એકનું એક લગાતાર જીવ્યા કરવાનું

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

એકનું એક લગાતાર જીવ્યા કરવાનું.
બીજું શું હોય નવું યાર, જીવ્યા કરવાનું,

ઝીણું ઝરમર કે મુશળધાર જીવ્યા કરવાનું,
જીવવું એ જ છે પડકાર, જીવ્યા કરવાનું.

રોજ ખીલે છે, ખરે છે એ ફૂલોને જોઈ,
સાવ છોડીને અહંકાર જીવ્યા કરવાનું.

જિંદગી છે તો શરૂઆત ગમે ત્યાંથી થશે,
જિંદગીને જ કરી પ્યાર જીવ્યા કરવાનું,

આખરે કોણ નડ્યું, કેમ નડ્યું, છોડ બધું,
સાચવી સહેજ સદાચાર જીવ્યા કરવાનું.

– આર. બી. રાઠોડ

મરીઝનો શેર છે-
નવીનતા પ્રાણપોષક છે નવીનતાને ન ઠુકરાવો,
જુઓ કુદરત તરફથી શ્વાસ પણ જૂના નથી મળતા.

જેણે જેણે નવીનતા ઠુકરાવી તે સમયની ગર્તામાં ક્યાંય ધકેલાઈ ગયા. વર્ષો પહેલા જ્યારે ટીવી શોધાયું ત્યારે અમુક લોકો તેને ઇડયટ બોક્સ કહીને હસતા હતા. એક નાનકડા બોક્સ સામે જોઈને બેસી રહેવાનું, આ કેવું મૂર્ખા જેવું લાગે છે! આજે ભાગ્યે જ કોઈ ઘર એવું હશે, જ્યાં ટીવી નહીં હોય. જ્યારે કશુંંક નવું થાય એટલે અમુક લોકો વરોધ કરવા આવી જ જશે. કુદરત પોતે પણ દરરોજ નવી રીતે આપણી સમક્ષ આવે છે, આપણે તેને જોવા માટેની આંખ વિકસાવવી પડે છે. પ્રકૃતિ રોજ પોતાને પરિમાર્જિત કરે છે. રોજ સૂર્ય નવો અજવાસ લઈને આવે છે, સાંજ નવો અર્થ આપીને ઢળે છે. પવનની લહેરીઓ રોજેરોજ દિશા બદલતી રહે છે, વૃક્ષો પર રોજ નવી લીલાશ ઊભરાય છે, રોજ પર્ણો ખરે છે, નવાં ઊગે છે. ખીલવું, મુરઝાવું આપણા જીવનનો મહત્ત્વનો ભાગ છે.

બહુ ઓછા લોકોની જિંદગી રોજ નવી વાર્તા બનીને ઊગે છે; મોટાભાગના લોકોની જિંદગી એક જ રસ્તા પર ચાલતી રહે છે. આ એકધારાપણામાં સૌથી મોટો ભ્રમ એ છે કે આપણે નવીનતાની રાહ જોયા કરીએ છીએ. હકીકતમાં નવીનતા કોઈના દરવાજે ટકોરા મારતી નથી; એને હાથ પકડીને અંદર લાવવી પડે છે.

કવિ બી.કે. રાઠોડે રોજેરોજ જીવાતી એકધારી જિંદગીની વ્યથાને પોતાની કવિતા સહજ રીતે વણી લીધી છે. એમની કવિતામાં વ્યથા છે અને વિચાર પણ. ઊંડાણ છે અને આઘાત પણ. એકનું એક નિરંતર જીવ્યા કરવાનું હોય છે, તેમાં ઇચ્છવા છતાં ઘણી વાર કોઈ ફેરફાર આવતો નથી. કવિએ એટલા માટે જ કદાચ વ્યથિત અવાજે કહ્યું હશે, ‘બીજું શું હોય નવું યાર’. જીવન પોતે જ એક પડકાર છે. આપણે સંંસારરૂપી નભોમંડળમાં વિરહરતાં વાદળો છીએ. ધરતી, આકાશ, અને પવનની દિશા જોઈને વરસવાનું છે, ક્યારેક ધીમું, ક્યારેક મૂશળધાર.

આપણે જ આપણું નાવિન્ય ઊભું કરવાનું છે. એક જ દીવો દરરરોજ રાત્રે બળે છે, છતાં એની જ્યોતનું કંપન રોજ અલગ હોય છે. ક્યારેક શાંત, ક્યારેક તીવ્ર, એમ, એક જ કામ, એક જ જવાબદારી, એક જ સંબંધમાં પણ જુદી જુદી ભાવનાઓની જ્યોત પ્રગટાવી શકાય છે. પ્રશ્ન એ નથી કે જિંદગીમાં શું નવું બન્યું; પ્રશ્ન એ છે કે આપણે જૂનામાં કેટલું નવું ઉમેર્યું.

એકધારાપણું એ કાચા લોખંડ જેવું છે. એને તપાવીને આકાર આપો તો એમાંથી તલવાર પણ બની શકે અને ટાંકણી પણ. નાના નાના ફેરફારોથી જિંદગીમાં મોટાં પરિવર્તનો આવે છે. જેમ્સ ક્લિઅરે લખેલી ‘એટોમિક હેબિટ’ પુસ્તક ખાસ વાંચવા જેવું છે. રસ્તામાં કોઈ મળે તો તેને સ્મિત આપવું, પ્રેમથી વાતો કરવી, ગુસ્સો ગળી જવો, અંદરની અકળામળને પ્રસન્નતામાં બદલી નાખવી, આ બધા મોટા ક્રાંતિકારી પરિવર્તનો નથી, પણ આ જ નાના ફેરફારો જિંદગીના સ્વાદમાં મીઠાશ ઉમેરે છે.

વૃક્ષો પર નવાં પાંદડાં આવે, જૂનાં ખરે. રોજ નવી કળી ફૂટે, તેમાંથી ફૂલ ખીલે અને સાંજ પડતાં તો કરમાઈને આથમી જાય. આપણી નીયતિ પણ કંઈક આવી જ છે – ખીલવું અને ખરવું. પ્રકૃતિ આપણને સંકેતથી સમજાવે છે. તેની સમજણની શરણાઈ આપણા અંતરાત્મામાં ગૂંજે તો જિંદગીની કપરી લડાઈ પણ સરળ થઈ જાય.

આપણે મોટે ભાગે પોતાની જાતને વાયદા આપતા રહીએ છીએ, આટલું થઈ જાય એટલે નિરાંત, પછી શાંતિથી જીવીશું. પરંતુ એ શાંતિ ક્યારેય આવતી નથી. જીવવાનું કામ કોઈ ખાસ દિવસ કે સમય માટે નિશ્ચિત નથી હોતું. એ તો પ્રત્યેક ક્ષણે કરવાની પ્રવૃત્તિ છે. જિંદગીને પ્રેમ કરવાની શરૂઆત કોઈ ભવ્ય ઘટનાથી નથી થતી; એ તો રોજના નાનકડા સ્વીકારથી થાય છે.

જીવ્યા કરવું એટલે સતત ગણતરી બંધ કરવી. કોણ નડ્યું, કેમ નડ્યું, આ પ્રશ્નો જીવનની ઊર્જાને ખાઈ જાય છે. નદી પાછળ વળીને નથી જોતી, એમ આગળ વધવા માટે બધું છોડવાનું શીખવું પડે છે. માનવતા, અને પોતાની જાત સાથેની પ્રામાણિકતા એ જ જીવનના સાચા સાથી છે. એકધારાપણામાંથી ભાગવાનો કોઈ રસ્તો નથી; હા, એને અર્થપૂર્ણ ચોક્કસ બનાવી શકાય. જિંદગી કદાચ રોજ એક જેવી જ રહેશે, પણ જો આપણે જીવવાની રીત બદલીએ, તો એ રોજ નવી લાગશે.

લોગઆઉટઃ

જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.
– મરીઝ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો