ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ
લોગઇન:
કોની કરૂં હું રાવ, એ કંઈ પારકા નથી;
જેણે કર્યા છે ઘાવ, એ કંઈ પારકા નથી.
દરિયો તો ખેર કોઈનો થાતો નથી મગર,
જેણે ડુબાવી નાવ, એ કંઈ પારકા નથી.
હારી ગયાનું એટલે તો દુઃખ નથી મને,
જીતી ગયા જે દાવ, એ કંઈ પારકા નથી.
મારી કતલનો દોષ, અને એમના ઉપર?
કરવા દે દિલ! બચાવ, એ કંઈ પારકા નથી.
એ શકય છે કે થોડાં ઘણાં પારકાં હશે,
બેફામ કિન્તુ સાવ એ કઈ પારકાં નથી.
– બરકત વિરાણી ‘બેફામ’
બરકત વિરાણી ‘બેફામ’ની ગઝલોએ ગુજરાતી સાહિત્યની બરકત વધારી છે. તેમની ગઝલમાં મૃૃત્યુનું સત્ય અનેક વાર પડઘાય છે. પરંતુ જીવનની કડવી વાસ્તવિકતાને ઉલ્લેખવાનું પણ તે ચૂક્યા નથી. તેમની ઉપરોક્ત ગઝલમાં આપણને જીવનનું તીખું, સચોટ અને દુઃખદ સત્ય વરતાય છે. જીણવટપૂર્વક નિરીક્ષણ કરશો તો સમજાશે કે ઊંડા ઘા પારકા માણસો નથી આપતા. જેને આપણે પોતાના માન્યા હોય, જેની ખાતર કોઈ પણ હદ સુધી જવાની આપણી તૈયારી હોય, જેની માટે મોત પણ વહાલું કરવાની આપણી તૈયારી હોય, તેવી વ્યક્તિ તરફથી મળથો આઘાત મૃત્યુથી પણ બદતર હોય છે. બેફામસાહેબ આ સત્યને બહુ સારી રીતે જાણે છે.
આપણી દુઃખતી નસ નજીકના માણસો જ જાણતા હોય છે. તેથી જ્યારે પણ મુશ્કેલી આવે, એ નસ દબાવાનું કામ સૌથી પહેલા અંગત સ્વજનો જ કરતા હોય છે. એવે વખતે ફરિયાદ પણ કોને કરવાની? વાડામાં વાવેલા ચીભડાંના રક્ષણ માટે ચારે તરફ વાડ બનાવવામાં આવે છે, જેથી કોઈ વ્યક્તિ, કે પ્રાણી આવીને નુકસાન કે ચોરી ન કરે. પણ જેને રક્ષણ કરવા માટે રાખ્યા હોય એ જ ભક્ષણ કરવા માંડે — વાડ પોતે ચીભડાં ગળે તો કોને કહેવું. ઘણાં સ્વજનો આ વાડ જેવાં હોય છે, બહારથી લાગે કે રક્ષણ કરી રહ્યા છે, પણ અંદરથી ચીભડાં ગળતી વાડ જેવાં હોય છે. આવી દુઃખદ પરિસ્થિતિની રાવ પણ કોઈને નથી કરાતી, કેમ કે આપણને ખબર હોય છે, ચીભડાં કોણ ગળી ગયું છે.
દરિયાઈ મુસાફરીમાં અનેક તોફાનો, ઝંઝાવાતોનો સામનો કરવો પડે છે. કાબેલ વ્યક્તિઓ ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ મહાસાગર પાર કરી લે છે, પણ જે વહાણમાં આપણે બેઠા હોઈએ, તે વહાણમાં આપણો જ સાથીદાર આપણને ડુબાડવાનો હોય, તો પછી બચવાનો કોઈ રસ્તો નથી રહેતો. દરિયાના તોફાનમાંથી તો તોય બચી શકાય — સ્વજન દ્વારા કરવામાં આવતા છળ બાદ ગમે તેટલું તોતિંગ અને શક્તિશાળી વહાણ હોય, ડૂબ્યા સિવાય છૂટકો નથી.
પરાજય દુઃખ નથી આપતો, પરાજયનું કારણ દુઃખ આપે છે. જે બાજુમાં બેઠા હોય એમનો હાથ સૌથી પહેલાં આપણા સુધી પહોંચતો હોય છે. આપણને પાડવામાં તેમની ભૂમિકા જ સૌથી વધારે હોય છે. દૂરના માણસો તો જોશે, ઈર્ષા કરશે, કદાચ ગુસ્સો પણ કરશે, પણ આપણને પાડવામાં તો નજીકનાઓ જ હશે.
હૃદય એ જ તોડી શકે, જે હૃદયમાં રહેતા હોય. પીડા એ જ આપે જે પોતાના હોય. આઘાત એ જ આપે જે અંગત હોય. વ્યથા એ જ દે, જે વહાલા હોય. બહારનાની તો એટલી હેસિયત હોય જ નહીં કે એ આપણને દુઃખી કરી શકે. બહુ બહુ તો એ આપણને હેરાન કરી શકે, એ હેરાનગતિ તો પારકા માણસથી દૂર જતા રહીએ તો આપોઆપ ટળી જાય, પણ પોતાના માણસોએ આપેલાં દુઃખ, તેમનાથી ગમે તેટલા દૂર થઈએ, પીછો છોડતાં જ નથી.
કવિ બરકત વિરાણીએ એ વાત વાતને બહુ સચોટ રીતે વ્યક્ત કરી છે. રાજેશ વ્યાસ મિસ્કીને પણ આ વાત બહુ ગંભીરતાથી કરી છે.
લોગઆઉટઃ
સાવ જુઠું જગત કોઈ તારું નથી,
મૂક સઘળી મમત કોઈ તારું નથી.
કોણ કોનું? અને એય પણ ક્યાં લગી?
છે બધું મનઘડત કોઈ તારું નથી.
જે પળે જાણશે સોંસરો સળગશે,
આ બધી છે રમત કોઈ તારું નથી.
કોઈ ઉંબર સુધી કોઈ પાદર સુધી,
છેક સુધી સતત, કોઈ તારું નથી.
કઈ રીતે હું મનાવું તને બોલ મન,
બોલ, લાગી શરત કોઈ તારું નથી.
કોઈ એકાદ જણ, એય બેચાર પળ,
કે અહીં હરવખત કોઈ તારું નથી.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો