ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ
લોગઇન:
ઘાટઘાટનાં વાસણ ઘડિયા, એની માથે કાંઠા ચડિયા,
એ વાસણમાં રંગો ભરવા,કોણ ઊભું છે લઇને ખડિયા?
રંગ તણો રંગારો કેવો? કેવી પીંછી, કેવા રંગો!
ઘાટેઘાટે ફેર છતાંયે એક સરીખાં રાખ્યાં અંગો,
કાન, ગાન ને વાન ઘડીને, સાન ભાનને સાથે જડિયાં,
જેવો જેનો ઘાટ ઘડાયો એ પરમાણે તે પરખાશે,
જેને લાગ્યો તેજ ટકોરો, એ સૌથી પ્હેલાં વ્હેચાશે,
અંતે પાછા મૂળ જગા એ ભળી ગયા તે કદી ના રડિયા.
– ભરત વાઘેલા
કવિ જયંત પાઠકે ઈશ્વરને ચિતારા તરીકે આલેખીને લખ્યું-
“અજબ મિલાવટ કરી, ચિતારે રંગપ્યાલીઓ ભરી!
એક લસરકે ઊગી નીકળ્યાં જંગલ જંગલ ઝાડ;
ટપકે ટપકે ફૂટી નીકળ્યા ધરતીપટથી પ્હાડ,
ઘટ્ટ નીલિમા નરી, ચિતારે રંગપ્યાલીઓ ભરી!
ઈશ્વરે જગતનું સર્જન કેવી રીતે કર્યું, કઈ રીતે જંગલ રચાયા, કેવી રીતે પહાડ? તેની કલ્પના જયંત પાઠકે પોતાની કવિતામાં સરસ રીતે કરી છે. જયંત પાઠક મૂળ તો પ્રકૃતિના કવિ, આદિવાસીનું તીણું તીર તેમનો શબ્દ સારી રીતે નાણી શકતો હતો. ઈશ્વરને કોઈએ ચિતારો કહ્યો, કોઈએ રંગારો, તો કોઈએ કુંભાર. પરંતુ દરેકમાં સર્જકસ્થાને પરમતત્ત્વને બેસાડ્યું છે. કોઈ પણ ધર્મ લો, જગતના સર્જન પાછળ દરેકે અગમ શક્તિને કારણભૂત ગણી છે. તેને તમે ભગવાન કહો કે ગોડ, અલ્લાહ કહો કે ઈસુ.અંતે બધું એક જ છે. આપણી સમજણ પ્રમાણે આપણે તેમને ઉલ્લેખ્યા.
નરસિંહ મહેતા કહે છે તેમ, ઘાટ ઘડિયા પછી નામરૂપ ઝૂઝવા. સોનું તો એક જ છે, તેનો આકાર ભીન્ન છે.
કવિ જગતને નિહાળે છે, અને પોતાની અનુભૂતિનું અત્તર રેડી, સમજણના સૂર છેડી, શબ્દની માળા ગૂંથે છે. કવિ ભરત વાઘેલાએ આપણા જીવનનાં સર્જન પાછળ કયું તત્ત્વ કામ કરે છે, કોણ આપણને ઘાટઘૂટ આપે છે, કોણ રંગરૂપ આપે છે, તે બાબતે સીધે નિર્દેશ નથી કરતા, પ્રશ્ન કરે છે. તેમની કવિતામાં જીવન, સર્જન, સમાનતા, ભીન્નતા, સર્જન અને વિલયના સંકેતો છે.
કુંભાર એક જ માટીમાંથી વાસણ બનાવે છે, પરંતુ દરેકના ઘાટ અલગ હોય છે. સંસાર એક ચાકડો છે, આપણે બધા ચાકડે ચડેલા છીએ. કુંભાર જ્યારે માટલું ઘડે, ત્યારેે એક હાથે બહારથી થપાટો મારે છે, પણ બીજા હાથ વડે અંદરથી ટેકો પણ આપે છે. જ્યારે જીવનમાં વિપરિત સ્થિતિ આવી જાય, સંજોગોની કપરી લાતો વાગવા માંડે ત્યારે સમજી જવું કે ઈશ્વર આપણને ઘાટ આપી રહ્યા છે. આપણને તેમના દ્વારા મારવામાં આવેલી લાત અનુભવાય છે, પણ તેમણે આપેલો ટેકો નહીં. એ ટેકાનું તેજ અનુભવતા થઈ જઈએ તો ભાગ્યની લપડાક એટલી વરવી નહીં લાગે.
દરેક મનુષ્યનો બાહ્ય દેખાવ અલગ હોય છે, આંખ, નાક, કાન, હાથ, પગ બધાના આકાર ભિન્ન છે, પણ અંતરાત્મા તો એક જ હોય છે. જેમ એક વૃક્ષનાં બીંજ સમાન હોય છે, પરંતુ તેમાંથી ઊગતાં વૃક્ષોનો ફેલાવો અલગ. થડ, ડાળી અને મૂળ સુધ્ધાંનો વિસ્તાર દરેકનો પોતાનો હોય છે, મનુષ્ય પણ આ બીજ જેવો હોય છે.
કવિને પ્રશ્ન થાય છે કે જીવનમાં રંગો પૂરનાર રંગારો કેવો હશે, તેની પીંછી કેવી હશે, કયા ખડિયામાં તેમણે આપણને ઘૂંટ્યા હશે, તેના રંગો શામાંથી બનાવવામાં આવ્યા હશે? એક રીતે જોવા જઈએ તો સફળતા-નિષ્ફળતા, સુખ-દુઃખ, માન-અપમાન આ બધાં જ જીવનના રંગો છે. આ બધા જ રંગો આપણે અસ્તિત્વના વાસણમાં ઘોળીએ છીએ. કોઈના જીવનમાં આનંદનો રંગ વધારે હોય છે, કોઈના જીવનમાં સંઘર્ષનો.
આપણે ત્યાં એવી પણ માન્યતા છે, જે માનવી જેટલું સહન કરી શકે, ઈશ્વર તેને તેટલું જ દુઃખ કે સુખ આપે છે. જ્યારે વધારે પડતી મુશ્કેલી આવે ત્યારે સમજી જવું કે ઈશ્વરે આપણને વિશેષ સહનશક્તિ આપી છે. જ્યારે અનહદ સુખ આવે ત્યારે પણ એમ સમજવું કે પ્રભુએ સુખને વહન કરવાની તાકાત આપી છે. કેમ કે માત્ર દુઃખ નહીં, સુખને સહન કરવાની હામ પણ હોવી જરૂરી છે.
બધા વાસણોનો અંતિમ મુકામ માટી છે. આપણા અસ્તિત્વનું વાસણ પણ એક દિવસ માટીમાં એ જ માટીમાં ભળી જવાનું છે, જેમાંથી તે સર્જાયું. અવિનાશ વ્યાસે કહ્યું છે તેમ, આપણે સહુ રાખનાં રમકડાં છીએ.
લોગઆઉટઃ
રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
- અવિનાશ વ્યાસ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો