારા માણસો રોજ નવો ખાડો ખોદે છે. જેમનું મન ખીચોખીચ અહંકાર, પૂર્વગ્રહો અને શંકાથી ભર્યું હોય તેમનામાં શ્રદ્ધા પ્રવેશી શકતી નથી.
ગીતા એ સમુદ્ર સમાન છે. કોઈ એમાં માત્ર પગ ભીંજવે, કોઈ થોડી અંદર ઊતરી તરતા શીખે, તો કોઈ ઊંડી ડૂબકી મારીને મોતી લઈને આવે. જો આપણે કિનારે ઊભા રહીને કહીએ કે “આમાં કાંઈ નથી,” તો એ આપણો ભ્રમ છે. કેમ કે મોતી તો હંમેશાં તળિયે હોય છે. સૂર્ય સૌ માટે સમાન ઊગે છે, પણ અંધ માટે સૂર્યનો કોઈ અર્થ નથી. એનો અર્થ એ નથી કે સૂર્ય અસ્તિત્વમાં નથી. એનો અર્થ માત્ર એટલો છે કે જો આંખો બંધ હોય, તો પ્રકાશ પણ અંધકાર બની જાય છે. ગીતા પણ એવો જ સૂર્ય છે. જો આપણા અંતરાત્માની આંખો ખૂલી હોય, તો એ પ્રકાશ આપે જો બંધ હોય, તો એ માત્ર એક પુસ્તક જ રહે છે.
ઘણા લોકો એવા પણ છે, જે ગીતા વાંચે છે, પણ તેમને સ્પર્શતી નથી. કેટલાક એવા પણ છે, જેમણે ક્યારેય ગીતા વાંચી નથી, છતાં તેમનાં જીવનમાં જીવંત હોય છે. કારણ કે ગીતા શબ્દોમાં નથી, વિચારમાં છે.
લોગઆઉટઃ
કાચીંડો બેઠો હતો ભગવદગીતા પર,
પંડિતો એમાં ય ઊંડા અર્થસંકેતો જુએ છે.
— અનિલ ચાવડા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો