પગલું મૂકતાં ઘડીક હું તો બીધો

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

પથ એવો તો જાય છે સીધો,
પગલું મૂકતાં ઘડીક હું તો બીધો.

આટલી ડોલતી ડાળ, એને પણ એક ના વાંક-વળાંક,
જેમ વહું તેમ હરખભર્યો ચડતો વ્હાલો થાક;
નેન ભરીને નીરખું નદી તેમ તે એને પીધો…

જલમાં તર્યો, આભમાં ઊડયો, લસર્યો રેશમી ઢાળ,
પગલું ધરું હું જ હવે કે પવન ભરતો ફાળ?
કોઈ અજાણ્યા જનને જાવું? સ્હેજ ઈશારો કીધો!

– પ્રિયકાન્ત મણિયાર

કવિ હર્ષ બ્રહ્મભટ્ટનો સુંદર શેર છે-
એ ગમે ત્યારે ગબડવાનો જ છે,
એના રસ્તામાં કોઈ ઠોકર નથી.

જેણે મુશ્કેલીઓનો માર નથી ખાધો, એ સરળતાને પચાવી નથી શકતો. સીધો સપાટ રસ્તો ક્યારેક ખરબચડા માર્ગ કરતા વધારે મોટી મુશ્કેલીઓ ઊભી કરતો હોય છે.

પ્રિયકાન્ત મણિયાર સસ્તાની સરળતા બતાવે છે, તો સાથે તેની ભયાનકતા તરફ પણ આંગળી ચીંધે છે. રતન ટાટાએ એક વખત કહેલું, સૌથી મોટું જોખમ એ છે કે કોઈ જોખમ ન લેવું. જે રસ્તામાં અડચણ ન હોય બધું સરસ-સરસ હોય એ રસ્તો તમને ક્યાંય લઈ જતો નથી. લાંબો પ્રવાસ કરવો હોય અને તો જોખમોની તૈયારી રાખવી જ પડે.

જે માર્ગમાં અડચરણ નથી, તે માર્ગ વધારે અડચણરૂપ હોય છે. કશી મુશ્કેલી વિના મોટી ઉપલબ્ધિ મળી જાય તો એ મોટી મુશ્કેલીને મોકલવામાં આવેલું નિમંત્રણ છે. જે હીરો ઘસાતો નથી તે ચમક નથી પામતો. બાગમાં માળીની માવજતથી મોટા થયેલાં વૃક્ષો અને જંગલમાં પોતાની મેળે પાંગરેલા વૃક્ષોમાં જમીન આસમાનનો ફર્ક હોય છે.

કવિ પ્રિયકાન્ત મણિયાર જણાવે છે કે રસ્તો એટલો સીધો હતો કે પગલું મૂકતાની સાથે મને ડર લાગ્યો કે આમાં કોઈ સમસ્યા તો નહીં હોયને. કેમ કે જીવનના માર્ગ એટલા સરળ નથી હોતા, જેટલા આપણે સમજીએ. ડગલે ને પગલે આફતોના અણીદાર કાંટા ખીલાની જેમ ખોડાયેલા હોય છે. તેની પર ચાલીને પગને લોહીલુહાણ કરવા પડે છે. ઠેરઠેર ખુવારીના ખાડા હોય છે, તેમાં પછડાવું પડે છે. વિવિધ વળાંકો, અવરોધો અને સમસ્યાઓથી ટેવાયેલા હોય તેમને અચાનક સીધો રસ્તો મળે તો ભય લાગે જ.

કમલ હસન અભિનિત ‘પુષ્પક’ ફિલ્મમાં, તે એક એવી વસ્તીમાં રહેતો હતો, જ્યાં અનેક પ્રકારનો ઘોંઘાટ હોય. પછી તે એક એવા સ્થાને રહેવા જાય છે, જ્યાં શાંતિ છે, આરામ છે. પરંતુ તેને ઊંઘ જ નથી આવતી. કેમ કે તેના કાન કર્કશ અવાજોથી ટેવાયેલા હોય છે. આખરે તે એ વસ્તીમાં જઈને એ દેકારો એક ટેપમાં રેકોર્ડ કરે છે, રાતે ઊંઘતી વખતે તેને સાંભળે છે, જેથી ઊંઘ આવે. સમસ્યાથી ટેવાયેલા માણસને અચાનક મુશ્કેલી વગરનો રસ્તો મળે તો તેના પગ અચાનક ડગમગવા લાગે છે. સુખ તેને સદતું નથી, તેને ઊલટાની ચિંતા થવા લાગે છે કે અરે, મારા ભાગ્યમાં આવું ક્યાંથી, આમ સહેલાથી મને આટલું બધું મળી જાય એ વાતમાં કોઈ માલ જ નથી. નક્કી ક્યાંક ગરબડ ગોટાળો છે.

કવિએ ડોલતી ડાળનું રૂપક બહુ સમજીને પ્રયોજ્યું છે. ડાળમાં કોઈ વાંકવળાંક નથી, છતાં તે ડોલે છે, તેમ જીવનમાં ક્યારેક કશી ખોટ હોતી નથી, છતાં અંદરથી અસ્થિરતા લાગે છે. માણસનો મૂળ સ્વભાવ ચિંતા અને દ્વિદ્ધાનો છે. એટલા માટે જ લોકો ચિંતન, નિર્વિચારની સ્થિતિને પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરતા રહેતા હશે. જિંદગી તો અનેક દ્વંદ્વથી ભરી છે, જીવતા રહેવાનો અર્થ છે — યુદ્ધ. જાત સાથે અને જગત સાથે.

લોગઆઉટઃ

હર વખત જીતી જવાની આ શરત મુશ્કેલ છે,
શ્વાસ સાથે હાથતાળીની રમત મુશ્કેલ છે.
માહ્યલા ! તું છોડી દે એવી મમત મુશ્કેલ છે,
રાખવો રાજી તને આખો વખત મુશ્કેલ છે.
– હરીશ ઠક્કર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો