અંધકારના અંગ ઉપર દે તેજ-થીગડું સીવી

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

નાનકડી ઓ દીવી
અંધકારના અંગ ઉપર દે તેજ-થીગડું સીવી

ના માગું કે રાત મહીંથી પળમાં કરી દે દિન
કે રેલાવી દે શીતળ ચાંદની રાત બનાવ રંગીન
હું તો એટલું જ કહું છું બાપુ સવાર સુધી જા જીવી
નાનકડી ઓ દીવી

છો ને ઊછળે વિશ્વ આવરી તિમિર તણા આ લોઢ
તારી તેજ આંગળીએ વળગી દેખીશ જરૂર પરોઢ
શ્રદ્ધાની અંજલિએ મારે વસમી વેદનાઓ પીવી
નાનકડી ઓ દીવી

- જયંત પલાણ

ભારતીય ભાષાના ગૌરવસમા કવિ રવીન્દ્રનાથ ટાગોરનું એક સુંદર કાવ્ય છે. તેનો ભાવાર્થ કંઈક એવો છે કે- સાંજનો સમય છે, સૂર્ય આથમી રહ્યો છે. આથમતી વેળાએ ચિંતિત નજરે તે ધરતીને પૂછે છે કે મારા આથમ્યા પછી ધરતીને કોણ પ્રકાશ આપશે? કોણ મારી ગેરહાજરીમાં કર્તવ્ય નિભાવશે અવનિને અજવાળવાનું? આ પ્રશ્ન સાંભળીને સૌ સ્તબ્ધ થઈ જાય છે, બધાનાં મોં કાળાં પડી જાય છે. એવે વખતે ક્યાંક ખૂણામાં પડેલું એક નાનકડું કોડિયું બોલી ઊઠે છે, હે પ્રભુ, મારી એટલી બધી ત્રેવડ નથી કે જગત આખાને રોશન કરી શકું, પણ હું જ્યાં છું તે ખૂણાને અજવાળવા માટે મારાથી થાય તે બધું કરી છૂટીશ.

આપણી ચેતના પણ એક દીવા જેવી છે. ભલે જગતને ના અજવાળી શકીએ, જ્યાં છીએ તે એક ખૂણાને રોશન કરી શકીએ તોય આપણા હોવાનું સાર્થક થાય. રાજેન્દ્ર શુક્લએ લખ્યું છે,
“એક ને એક જ સ્થળે મળીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે,
પિંડ ક્યાં પેટાવવા પડીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે!”

જયંત પલાણે એક નાનકડી દીવીનું દર્શન કરાવીને આપણી સામે કેટલી બધી શક્યતાઓ અજવાળી આપી છે. એક નાની દીવી પ્રગટે ત્યારે ગમે એટલો ગાઢ અંધકાર કેમ ન હોય, તેને પરાસ્ત કરે છે. એક નાનકડી હથોડી પણ મહાકાય પર્વતને તોડી નાખવા સક્ષમ હોય છે. નાનકડી દીવડી જાણે છે કે પ્રકાશ ગમે તેટલો વિશાળ આકારથી નહીં, સાહસથી પ્રગટે છે. આપણા અસ્તિત્વનું કોડિયું કપરા સંજોગો સામે સાહસપૂર્વક બળે છે, ત્યારે આપોઆપ અજવાળું પ્રગટે છે.

જીવનમાં કોડિયા જેવો એક સારો મિત્ર હોય તો જિંદગીભર અજવાળાની કમી નથી વરતાતી. પણ આપણે હંમેશાં એવું ઇચ્છીએ છીએ કે કોઈક આપણા માટે બળે, કોઈ બીજું કોડિયું થઈને આપણને રોશન કરતું રહે. જેના સહારે આપણે ગાઢ અંધકારને હરાવતા રહીએ, પણ ક્યારેય એવું નથી વિચારતા કે આપણે કોઈકના માટે કોડિયું થઈ શકીએ. કેમ કે તેમ કરવામાં બળવાની તૈયારી રાખવી પડે છે, જે નથી હોતી. આપણી ઝંખના અજવાળા પૂરતી સીમિત હોય છે. પ્રકાશ જોઈએ છે, પણ બળવું નથી. કોક આપણને રોશન કરે તેવી કામના સાથે અંધારા ખૂણામાં બેસી રહીએ છીએ. આમ કરવા પાછળનું એક કારણ એ છે કે આપણામાંથી અજવાળું લઈ લીધા પછી નકામા કોડિયાની જેમ ફેંકી દેનારા માણસો આસપાસમાં ઓછા નથી. કોડિયું થવામાં બળવાની તૈયારી તો રાખવી પડે છે, પરંતુ તેલ પત્યા પછી, વાટ બળી ગયા પછી, ફેંકાવાની તૈયારી પણ રાખવી પડે છે.

દીવાળી આપણને શીખવે છે કે દુઃખોને ફટાકડાની જેમ ફોડી નાખો, દર્દનો ધુમાડો કરી નાખો. અને જિંદગીને મિઠાઈને જેમ વહેંચો. એક દીવડા જેવા બનો, કેમ કે તેનો પ્રકાશ ક્યારેક નથી જોતો સારું નરસું, ઊંચું-નીચું, મારું તારું. દીવાને તમે ઉકરડા પર પ્રગટાવો કે સોનાના મહેલમાં — અજવાળું જ આપવાનો છે. જગ્યા જોઈને પ્રગટે તે દીવો નહીં, દીવાનો ભ્રમ હોય છે. અંધકાર ગમે તેટલી તાકાત બતાવે, પણ એક દીવા સામે તે હંમેશાં લાચાર હોય છે.

લોગઆઉટઃ

અંધકારની વેલ પર
ખીલે છે એક કળી
તે કળી પ્રકાશની.
– દુર્ગાચરણ પરિડા | અનુ. ભોળાભાઈ પટેલ

મેં જાણ્યું હોત કે પ્રેમ આટલો જંગલી છે તો…

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

જો મેં જાણ્યું હોત કે
પ્રેમ આટલો જંગલી છે
તો મેં પ્રેમના મકાનના દરવાજા
બંધ કરી દીધા હોત !
પીટીને, બરાડ્યો હોત ‘દૂર રહેજો !’
પણ હું મકાનમાં છું… અસહાય…

- રૂમી (અનુવાદઃ સુરેશ દલાલ)

પ્રેમ અગ્નિકુંડમાં ઊગેલા ફૂલ જેવો છે, તેમાંથી તમને મહેક તો મળશે, પણ તેને પામવામાં દાઝવાની તૈયારી રાખવી પડશે. રુમીની ઉપરોક્ત કાવ્યપંક્તિઓ વાંચીને તરત મીરાં યાદ આવે-
जो मैं ऐसा जानती, प्रीत करे दुख होय,
नगर ढिंढोरा पीटती, प्रीत ना करिये कोई।

આ જ મીરાંએ એમ પણ લખેલું, “પ્રેમની પ્રેમની પ્રેમની રે, મુને વાગી કટારી પ્રેમની રે…” પ્રેમ મીઠી છરી જેવો હોય છે, તે હૃદયની આરપાર ઊતરી જાય તો પુષ્કળ પીડા થાય છે, પરંતુ એ પીડાના ઊંડાણમાં ક્યાંક કોઈ મીઠું દર્દ પણ હોય છે. દર્દમાં રહેલી એ મીઠાશ જ વારંવાર પ્રેમ તરફ ખેંચે છે. ફૂલમાંથી મધુરસ ગ્રહણ કરનાર ભમરાને ખબર છે કે પુષ્પ બડાઈ જશે, તો હું અંદર કેદ થઈ જઈશ. પરંતુ તે મધુરસને નથી છોડી શકતો. કમળમાં કેદ થઈ ગયેલા ભમરો કમળની પાંદડી તોડીને બહાર નથી આવતો, તે એમાં જ પ્રાણ ત્યાગે છે. પ્રેમ જીવ સાથે જડાઈ ગયેલું તત્ત્વ છે.

માણસો પ્રેમ કરે છે, ત્યારે માત્ર કોઈ વ્યક્તિને નહીં, એક વિચારને પ્રેમ કરે છે. એવી કલ્પનાને, જે કલ્પના તેમણે પોતાની ભીતર ઊછેરી હોય છે. અને સામેના પાત્રમાં એ કલ્પનાને સાકાર થતી જુએ છે. પ્રેમમાં મોટું દુઃખ વ્યક્તિ બદલાઈ જાય તેનું નથી હોતું, પણ એનું હોય છે કે આપણી કલ્પના ભાંગી પડી. આપણી શ્રદ્ધા એળે ગઈ. શ્રદ્ધાનું મરવું એ કોઈ પ્રિયજનના મૃત્યુ કરતાં પણ વિશેષ દુઃખદ હોય છે. પ્રણયનો માર્ગ કાંટાળો છે. ડગલે ને પગલે દુઃખ છે. સંઘર્ષ છે, વ્યથા છે, છતાં તેનાથી બચવું સંભવ નથી. જેમ રાત્રીના અંધકારમાં અજવાસને જોઈને પતંગું જ્યોતને સ્પર્શવા લલચાય છે, તેમાં જ બળીને પ્રાણ ત્યાગે છે, છતાં તેના તરફ આકર્ષાય છે, તેમ આપણે માનવીઓ પણ, દાઝવાની સંભાવનાથી પૂરા પરિચિત હોવા છતાં, પ્રેમના પ્રકાશ તરફ આકર્ષાયા કરીએ છીએ.

ઘણા લોકો કહે છે કે પ્રેમમાં પડવું મૂર્ખતા છે. પરંતુ એ મૂર્ખતા જ આપણને ખરા મનુષ્ય બનાવે છે. પ્રેમમાં રહેલી પીડા જ આપણને અંદરથી જાગૃત કરે છે. પ્રેમની આગથી શેકાઈને જ આપણે વધારે પક્વ થતા હોઈએ છીએ. પ્રેમ કુંભારના હાથ જેવો હોય છે, જે તમને વારંવાર ટપલીઓ મારીને આકાર આપે છે, ઘાટ આપે છે. તમે તમારા અસ્તિત્વના પીંડને એક આકારમાં ઢાળી શકો છો — જેમ કુંભાર માટલાને. પછી એ આકારમાં તમારા અંદરનું અમૃત એકઠું થાય છે.

પ્રેમમાં હુંપણાને સ્થાન નથી. ત્યાં હું અને તું, તારું અને મારું — ન હોઈ શકે. ત્યાં બે વ્યક્તિ સંભવ જ નથી. ત્યાં એટલી જગા જ નથી બે વ્યક્તિ સમાઈ શકે. એક વાર કૃષ્ણએ રાધાને હળવા મજાકમાં પૂછ્યું, હું તારા જીવનમાં ક્યાં છું? રાધાએ કહ્યું, “તમે તો મારા રોમેરોમમાં છો.” કૃષ્ણએ ફરી પૂછ્યું, “તો ક્યાં નથી?” રાધાએ કહ્યું, “મારા નસીબમાં.” પછી રાધાએ પૂછ્યું, “કૃષ્ણ તમે પ્રેમ મને કર્યો, પણ લગ્ન તો રુક્મણિ સાથે કર્યા, આવું કેમ?” ત્યારે કૃષ્ણએ જવાબ આપ્યો, “રાધા, લગ્ન માટે બે વ્યક્તિની જરૂર પડે. અને આપણે તો એક જ છીએ.”

લોગઆઉટઃ

પ્રેયસીના દ્વાર પર પ્રેમીએ ટકોરા કર્યા,
અંદરથી અવાજ આવ્યો, કોણ?
દરવાજાની બહાર ઊભી રહેલી વ્યક્તિ બોલી, ‘હું છું’
અંદરથી અવાજ આવ્યો,
‘આ ઘર હું અને તું, બંનેને સાચવી શકે તેમ નથી.’
બંધ દરવાજો બંધ જ રહ્યો.
પ્રેમી આખરે થાકીને જંગલ તરફ ચાલ્યો ગયો.
ત્યાં જઈને તેણે પ્રેમીને પામવા ખૂબ તપ કર્યું, પ્રાથનાઓ કરી, ઉપવાસ કર્યા.
અનેક દિવસો પછી એ પાછો ફર્યો
ફરીથી તેણે પ્રેમીકાનું દ્વાર ખખડાવ્યું.
ફરીથી એ જ પ્રશ્ન, ‘કોણ છો?’
પ્રેમીએ જવાબ આપ્યો, ‘તું’
અને તરત જ દરવાજો ખૂલી ગયો.

- રુમી

ઝળુંબે સૂર્ય, દેશી નળિયે ને રેલાય ચાંદરડું

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

ઝળુંબે સૂર્ય, દેશી નળિયે 'ને રેલાય ચાંદરડું,
અહો..! આ ખોરડેથી ઓરડે ઝિલાય ચાંદરડું!

કદી સીધું પડે, ત્રાસું પડે, શૈશવથી શું પકડાય?
હથેળી જ્યાં ઝીલે, મુઠ્ઠીમાં ભાગી જાય ચાંદરડું!

ખૂણે અંધારિયે આ કોણ બેઠું છે, ખૂણો પાળી?
'ઉતારે સોગ!' એવી લાલચે લલચાય ચાંદરડું!

જુઓ જ્યાં ત્યાં થયાં છે ફલેટ, ધાબાબંધ આવાસો,
ખપેડો કે ના નેવા-મોભ! શું દેખાય, ચાંદરડું?

'સિકંદર' ત્યાં..ભલે ઘર નાનું પણ જલસો હશે મોટો!
કે રે' અફળાતું, દી' આખો, છે ઠેબા ખાય ચાંદરડું!

- સિકંદર મુલતાની

ફ્રીજ આવતા માટલાં ગયાં. માટલાંની સાથે વપરાતી બીજી કેટલીયે ચીજો પણ ગઈ. આખું પાણિયારું જ ગાયબ થઈ ગયું. તેની સાથે બુઝારું, દેગડું, ઘડો, હેલ, માણ, મટકી, ગોળી, હાંડો, હાંડી, જેવા અનેક શબ્દો પણ અદ્રશ્ય થવા માંડ્યા. કવિ રાજેશ મિસ્કીને તો આવી ભુલાતી ચીજોને ગઝલમાં ખૂબ માર્મિક રીતે વ્યક્ત કરી છે.
ક્યાં ગયા ચકચકતાં બેડાં પાણિયારાં ક્યાં ગયાં?
ફ્રીઝવાસીઓ! તરસના એ સહારા ક્યાં ગયાં?
વીજળી ન્હોતી ઘરેઘર માણસાઇના દીવા,
કોળિયાં બળતાં હતાં જે એકધારાં ક્યાં ગયા?

‘ચાંદરણું‘ પણ આવો જ, ભુલાતો જતો શબ્દ છે. ધાબાવાળાં ઘર બનવા લાગ્યાં તો નળિયામાંથી તડકાનું કિરણ ઘરમાં પડતું અને નાની બંગડી જેવા આકારનું પ્રકાશનું વર્તુળ રચાતું, એ વર્તુળ, તકકાની લાકડી જેવું લાગતું. આ તડકીલું ટપકું એ જ ચાંદરણું. અંદરના આછા અંધારામાં દિવસના સમયે છતમાં પડેલા કાણામાંથી ઘરમાં પડતો તડકો અનોખું સૌંદર્ય રચતો. કદાચ એની સુંદરતાને લીધે જ તેને ચાંદરણા જેવો સરસ શબ્દ મળ્યો છે.

કવિ સિકંદર મુલતાનીએ પોતાની ગઝલમાં વિસરાઈ ગયેલા ચાંદરણાને ફરી જીવંત કર્યું છે. ગામનાં કાચાં મકાનો, છત પર લાંબા વાંસ, ને ઉપર દેશી નળિયાં. એ દેશી નળિયાં પર સૂર્ય ઝળુંબે ત્યારે છતની કોઈ તિરાડમાંથી ઘરમાં પડતું કિરણ — જાણે સૂરજ ઘરમાં ઢોળાઈ રહ્યો હોય એવું લાગે, જાણે કાણામાંથી તડકાની ધાર થતી હોય, સૂરજ ઢોળાઈ રહ્યો હોય. સૂરજની દિશા મુજબ એ ચાંદરણું પણ સ્થાન બદલતું રહે. સવારે ત્રાંસુ લાગતું ચાંદરણું બપોરે ઊભું થઈ જતું, સાંજે વળી જુદી દિશામાં પહોંચી જતું. ઘણા અનુભવી વૃદ્ધો તો આ ચાંદરણાનું સ્થાન જોઈને સમય પણ કહી દેતા કે કેટલા વાગ્યા હશે. ઝાડનાં પર્ણો વચ્ચેથી ચળાઈને આવતો તડકો ઝાડ નીચે ચાંદરણાની સુંદર ચાદર રચતો. બાળકો તો ખોબો ધરીને તેને ઝીલવા પ્રયત્ન કરતા. ચાંદરણાના સ્થાને બિલોરી કાચ મૂકી અગ્નિ ઉત્પન્ન કરવા મથતાં. પછી કશુંક મોટો વૈજ્ઞાનિક પ્રયોગ કર્યાનો ગર્વ પણ લેતા. હવે ચાંદરણા સાથેની બાળસહજ રમતો જતી રહી, કેમકે ચાંદરણાં જ નથી રહ્યાં.

વિધવા થયેલી સ્ત્રી સોગ પાળતી, નિરંતર ઘરમાં એક ખૂણામાં એકલા રહેવાનું થતું, ત્યારે ચાંદરણું તેનો મૂક સાથી બનતું. તે વખતે તે માત્ર ઘરને જ નહીં, તેની ઓકલતાને પણ અજવાળું પૂરું પાડતું.

ધાબાવાળા ધર બનતાની સાથે મોભ, મોભારો, ટોડલા પણ ગયા. મોભ પરથી જ મોભી શબ્દ બન્યો. ઘરની ડિઝાઈન બદલાતા મોભ શબ્દનું મોભીપણું પણ ઓસર્યું. હવે વિવિધ ફ્લેટના લીધે ઘરની કેટલીક દેશી નામાવલીનું સૌંદર્ય હતું તે સૌંદર્ય હવે અદ્રશ્ય થઈ ગયું. હવે તો ધીમે ધીમે ઓસરી, ઊંબરો, આંગણું જેવા શબ્દોનો ઉપયોગ પણ ઘટવા માંડ્યો છે. કદાચ આ સમયની જરૂરિયાત હશે. કશું સ્થાયી નથી, સિવાય પરિવર્તન.

કવિ સિકંદર મુલતાનીએ ‘ચાંદરણા‘ની ગઝલ રચીને તેની સાથે જોડાયેલાં કેટલાંક મર્મસ્થાનો તરફ અંગુલિનિર્દેશ કર્યો છે.

કવિ લાભશંર ઠાકરે ‘ચાંદરણું’ શીર્ષકથી જ એક સુંદર કવિતા લખી છે, જેમાં ઑફિસમાં કામ કરતા અચાનક ટેબલ પર ચાંદરણું પડે છે, અને એ ચાંદરણું જૂની સ્મરણગલીમાં લઈ જાય છે. અનેક યાદો તાજી થાય છે. એ કાવ્યથી વિરમીએ.

લોગઆઉટઃ

હું વ્યસ્ત હ્યાં ટેબલ પે કચેરીમાં
ત્યાં
આવી પડ્યું ચાંદરણું રૂપેરી.
મૂગું મૂગું એ હસીને મને ક્યાં
તેડી ગયું દૂર? - પ્રદોષવેળા
ઝૂકેલ શો ઘેઘૂર આંબલો, ને
વહી જતી પાછળ રમ્યઘોષા
નદી; ભરીને જલ-કેશ ભીના
કપોલની શી સુરખી ભીની ભીની! –
જતી હતી તું; નીરખી મને ને
અટકી જરા; ચાંદરણું રૂપેરી
ગર્યું નીચે ઘેઘૂર વૃક્ષમાંથી
ભીના ભીના રક્તકપોલની પરે...
આજે હશે ક્યાં અહ કેવી
જાણું ના...
જો ક્યાંકથી આ કવિતા કદીયે
વાંચે ભલા તો લઈ તું જજે હવે
(નદીતટે વૃક્ષ નીચે ઊભેલા
કુમારને જે દીધ તેં) રૂપેરી
ભીનું ભીનું ચાંદરણું.....

- લાભશંકર ઠાકર

ટહુકાનું એક નામ સખીરી ગરબો ગરબો

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

ટહુકાનું એક નામ સખીરી ગરબો ગરબો
કરવા જેવું કામ સખીરી ગરબો ગરબો

પરોઢિયાનું સરનામું છે ચહેરા ઉપર
મધરાતે મુકામ સખીરી ગરબો ગરબો

જીવવાનું છે જેમાં પળપળ ઝળહળ ઝળહળ
સૂરજનું એક ગામ સખીરી ગરબો ગરબો

ત્રણ તાળીના લયમાં જડ ને ચેતન ધબકે
ધબકારાનું ધામ સખીરી ગરબો ગરબો

મૈયાની મમતાનો મીઠો રસ છલકાતો
પીવા જેવું જામ સખીરી ગરબો ગરબો

– રિષભ મહેતા

ગરબો ગુજરાતી સંસ્કૃતિની ગરિમા છે. તે વિશ્વભરતમાં ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ જ નથી કરતો, ઓળખ પણ આપે છે. ‘ગરબો’ સંસ્કૃત શબ્દ ‘ગર્ભદીપ’માંથી વ્યુત્પત્તિ પામ્યો છે. ગર્ભ અર્થાત્ કોખ, જીવનનો સ્રોત. દીપ એટલે દીવડો. માટલાના ગર્ભમાં દીવડો મૂકવામાં આવે છે, એ માટલાને નાના કાણા કરેલા હોય છે, જેમાંથી ચોમેર અજવાળું પથરાય છે. એ અજવાળાનો અર્થ છે અંધકાર પર પ્રકાશનો વિજય. માતાજીએ નવ નવ દિવસ આસુરી શક્તિ સામે લડીને વિજય મેળવ્યો એ સંદર્ભ પણ ખરો. એટલા માટે જ તો નવ નવ રાત સુધી આ તહેવારને ઉજવવામાં આવે છે. આ વિજયનો મહોત્સવ છે. આ મહોત્સવને કવિઓએ વિવિધ સ્વરૂપે ગાયો છે, જે સાહિત્યની ભાષામાં ગરબો કે ગરબી થઈને પ્રગટ્યો. વલ્લભ મેવાડા, દયારામ વગેરેએ માતાજીની સ્તૂતિને ભક્તિમય થઈને ગાઈ તે ગરબામાં પરિણમી. ગરબો બીજી કવિતાની જેમ માત્ર કાગળ પર છપાવા માટે નથી રચાતો, તેના સર્જનનો ખરો યથાર્થ એમાં જ છે, જ્યારે તે ગવાય, લોકો તેના તાલે ઝૂમે.

અશરફ ડબાવાલા જેવા સક્ષમ કવિએ તો ગઝલ અને ગરબીને એકરૂપ કરી ગઝલગરબીનો સફળ પ્રયોગ કર્યો છે. અહીં રિષભ મહેતાએ ગરબાને ગઝલના ચોકમાં મૂક્યો છે.

ગરબો એક રીતે આધ્યાત્મિકતા અને ધાર્મિકતાનો પડઘો પણ છે. અને એ પડઘો માત્ર શબ્દો સુધી સીમિત નથી રહેતો, નૃત્યથી પણ વ્યક્ત થાય છે. કેમ કે તેમાં શ્રદ્ધા છે અને શક્તિ પણ. પૂજા છે અને પ્રાર્થના પણ. સ્તુતિ છે અને સ્તવન પણ. તેમાં આલાપ છે અને ઉલ્લાસ પણ.

સમય બદલાયો છે, હવે ગરબાઓ પોતાનું રૂપ-સ્વરૂપ બદલી રહ્યા છે. આજકાલ નવરાત્રી નૃત્યોત્સવ બની ગયો છે. અને માતાજીની સ્તુતિમાં થતા ગરબાનું સ્થાન ફિલ્મીગીતોએ લઈ લીધું છે. હવે નવરાત્રીનો અર્થ પૂજા-આરાધના નથી રહ્યો. ભક્તિ કે આરતી પણ નહીંં. કોઈક જવાનિયાને તમે પૂછશો કે નવરાત્રી એટલે શું તરત કૂદકો મારીને કહેશે કે ગરબા. તેમને મન દાંડિયા ઉછાળીને નાચવાનો અર્થ છે — નવરાત્રી. પણ નવરાત્રી માત્ર ગીતોના તાલે થતો નાચ નથી. તેમાં ભક્તિનું નૃત્યમય સાચ બિરાજે છે.

રિષભ મહેતાએ પ્રિય પાત્રને ઉદ્દેશીને ગરબાને ગાયો છે, એ પણ ગઝલના સ્વરૂપમાં. તેમની ગઝલમાં આવતો ગરબો શબ્દ માત્ર આરાધના કે નૃત્ય પૂરતો સીમિત નથી રહેતો. તે સખીને આહ્વાન આપે છે. આહ્વાનમાં પરોઢિયાનો ઉલ્લાસ છે અને મધરાતના ગરબાનું ગૂંજન પણ. ગરબામાંથી પ્રગટ થતા સૂર્યકિરણ જેવા ઊર્જાવાન પ્રકાશની ઝળહળ છે, અને એ ઝળહળમાં શોભી ઊઠતા માનવહૃદય પણ. ગરબામાં રમાતી ત્રણ તાલીમાં જડ અને ચેતન સુધ્ધા ધબકી ઊઠે છે. એ ધબકારાના તાલમાંથી જે રસ છલકે છે, એ રસમાં અનન્ય આનંદ છે — નૃત્ય, ભક્તિ, પ્રેમ, અને પવિત્રતાનો આનંદ.

નવરાત્રીમાં થતા ગરબા માત્ર ઉછાંછળા કૂદકા ન રહેતા સાધના બને તો નૃત્ય પણ પ્રાર્થના બની જાય. અશરફ ડબાવાલાની એક પ્રયોગશીલ ગઝલગરબીથી વિરમીએ.

લોગઆઉટઃ

માએ મનને ગજાવ્યાં ગઝલગોખમાં રે!
માએ અમને તેડાવ્યા શબદચોકમાં રે!

લાય લોહીમાં જગાવી અલખ નામની ને;
અમને રમતા મેલ્યા છે ગામલોકમાં રે!

મારું ઉપરાણું લઈને આ આવ્યું છે કોણ?
હૈયું છલકે ને હરખ ઊડે છોળમાં રે!

પહોંચું પહોંચું તો ઠેઠના ધામે હું કેમ?
લાગી લાગીને જીવ લાગ્યો પોઠમાં રે!

રહે જાતરા અધૂરીને ને ફળતો જનમ;
એવો મંતર મૂક્યો છે કોણે હોઠમાં રે!

મારે પીડાની મા કેવી હાજરાહજૂર!
કાં તો ડૂમે દેખાય કાં તો પોકમાં રે!

જેની નેજવાના ગઢ ઉપર દેરી બાંધી;
એની ગરબી ગવાય રોમેરોમમાં રે!

– અશરફ ડબાવાલા

આ શ્વાસના કણેકણે તરત મને મળી જજે

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

સ્મરું તને હું જે ક્ષણે તરત મને મળી જજે,
આ શ્વાસના કણેકણે તરત મને મળી જજે.

તું ફ્ક્ત તારા તારણે તરત મને મળી જજે,
ન અન્ય કોઈ કારણે તરત મને મળી જજે.

વિરાટ વિશ્વના ફલક ઉપર ભલે ભમ્યા કરે,
આ બારણે, આ પાંપણે તરત મને મળી જજે.

નિરંતરા નિબિડ અરણ્યમાં તો હું ભૂલો પડું,
આ ફૂલ, છોડ આંગણે તરત મને મળી જજે.

સજા હું આકરી કરું તને કે તું મને કરે,
ખરા અણીના ટાંકણે તરત મને મળી જજે.

~ પંચમ શુક્લ

મનુષ્યજીવન એક યાત્રા છે, જન્મથી લઈને મૃત્યુ સુધીની યાત્રા, અને કદાચ એનાથી પણ આગળની. આ યાત્રા દરમિયાન તે અસંખ્ય લોકોને મળે છે, અસંખ્ય અનુભવો મેળવે છે. પરંતુ જો ખૂબ ઊંડાણથી જોઈએ તો દરેકની એવી ઇચ્છા હોય છે કોઈક તેને અકારણ મળે, કોઈ સ્વાર્થ, નફો-નુકસાનની તમા રાખ્યા વિના મળે. ન કોઈ લાભાર્થે ન તો ફરજરૂપે, કેવળ મિલન, શુદ્ધ મિલન. આવું મિલન જ સોટચના સોના જેવું હોય છે અને તેનું મૂલ્ય સોના કરતા પણ વિશેષ, કેમ કે તે અમૂલ્ય હોય છે.

પરંતુ આજના સમયની મોટી પળોજણ હોય તો એ કે આપણે દરેક સંબંધને તર્કના ટાંકણાથી કોતરીએ છીએ, દરેક મિલનને કારણના બિલોરી કાચથી જોઈએ છીએ. મિત્રતા ફાયદો-ગેરફાયદો જોઈને કરવામાં આવે છે, લગ્ન આર્થિક સધ્ધરતા જોઈને, પ્રેમ ઉપકારભાવથી, અને ભક્તિ પણ માગણી, અપેક્ષા અને અધૂરી ઇચ્છા માટે કરીએ છીએ. પરંતુ ખરું મિલન તો એ છે જેમાં કોઈ કારણ ન હોય, માત્ર ઉપસ્થિતિ જ પર્યાપ્ત હોય. જેમ શ્વાચ્છોશ્વાસમાં વહેતું એક અદૃશ્ય સંગીત, તેના સૂર કોઈ વાદ્યમાંથી નહીં પરંતુ સ્વયં જીવાયેલા જીવનમાંથી ફૂટે છે. આવી પળે મળનાર અને પ્રતીક્ષા કરનાર એકરૂપ થઈ જાય છે. જેમ મીરાં કૃષ્ણમાં ભળી ગઈ, જેમ નરસિંહ કૃષ્ણમિલનમાં રાસ જોતા જોતા હાથ સળગી ઊઠ્યો છતાં લીન રહ્યો! આવી એકરૂપતા જ મિલનનું શિખર હોય છે!

કવિ પંચમ શુક્લએ પોતાની કવિતામાં મિલનનો માળો ગૂંથ્યો છે. એ માળામાં જે ટહુકા સંભળાય છે, તે ટહુકાને કોઈ કારણના ટેકાની જરૂર નથી. કેમકે તેમને પરિણામની ઝંખના નથી. કારણ વિના થતા મિલનથી શ્રેષ્ઠ મિલન કોઈ ન હોઈ શકે.

માણસ વિચારે છે કે તેણે મહાન અને વિરાટ અનુભવોની વાટ પકડીને શિખર પર પહોંચવું જોઈએ. દુનિયામાં સર્વોચ્ચ શિખરે પહોંચીને પોતાના સત્યને આત્મસાત કરવું જોઈએ. પરંતુ સત્ય ત્યાં જ ઊભું હોય છે, જ્યાંથી યાત્રાની શરૂઆત થઈ હોય. પાલો કોએલોની સુંદર નવલકથા છે - અલ્કેમિસ્ટ. તેની મૂળ કથા પણ એ જ, જેની શોધ માટે આખી જિંદગી રઝળ્યા એ તો ત્યાં જ હતું જ્યાંથી શોધ શરૂ કરી. મનોજ ખંડેરિયાએ પણ લખ્યું છે
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને!

અમુક મિલન એવાં જ હોય છે. આપણે જેને મળવા માટે જીવનભર ટળવળતા હોઈએ છીએ, તે આપણી સાથે જ હોય છે. માત્ર આપણને તેની પ્રતિતિ નથી થઈ હોતી, આપણને ખબર નથી હોતી.

કવિ પંચમ શુક્લ શ્વાસના પ્રત્યેક કણે પ્રિયતમને આહ્વાન આપે છે. આ આકર્ષણ દેહનું નથી, હૃદયનું છે. આ એ જ ઝંખના છે જે મીરાંબાઈમાં હતી, ‘પાયો જી મૈને રામ રતન ધન પાયો‘ પ્રેમ કે ભક્તિનું સૌથી શુદ્ધ રૂપ જ એ છે જેમાં કશો સ્વાર્થ ન હોય. મિલન કેવળ મિલન માટે જ હોય. અને આ મિલન માત્ર કોઈ પ્રિય વ્યક્તિની ઝંખના પૂરતું સીમિત નથી, તે પ્રભુને ઉદ્દેશીને પણ છે.

પંચમ શુક્લની કવિતા વાંચીને દરેકને પોતાના હૃદયમાં પાંગરતી મિલનની કૂંપળ ખીલતી દેખાશે. એ કૂંપળની સુગંધ દરેકની પોતાની હશે. મિલનની ઝંખના પણ પોતાની.

પ્રિય પાત્રના મિલન વિશે નિરંજન ભગતે લખેલી કવિતા વાંચવા જેવી છે.

લોગઆઉટઃ

વર્ષોથી આપણે ન મળ્યા, ન કશું કર્યું,
વર્ષોથી આપણે તો માત્ર મૌન જ ધર્યું.
મળ્યાં ત્યારે કેવું મળ્યાં,
વચ્ચે કાળ જાણે થંભ્યો હોય એવું મળ્યાં.
બોલ્યાં ત્યારે કેવું બોલ્યાં,
ક્ષણેકમાં પરસ્પરનાં હ્રદય ખોલ્યાં,
વિરહમાં કેટલું સુખ હોય તે આજે માણ્યું,
મૌન કેવું મુખર હોય તે આજે જાણ્યું.

– નિરંજન ભગત

બોમ્બ વાવવાથી કબર ઊગે છે

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

ઢળતી સાંજે
એક કાશ્મીરી બાળક
ખાલી પેટે
ગયું દોડતું મા પાસે
લઈ હાથમાં લીલી ગ્રેનેડ
હરખે પૂછ્યું
“મા, મા, આ ફળ વાવું તો શું ઊગે?”
અશ્રુભીની આંખે
બાળકના માથે હાથ ફેરવતા
ચીંધી આંગળી
પતિની કબર તરફ !

~ નિલેશ રાણા

અણુબોમ્બના પરિક્ષણ પછી તેના સંશોધક ઓપનહાઇમરે ભગવદગીતાના શબ્દો ઉચ્ચારીને કહ્યું હતું, “હવે હું મૃત્યુ બન્યો છું, જગતનો સંહારક.” અને આ સંહારલીલાનો અનુભવ દુનિયાએ પ્રત્યક્ષ જોયો, બીજા વિશ્વયુદ્ધ વખતે, હિરોશીમા અને નાગાશાકી પર ફેંકાયેલા બોમ્બ દ્વારા. તેની વિનાશક અસરમાંથી આજની તારીખ સુધી જાપાન સંપૂર્ણપણે બહાર આવી શક્યું નથી. બોમ્બની શોધની સાથે જ આપણે વિનાશ તરફની ગતિ શરૂ કરી દીધી હતી. કવિ નિલેશ રાણાએ બાળક અને બોમ્બને સાથે જોડીને યુદ્ધની ભયાનકતાને ખૂબ માર્મિક રીતે વ્યક્ત કરી છે. આ કવિતામાં બાળસહજ વિસ્મય છે અને વિનાશનો ચિત્કાર પણ. બાલિશતા છે અને બર્બરતા પણ.

કવિએ એક કાશ્મીરી બાળકની વાત કરી છે. બાળક ગ્રેનેડ લઈને માતા પાસે જાય છે, અહીં ‘લીલી ગ્રેનેડ’ શબ્દ પર અન્ડરલાઇન કરવા જેવી છે, ગ્રેનેડ લીલી છે, અર્થાત જીવંત છે, તે કોઈ પણ ક્ષણે ફૂટી શકે છે. વળી ગ્રેનેડનો આકાર પણ કોઈ ફળ જેવો હોય છે. બાળક તો વિસ્મય અને જિજ્ઞાસાથી માતાને પૂછે છે કે આ ફળ વાવવાથી શું ઊગે? તેના પ્રશ્નમાં નિર્દોષતા અને બર્બરતા વચ્ચેનો છૂપો પુલ બંધાય છે. માતા બિચારી કશો ઉત્તર આપી શકતી નથી. કેમ કે તે આ ફળથી ઊગતા વિનાશને અનુભવી ચૂકી છે. તે માત્ર આંગળી ચીંધે છે, પતિની કબર તરફ. એ બાળકનો પિતા પણ આવા જ કોઈ બોમ્બનો ભોગ બનેલો. કેવો કરૂણ વિરોધાભાસ.

સંભવ છે કાશ્મીરની કોઈ ઘટના કવિના હૃદયને ધ્રૂજાવી ગઈ હોય, અને તેમણે આ કાવ્ય લખ્યું હોય. પરંતુ આ કવિતા માત્ર કાશ્મીરની નથી. આ તો સમગ્ર માનવજાત સામેનો વેધક પ્રશ્ન છે. આપણાં બાળકો કેવા સમયમાં જીવી રહ્યાં છે? આપણી જિંદગી ટ્રેનના બે પાટા પર ચાલી રહી છે, જેમાંથી એક પર નાવિન્ય છે, આધુનિકતા છે, શોધ અને સંશોધન છે, તો બીજા પાટા પર એ જ નાવિન્યથી ઊભી થતી વિમાસણો છે, આધુનિકતાથી રચાતી અધોગતિ છે. મોબાઇલ, જે આજે સૌથી ઉપયોગી અને હાથવગું સાધન ગણાય છે, એ જ સાધન સૌથી નુકસાનકારક પણ સાબિત થઈ રહ્યું છે. કોઈ પણ શોધની સાઇડ ઇફેક્ટ હોય છે, આપણે તેને અવગણીએ છીએ, અને આ અવગણના જ ક્યારેક વિનાશનું મહાકારણ બને છે.

પરમાણુ શક્તિના વિકાસ માટેની દુનિયાની દોડ પણ છેવટે તો મહાવિનાશ તરફની ગતિ છે. તે ભયને ઉછેરી રહ્યા છે. જેવો બોમ્બનો ઉપયોગ થાય કે તરત ભયના છોડ પર મૃત્યુના ફળ ઊગી નીકળે છે.

ગુજરાતીમાં કહેવત છે — જેવું વાવો તેવું લણો, અન્ન તેવો ઓડકાર. તમે બાવળ વાવીને કેરીની આશા ન રાખી શકો. પરંતુ વિચિત્ર વાત એ છે કે આ સમયમાં આપણે યુદ્ધની વાવણી કરીએ છીએ અને શાંતિનો પાક લણવાની આશા રાખીએ છીએ. વિશ્વના નેતાઓમાં શાંતિદૂત થવાની હોડ છે, અને તે યુદ્ધના માર્ગ પર ચાલીને! આ જ તો વિમાસણ છે આજની.

બાળકના હાથમાં નાની કેરી, સફરજન કે જામફળ જેવાં ફળ શોભે છે, પણ અહીં તો ગ્રેનેડ છે. આ વિરોધાભાસ એ જ આજની દુનિયાનું દર્પણ છે. એ કાશ્મીર હોય કે પેલેસ્ટાઇન, યુક્રેન હોય કે આફ્રિકા, અમેરિકા હોય કે અમદાવાદ, ગાઝા હોય કે દિલ્હી, જ્યાં બોમ્બની વાવણી થાય ત્યાં કબરોનો મોલ ફાલે છે. શાંતિની આશાથી વિનાશી શસ્ત્ર વપરાય ત્યાં શાંતિ નહીં, સન્નાટો ઊગે છે. તેને રક્તની ધારાઓ અને લાશોનું ખાતર પોષણ પૂરું પાડે છે.

1961માં જ્યારે શીતયુદ્ધની ચરમ સીમાએ હતું ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જે.એફ. કેનેડીએ યુનાઇટેડ નેશનના એક ભાષણમાં જે વાત કહી હતી તેની સાથે વિરમીએ.

લોગઆઉટઃ

માનવજાતે યુદ્ધનો અંંત લાવવો પડશે, નહીંતર યુદ્ધ માનવજાતનો અંત લાવશે.
- જે. એફ. કેનેડી

સ્ત્રી સ્ત્રી સિવાય બધું જ છે

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

સ્ત્રી દેવી છે સ્ત્રી માતા છે સ્ત્રી દુહિતા છે
સ્ત્રી ભગિની છે સ્ત્રી પ્રેયસી છે સ્ત્રી પત્ની છે

સ્ત્રી ત્યાગમૂર્તિ છે સ્ત્રી અબળા છે
સ્ત્રી સબળા છે સ્ત્રી શક્તિ છે સ્ત્રી નારાયણી છે

સ્ત્રી નરકની ખાણ છે સ્ત્રી પ્રેરણામૂર્તિ છે
સ્ત્રી રહસ્યમયી છે સ્ત્રી દયાળુ
માયાળુ પ્રેમાળ છે સ્ત્રી સહનશીલ છે
સ્ત્રી લાગણીપ્રધાન છે સ્ત્રી ડાકણ છે
સ્ત્રી ચુડેલ છે સ્ત્રી પૂતના છે સ્ત્રી
કુબ્જા છે સ્ત્રી મંથરા છે સ્ત્રી સીતા
ને સાવિત્રી છે સ્ત્રી…
સ્ત્રી સ્ત્રી સિવાય બધું જ છે
સ્ત્રી મનુષ્ય સિવાય બધું જ છે.

– જયા મહેતા

એક ખૂણે રહીને કવિતાનું સૂતર કાંત્યા કરતા સર્જક, અન્ય ભાષાની કવિતાને ગુજરાતીમાં અવતારનાર લેખિકા જયા મહેતા હવે આપણી વચ્ચે નથી. તેમનું સર્જન ઓછું છે, પણ જેટલું છે — ઊંડું અને અર્થસભર છે. ઉપરોક્ત કવિતામાં તેમણે સ્ત્રીની વ્યથાની વણી લીધી છે, અને આ વ્યથા કોઈ એક સમયની નથી.

સ્ત્રી — ક્યારેક દેવી, ક્યારેક દાસી, ક્યારેક દુહિતા, ક્યારેક દુર્ગા, ક્યારેક ભગિની ક્યારેક ભીખારી. અસંખ્ય ઉપાધિઓની આંધીમાં તેનું મૂળ સ્ત્રીત્વ ફાટેલા વસ્ત્રના ચીંથડાની જેમ ઊડ્યા કરે છે. સમાજે સ્ત્રીને પ્રતીકોથી પોંખી, સંજ્ઞાઓથી શણગારી, પરંતુ મનુષ્ય તરીકે જોવાની દુર્લભ દૃષ્ટિ ન વિકસાવી. જયા મહેતાએ એ જ પીડાને વાચા આપવા પ્રયત્ન કર્યો છે.

સ્ત્રીને દેવી કહીને દેરીમાં બેસાડી દેવી કે ડાકણ કહીને દૂર હડસેલી દેવી, બંને સ્થિતિમાં એક જ દંભ કામ કરે છે, સ્ત્રીને માણસમાંથી મિથકમાં ફેરવી નાખવાનો દંભ. જ્યારે પણ સામાજિક મૂલ્યોની વહેંચણી કરવામાં આવે છે ત્યારે સ્ત્રીના ભાગે આવે છે — પરંપરાના નામે પીડા, ધર્મના નામે ધુત્કાર, અને પરિવારવાદના નામે પરિશ્રમ. ચૂલાથી લઈને ચોક સુધીનાં કર્તવ્યો ચુપચાપ સ્ત્રીના પાલવમાં બાંધી દેવામાં આવે છે, અને તેનાથી મળતો યશ પુરુષના મુગટમાં મૂકાય છે. સ્ત્રીઓને મળતું સન્માન પણ અમુક અદૃશ્ય સાંકળોથી બંધાયેલું હોય છે. સન્માન એટલે? બસ, ત્યાગનો કાંટાળો તાજ પહેરાવીને અધિકારોની ટોપી ઉતારી લો. થઈ ગયું સન્માન! નારીના અભ્યાસક્રમમાં એવું પુસ્તક ગોઠવી દેવામાં આવ્યું છે, જેમાં કર્તવ્યોના પાંનાં અસંખ્ય છે, અધિકારનાં અમુક જ.

નીચું મોં રાખીને ચાલતી, કહ્યું માનતી, ઘરને અઢળક પરિશ્રમપૂર્વક સજાવતી નારીને આપણે સંસ્કારી કહીએ છીએ, પણ એ જ સ્ત્રી જ્યારે સમાજના નિર્ધારિત કરેલા ચીલે ચાલવાનું છોડી પોતાનું આગવું પગલું ભરવાની પહેલ કરે તો સમાજ તેને અસંસ્કારી, ઉદંડ કહીને ધિક્કારે છે. ઘણી વાર, ઘણા સ્થાને સ્ત્રીઓને આઝાદી મળે છે – મૂલ્યોની, વિચારોની, વાણીની, વર્તનની, અભિવ્યક્તિની. પણ તેનો અર્થ એ નથી કે આખું આકાશ મળી ગયું. તે આઝાદીનો અર્થ એ જ છે કે પીંજરું મોટું કરવામાં આવ્યુંં. જેથી તે પાંખો ફેલાવીને સમાજે પીંજરાની જે સાઇઝ નક્કી કરી છે, ત્યાં સુધી ઊડી શકે.

ફિલ્મમાં એકલી સ્ત્રી ફરવા નીકળી પડે, ગમતા પાત્ર સાથે ગીતો ગાય, સમાજ વિરુદ્ધ ક્રાંતિ કરે એ બધું જોવાનું ગમે છે. તેને બે હાથે વધાવીએ છીએ, પણ ફિલ્મમાં બનતી એ જ ઘટનાઓ આસપાસ બને ત્યારે જે હાથ હરખથી તાળીઓ પાડતા હતા, એ બેડીનું રૂપ ધારણ કરી લે છે.

ચંદ્રકાન્ત બક્ષીએ એક લેખમાં કહેલું, સ્ત્રીને પાળી શકાય છે, તેની માટે ચાબૂક કે લગામની જરૂર નથી. કેટલું કડવું સત્ય! ઘણી વાર સંસ્કાર, રૂઢી, પરંપરા, રીતરિવાજ, માનમર્યાદા, આ બધા જ એક રીતે ચાબૂક અને લગામની ભૂમિકા ભજવતા હોય છે. જયા મહેતાની કવિતા વાંચી સમાજમાં સ્ત્રીત્વનું તેજ ક્યાં ક્યાં ઢંકાય છે, તેની જે પ્રતિતિ થઈ તેને મારી રીતે લખવા પ્રયત્ન કર્યો છે. તેમણે અનુવાદ કરેલી ઊડિયા ભાષાની કવયિત્રીની કવિતા પણ વાંચવા જેવી છે.

લોગઆઉટઃ

આપણાં લગ્ન પહેલા તમે કોઈને પ્રેમ કર્યો હોય
અને એની સ્મૃતિ હજીયે સળગતી હોય
અથવા
મારી આત્મીયતા છતાંયે
કોઈ આવો ઉન્મત્ત મોહ
મેઘધનુષ રચતો હોય તમારા હૃદયમાં
તોયે
એ કારણે હું દુઃખી નથી થતી
મારી ફક્ત એક જ વિનંતી છે –
એ વાત છૂપી રાખજો
તમારામાં મને વિશ્વાસ છે તે અતૂટ રહેવા દેજો
(નકામું કુતૂહલ એટલે મૃત્યુ.)

હીરામોતી નીલમની આ સોનેરી દુનિયાની
હું રાણી છું.
માંદી માનસિકતા, વિકૃત ફેંસલા, નકામી શંકાઓથી
મારે શા માટે મારા શાંત અને નિ:શંક મનમાં આગ લગાડવી?
તમે મને ખૂબ ચાહો છો –
કોઈએય કદી આટલી તીવ્રતાથી પ્રેમ કર્યો છે?

ભયાનક પાપ આચર્યા પછી
મધરાતે ઘરે પાછા આવો ત્યારે
કહેજો મને કે તમે બેઠાં હતા
‘રામાયણ’ સંભાળતા.

– બ્રહ્મોત્રી મોહંતી, (અનુવાદ: જયા મહેતા)

એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.

ને, ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.

એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.

કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.

– મુકેશ જોશી

દરેક પુરુષમાં છૂપું માધવપણું મોજુદ હોય છે, દરેક સ્ત્રીમાં રાધા. પ્રણયની અમુક ઊર્મિમય ક્ષણોમાં એ જીવંત થઈ જાય છે. ચોમાસું આવી જ એક ઊર્મિસભર ઋતુ છે. ભીતરના સૂનકારને ભીનાશ અર્પવાની ઋતુ. વરસાદનું પહેલું જળબિંધુ ધરાને સ્પર્શે તો લાગે ઉજ્જડતામાં અમી ઊભરાયું. એ અમી એટલે રાધા. પણ હૃદયની ભૂમિ દુષ્કાળ વેઠતા ખેડૂતના ખેતર જેવી હોય છે. જ્યારે ખૂબ જરૂર હોય ત્યારે જ વરસાદ ન પડે, અને માંહ્યલાનો મોલ સૂકાઈ જાય. ત્યારે બહારનો ધોધમાર વરસાદ પણ અંદર કશું ઊગવી શકતો નથી. ભીતરનો આ દુષ્કાળ અસમંજસ, દ્વિદ્ધા અને પરિસ્થિતિમાંથી ઊભો થયો હોય છે. અનેક ચોમાસામાં ચાર આંખે વરસાદને નિહાળ્યા બાદ રાતોરાત રોશની જતી રહી હોય તેમ આંખો અંધકારમય થઈ જાય છે. તેનું કારણ — આપણી અંદરના કૃષ્ણએ ગોકુળ છોડીને મથુરા તરફ ગતિ કરી હોય છે.

મુકેશ જોશી મર્માળુ કવિ છે. તે વાત તો રાધા-કૃષ્ણની કરે છે, પણ તે વાત માત્ર મહાકથાના આ બે ઉન્નત પાત્રો પૂરતી મર્યાદિત નથી, તે તો મારી, તમારી, આપણા સૌની વાત કરી રહ્યા છે. કૃષ્ણ તો ભાતરવર્ષની ભૂમિ પર જીવંત થઈને અદૃશ્ય થઈ ગયા, રાધા વિલુપ્ત થઈ ગઈ. હવે ક્યાંથી એ સુદર્શન, એ શંખ, એ વાંસળી, એ પ્રેમ, એ ગોકુળ, એ વિરહ, એ મથુરા. આ બધું કહીને કવિ આપણી અંદરના ઉર્મિમય જગતને વ્યક્ત કરે છે — રાધાકૃષ્ણના માધ્યમથી. એક રાતે કૃષ્ણમાંથી રાધા બાદ થાય છે, તે રાધા આપણી પોતાની છે.

સુદર્શનની જેમ આપણે સમયને કાપતા રહીએ, પરિસ્થિતિના પીંડમાં બંધાઈને રાત-દિવસ નામના ચાકડે ચડતા રહીએ છીએ. વિરહનું ચક્ર સુદર્શન કરતા વધારે તીવ્ર અને ધારદાર હોય છે. કરૂણ વાત એ કે તે અંદરથી ભેદે છે. અંદર ઊગતી ઊર્મિઓના માથા છેદી નાખે છે. બાહ્ય રીતે આનંદિત લાગતો માણસ કોના વિરહથી પીડાતો હશે, તો તે માત્ર તેનું હૈયું કહી શકે.

કૃષ્ણ અને રાધાના પ્રણયને વ્યક્ત કરતું સંગીતમય શાસ્ત્ર એટલે વાંસળી. એ પ્રતીક છે, પ્રેમનું. સૂર કાનમાં રેલાય અને હૃદયભાવ આપોઆપ ખીલી ઊઠે. ચરણ દોડી ઊઠે એ દિશામાં જ્યાં કૃષ્ણ હોય. આજના કૃષ્ણ પાસે પણ વાંસળી છે, પણ એ વાંસની બનેલી, કાણાવાળી, સૂર છેડતી ભૈતિક પ્રતિકૃતિ જ હોય તેવું સંભવ નથી. દરેકની પોતાની બંસરી હોય છે. સંજોગનું ચક્ર ફરે અને પ્રિયજનથી અલગ થવું પડે ત્યારે પેલા વાંસળી જેવાં અનેક પ્રતિકો રહી રહીને પ્રિયતમની વાતો મનમાં જગાવ્યા કરે છે, તેની છબિ આંખ સામે લાવ્યા કરે છે, આ વાંસળીમય પ્રતિકો કોઈ પત્ર રૂપે હોઈ શકે, ફોનમાં પડેલી જૂની ચેટ હોઈ શકે. કોઈ ખાસ દિવસે મળેલી ભેટ પણ હોઈ શકે. એ બધી વસ્તુઓ જોતાની સાથે પ્રિય વ્યક્તિ આપોઆપ દેખાઈ જાય — આંખો મીંચો તો પણ. ત્યારે વાંસળી જેવાં તમામ પ્રતીકોથી દૂર થઈને શંખ જેમ ફૂંકાવું પડે છે. પરિસ્થિતિ સામે યુદ્ધે ચડવું પડે છે.

દરેકની અંદર મોટી ગેલેક્સી છે. તેની અંદર સેંકડો ઇચ્છાના તારાઓ ઝળહળે છે. પરંતુ કોઈ ખાસ વ્યક્તિની ગેરહાજરી અંદરના બ્રહ્માંડની બોલતી બંધ કરી દે છે. તે સતત એક ગમતા સિતારાની ઝંખના કરે છે, તેની રોશનીથી પ્રકાશિત થવાની કામના રાખે છે. પ્રિય વ્યક્તિના પ્રણયનો મૌન નાદ અંદરના આકાશમાં નિરંતર પડઘાયા કરે છે. બહારનું જગત તેને સાંભળે ન સાંભળે, અંદરની ઊર્જા સતત તે સાદને સાંભળતી રહે છે.

રાધા માત્ર એક પાત્ર નથી. સમય પર ચિતરાયેલી સ્મૃતિ છે, વિરહની વ્યાખ્યા છે અને મિલનની ઝંખના પણ. રાધા એ પ્રણયના રંગમાં ડૂબેલા વ્યક્તિઓ માટે એક ઋતુ છે, જે માત્ર તેમના હૃદયમાં જ આવે છે, જે પોતે વસંત બની ચૂક્યા હોય. રાધા એ શ્વાસમાં સંભળાતી વાંસળી છે, એવા શ્વાસ જે સહૃદયતાનું સરનામું ચીંધતા હોય. કૃષ્ણનું જીવનફલક અત્યંત વિશાળ છે, ગોકુળ, મથુરા, દ્વારકા — બધે તેમની મહાગાથા પથરાયેલી છે, પરંતુ એ મહાકથાનું કોઈ રંગીન અને હૃદયછલોછલ પાનું હોય તો તેનું નામ રાધા છે. કૃષ્ણને સમજવા માટે તેમના રણક્ષેત્રના યુદ્ધો નહીં, હૃદયભૂમિ પર જીતાયેલા સંગ્રામ જાણવા જોઈએ. રાધા એવા જ એક મધુરા સંગ્રામનું નામ છે. રાધા એ કૃષ્ણના પ્રણયભાવનો અનુવાદ છે.

લોગઆઉટઃ

દ્વારકામાં કોઇ તને પૂછશે કે,
કાના ઓલી ગોકુળમાં કોણ હતી રાધા?
તો શું રે જવાબ દઇશ માધા?
- ઈશુભાઈ ગઢવી

માટીનું એક સ્વપ્ન જે તૂટી ગયું હતું

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

જે તર્કની દીવાલને પણ પાર થઈ ગયા,
તે ચારપાંચ યાદના તહેવાર થઈ ગયા

માટીનું એક સ્વપ્ન જે તૂટી ગયું હતું,
જેને બતાવ્યું એ બધા કુંભાર થઈ ગયા

મારા સહજ સ્વીકારનો આ ફેરફાર છે,
જે દાગ લાગતા હતા, શણગાર થઈ ગયા

જે અણબનાવ આંખને પૂરા પચ્યા નહીં,
તે દ્રશ્ય એક બંડના આધાર થઈ ગયા

મારા સ્વભાવનું મને એવું વ્યસન થયું,
આવ્યા નવા વિચાર તો, પડકાર થઈ ગયા

વચ્ચેથી વહેમના બધા પડદા હટી ગયા
પ્રશ્નો હતા બધા જ તે ઉદગાર થઈ ગયા

- વિશાલ દેસાઈ

માનવજાતનો ઇતિહાસ જોતા સમજાય છે કે દરેક ક્રાંતિ, દરેક શોધ, દરેક પરિવર્તન કોઈ એક માણસના હિંમતભર્યા તર્કનું પરિણામ છે. કોપર્નિકસે જ્યારે કહ્યું કે, પૃથ્વી કેન્દ્રમાં નથી, સૂર્ય કેન્દ્રમાં છે, ત્યારે તે માત્ર વૈજ્ઞાનિક તથ્ય નહોતું; તે માનવમનના બંધાઈ ગયેલા તર્કની દીવાલને તોડવાનો પ્રયત્ન હતો. સૃષ્ટિના સત્યને નવા તર્કપૂર્વક સમજવાની મથામણ હતી. હકીકતમાં તો મથામણો જ મહેક વેરતી હોય છે. પુષ્પ પણ પીસાય ત્યારે વધારે સુગંધ વેરે, પથ્થર ઘસાયા વિના મૂલ્યવાન હીરો ન થઈ શકે. સત્ય ઘણીવાર આપણી માન્યતાઓના ખડકામાં બંધાયેલું રહે છે, ખડક તોડવો જરૂરી હોય છે. એને તોડવા માટે જરૂરી છે અજોડ ધૈર્ય. એ ધૈર્ય ક્યારેક કલાકોનું હોય, દિવસોનું, મહિનાનું, વર્ષોનું કે જન્મોનું પણ હોય. રૂઢ થઈ ગયેલી તર્કની દીવાલને તોડીને પોતાનો ચીલા ચાતરનાર ઉત્સવ થઈ ઊજવાતા હોય છે.

આપણો સમાજ એક અજોડ વલણ ધરાવે છે: કોઈકનું દુઃખ જાણતાંની સાથે જ્ઞાનવંત થઈ જાય છે. એ સાંભળવા કરતાં સુધારવામાં પડી જાય છે, એ પણ માત્ર ઠાલા શબ્દોથી, પ્રેક્ટિકલી નહીં. દુઃખી વ્યક્તિ માટે સૌથી મોટી રાહત એ છે કે કોઈ એને શાંતિથી સાંભળે. કોઈ ટિકાટિપ્પણી કે ખણખોદ વિના સાંભળે. પણ આ સરળ લાગતું કાર્ય ઘણા લોકો માટે ખૂબ મુશ્કેલ છે. તમે કોઈને તમારી વ્યથા કહો કે મારે તો આમ થયું, તો તરત જ એ સામે કહશે અરે તારે તો કંઈ નથી, એક વાર તો મારે આમ થયું, પછી તેમ થયું, પછી ફલાણું, પછી ઢીંકણું. લોકોને પાતાનાં ફલાણાં અને ઢીંકણાં જ રસ છે, અન્યનાં નહીં. અમુકને તમારી વ્યથા સંભળાવો તો તરત જ કહે કે, ભલા માણસ આવું કરાતું હશે? તેમ કરો તો પછી આમ જ થાયને, તમારે મને પહેલા કહેવું જોઈતું હતુંને, હવે શું?

તમારા માટીના તૂટેલાંં સપનાને લઈને કોઈકની પાસે જશો એટલે બધા એક્સપર્ટ કુંભારની જેમ તમારી સામે વર્તશે. માટી કઈ રીતે ખુંદવી, પીંડ કઈ રીતે ચાકડા પર મૂકવો, વાસણને આકાર કેમનો આપવો — અથથી ઇતિ તમને સંભળાવશે. એમાં પણ જોકે ઊંડે ઊંડે તમને મદદ કરવાની ભાવના કરતા, પોતે કેટલા અનુભવી અને જ્ઞાની છે, તે દર્શાવવાની સુષુપ્ત ખેવના વધારે હોય છે. અમુક તો ચોવીસે કલાક સલાહની શરણાઈ લઈને જ બેઠા હોય છે, તમે કશુંક બોલ્યા નથી કે ફૂંક મારીને પીપુડી ચાલુ કરી નથી.

તમે તૂટેલા વસ્ત્ર જેવા હશો, તો દુનિયા સોઈદોરો બનીને તમારી સિલાઈ નહીં કરે. દુનિયા તો તમારી ફાટેલી જગ્યા પર વારંવાર આંગળી ચીંધીને દેખાડશે કે, “જુઓ, અહીં તૂટ્યું છે, જુઓ ત્યાં ફાટ્યું છે.” આપણને બીજાનાં દુઃખોની ટિકા કરવી, તેની પર આંગળી ચીંધવી, બધાનું ધ્યાન તેના પર જાય તેવું કરવું હંમેશા ગમે છે. એમાં એક પ્રકારનો છુપો માનસિક આનંદ મળે છે, શરત માત્ર એટલી જ છે કે તે દુઃખ બીજાનું હોવું જોઈએ.

ઘણા અભાવનું કારણ અસ્વીકાર હોય છે. પોતાની પરિસ્થિતિને પૂર્ણપણે સ્વીકારી ન શકવાથી ઊભી થતી મુૂંઝવણો માથા પરનો મોટો બોજ લાગે છે. અરેરે આવું ક્યાં થઈ ગયું, મેં આમ નહોતું ધાર્યું. બધાને કેવું છે અને મારે કેવું. પહેલા કેવું હતું અને હવે કેવું છે. આપણે આપણા જ ભૂતકાળ સાથે પોતાને સરખાવીને દુઃખી થઈએ છીએ, એમ કરતાં પણ દુઃખ ન ઉદ્ભવે તો આપણાથી વધારે સુખી લાગતા માણસો સાથે સરખાવીને દુઃખ ઊભું કરીએ છીએ. દુઃખી થયા વિના આપણને ચાલતું નથી. અને દુઃખનું મોટું કારણ હોય છે — અસ્વીકાર. પોતે જે હોય છે, તેનો અસ્વીકાર કરીને જે નથી તે હોવાની ધારણા કરવી.

વિશાલ દેસાઈએ જીવનની કેટલીક મૂલ્યવાન વાતોને પોતાની ગઝલના ચાકડે ચડાવીને સરસ પીંડ બાંધ્યો છે. અચ્છા ગઝલકારની આ જ તો ખૂબી છે, સીધું કહેવાને બદલે અંગુલીનિર્દેશ કરે.

લોગઆઉટઃ

રિયો સભાનતાની અવસ્થા નજીક છે
ભરતી ને ઓટ બેઉમાં અંતર જરીક છે

લાચાર આંખ રાહ જુએ છે વળાંકની,
કિરદારનો જે અંત એ પડદાની બીક છે

મારી ગુલામ આંખ એ સ્વીકારશે નહીં,
નહીંતર તમામ તારા ઈશારા સટીક છે

ઉભરાઈ તો રહ્યું છે છલોછલ નથી થયું
આ તારા ભાવ પાત્રનો ઉભરો ઘડીક છે

હું કેમ કેમ કેમ સતત પૂછતો રહ્યો
તારા ગયાના દર્દ ઘણા દાર્શનિક છે

- વિશાલ દેસાઈ

દેશ તો આઝાદ થાતાં થઈ ગયો, તેં શું કર્યું?

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

દેશ તો આઝાદ થાતાં થઈ ગયો, તેં શું કર્યું?
દેશ જો બરબાદ થાતાં રહી ગયો,
એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું?
‘લાંચ રુશ્વત, ઢીલ, સત્તાદોર, મામામાશીના,
કાળાં બજારો, મોંઘવારી : ના સીમા!’
રોષથી સૌ દોષ ગોખ્યા,
ગાળથી બીજાને પોંખ્યા.
આળ પોતાને શિર આવે ન, જો! તેં શું કર્યું?
આપબળ ખર્ચ્યું પૂરણ? જો, દેશના આ ભાગ્યમાં તેં શું ભર્યું?
સ્વાતંત્ર્યની કિંમત ચૂકવવી હર પળે;
સ્વાતંત્ર્યના ગઢકાંગરા : કરવત ગળે.
ગાફેલ, થા હુશિયાર ! તું દિનરાત નિજ સૌભાગ્યને શું નિંદશે?
શી સ્વર્ગદુર્લભ મૃત્તિકાનો પુણ્યમય તુજ પિંડ છે!
હર એક હિંદી હિંદ છે,
હર એક હિંદી હિંદની છે જિંદગી.
હો હિંદ સુરભિત ફુલ્લદલ અરવિંદ : એ સ્વાતંત્ર્ય દિનની બંદગી.

- ઉમાશંકર જોશી

પંદરમી ઓગસ્ટ આવી, દેશનો સ્વતંત્રતાદિન ઊજવ્યો, ઝંડાઓ ફરક્યા, અને વાત પૂરી. એક દિવસનો દેશપ્રેમ સાંજ પડતા છાંપાં માફક પસ્તી થઈ જાય છે. આઝાદી પાછળ ખર્ચાયેલી સેંકડો કુરબાનીઓ ભૂલવામાં આપણે એક દિવસ પણ નથી લગાડતા. સવારે ગર્વથી ઊંચકેલો ઝંડો સાંજે ફૂટપાથ પર રઝળતો હોય છે. પ્રભાતે ગવાયેલું શૌર્યગાન સાંજે ક્યાંય હવામાં છૂમંતર થઈ જાય છે. આઝાદીનો અર્થ અંગ્રેજો પાસેથી મેળવેલી સ્વતંત્રતા નથી, હવે આપણે આપણી બદીઓમાંથી પણ બહાર આવવાનું છે. કવિ ઉમાશંકર જોશીએ ખૂબ ગંભીર પ્રશ્ન પૂછ્યો છે- દેશ તો આઝાદ થત થઈ ગયો, તેં શું કર્યું? વર્ષો પહેલાં લખેલી આ કવિતા આજે પણ એટલી જ સાંપ્રત છે. દેશની સ્વતંત્રતા માટે જેમણે જીવન ખર્ચવાનુંં હતું, ખર્ચી નાખ્યું, પણ હવે આપણી જવાબદારી શું? ઉમાશંકર જોશી આપણી જવાબદારી તરફ આંગળી ચીંધે છે. તેમની આ રચના માત્ર સ્વાતંત્ર્ય દિવસના ઉત્સવની ઔપચારિક વધામણી નથી, આપણને હચમચાવતો એક પ્રશ્ન છે. તેઓ આપણે યાદ અપાવે છે કે સ્વાતંત્ર્ય ફક્ત એક ઐતિહાસિક ઘટના નથી, પરંતુ સતત વહેતો પ્રવાહ છે, જેને સ્વચ્છ, નિર્મળ અને પ્રબળ રાખવાની જવાબદારી દરેક પેઢીના ખભા પર છે.

સ્વાતંત્રતા અનેક પેઢીઓનાં લોહી, આંસુ, બલિદાન અને ત્યાગથી મળેલું પુણ્ય છે. એ પુણ્યને જાળવવામાં આપણે નિષ્ફળ જઈએ, તો આઝાદીનો અર્થ કશો રહેતો નથી. સ્વાતંત્ર્ય એક પવિત્ર વારસો છે, તેને વેડફવાનો અર્થ એ જ છે કે આપણે એ અમૂલ્ય ભેટને, જેની માટે હજારો શહીદોએ પોતાનો જીવ આપ્યો, તેને બેફિકરાઈમાં વેડફીએ છીએ. રાજકીય સ્વાતંત્ર્ય પછીનો સૌથી મોટો સંઘર્ષ આંતરિક છે—ભ્રષ્ટાચાર, અનૈતિકતા, જાતિવાદ, કોમવાદ, ધાર્મિક વૈમનસ્ય, લાંચ, રુશ્વત, સત્તાનો દુરુપયોગ અને સામાજિક અસમાનતાના સામેનો સંધર્ષ. આ બધા દુર્ગુણો આપણી વ્યવસ્થામાં ઘુસી ગયેલું વિષ છે. આ વિષ સ્વતંત્રતા પછી આપણે જ ઊભું કરેલું છે, તેને ડામવા માટે બહારથી કોઈ નથી આવવાનું.

આઝાદી પછી આપણે ભ્રષ્ટાચાર, કોમવાદ અને ધર્મવાદ જેવા વિવિધ વાદોના ગુલામ બની ગયા છીએ. આ વૈમનસ્ય આપણે જ ઊભું કર્યું છે, આ ગુલામીમાંથી પણ છૂટવું જોઈએ.

આપણામાંના મોટા ભાગના લોકો પોતાની ભૂલ સ્વીકારવા કરતા બીજાના ખામીઓ પર આંગળી ચીંધવાનું કામ વધારે કરે છે. રસ્તામાં જ્યાં ત્યાં કચરો ન ફેંકવો, ઊંચનીચ અને જાતિવાદથી પર થવું, એ પણ સ્વતંત્ર ભારતને ઘડવામાં આપણે આપેલુંં આપણુંં વ્યક્તિગત યોગદાન છે. દરેક નાગરિક પાસે શિક્ષણનું, શ્રમનું, કુશળતાનું, કે સત્ય બોલવાની હિંમતનું બળ છે. એ બળનો ઉપયોગ કરીને આપણે સ્વતંત્ર ભારતને વધારે સજ્જ બનાવવામાં નિમિત્ત બની શકીએ. સ્વાતંત્ર્યની સુરક્ષા એ કોઈ એક દિવસનું કામ નથી, દરરોજની જવાબદારી છે. આઝાદી આપણા પૂર્વજોના મહાન ત્યાગ અને બલિદાનનું પરિણામ છે, એ બલિદાનને જો સરખી રીતે સમજી નહીં શકીએ તો રક્ષણ કેવી રીતે કરીશું? આપણે સમજવું પડશે કે કોઈ હિન્દુ નથી કોઈ મુસ્લિમ નથી, કોઈ દલિત નથી, કોઈ સવર્ણ નથી, સર્વ એકસમાન છે, દરેક ભારતીય પોતે જ એક ભારત છે.

ઉમાશંકર જોશીની કવિતા દેશ પ્રત્યેની જવાબદારીનો નૈતિક દસ્તાવેજ છે. તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે સ્વાતંત્ર્યના ઉત્સવમાં ફક્ત ધ્વજ ફરકાવવો, ભાષણ આપવું કે ગીત ગાવું પૂરતું નથી. સ્વાતંત્ર્યનું સાચું સન્માન એ છે કે આપણે દૈનિક જીવનમાં પ્રામાણિકતા, શ્રમ, ન્યાય, પરસ્પર સન્માન અને સામૂહિક હિત માટે તત્પર રહીએ. નાગરિક તરીકેની ફરજો બજાવ્યા વિના સ્વાતંત્ર્યનાં સપનાંઓ માત્ર ઉપલક વાતો બનીને રહી જશે.

લોગઆઉટઃ

હું ગુલામ?
સૃષ્ટિ–બાગનું અતૂલ ફૂલ માનવી ગુલામ?

સ્વચ્છંદ પંખી ઊડતાં, સ્વતંત્ર પુષ્પ ખીલતાં
હલાવતાં સુડાળ ઝાડ, ના કહેતું કોઈ ના;

સરે સરિત નિર્મળા, નિરંકુશે ઝરે ઝરા;
વહે સુમંદ નર્તનો, ન કોઈ હાથ દેતું ત્યાં;

સિંધુ ઘૂઘવે કરાળ. ઊછળે તરંગમાળ,
ગાન કોઈ રોકતું ન, નિત્ય ગીત ગાજતા;

સ્વતંત્ર પ્રકૃતિ તમામ,
એક માનવી જ કાં ગુલામ?

- ઉમાશંકર જોશી