સફાઈ કામદારની પત્નીનું ગીત

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

વાલમ તો આખાયે ડીલે થ્યા મેલાં!
ઉતરાવી માથેથી કોણે આ રેલાવ્યાં આતમ પર ફળફળતા રેલા?

અજવાળે ઉતરે છે ગંધાતી રાત્યુંમાં, સૂરજ જ્યાં ડોકાતાં બીવે,
મારા વાલમજી તો રોજરોજ અંધારા ઓઢે ને અંધારા પીવે.
રોંઢાની વેળાએ આવે તો લાગે છે, આવ્યા કોઈ ઋષિ અલબેલા!
વાલમ તો આખાયે ડીલે થ્યા મેલાં!

ફાટેલી ચોખ્ખાઈ સીવતા રહ્યાં રે અમે પેઢી દર પેઢી ચૂપચાપ,
બદલામાં બોલ્યાં બસ, બે'ક વેણ બોદા કે 'વાળું રે દેજો મા બાપ!'
બટકુંક રોટલાને કાજ અમે વરસોથી લાખ લાખ સૂરજ વેચેલા,
વાલમ તો આખાયે ડીલે થ્યા મેલાં!

– વિપુલ પરમાર

વિપુલ પરમારની આ કવિતામાં ભારોભાર સામાજિક નિસબત છલકાય છે. દલિત, વ્યથિત, પીડિત, શોષિત કે છેવાડાના માણસોની પીડા વ્યક્ત કરવાની હોય ત્યારે મોટાભાગના સર્જકોમાં એક પ્રકારનો આક્રોશ આપોઆપ ઊતરી આવે છે, તેમના શબ્દો જાણે અજાણે વ્યક્તિગત ગુસ્સો તેમાં રેડી બેસે છે. જ્યારે વિપુલ પરમાર તેનાથી સાવ અલિપ્ત રહ્યા છે. તેમણે વાત કરી છે સફાઈ કામદારના પત્નીની, પોતાના વહાલમ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતી એક અર્ધાંગિનીની, પરંતુ તેમા એક આખા સમાજની વ્યથા ડોકાય છે.

કવિતાની શરૂઆત જ ઘણી સૂચક છે - વ્હાલમ તો આખાયે ડિલે થ્યાં મેલાં! વ્હાલમ આખો દિવસ ગટરની અને રસ્તાની ગંદકી સાફ કરે છે, પણ એ જાણે છે કે એના કપડાં પર લાગેલી ગંદકી માત્ર કીચડની નથી, એમાં સમાજની અવગણનાનો ભાર પણ છે, વર્ષોનું અસહાય મૌન છે. તેની દુર્ગંધમાં એક એવી અજાણી ગંધ છે જે શરીર કરતાં વિશેષ છે. અને છતાં, એ સ્ત્રી જ્યારે એને જુએ છે, ત્યારે એ ગંદકીમાં પણ એને પોતાનો પ્રેમ દેખાય છે. કારણ કે તે જાણે કે તેનો પ્રેમ કાદવમાં ખીલેલા કમળ સમાન છે! જ્યાં સૂરજ પણ જતા ડરે એવી અંધારી ગંદી ગટરમાં જઈને આવેલો પોતાનો વ્હાલમ તેને તો અલબેલા ઋષિ જેવો લાગે છે.

આ ગીતમાં એક અદભૂત વિરોધાભાસ છે. એક બાજુ ગંદકી, અંધારું, થાક અને ગંધ છે; બીજી બાજુ પ્રેમ, સ્વીકાર અને શાંત ગૌરવ. આ સ્ત્રી પોતાના વ્હાલમને માત્ર એક સફાઈ કામદાર તરીકે નથી જોતી, તેને મન તો એ જ તેનું ઉપવન છે. એ જાણે છે કે દુનિયા જે ચોખ્ખાઈને પૂજે છે, એ ચોખ્ખાઈ પાછળ કોઈના હાથ ગંદા થયા છે. આ ગીતનું સૌથી મોટું સત્ય એ છે કે સમાજ જે વસ્તુઓથી નાકનું ટેરવું ચડાવે છે, એ જ કોઈકના જીવવનો આધાર હોય છે. આ સ્ત્રી કે તેનો પતિ તો માત્ર એક પ્રતીક છે સહનશીલતાનું, મૌન શક્તિનું, કઠિન પરિશ્રમનું, અને એક એવી મહેનતનું જે ક્યારેય મંચ પર આવતી નથી.

ખરી વાત તો એ છે ગંદકી બહાર નથી હોતી, એ સમાજના વિચારોમાં, વ્યવસ્થામાં, વ્યવહારમાં, વર્તનમાં અને અસમાનતામાં હોય છે. કેમકે જો કોઈ માણસ રોજ ગંદકી સાફ કરે છે, તો એ ગંદકી ક્યાંક તો ઊભી થાય છે.

આ સ્ત્રીના પ્રેમમાં એક સહજ સ્વીકાર છે. કદાચ આ જ સાચો પ્રેમ છે. એના શબ્દોમાં એક કરુણા છે, પણ એ કરુણા કમજોરી નથી. એ એક શક્તિ છે. એક એવી શક્તિ, જે માણસને તૂટવા છતાં જોડી રાખે છે.

આ ગીતમાં એક બીજી વાત પણ ખૂબ જ ઊંડી રીતે છુપાયેલી છે. એ છે પેઢીઓની વારસાગત પીડા. “ફાટેલી ચોખ્ખાઈ સીવતા રહ્યાં રે અમે પેઢી દર પેઢી ચૂપચાપ,” આ પંક્તિમાં એક આખો ઈતિહાસ છુપાયેલો છે. એ ઈતિહાસ છે એવા લોકોનો, જેઓએ પોતાની જાતને ભૂલીને, પોતાના અવાજને દબાવીને, માત્ર જીવવા માટે કામ કર્યું છે.

આ ગીત કોઈ સફાઈ કામદારની પત્નીનો પ્રેમનો નહીં, પર એક આખા પછાત સમાજની નીચલા વર્ગની પીડાનો પડઘો પાડે છે. આ ગીત એક દર્પણ છે, જેમાં આપણે જોઈ શકીએ કે કેવી રીતે અમુક લોકોના જીવનમાં અંધારું એટલું ઘેરું છે કે એમાંથી બહાર આવવું મુશ્કેલ છે. છતાં, એ અંધારામાં પણ તેઓ એક નાની ચમક શોધી લે છે. એ ચમક છે પ્રેમની.

લોગઆઉટઃ

પેટ હતું તો ઝબ્બે થઈ ગ્યું, રાત હતી તો પડી,
ઊંઘ હતી તો આવી ગઈ ને ફૂટપાથોને જડી.

હાથ હતા તો ભાર ઊંચક્યો, શ્વાસ હતા તો હાંફ્યા,
બીજે તો ક્યાં જઈને કાઢે દાઝ હતી તો દાઝ્યા.

લગન હતાં તો થયાં લગન, હતાં પોરિયાં આયાં,
પેટ હતું તો મળ્યું એમને હાથ હતા તો લાયા.

હોઠ હતા તો ગાળ હતી, કાન હતા તો લીધી,
હતો રૂપિયો મળી યેવલા, આગ હતી તો પીધી.

લોહી હતું તો ગયું સુકાઈ, હતાં હાડકાં થાક્યાં,
ભીડ હતી તો ભેગી થઇ ગઈ, હતા ખભા તો આપ્યા.

વાળ હોય તો ટાલ થાય, ને કમર હોય તો વળે,
શ્વાસ હોય તો ખૂંટી જાય ને લખચોરાસી ફળે.

~ સૌમ્ય જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો