એ કહે, હું રાજા તું રાણી, ને હું આખ્ખી પાણી પાણી,

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

એ કહે, હું રાજા, તું રાણી, ને હું આખ્ખી પાણી પાણી,
તું તો અંગેઅંગ સમાણી, ને હું આખ્ખી પાણી પાણી.

પાસે આવી ધીરેથી કહે, બહુ સુંદર લાગે છે તું,
ને મહેંદીની ભાત વખાણી, ને હું આખ્ખી પાણી પાણી.

પાછો કહે છે તારાય વિશે, તારા રૂપ વિશે સુણેલું,
આજે બહુ જ નજીકથી જાણી, ને હું આખ્ખી પાણી પાણી.

પહેલા એણે ચાંદા સાથે ,મારું મુખ સરખાવ્યુ ને કહે,
આજ શિતળતા બે-બે માણી, ને હું આખ્ખી પાણી પાણી.

એક દી એના ખિસ્સામાંથી, પાકીટ પડી ગયું નીચે તો,
મારી ત્યાં તસ્વીર દેખાણી, ને હું આખ્ખી પાણી પાણી.

મેંય વખાણી એની ગઝલો એનું કારણ એવું આપ્યું,
કે તમને જોતા જ લખાણી, ને હું આખ્ખી પાણી પાણી.

– મીના વ્યાસ

ગમતી વ્યક્તિ સાથે ઊભા રહીએ ત્યારે એવું લાગે કે આપણું શરીર, મન અને અસ્તિત્વ બધું જ ઓગળતું જાય છે. જાણે શાંત સરોવરમાં એક પથ્થર પડ્યો હોય. તેનાં વલયો આપણને અંદર સુધી હલાવી નાખતાં હોય છે. એ ક્ષણોમાં કોઈ મોટી ઘટના નથી થતી, કોઈ ધમાકેદાર સ્વીકાર નથી થતો, કોઈ શપથ કે વચન નથી લેવાતું; ત્યાં તો માત્ર નજરો હોય છે, નરમ ધબકારા હોય છે અને એ અદૃશ્ય લાગણી હોય છે, જે આપણને અંદરથી ભીંજવી નાખે. પ્રેમ ઘણી વાર શોરગુલ સાથે નથી આવતો નથી. એવી રીતે આવે છે, જેમ વહેલી સવારે સૂર્યકિરણ બારીમાંથી અંદર પ્રવેશે. તે કોઈને જગાડતું નથી, પણ બધું પ્રકાશિત કરી નાખે છે. પ્રેમનું કામ પ્રકાશિત કરવાનું છે.

કવયિત્રી મીના વ્યાસની ગઝલ પ્રેમનાં મર્માળું મોજાં માફક હૃદયમાં ઉછળતી રહે છે. તેમાંથી ઊભાં થતાં વલયો મનમાં મહોબ્બતની મીઠી વીણા વગાડ્યા કરે છે. પ્રિયજન સાથેનું મિલન, વાતચીત અને તેના દ્વારા મળતી પ્રસંશાં… આ બધું અંતરનાં આંગણામાં રંગોળી કરી આપે છે. જે વ્યક્તિ જીવ જેવી વહાલી હોય, એ જ આવીને મળે, બે મીઠી વાત કરે, વખાણે, વળી એના પાકિટમાં આપણો ફોટો પણ જોવા મળે, તો પાણી પાણી થઈ જ જવાયને!

પ્રેમમાં મજાની વાત એ છે કે આપણને આપણા વિશે નવું જાણવા મળે છે. આપણે પોતાના અસ્તિત્વ તરફ જુદી નજરે જોઈએ છીએ. પહેલાં જે સામાન્ય લાગતું હતું, એ અચાનક વિશેષ બની જાય છે. ક્યારેક કોઈ નજીક આવીને ધીમેથી વાત કરે ત્યારે એ ધીમા શબ્દોમાં કોઈ જાદુ નથી હોતો, પણ એ નિકટતામાં એક ઊંડો અર્થ હોય છે. એ ક્ષણોમાં આપણા ભાવો વાત કરે છે—પાંપણના પલકારા, હળવું સ્મિત, હોઠ સુધી આવીને અટકી ગયેલો શબ્દ… બધું જ અવ્યક્ત હોવા છતાં લાગણીઓ વ્યક્ત કર્યા કરે છે.

પ્રેમ નામનું પુષ્પ ખીલે, તેની મહેક હૃદયનાં આંગણામાં પથરાય પછી મન કેવું પાણી પાણી થઈ જતું હોય છે તેની વાત કવિએ બહુ સરસ રીતે આલેખી છે. એક પ્રેમિકા પોતાના પ્રેમીને મળે, પ્રથમ તો આ મળવું એ જ ઉત્સવ હોય છે, તેમાં વળી પ્રિય પાત્ર દ્વારા પ્રસંશા પ્રાપ્ત થાય, એ તો સોનામાં સુગંધ ભળ્યા જેવું થાય. જેના પર હૈયું ઓળઘોળ હોય એ જ મીઠા શબ્દોની સરવાણી વહાવે તો કાનમાં અમૃત રેડાતું હોય એવો અનુભવ થાય. અને આ અમૃત તો આયખાભર સાથે રહે છે. તેની મીઠાશ મનમાં મહોર્યા કરે છે. મુખને શીતળ ચંદ્ર સાથે સરખાવે ત્યારે ત્યાં માત્ર ઉપમા નથી હોતી—લાગણી હોય છે. એ લાગણી મુખ પર ચાંદની બનીને પથરાય છે. તેની શીતળતા બબ્બે વ્યક્તિઓને અનુભવાય છે, ચંદ્ર વિશે સરખાવનારને અને સ્વયં ચંદ્ર બની જનાર વ્યક્તિને.

પ્રેમ કોઈ ભવ્ય ઘટના નથી, પરંતુ દિવ્ય ઘટના જરૂર છે. પ્રેમમાં ‘પડવા’ની ઘટના ખરેખર તો ઊભા થવાની ઘટના હોય છે. વ્યવહારુ જીવન આપણને પાડે છે, ઢસડે છે, ઘાયલ કરે છે, પરંતુ પ્રેમ એ ઘાવ પર મલમ લગાડે છે. સ્વજનો અને હિતેચ્છુઓ આપણને જિવાડે છે, પરંતુ પ્રેમ આપણને જીવંત બનાવે છે. પ્રેમમાં નજર મળવા માત્રથી વ્યક્તિ પાણી પાણી થઈ જાય છે. અને એ પાણીની છાલક આજીવન રહેતી હોય છે.

લોગઆઉટઃ

હું પાણી પાણી થઈ ગયો છું તમને જોઈને ,
ને જ્યાં તમે ઊભા છો એ બાજુ જ ઢાળ છે .
– વિકી ત્રિવેદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો