ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ
લોગઇન:
ચંદ્ર
મને અહીં જુએ છે,
તને ત્યાં જોતો હશે…
તું એકલી નથી
એમ મારે કહેવું છે.
– વસંત આબાજી ડહાકે (અનુ. જયા મહેતા)
આપણે ત્યાં ઘણા કવિઓએ વિરહિણીના ઝૂરાપાને કવિતામાં ગૂંથ્યો છે. વિરહની વાત આવે ત્યારે તરત મને પ્રાકૃતનો દુહો યાદ આવી જાય-
વાયસુ ઉડાવન્તઈ પીયુ વિહઉ સહસતિ,
અધ્ધા વલયા મહિહિ ગય, અધ્ધા ફૂટિ તડતી.
અર્થાત કાગડાને ઉડાડતી વિરહિણીએ પિયુને આવતો જોયો. ત્યારે તેના હાથમાં રહેલી અડધી ચૂડીઓ વિરહમાં સાવ દુબળા પડી ગયેલા હાથમાંથી નીચે સરી પડી. પણ જેવો સામે પિયુને જોયો કે તે હર્ષોલ્લાસથી ફુલાઈ ગઈ અને અડધી ચૂડીઓ એના લીધે તડતડ કરતી તૂટીને નીચે પડી ગઈ. ઝૂરાપાનું અને મિલનનું બે જ પંક્તિમાં કેટલું અદ્ભુત ચિત્ર ખડું કરી દીધું છે આ દુહાના સર્જકે.
‘બાગબાન’ ફિલ્મમાં અમિતાભ અને હેમા માલિની ફોન પર પોતપોતાની પરિસ્થિતિ એક ગીતસ્વરૂપે રજૂ કરે છે- “મૈં યહાં તું વહાં, જિંદગી હૈ કહાં?” બંને પરિસ્થિતિવશ એકબીજાથી અલગ થઈ ગયા છે, પોતે એકબીજાથી અલગ થઈ ગયા તેની કરૂણતા છે એ ગીતમાં. પણ મરાઠી કવિ વસંત ડહાકે જુદી વાત કરે છે. તેમની કવિતાનો નાયક પણ પોતાની પ્રેયસીથી અલગ છે, કયા કારણથી એ આપણે જાણતા નથી, કદાચ અહીં તેની જાણકારી જરૂરી પણ નથી. જરૂરી છે માત્ર વિરહ, અલગતા અને એકલતા. આપણે ત્યાં અનેક કવિઓએ જુદાઈ જીરવવી આકરી છે, તે સંદર્ભનાં ઘણાં કાવ્યો અને કથાઓ પણ સર્જી છે. પણ કવિ અહીં જણાવે છે કે આપણે અલગ છીએ, પરંતુ એકલા નથી. અલગ હોવું અને એકલા હોવામાં બહુ ભેદ છે. ઘણા લોકો પાસે હોય છે પણ સાથે નથી હોતા. અહીં બંને પાત્રો પાસે ભલે નથી, પણ સાથે તો છે.
કવિતામાં કાવ્યનાયક પ્રેયસીને આશ્વાસન આપે છે, તેમની આશ્વાસન આપવાની રીત પણ ખૂબ નિરાળી છે. તે કહે છે અહીં આકાશમાં રહેલો ચંદ્ર મને જોઈ રહ્યો છે, તું જ્યાં પણ હશે, જે સ્થિતિમાં હશે, ચંદ્ર તને પણ જોતો હશે. આપણે અલગ અલગ સ્થળે છીએ, અલગ અલગ સ્થિતિમાં, પણ કોઈ છે જે આપણને બંનેને એક સાથે નિહાળી રહ્યું છે. અર્થાત્ આપણે એકલા નથી.
ચંદ્ર હંમેશાં સંપૂર્ણ નથી રહી શકતો, ક્યારેક અડધો હોય, ક્યારેક પોણો, તો ક્યારેક સાવ પાતળી કિનાર જેવો. વળી ક્યારેક તો તે ગાયબ પણ થઈ જાય છે. છતાં આપણે ખબર છે કે તે આકાશમાં છે. જીવનમાં પણ અમુક સંબંધો આવા જ હોય છે, જે ક્યારેય સળંગ અને સંપૂર્ણ આપણી સાથે નથી રહી શકતા. તેમની હાજરી આપણા જીવનમાં ચંદ્ર જેવી હોય છે. ક્યારેક ઓછી, ક્યારેક વધારે તો ક્યારેક નહીંવત, પરંતુ પોતાની ચાંદનીથી તે હંમેશાં આપણને શીતળતા આપતા રહે છે.
દુનિયામાં આમ તો કોઈ સંપૂર્ણપણે એકલું નથી. કોઈને કોઈ રીતે, કોઈને કોઈ સાથે, દરેક વ્યક્તિ જોડાયેલી છે. કદાચ એ જોડાણ આંખે દેખાતું નથી, કદાચ તે સ્પર્શી શકાય એવું પણ નથી, પરંતુ તે છે. કવિ દીપક બારડોલીકરે પણ આવા ભાવને રજૂ કરતી એક સુંદર ગઝલ લખી છે, તેનાથી અટકીએ.
લોગઆઉટઃ
દિલ છે, દરદ છે, પ્યાસ છે, હું એકલો નથી
ને શબ્દનો ઉજાશ છે, હું એકલો નથી
એકાંતનો આ મોગરો કોળે ગુમાનમાં
એક આગવી સુવાસ છે, હું એકલો નથી
મૂકી ગયું’તું કોઈ ગુલાબો કિતાબમાં
મઘમઘતી એ કિતાબ છે, હું એકલો નથી
સહરા છે, ઝાંઝવાં છે અને ઊડતો ગુબાર
ને કોઈની તલાશ છે, હું એકલો નથી
વાળી’તી જેમાં ગાંઠ જનમભરના સાથની
મુઠ્ઠીમાં એ રૂમાલ છે, હં એકલો નથી
બોલો તો આખી સીમ કરી દઉં હરીભરી
મનની અતાગ વાવ છે, હું એકલો નથી
‘દીપક’ કોઈના સ્પર્શમાં માણી હતી કદી
એ ખુશબૂ આસપાસ છે, હું એકલો નથી
.— દીપક બારડોલીકર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો