આમ તો ગીતા એ કેવળ ચોપડી છે

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

છે બધું નિર્ભર તમારા માનવા પર,
આમ તો ગીતા એ કેવળ ચોપડી છે.
— મકરંદ મુશળે

ઉપરનો શેર વાંચતાની સાથે જ જલન માતરીનો અમર શેર યાદ આવી જાય-
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી.

આપણે વાવેવાતે પુરાવા અને કારણોની પડપૂછ કરનારા માણસો છીએ. કંઈ પણ થાય તો આ આમ કેમ, પેલું તેમ કેમ? ઊંડી શ્રદ્ધાના સૂર આપણને બોદા સંભળાય છે. આપણી આસપાસ કહેવાતા બાબાઓ, સંતોએ એટલી બધી માયાજાળ પાથરી છે કે ખરા શ્રદ્ધાળુ પણ સૂકા જોડે લીલું બળે તેમ બળી જાય છે.

ગીતા, કુરાન, બાઈબલ આ ગ્રંથો આપણી શ્રદ્ધાના દીવડા છે. મકરંદ મુશળેએ બે જ પંક્તિમાં કેટલી મોટી વાત કરી દીધી છે! શ્રદ્ધાનો દીવો પેટાવતી વખતે અંધશ્રદ્ધાના વાવાઝોડાનો ભોગ બનવું પડે છે. તમે માનો તો છે, નથી માનતા તો નથી. જેમ અંધકારમાં ઊભેલું નાનું ઝાડ કોઈ માણસ હોવાની ભ્રાંતિ ઊભી કરી શકે. કાળરાત્રીએ પવનમાં હલતી ડાળી સાપ હોવાનો ભ્રમ ઊભો કરી શકે. આપણે ભ્રમને સત્ય અને સત્યને ભ્રમ માનવા ટેવાયેલા છીએ. કવિ માનવમનની આ ટેવ બહુ સારી રીતે જાણે છે. તે એમ નથી કહેતા કે આ ગ્રંથમાં જે છે તે સત્ય છે, તે તો વાંચનાર પર છોડે છે, ખરા કવિની એ જ નિશાની હોય છે કે તે પોતાની વાત સાચી ઠેરવવા કારણોનાં ખડકલાં ન કરે.

ચોપડી એ જ, શબ્દો એ જ, છતાં એક માણસ માટે એ જીવનદીપ બની જાય, તો બીજા માટે માત્ર કાગળનો ઢગલો. કેમ? કેમકે પુસ્તકમાં શક્તિ નથી, શક્તિ તો આપણા વિશ્વાસમાં છે. ગીતા એક દર્પણ છે, જેમાં આપણે આપણું જ પ્રતિબિંબ જોઈએ છીએ. જો આપણાં અંતરમાં શંકા હોય, તો ગીતા પણ શંકાસ્પદ લાગે. જો શ્રદ્ધા હોય, તો એ જ ચોપડી ઈશ્વરનો અવાજ બની જાય.

જિંદગી જમીન જેવી છે, શ્રદ્ધા બીજ સમાન અને ગીતા જેવા પવિત્ર ગ્રંથો વરસાદ જેવા. જિંદગીની જમીનમાં શ્રદ્ધાનું બીજ વાવીએ જ નહીં તો ગમે તેટલો વરસાદ ખાબકે, કશું અંકૂરવાનું નથી. કશું ફૂટવાનું નથી. જ્યાં શંકાનો ખાર જામ્યો હોય ત્યાં ગમે તેટલી ખેતી કરો — બધું નકામું.

આ વાત માત્ર ધાર્મિક ગ્રંથો સુધી મર્યાદિત નથી. જીવનના દરેક ક્ષેત્રમાં શ્રદ્ધાનું સત્ય કામ કરે છે. એક શિક્ષક માટે જ્ઞાન જાદુઈ છડીનું કામ કરે છે, તેને શિક્ષણમાં ભરોસો છે, એ જ્ઞાનની છડીથી વિદ્યાર્થીઓને રોશન કરે છે. એક ચિત્રકાર માટે રંગો જીવંનનો પર્યાય છે, કેમકે તેને કલામાં વિશ્વાસ છે. એક પ્રેમી માટે પ્રેમ ઈશ્વરનું બીજું રૂપ હોય છે. કેમકે તેને પ્રેમમાં વિશ્વાસ છે. કવિ માટે લેખન શ્વાસ લેવા બરોબર છે, કલમ હાથમાંથી છીનવો લો, તે જીવતેજીવત મરી જશે.

પણ જે માણસ દ્વિદ્ધાના દરિયામાં ડૂબેલો હોય, તે આ વાત નહીં જાણે. તેને આજે આ બાજુ જવું હોય છે, કાલે પેલી બાજું. રોજ બે-બે ફૂટ ખાડો ખોદનારો માણસ ઊંડો કૂવો ખોદી શકતો નથી. તેની માટે તો એક જ સ્થાન પર વિશ્વાસપૂર્વક મચ્યા રહેવું પડે. વાતેવાતે શંકા કરનારા માણસો રોજ નવો ખાડો ખોદે છે. જેમનું મન ખીચોખીચ અહંકાર, પૂર્વગ્રહો અને શંકાથી ભર્યું હોય તેમનામાં શ્રદ્ધા પ્રવેશી શકતી નથી.

ગીતા એ સમુદ્ર સમાન છે. કોઈ એમાં માત્ર પગ ભીંજવે, કોઈ થોડી અંદર ઊતરી તરતા શીખે, તો કોઈ ઊંડી ડૂબકી મારીને મોતી લઈને આવે. જો આપણે કિનારે ઊભા રહીને કહીએ કે “આમાં કાંઈ નથી,” તો એ આપણો ભ્રમ છે. કેમ કે મોતી તો હંમેશાં તળિયે હોય છે. સૂર્ય સૌ માટે સમાન ઊગે છે, પણ અંધ માટે સૂર્યનો કોઈ અર્થ નથી. એનો અર્થ એ નથી કે સૂર્ય અસ્તિત્વમાં નથી. એનો અર્થ માત્ર એટલો છે કે જો આંખો બંધ હોય, તો પ્રકાશ પણ અંધકાર બની જાય છે. ગીતા પણ એવો જ સૂર્ય છે. જો આપણા અંતરાત્માની આંખો ખૂલી હોય, તો એ પ્રકાશ આપે જો બંધ હોય, તો એ માત્ર એક પુસ્તક જ રહે છે.

ઘણા લોકો એવા પણ છે, જે ગીતા વાંચે છે, પણ તેમને સ્પર્શતી નથી. કેટલાક એવા પણ છે, જેમણે ક્યારેય ગીતા વાંચી નથી, છતાં તેમનાં જીવનમાં જીવંત હોય છે. કારણ કે ગીતા શબ્દોમાં નથી, વિચારમાં છે.

લોગઆઉટઃ

કાચીંડો બેઠો હતો ભગવદગીતા પર,
પંડિતો એમાં ય ઊંડા અર્થસંકેતો જુએ છે.
— અનિલ ચાવડા

કવિતાએ શું કરવાનું હોય?

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

શિયાળું રાત્રિએ તાપણું પેટાવે,
ઝાડને ગળચટ્ટી છાંયડી પાડતાં
શીખવે ઉનાળામાં,
ચોમાસામાં કહે વરસાદને –
ખાબકી પડ!

શું શું બનવાનું હોય કવિતાએ?
કાચ સાંધવાનું રેણ?
ભૂખ્યાનું અન્ન?
અનિદ્રાના દરદીની ઊંઘ?
સૈનિકના ઘાવ પર પાટો?
હા!
શિશુના કલશોરનો ઉત્સવ ઉજવવાનો હોય,
ચુંબનતરસ્યાં ફૂલો માટે પતંગિયા બનવાનું હોય,
માતાના સ્તનમાં દૂધ બનવાનું હોય,
શયનખંડના શુષ્ક એકાંતમાં
મધુર ઐક્ય રચવાનું હોય કવિતાએ.

કવિતાએ શું કરવાનું હોય?
જ્યાં ઈશ્વરનાં હાથ ન પહોંચે
ત્યાં પંહોચવાનું હોય કવિતાએ.

– એ બધું તો ખરું જ,
પણ સૌથી મોટું કામ એ કે
તેણે આખું ગામ ઊંઘતું હોય ત્યારે
જગાડવાનો હોય કવિને…

— રમેશ પારેખ

એક કવિ બીજા કવિનો ઇન્ટરવ્યૂ કરે ત્યારે કેવું સુંદર સાહિત્યિક પરિણામ મળે, તે જોવું હોય તો કવિ હરીન્દ્ર દવેએ લીધેલો રમેશ પારેખનો ઇન્ટરવ્યૂ વાંચવો પડે. અહીં તેની એક નાનકડી ઝલક જુઓ.

હરીન્દ્ર દવેઃ કાવ્યની વ્યાખ્યા કરશો?

રમેશ પારેખઃ કાવ્યની વ્યાખ્યા કોણ કરી શક્યું છે? છતાં મારે વ્યાખ્યા કરવાની જ હોય તો, કાવ્ય એટલે ખાલી શીશીમાં ધુમાડો ભરવાની મથામણ.

હરીન્દ્ર દવેઃ એક કવિ તરીકે જિંદગીને કઈ રીતે જુઓ છો ?

રમેશ પારેખઃ એક માણસ પોતાના જખમને જોતો હોય તે રીતે.

કવિતાનું કામ એટલું વિશાળ છે કે તેને એક જ અર્થમાં બાંધી શકાય તેમ નથી. કવિતા જાગૃતિની અવસ્થા છે. અથવા તો, તેને જાગૃતિની અવસ્થા કહેવા કરતાં ય માત્ર એટલું જ કહીએ કે “કવિતા એક અવસ્થા છે”. એ અવસ્થામાંથી ક્યારેક જીવનનો આકરો તાપ નીપજે છે, તો ક્યારેક ધોધમાર વરસાદ. તે અન્ન બનીને ઓડકાર પણ જન્માવે. તો છાંયડો બનીને આકરા તાપમાં શેકાતા કોઈ વ્યક્તિની હામ પણ બની શકે. કોઈ ઘાયલનો મલમ પણ થાય, અને મહોબ્બત પણ. કવિતા ઊંડો ચિત્કાર છે અને ભીનો સત્કાર પણ. કવિતા ઉલ્લાસભર્યો ઉત્સવ છે તો પોકમાં રેલાતો શોક પણ.

જ્યાં સુધી દુનિયામાં માણસ જીવશે, ત્યાં સુધી કવિતા કોઈ ને કોઈ સ્વરૂપે તેનામાં હાજર રહેશે. ક્યારેક નાનાં ખળખળતાં ઝરણા સ્વરૂપે, ક્યારેક પ્રચંડ પૂર માફક. ક્યારેક જૂના-પુરાણા દર્દની યાદ થઈને તો ક્યારેક આવનારી આફતનો નાદ તરીકે. તે અંતરાઆત્માની અભિવ્યક્તિ થઈને નિરંતર વહેતી રહેશે. એક હૃદયથી બીજા હૃદય સુધી, એક મનથી બીજા મન સુધી. એક સંવેદનથી બીજા સંવેદન સુધી.

મનોજ ખંડેરિયા પણ લખે છે કે, “કવિતા તો છે કેસર વહાલમ, ઘોળો સોના વાટકડીમાં.” આ કેસર એટલે આપણી સંવેદનશીલતા અને સોનાવાટકડી એટલે લાગણીભીનું હૈયું. આપણી સંવેદના આપણા હૃદયના ખરલમાં ઘુંટાતી હોય છે, તેનો આસવરસ એ જ કદાચ — કવિતા. રમેશ પારેખ જેવો સંવેદનશીલ કવિ એટલા માટે જ કવિતા પર ભારોભાર શ્રદ્ધા રાખે છે. તે સારી રીતે જાણે છે કે કવિતાએ શું કરવાનું હોય. પોતાની કડકડતી એકલતા લઈને કોઈ ઊભું હોય ત્યાં તાપણું બનવાનું, સંઘર્ષ અને પીડાના તાપમાં કોઈ શેકાતું હોય ત્યાં શીળી છાંયડી થવાનું, સૂકાભડ સંબંધો પર પ્રેમભર્યા વરસાદને ખાબકી પાડવાનું કામ તો કવિતાએ જ કરવાનું હોય. પરંતુ શિશુની કિલકારીથી લઈને વૃદ્ધના ધ્રૂજતા અવાજનો સાદ તેણે જગતમાં પડઘાવવાનો હોય છે.

અને મોટી વાત એ છે કે જ્યાં ઈશ્વરના હાથ પણ ન પહોંચતા હોય ત્યાં કવિતાએ પહોંચવાનું હોય છે. રમેશ પારેખ કહે છે તેમ આખું ગામ ઊંઘતું હોય ત્યારે તેણે સ્વયં કવિને જાગતો રાખવાનો હોય છે. જે સમાજમાં કવિ ઊંઘતો હોય ત્યાં અત્યાચારને વાચા નથી મળતી, આનંદને વ્યક્ત કરી શકે તેવી રવાની નથી જન્મતી. ન તો ત્યાં પ્રશ્ન જન્મે છે, ન તો પડકાર. એક જાગતો કવિ આખા સમાજની ઊંઘ ઉડાડવા માટે કાફી હોય છે. કવિતા જે કરી શકે તે તલવાર પણ નથી કરી શકતી.

લોગઆઉટઃ

કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય?
સરવરો સુકાઈ જાય?
નદીઓ વહેતી થંભી જાય?
ડુંગરા ડોલી ઊઠે?
ઘાસ ઊગતું બંધ થઈ જાય?
પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય?
ના, ના, એવું એવું તો ના થાય–
પણ… પછી
જળપરીઓ છાનીમાની
ઝીણાં પવનવસ્ત્રો ઉતારી
જલક્રીડા કરવા ના આવે;
ડુંગરા વાદળની પાંખો પહેરીને
ઊડી ના શકે;
ઘાસને આંસુના ફૂલ ના ફૂટે;
પૃથ્વી ગોળ ગોળ ફરે
પણ ઠેરની ઠેર રહે
અવકાશમાં;
આકાશ ભણી ઊચેં ના જાય.

કવિતા કરવાનું બંધ કરીએ તો
આમ, તો કશું ના થાય
એટલે કે કશું થાય જ નહીં!

– જયન્ત પાઠક

આવું તે કોણ હોય કોમળ?

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

આવું તે કોણ હોય કોમળ?
તાજા કપાસમાંથી ફૂટ્યું હો રૂ કે પછી વરસ્યાં વિનાનું કોઈ વાદળ!

અડકો તો લાગે કે હમણાં કરમાઈ જશે જાણે લજામણીનો છોડ,
દૃષ્ટિ પડતાં જ એના ધબકારા જાણે એક સામટી મૂકી દે છે દોટ!
ગાલને હથેળી પર એ રીતે ટેકવ્યા, પાંદડી પર બેઠું હો ઝાકળ!

એને તો એની કંઈ પરવાય નંઈ એ તો એના જ હોય સાત સૂરમાં,
ક્યારેક વિચારોના વંટોળે હોય અને ક્યારેક હો કલ્પનના પૂરમાં.
હળવેથી કાન પાસે હોઠને લઈ જાવ અને કહેવાનું એટલું કે સાંભળ-
આવું તે કોણ હોય કોમળ?

— સ્નેહલ જોષી

કવિ સ્નેહલ જોષી કાવ્યારંભે પ્રશ્ન કરે છે, ‘આવું તે હોય કોણ કોમળ?’ એ કોઈ અન્ય વ્યક્તિને આવું નથી કહી રહ્યા, પણ અન્ય વ્યક્તિ વિશે ચોક્કસ કહી રહ્યા છે. જેના વિશે કહી રહ્યા છે, એ વ્યક્તિની કોમળતા તેમના હૈયાના ગુલાબ પર ઝાકળ જેમ બાઝેલી છે. તેમનું નામ છતું નથી કરતા, પણ નમણાશ જરૂર ઊઘાડી આપે છે. વળી એ કોમળતા કેવી? તો કવિ પોતે જણાવે છે, કોઈ બિલકુલ તાજા કપાસમાંથી રૂ ફૂટ્યું હોય તેવી, અથવા તો વરસ્યા વિનાની કોઈ વાદળી આકાશમાં વિહરી રહી હોય તેવી. માત્ર પ્રથમ બે પંક્તિઓ વાંચીએ તો અમુકને કદાચ સ્પષ્ટ ન પણ થાય કે આ કોઈ વ્યક્તિ વિશે વાત થઈ હી છે. પરંતુ અંતરાના ઊંડાણમાં ઊતરીએ તો આપોઆપ કોઈ પ્રણયમગ્ન પ્રેમીની પ્રેયસી વિશેની કોમળતા હૈયાને અડે.

લજામણીના છોડ દ્વારા કવિએ ભાવ અને ભાવના બંને નિરૂપ્યા છે. લજામણીનો છોડ ખૂબ લજ્જાળુ હોય છે, સ્પર્શતાની સાથે તેનાં પાંદડાંઓ સંકોચાઈ જાય છે. અહીં સ્પર્શ માત્ર શારીરિક નથી, નજર માત્ર મળે તો એ લજ્જાળુતા હૃદયના ધબકારામાં ઊભરાતી દેખાય છે. પ્રેમમાં ઘણીવાર આવું બને છે. કોઈ ખાસ વ્યક્તિ સામે આવી જાય, નજરો મળે તો હૃદય જાણે એક ક્ષણ માટે પોતાની ગતિ ગુમાવી દે છે.

કવિએ પોતાની પ્રેયસીની નાજુકાઈ દર્શાવવા માટે એક સરસ પંક્તિ લખી છે, ‘ગાલને હથેળી પર એ રીતે ટેકવ્યા, પાંદડી પર બેઠું હો ઝાકળ!’ ઝાકળનું પ્રતિક અહીં અર્થસભર છે. ઝાકળ ખૂબ નાજુક હોય છે—થોડો પવન, થોડો સૂર્યપ્રકાશ, અને તે ગાયબ. કવિ અહીં સૂચવે છે કે જે પાત્રનું વર્ણન થઈ રહ્યું છે તે અત્યંત લાગણીસભર છે. રૂપની નમણાશ તો ખરી પરંતુ હૃદયની કોમળતા પણ પ્રાથમિક સ્થાને છે. તેની અંદર કવિને સવિશેષ નર્મળતાના દર્શન થાય છે. કયા પ્રેમીને પોતાની પ્રેમિકામાં નિર્મળતા ન દેખાય!

આવી પ્રેયસી જગતના ઘોંઘાટથી પર છે, તેને બહારની પળોજણોની તમા પણ નથી. એ તો પોતાના પ્રણયરંગોમાં લીન છે, વાદ્યોના સૂર નહી, પણ હૃદયના સૂરમાં ખોવાયેલી છે. જે હૃદયના ઋજુ માર્ગમાં ભૂલા પડ્યા હોય તેને જગતના માર્ગોની પરવા નથી હોતી. એ તો પ્રણયપંથના પ્રવાસી હોય છે. હૃદયના ઋજુ માર્ગ પર મળેલી આ પ્રેયસી જ્યારે વિચારોના વંટોળમાં ખોવાયેલી હોય, અથવા કલ્પનાના રંગીન પૂરમાં વહેતી હોય તેવા સમયે તેના કાનમાં જઈને હળવેથી તેને જ પૂછવાનું કે આવુંં કોમળ કોણ હોય? અને જ્યારે તે સમજશે કે આ તો મારા વિશે જ વાત થઈ રહી છે, મારો પ્રશ્ન જ મને પૂછાઈ રહ્યો છે, ત્યારે તેના મુખ પર શરમાળ, લજ્જાળુ સ્મિત ઊભરાઈ આવશે.

પ્રેયસીની લજ્જા અને કોમળતા વિશે અનેક કાવ્યો લખાયાં છે, પરંતુ પ્રેયસી પોતાના પ્રેમીની લજ્જાળુતા વિશે વાત કરે તેવું બહુ ઓછું લખાયું છે. આપણે ત્યાં ભાસ્કર વોરાએ આ વિષય પર એક સુંદર ગીત લખ્યું છે.

લોગઆઉટઃ

પિયુ મારો લીલો લજામણીનો છોડ,
અડકું અડકું ત્યાં તો અણિયાળી આંખ્યુંમાં શરમું ના ફૂટે પરોઢ.

વ્હાલપના વેણ બે’ક બોલું બોલું ત્યાં તો અવળું રે મુખ કરી લેતો,
ઘેન ના રે ઘુમ્મટમાં ઘેરી વળું ત્યાં તો ના રે કહેવાનું કહી દેતો;

એને જોઈ જોઈ કૂણા આ કાળજડામાં જાગે કેસરિયા કોડ
લીલી છમ લાગણીની વેલ જરા ધીરેથી ઊંચી કરીને એને વીંટું,
સાગ તણા સોટા પર ઊઘડતું ફૂલ જેવું ફૂલ હજી ક્યાંયે ના દીઠું;
એને મોહી મોહી બાંધ્યો મેં માહ્યરામાં મનના મિલનનો મોડ.

— ભાસ્કર વ્હોરા

મને શીર્ષક મળ્યું પુસ્તક હજી લખવાનું બાકી છે

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

મને શીર્ષક મળ્યું પુસ્તક હજી લખવાનું બાકી છે
જગતની ભોમ પર મારે હજી ભમવાનું બાકી છે
બન્યું પ્રહલાદ જેવું મન અને તન હોલિકા જાણે
વિના અહીં ચૂંદડી બંનેને બસ બળવાનું બાકી છે
— દશરથ પ્રજાપતિ

આપણે સૌ જાણે કે શીર્ષક લઈને જન્મીએ છીએ: કોઈનો વંશ, કોઈની અપેક્ષા, કોઈનું સ્વપ્ન લઈને. અવતરતાની સાથે અમુક શીર્ષકો આપોઆપ આપણા કપાળે લખાઈ જાય છે — ધર્મ, જાતિ, પરંપરા અને રિવાજોનાં શીર્ષક. તમારે મંદિર જવાનું, મસ્જિદે કે દેવળે, નક્કી થઈ જાય છે. કપાળે તિલક કરવાનું કે ટોપી પહેરવાની નિર્ધારિત થઈ જાય છે. આ શીર્ષકો આપણે મને-કમને સ્વીકારી લઈએ છીએ. અને આ શીર્ષકો સાથે જ જીવનનું પુસ્તક લખવું પડે છે.

કવિ દશરથ પ્રજાપતિ કદાચ જન્મ સમયે મળતાં આવાં શીર્ષકો તરફ આંગળી ચીંધે છે. આ બધાં મથાળાં તો મળી ગયાં હવે પુસ્તક લખવાનું છે. પણ લખવા માટે જગતની ભોમ પર ભમવું પડશે. પણ આ ભમવાનું ઉમાશંકર જોશી કહે છે તેમ, ભોમિયા વિનાનું છે. ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી.’ જીવનની ગલીકૂંચીઓ ખોળવામાં કોઈ રાહબર નથી થવાનું, આપણાં ચરણ, ને આપણી હિંમત — બે જ વસ્તુ સાથે રહેવાની છે.

પરંતુ આ યાત્રા એટલી સહેલી નથી. કવિએ મનને પ્રહલાદ અને શરીરને હોલિકાનું રૂપક આપ્યું છે. પ્રહલાદ ભક્તિનું પ્રતિક છે, નિખાલસતા, નિર્દોષતા અને વિશ્વાસનું પ્રતિક છે. જ્યારે હોલિકા દહનનું. અહંકાર, દ્વેષ, દુર્ભાવના અને દંભનું પ્રતિક છે. જીવનમાં ઘણી વાર આપણું મન પ્રહલાદ જેવું નિર્દોષ બનવા માગે છે, પણ પરિસ્થિતિ હોલિકા જેવી દ્વેષમય હોય છે.

હોલિકાદહન એ માત્ર તહેવાર નથી, પરંતુ આપણી અંદરના દંભ, દ્વેષ, અહંકાર, દુર્ભાવને બાળીને ખાખ કરવાનો અવસર છે. જીવનમાં આગળ વધવું હોય તો ઘણું બધું દહન કરવું પડે છે. બાળક મોટું થઈ જાય ત્યારે આપોઆપ તેના વિસ્મય અને સહજતાનું દહન થઈ જાય છે, વિદ્યાર્થીએ પોતાની આળસનું દહન કરવું પડે છે, માતાપિતાએ પોતાની અપેક્ષાનું, પ્રેમીએ શંકાનું, સમકક્ષોએ ઈર્ષાનું, ધનવાને અભિમાનનું, વિજયી વ્યક્તિએ અહંકારનું.

અગ્નિનો સ્વભાવ વિનાશ નથી, શુદ્ધિકરણ છે. સોનાને શુદ્ધ થવું હોય તો તપવું પડે, માટીના ઘડાએ પાકવું હોય તો ભઠ્ઠીમાં શેકાવું પડે, માણસે પણ ઉન્નત થવા માટે સંઘર્ષની આગમાંથી પસાર થવું પડે છે. હોલિકાદહનનો તહેવાર આપણને શીખવીને ગયો કે દર વર્ષે આપણે કશુંક સળગાવી દેવું જોઈએ – ઈર્ષા, અભિમાન, લોભ, લાલચ, ક્રોધ, દુર્ભાવ, દંભ, અફસોસ, અધૂરપ, વસવસા, અને એવું બીજું ઘણું બધું. જો આ બધું બાળીએ નહીં તો એ આપણી અંદર જ લાકડા જેમ ખડકાતું રહે છે, અને એક દિવસ આપણા જ વસવસાનો તણખો આ લાકડાને ભડકામાં ફેરવી નાખે છે, જેમાં આપણું પોતાનું દહન થઈ જાય છે. પોતે ખાખ થઈએ તે પહેલા આ બધાને રાખ કરવા જરૂરી છે.

દહનનો અર્થ અંત નથી, પરિવર્તન છે. જેટલો વધારે ભાર, એટલો વધારે થાક. જિંદગીની મુસાફરીમાં મનની અંદર કેટકેટલાં પોટલાં ઊંચકીને ફરવાનું? કોઈ આપણા કરતાં વધારે દેખાવડું હોય તો ઈર્ષા થાય, હું કેમ આવો દેખાવડો નથી? ક્યાંક આપણી હાર થાય તો પણ દ્વેષ જન્મે, એ કેમ જીત્યો? આ બધું મનના પોટલામાં જમા થતું રહે છે. માથે વજન ઉપાડીને ફરતા માણસ કરતા ખાલી હાથે ફરતી વ્યક્તિ ઓછી થાકે છે. આ બધા પોટલાં ફેંંકી દેવા જોઈએ. આપણી હાર, આપણું અપમાન આપણને વધારે શુદ્ધ કરવા માટે આવતાં હોય છે. જ્યારે અહંકારને સળગાવીએ ત્યારે હળવાશ આવે છે, સ્વાર્થને સળગાવીએ તો સેવા જન્મે છે, ડરને સળગાવીએ ત્યારે સાહસ પેદા થાય છે. જીવનનું સાચું પુસ્તક ત્યારે લખાય જ્યારે આપણે દહનની પ્રક્રિયા સ્વીકારીએ. ફક્ત શીર્ષકથી કંઈ નથી થતું. જીવનના પાનાં પર અગ્નિના અક્ષરોથી લખાવું પડે છે. જે અંદરની હોલિકાને સળગાવે છે એ જ પોતાના પ્રહલાદને બચાવી શકે છે. હોળી જૂના વસવસા, રંજ અને ઈર્ષાને બાળીને એકમેકને ગળે મળવાની તક આપે છે.

લોગઆઉટઃ

गले मुझ को लगा लो ऐ मिरे दिलदार होली में
बुझे दिल की लगी भी तो ऐ मेरे यार होली में
— भारतेंदु हरिश्चंद्र

આત્મહત્યા કરવા ઇચ્છતી વ્યક્તિને ઉદ્દેશીને

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

કુદરતનો કારભાર જરા જોઈને જજો.
આ સાંજ ને સવાર જરા જોઈને જજો.

સુખિયા બની જવાય સુખી જોઈ અન્યને,
સુખનાં ઘણાં પ્રકાર જરા જોઈને જજો.

સંતાપ ટાળશે એ સહજતાથી આપનાં,
વૃક્ષોની સારવાર જરા જોઈને જજો.

એવું છે કોઈ જણ જે નિરાધાર થઈ જશે,
એના જવાબદાર! જરા જોઈને જજો.

જાઓ ભલે અહીંથી, ખુશીથી જજો તમે,
પોતાને એકવાર જરા જોઈને જજો.

— વિહંગ વ્યાસ

કેટલીક પળો જીવનમાં એવી આવે છે જ્યારે માણસને લાગે છે કે હવે આગળ કંઈ નથી. બધું પૂરુ થઈ ગયું. હવે ચોતરફ કેવળ ઘોર અંધકાર છે, નિરાશા છે, વસવસા છે, મેણાટોણાં છે, અનાદર છે, અપમાન છે, તિરસ્કાર છે, ધિક્કાર છે. આ અંધકારમય જગતમાં મારા માટે કોઈ જગ્યા નથી. હું હોઉં કે ન હોઉં કોઈને કશો જ ફેર પડતો નથી. એવા સમયે મન કહે છે, હવે જીવનલીલા સમાપ્ત કરી લેવી જોઈએ. જે અસ્તિત્ત્વનો કોઈ અર્થ નથી, એ અસ્તિત્વને ખતમ કરી દેવું જોઈએ. એ ક્ષણે માણસ પોતે જ પોતાનો ન્યાયાધીશ બની જાય છે, પોતે જ પોતાનો દોષારોપણ કરનાર અને પોતે જ દંડ આપનાર બની જાય છે. પરંતુ એ નિર્ણય લેતા પહેલાં, એક વાર… ફક્ત એક વાર… પોતાની સાથે જોડાયેલાં વ્યક્તિઓ તરફ નજર કરે, પોતાના અંગત સ્વજન, મિત્રો, બાળકો, પરિવાર વિશે જરા વિચારે. જીવનમાં એકાદ પણ, સારી ઘટના ઘટી હોય તેના તરફ ધ્યાન દે, પ્રકૃતિમાં રહેલી પોઝિટિવ બાબતો તરફ નજર કરે તો કદાચ… કદાચ આત્મહત્યા તરફ જતાં તેનાં ચરણ થંભે, પાછાં વળે. કવિ ભાવેશ ભટ્ટનો શેર ખૂબ માર્મિક છે-
જઈ એને પૂછીએ, નામ એના બાળકોના
કોઈ તાકી રહ્યું છે ટ્રેનનાં પાટાની સામે

કવિ વિહંગ વ્યાસે આપઘાતીને ઉદ્દેશીને સરસ ગઝલ લખી છે. આત્મહત્યા કોઈ એક પળનો નિર્ણય નથી; એ અનેક ગડમથલો, ભાંગી પડેલી અપેક્ષાઓ, તૂટી ગયેલા સંબંધો, નિષ્ફળતાનું કડવું ઝેર, અને અંદરના એકાંતની લાંબી યાત્રાનો અંતિમ પડાવ છે. અને એ વળાંક પર ઊભેલા માણસને કોઈ ઉપદેશ નથી સાંભળવો હોતો, ઉપદેશની એના પર અસર થતી પણ નથી. એને તો કેવળ એટલું યાદ અપાવવાની જરૂર હોય છે કે તારા વિના જગતમાં હજી પણ કોઈકને ફર્ક પડે છે.

સૂર્ય રોજ સાંજે ઢળી જાય છે, બીજા દિવસે ઊગવા માટે. દુઃખ પોતાના અંધકારના ઓળા પાથરતું હોય છે, પણ ત્યાં સુધી, જ્યાં સુધી સુખનો સૂર્ય ન ઊગે. જીવનની એક સાંજને અંતિમ સત્ય માની લેવું એ ભૂલ છે. વરસાદ પડે ત્યારે ધરતી કાદવથી ખરડાઈ જાય છે, પણ એ જ વરસાદ પછી લીલોતરી લાવે છે. જે પળે મન કાદવમાં ફસાયું હોય, એ જ પળે કોઈ નવું બીજ અંદર અંકુરિત થઈ રહ્યું હોય છે તે ન ભૂલવું જોઈએ.

આપણે પોતાના દુઃખને જ એકમાત્ર સત્ય માનીને મોટી ભૂલ કરતાં હોઈએ છીએ. દુઃખ હંમેશાં આપણને આપણું મોટું લાગતું હોય છે અને સુખ હંમેશાં બીજાનું. પરંતુ જીણવટથી જોઈએ તો ખબર પડે કે દરેક વ્યક્તિના જીવનમાં એક યુદ્ધ ચાલી રહ્યું છે, દરેક માણસ પોતાની લડાઈ લડી રહ્યો છે, હાર તેને જ મળે છે, જે સ્વીકારી લે છે. કોઈ બહારથી મજબૂત દેખાતા હોય, સમાજમાં લોખંડી ગણાતા હોય, પણ એકાંતમાં રાત્રે, તકિયા ભીંજવતા હોય તેમ પણ બને.

માણસ ઘણી વાર વિચારે છે કે ‘મારા વગર શું ફરક પડશે?’ પરંતુ દુનિયા કોઈ ગણિતનો પ્રશ્ન નથી કે જ્યાં એક અંક કાઢી નાખો તો જવાબ યથાવત રહે. કોઈ બાળક છે જે તમારી રાહ જુએ છે. કોઈ મિત્ર છે જેને તમારી જરૂર છે. કોઈ માતા છે જે તમારી એક ઝલક માટે ટળવળે છે. આત્મહત્યા એ માત્ર એક વ્યક્તિનો અંત નથી; એ અનેક હૃદયો પર પડેલો કારમો ઘા છે.

વૃક્ષોને જુઓ. પાન ઝરે છે, ડાળીઓ સૂકાઈ જાય છે, પણ મૂળ જમીનમાં રહે છે. જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે ઉપરથી બધું સૂકાયેલું લાગે છે. પરંતુ અંદર મૂળ જીવંત હોય છે. માણસે પોતાનું મૂળ શોધવું જોઈએ.

કોઈ પણ ભાવના શાશ્વત નથી. આજે જે અસહ્ય લાગે છે, તે જ વાત છ મહિના પછી કદાચ હાસ્યાસ્પદ પણ લાગી શકે. માનસિક પીડા ઘણી વાર તરંગ જેવી હોય છે, ઉછળે છે, પછડાય છે, તૂટે છે, જોડાય છે, અને પાછી શાંત થાય છે. એ તરંગને પસાર થવા માટે સમય આપવો જોઈએ. જીવન કદાચ સરળ નથી. પરંતુ નકામું પણ નથી.

લોગઆઉટઃ

वो तो बता रहा था कई रोज़ का सफ़र
ज़ंजीर खींच कर जो मुसाफ़िर उतर गया
— होश नोमानी रामपुरी

તો હું જીવી ગયો હોત

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

‘કોઈ નથી‘ના આ બંધ ઓરડામાં
આંટા મારતી
મારી એકલતાના કાનમાં
તમે 'હું છું ને' એટલું જ બોલ્યા હોત
તો હું જીવી ગયો હોત,

મરણના મારગે આ ચરણ ઊપડ્યાં ત્યારે
તમે માત્ર 'ઊભા રહો' એટલું જ કહ્યું હોત
તો હું જીવી ગયો હોત,

મુખ પર ઢંકાયેલી
મૃત્યુની ચાદરને સહેજ આઘી કરીને
તમે માત્ર 'કેમ છો?' એટલું જ પૂછ્યું હોત
તો હું જીવી ગયો હોત,

આમ તો કદાચ
મરવા કરતાં જીવાવાનુ જ સહેલું હતું
પણ..તે મારા હાથમાં નહોતું!

- જયંત પાઠક

જયંત પાઠક એટલે ‘વનાંચલ‘ના સર્જક, આદિવાસીનું તીણું તીર ઝીલનારા કવિ. સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં તેમણે સુપેરે કલમ ચલાવી છે. તેમની ઉપરોક્ત કવિતા તેમની કવિપ્રતિભાની મજબૂત ઝાંખી કરાવે છે. ‘તો હું જીવી ગયો હોત‘ એ વાક્યનાં પુનરાવર્તન દ્વારા કવિ આપણને જીવનની કેટલીક એવી ક્ષણો બતાવે છે, જ્યાં કોઈકની હામ, આશ્વાસન અને સથવારો જીવાદોરી સમાન સાબિત થાય છે. બીમાર માણસનો ઇલાજ માત્ર દવાથી નથી થતો, પ્રેમ અને હૂંફ પણ જોઈએ. અદમ ટંકારવીનો શેર છે-
કેવળ દવાથી રોગ અમારો નહીં મટે,
સંબંધ પણ ઉમેરો જરા સારવારમાં!

કવિ જયંત પાઠકે આ કવિતા દ્વારા સમજાવ્યું છે મૃત્યુ તરફ જતાં ચરણને રોકવા માટે આશ્વાસનનું અમૃત કાફી છે. કવિએ ઊભો કરેલો ભાવવિસ્તાર કોઈ મોટા નાટ્યાત્મક પ્રસંગની વાત નથી કરતો; તે તો સાવ સરળ શબ્દો પ્રયોજે છે: “હું છું ને”, “ઊભા રહો”, “કેમ છો?” પણ આ ત્રણ સરળ વાક્યો પાછળ એક સંપૂર્ણ માનવીય બ્રહ્માંડ ધબકે છે. ક્યારેક જીવવું કે મરવું કોઈ મોટા તત્વજ્ઞાન પર આધારિત નથી હોતું; તે કોઈ એક ક્ષણ પર, કોઈ એક અવાજ પર, કોઈ એક વ્યક્તિન હાજરી પર નિર્ભર હોય છે.

આ રચનાની શરૂઆત જ બંધ ઓરડાથી થાય છે. બંધ ઓરડો માત્ર ભૌતિક જગ્યા નથી; માનસિક સ્થિતિ છે. તેમાં પ્રકાશ નથી, નથી સંવાદ, ત્યાં પોતાના અવાજનો પડઘો પણ કંટાળાજનક બની જાય છે. “આંટા મારતી એકલતા” શબ્દપ્રયોગ સૂચવે છે કે એકલતા અહીં સ્થિર નથી; તે ગતિશીલ છે, ચંચળ છે. આ એકલતાને નાથવા ટોળાં કરવાની જરૂર નથી કે નથી ઘોંઘાટ ઉછેરવાની જરૂર. તેને હરાવવા માટે કોઈ વ્યક્તિ દ્વારા કહેવામાં આવતું વાક્ય, “ચિંતા ન કરીશ, હું છું ને” પૂરતું છે. કોઈ આપણી સાથે છે, આપણે એકલા નથી, આ ભાવ જ જીવવા માટે પૂરતો હોય છે.

ક્યારેક નાની નાની હૂંફ, નાનાં નાનાં આશ્વાસનો, નાના નાના ટેકાઓ જીવનનો મોટો ભાર ઉપાડી લેતા હોય છે. જીવન ખૂબ સુંદર છે, પરંતુ તેના સૌંદર્યને જાણવું પડે છે. ઝેર બની ગયેલા જીવતર પર પણ કોઈનું વ્હાલ રેડાય તો જીવન અમૃત બની જતું હોય છે. કડવી જિંદગી મીઠી લાગવા માંડતી હોય છે.

આ રચનાનો અંત અત્યંત માર્મિક છે, કવિ લખે છે, “મરવા કરતાં જીવાવાનું જ સહેલું હતું, પણ તે મારા હાથમાં નહોતું.” જીવવા માટે માત્ર એક સહારો પૂરતો હતો. પરંતુ તે સહારો પણ પોતાના હાથમાં નહોતો. આપણે ઘણી બાબતો પર નિયંત્રણ રાખી શકીએ છીએ, પણ બીજાની હાજરી, બીજાનો પ્રેમ, બીજા દ્વારા મળતી હૂંફ પર નહીં.

અહીં એક બાબત સ્પષ્ટ છે. અહીં મૃત્યુની ઇચ્છા જેટલી પ્રબળ નથી, તેટલી જીવવાની ઇચ્છા પ્રબળ છે. વારંવાર “તો હું જીવી ગયો હોત” કહેવામાં આવે છે. આ વાક્યમાં મરણ નહીં, જીવનની તરસ છે. માણસ અંત સુધી જીવવા માગે છે; માત્ર પરિસ્થિતિ, એકલતા અને અવગણના તેને મરણ તરફ ધકેલે છે. આ રચના એક રીતે જીવન માટેનો ચિત્કાર છે, જો કોઈ સાંભળે તો.

માણસ સામાજિક પ્રાણી છે; તેને સંબંધોની જરૂર છે. જ્યારે આ સંબંધો તૂટે કે નબળા પડે, ત્યારે ખાલીપો જન્મે છે. આ ખાલીપો માત્ર ઉદાસિન નથી કરતો, પણ જીવંત રહેવાની પ્રેરણાને પણ ખાઈ જાય છે. “હું છું ને” જેવા શબ્દો એ ખાલીપામાં દીવો પ્રગટાવે છે.

આ રચના આપણને એક જવાબદારી પણ સોંપે છે. કદાચ આપણે વિચારીએ કે આપણું એક વાક્ય શું ફેર પાડશે? પરંતુ અહીં સ્પષ્ટ થાય છે, એક વાક્ય જિંદગી અને મૃત્યુ વચ્ચેની રેખા બની શકે છે.

લોગઆઉટઃ

છે કાંઈ જિંદગીમાં, તો એ જ છે સહારો,
એક યાદ છે તમારી, એક શ્વાસ છે અમારો.
— અમૃત ઘાયલ

આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી;
રૂપાળું એક નામ, હવે બોલવું નથી.

યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું,
કેવું મળ્યું ઇનામ, હવે બોલવું નથી.

પૂછો ના પ્રીત મોંઘી છે કે સસ્તી છે દોસ્તો,
ચૂકવી દીધાં છે દામ, હવે બોલવું નથી.

લ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઈ ગઈ,
શબ્દો હવે હરામ, હવે બોલવું નથી.

– સૈફ પાલનપુરી

માનવ સંબંધોમાં ઘણી વાર સૌથી ઊંડાં સત્યો બોલાતાં નથી; એ તો આંખના ઇશારે, સ્મિતના સહારે, અને હૈયાના ધબકારે જીવાતાં રહે છે. કવિ સૈફ પાલનપુરી ગુજરાતી ગઝલનું ગૌરવવંતું નામ છે. તેમની ગઝલોએ ગુજરાતી ભાષાને રળિયાત કરી છે. તેમની ઉપરની ગઝલમાં કશું ન બોલવાનું કહીને તેઓ ઘણું બધું બોલી ગયા છે. ખરી કવિતાની એ જ તો મજા હોય છે, ઓછા શબ્દોમાં વધુ વાત. આમ પણ મૌનથી ગંભીર વાણી બીજી એક્કે નથી હોતી.

ઘણીવાર એવો સમય પણ આવે છે, જ્યારે શબ્દો ભારરૂપ લાગે છે. ત્યારે લોકો નજરથી કામ લે છે, કારણ કે નજરમાં દંભ કે દલીલ નહીં દિલગિરી હોય છે. અહીં “બોલવું નથી”નો અર્થ મૌન રહેવા સાથે નથી. બોલવું નથી એ શબ્દોમાં જ ઘણું બધું બોલાય છે. કેટલાક અનુભવો શબ્દોમાં આવતાંની સાથે જ તેમની પવિત્રતા ગુમાવી બેસે છે. જેમ કોઈ જૂના પત્રને વારંવાર ખોલવાથી એની સુગંધ ધીમે ધીમે ઓછી થવા લાગે છે, તેમ કેટલીક યાદો શબ્દોમાં પરોવીએ ત્યારે તેની માસૂમિયત મુરઝાઈ જાય છે. કવિ પોતાની માસૂમિયતને મુરઝાવા દેવા માગતા નથી, એટલા માટે જ તેઓ કહે છે કે અમારે કશું બોલવું નથી, અમે તો અમારી આંખોથી જ એ ગમતું નામ ઉચ્ચારીશું, તેને શબ્દોમાં નહીં લાવીએ.

યુવાની અને સાહસને સીધો સંબંધ છે. ઝવેરચંદ મેઘાણીએ લખેલું, “ઘટમાં ઘોડા થનગને ને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમકા પર યૌવન માંડે આંખ.” યુવાન શરીરમાં ઘોડા જેવો થનગનાટ હોય છે. તે અજાણ્યાં સાહસો કરવા માટે સદાય તત્પર રહે છે. કવિએ અહીં એક ‘રેશમી’ સાહસ વિશે વાત કરી છે. જેનો સીધો સંકેત પ્રણય તરફ છે. કવિએ રેશમનું રૂપક બહુ સમજી-વિચારીને વાપર્યું છે. રેશમ નરમ હોય છે, આકર્ષક હોય છે, પરંતુ ખૂબ જ સંવેદનશીલ પણ હોય છે; જરાક અમથા ઘસારાથી તેની સપાટી ખરડાઈ જાય છે. યુવાનીમાં કરાયેલા નિર્ણયો ઘણી વાર એવા જ હોય છે — જુસ્સાદાર, ઉલ્લાસભર્યા, અને ક્યારેક નિર્દોષ અહંકારથી છલોછલ. તે સમયમાં માણસ ગમે તેવા મોટા જોખમ પણ સહેલાઈથી લઈ લે છે, એને લાગે છે કે દુનિયા એની માટે જ છે. પણ પછી, જ્યારે સમયની ધૂળ નીચે બેસી જાય, ત્યારે સમજાય છે કે દરેક સાહસનું પરિણામ ચમકદાર નથી હોતું. કવિએ ‘કેવું મળ્યું ઇનામ’ જેવા ભાવ દ્વારા એક વ્યંગ વ્યક્ત કર્યો છે.

દુનિયા ઘણીવાર દરેક લાગણીને બજારના ત્રાજવે તોલે છે. પરંતુ હૃદયના વ્યવહારોમાં આ ગણિત ચાલતું નથી. કવિ ‘ચૂકવી દીધાં છે દામ’ કહે છે, પરંતુ અહીં કોઈ સોદો થયો નથી, એક ઊંડો અનુભવ જીવી લેવાયો છે. એવો અનુભવ, જેનું મૂલ્ય રૂપિયા કે ચીજવસ્તુઓમાં આંકી ન શકાય. પણ પોતાના અંતરાત્માના કોઈ કિંમતી હિસ્સાથી અંકાય.

કવિ અંતિમ શેરમાં કહે છે કે સામેની વ્યક્તિની નજર નીચી થઈ ગઈ છે, હવે બોલવાનો કોઈ અર્થ નથી. શબ્દો હરામ હોય ત્યા શું બોલવું. પ્રણયમાં શરમથી નજર ઢળી જાય છે, જ્યારે વ્યવહારુ જીવનમાં કશુંક એવું કામ કરી નાખીએ, જે નહોતું કરવા જેવું, તો પણ નજર નીચી ઢળી જાય છે. સંબંધોમાં એક તબક્કો એવો પણ આવે છે, જ્યાં એકબીજાને કંઈ કહેવાનું નથી હોતું, છતાં બધું સમજાઈ જતું હોય છે. કવિએ સંબંધોના ગૌરવ અને સન્માનનું મહત્વ પણ સૂક્ષ્મ રીતે રજૂ કર્યું છે. કેટલીક લાગણીઓની સુંદરતા એમાં જ હોય છે કે તે અધૂરી રહી જાય.

લોગઆઉટઃ

જરૂરતથી વધારે બોલવું સારું નથી,
અને હૈયું ગમે ત્યાં ખોલવું સારું નથી.
- સલીમ દેખૈયા

એક આશિકનું દિલ – એક છરી

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

મારો અવાજ તારા લગી ન પહોંચે
તો એમાં ઉમેર પડઘો –
પૌરાણિક કથાઓનો પડઘો.
અને એમાં ઉમેર –
એક રાજકુમારી
અને રાજકુમારીમાં ઉમેર –
તારું રૂપ
અને તારા રૂપમાં ઉમેર –
એક આશિકનું દિલ
અને ઉમેર આશિકના દિલમાં-
એક છરી.

– અફઝલ અહમદ સૈયદ

પ્રેમમાં મળતી પીડાની વાત વર્ષોથી કહેવાઈ રહી છે, અને આજે પણ કહેવાય છે. આ વ્યથા એવી છે જેને ક્યારેય કાટ નથી લાગતો, દરેક યુગમાં આ દર્દ નવી રીતે ઊભરાય છે. પેઢીઓ બદલાય છે, સમાજ બદલાય છે, રીત અને રિવાજો પણ સ્વરૂપ બદલે છે. પૌરાણિકતા આધુનિકતામાં ઢળે, પરંતુ પ્રેમનું દર્દ એનું એ જ. એની એ જ આહ, એનો એ જ કણસાટ, ને ટીસ પણ એની એ જ.

વર્ષો પહેલાં મીરાંબાઈએ કહ્યું હતું, “જો મૈં ઐસા જાનતી પ્રીત કિજે દુઃખ હોય, નગર ઢંઢેરા પીટતી પ્રીત ન કીજે કોઈ.” મીરાંએ વર્ષો પહેલાં ઢંઢેરો પીટી દીધો હતો કે પ્રેમમાં પારાવાર વ્યથા છે. અનેક આશિકો, ઘાયલો પણ પોતાના દર્દનાં ગીતો ગાઈ ચૂક્યાં છે, પણ હૃદય પ્રેમમાં પડવાથી વાજ નથી આવતું. જોકે, પ્રેમમાં પડવાની ક્રિયામાં જ ‘પડવું’ શબ્દ આવી જાય છે. જ્યાં પડવાનું નિશ્ચિત હોવા છતાં, એક લાગણી એવી છે, જે વારંવાર પડવા ઝંખે છે. જેમ પતંગાને ખબર છે કે અંધકારમાં ચમકતી જ્યોત પાસે જવાથી તેનું મૃત્યુ નિશ્ચિત છે, છતાં તે જાય છે, પોતાના દેહને સમર્પિત કરે છે અને બળી મરે છે. પ્રણયભંગ થયેલા પ્રત્યેક વ્યક્તિઓ આ પતંગા જેવા હોય છે, ફર્ક એટલો જ, પતંગા બળીને ખાખ થઈ જાય છે, જ્યારે પ્રેમીઓ બાહ્ય રીતે તો જીવંત હોય છે, અંદરથી રાખ થઈ ગયા હોય છે.

જિગર મુરાદાબાદીનો આ શેર પ્રેમ કેટલો અઘરો છે, તે ગહનતાથી વ્યક્ત કરે છે,
ये इश्क़ नहीं आसाँ बस इतना समझ लीजे,
एक आग का दरिया है और डूब के जाना है

આગનો મહાકાય દરિયામાં ડૂબીને સામે પાર પહોંચવું સંભવ નથી. પ્રેમની સફર આગના દરિયામાં ડૂબીને આગળ વધતી સફર છે. આગની જાણ હોવા છતાં હૃદયમાં કોઈ એવું અજાયબ તત્ત્વ હોય છે, જે અગ્નિમાં ખાબકે છે, જાતને હોમી દે છે.

અફઝલ અહમદ સૈયદે પ્રેમની પીડાને ન સમજનાર વ્યક્તિને — પોતાની પ્રેયસીને ઉદ્દેશીને લખ્યું છે. એક રીતે તો તેઓ એમ કહેવા માંગે છે કે જા, તને મારું દર્દ નહીં સમજાય. મારી અંદર એક ટીસ ઊઠી રહી છે, હું ચીસો પાડી રહ્યો છું, પરંતુ મારી વ્યથાનો એક શબ્દ સુધ્ધાં તારા કાન સુધી નથી પહોંચી રહ્યો. પોતાની વ્યથા સમજાવવા માટે કવિ એક તરકીબ અપનાવે છે. કહે છે, જો મારો અવાજ તારા સુધી ન પહોંચતો હોય તો અવાજમાં પડઘો ઉમેર. પર્વતો સામે પાડેલી ચીસ દૂર સુધી પડઘાતી હોય છે. અને પર્વતોમાં હોય છે તીક્ષ્ણ અને બરછટ પથ્થરો. આ રીતે તે પોતાની પ્રેયસીને પણ પથ્થર સમાન ગણી રહ્યા હોય તેમ બને. પથ્થરોના કાનમાં અવાજ ક્યાંથી પહોંચે, હા, પડઘાય ખરો. પરંતુ આ પડઘો માત્ર એક પ્રતિધ્વનિ નહીં, જૂની-પુરાણી કથાઓનો પડઘો બને તેવું તેઓ ઇચ્છે છે. આવો પડઘો તેમને કેમ પાડવો છે? એ તો આપણે એ પૌરાણિક કથાને સમજીએ તો ખ્યાલ આવે.

કથામાં એક રાજકુમારી છે, અને એ રાજકુમારીમાં પ્રેયસીને પોતાનું રૂપ ઉમેરવાનું કહે છે. બીજા અર્થમાં કવિ કહે છે એ રાજકુમારી એટલે સ્વયં તું. અને તારી પર આવી ગયેલું એક આશિકનું દિલ, એક પ્રેમીનું હૃદય અને એ પ્રેમી એટલે હું. અને પછી એ પ્રેમીના હૃદયાં ભોંકાયેલી એક છરી. બસ આટલું ધાર એટલે આપોઆપ મારી હાલત તને સમજાઈ જશે.

કવિ સીધી રીતે કહેવા નથી માગતા કે મારા હૃદયમાં પ્રણયભંગનું એક ધારદાર ખંજર ભોંજાયેલું છે, એ તો કથા રચે છે, પોતાની પ્રેયસીને ધારવા કહે છે અને ધારણાની કેડી પર લઈ જઈને દર્દના ભોંકાયેલા કાંટાનો પરિચય કરાવવા માગે છે.

કવિ અફઝલ અહમદ સૈયદ સમકાલીન ઉર્દૂ કવિ અને અનુવાદક છે, શાસ્ત્રીય અને આધુનિક ઉર્દૂ અભિવ્યક્તિમાં તેમની નિપુણતા માટે જાણીતા છે. 1946માં ભારતના ગાઝીપુરમાં જન્મેલા આ કવિ 1976થી કરાચી, પાકિસ્તાનમાં રહે છે.

લોગઆઉટઃ

દર્દને ગાયા વિના રોયા કરો,
પ્રેમમાં જે થાય છે જોયા કરો.
– કૈલાસ પંડિત

વાવ્યા પહેલાં ફળને માટે દોડું વૃક્ષની કને

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

ઘણી ઉતાવળ મને,
વાવ્યા પહેલાં ફળને માટે દોડું વૃક્ષની કને,

મૂળ શોધું પણ મળે નહીં, આભાસી ઝૂલે ડાળ;
મહોર મંજરી વગર શું મળશે ફળની પૂરી ભાળ?
કોઈ જાણતલ મને બતાવો, ભટકું વન ઉપવને!!
ઘણી ઉતાવળ મને!!

મનની માયાજાળમાં ઉગ્યા વૃક્ષે વૃક્ષે પાન,
ગ્રન્થ ગ્રન્થનાં પાન ઉકેલ્યાં તોય ન આવ્યું ભાન,
કોઈ કહે કે કોઈ વેળા આવું તો ભૈ બને,
ઘણી ઉતાવળ મને!

– વિનોદ ગાંધી

વિનોદ ગાંધીએ સરળ શબ્દોમાં ગહન કાવ્ય લખ્યું છે. ઉતાવળ માનવીની સૌથી જૂની બીમારી છે. તેની દવા મળતી નથી, પરંતુ સમજ આવી જાય તો કાબૂ મેળવી શકાય. માણસ ચાલતો થયો ત્યારથી જ દોડવા લાગ્યો છે. દોડવાનું કારણ પગમાં શક્તિ આવી તેથી નહીં, પરંતુ મનમાં અશાંતિ આવી તેથી. આજે આ ઉતાવળ માત્ર સમય બચાવવા માટે નથી રહી; તે જીવન બચાવવાની ઉતાવળ બની ગઈ છે.

આપણે પરિણામ માટે એટલા આતુર છીએ કે પ્રક્રિયા બોજો લાગે છે. બીજ વાવવાની પ્રક્રિયા લાંબી, પાણી આપવું કંટાળાજનક, અને રાહ જોવી તો રીતસર ગુનો લાગે છે. માણસને હવે વૃક્ષ નહીં, સીધું ફળ જોઈએ છે. એ પણ તાજું, ચમકદાર અને મીઠું. પણ કુદરત પાસે ‘તરત’ નામનો કોઈ વિભાગ નથી. કુદરત માત્ર ‘ક્રમ’ ઓળખે છે. જ્યાં ક્રમ તૂટે ત્યાં ખોટી અપેક્ષા જન્મે છે, અને અપેક્ષાના પાયામાં દુઃખ હોય છે.

આજના માણસને મૂળ જેવી મજબૂતાઈ જોઈએ, પણ માટી ખોદવા તૈયાર નથી. તેને ડાળીઓમાં લટકતો આભાસ ગમે છે. ઉપરથી સુંદર, હવામાં ઝૂલતો, દૂરથી આશ્વાસન આપનારો. મૂળિયાં તો અંધારામાં હોય છે, ગંદકીમાં, માટીમાં, જ્યાં હાથ ગંદા થાય, નખ કાળા પડે. ત્યાં ઉતાવળ કામની નથી; ત્યાં તો ધીરજ જોઈએ, સહનશીલતા જોઈએ. આપણે તો પ્રકાશમાં ઊભા રહીને અંધારાની માંગ કરીએ છીએ.

મન એક અજીબ જંગલ છે. ત્યાં દરેક વિચાર એક વૃક્ષ છે, અને દરેક વૃક્ષ પર હજારો પાન. માણસ પાન ગણવામાં આખું જીવન કાઢી નાખે છે, પણ વૃક્ષ સમજાતું નથી. ગ્રંથો ખોલે છે, અધ્યાય વાંચે છે, પાન પલટે છે, પરંતુ ભાન આવતું નથી. કારણ એ નથી કે ગ્રંથ ખોટો છે; કારણ એ છે કે વાંચનમાં ઉતાવળ છે. શબ્દો આંખે ચઢે છે, પરંતુ મનમાં ઉતરતા નથી. વાંચન કોઈને બતાવી દેવા માટે નહીં, પણ પોતાને દીપાવી દેવા માટે હોય છે.

સમજ એક ફૂલ જેવી છે. તે ત્યારે જ ખીલે છે જ્યારે સમય આવે. પહેલાં કળી આવે, પછી મહોર, પછી સુગંધ. જો કોઈ સીધું સુગંધ માગે અને કળી તોડે, તો સુગંધ પણ નહીં મળે અને ફૂલ પણ મરી જશે. જીવનમાં આપણે એ જ કરીએ છીએ. સમજ આવે એ પહેલાં જ નિર્ણય લઈ લઈએ છીએ, પરિપક્વતા આવે એ પહેલાં જ ઉપદેશ આપવા લાગી જઈએ છીએ, અનુભવ થાય એ પહેલાં જ અભિપ્રાય બાંધી લઈએ છીએ. પછી કહીએ છીએ કે જીવન કડવું છે.

જીવન કોઈ સ્પર્ધા નથી. જીવન તો એક યાત્રા છે. ઉતાવળા કદાચ જલદી પહોંચે, પણ અસંતોષ સાથે; સમજદાર ધીમા, પણ સંતોષ સાથે પહોંચે છે. જે વહેલો ફળ તોડે તે કાચું ખાય છે; જે રાહ જુએ છે તેને મીઠાશ મળે છે. પણ રાહ જોવી સહેલી નથી, કારણ કે રાહ જોવામાં અહંકાર ભૂખ્યો રહે છે. અહંકારને તરત જોઈએ.

આજના સમયની સૌથી મોટી ટ્રેજેડી એ છે કે આપણે બનવા કરતાં દેખાવા વધારે ઉત્સુક છીએ. મૂળ મજબૂત કરવા કરતાં ડાળીઓ ફેલાવવાની ઉતાવળ છે. પરિણામે થોડો પવન આવે તો બધું ઢળી પડે છે. મજબૂતી અંદરથી આવે છે, અને અંદર સુધી પહોંચવા માટે સમય લાગે છે. કોઈપણ સાચું પરિવર્તન ધીમું હોય છે, એટલું ધીમું કે બહારથી દેખાતું નથી. તેથી જ આપણે એને શંકાની નજરે જોઈએ છીએ.

ઉતાવળ માણસને ક્યારેક ખૂબ બુદ્ધિશાળી લાગે છે. તેને લાગે છે, હું ઝડપી છું, સ્માર્ટ છું. પરંતુ ઉતાવળ ઘણીવાર ડરનું એક સ્વરૂપ હોય છે. એવો ડર કે બીજો આગળ ન નીકળી જાય. આ ડર આપણને અંદરથી ખોખલા કરે છે. શાંતિ ડર વગર આવે છે, અને ડર દૂર કરવા માટે સમય સાથે મિત્રતા કરવી પડે. ધૈર્ય એ હાર નથી; ધૈર્ય એ સમજણની શરૂઆત છે.

ઉતાવળથી બચવું એટલે જીવનને નકારી નાખવું નહીં, પરંતુ જીવનને એની ગતિએ સ્વીકારવું. જ્યારે માણસ આ સ્વીકાર શીખી જાય છે, ત્યારે તે ભટકતો નથી. તેને કોઈ રાહ બતાવનારની જરૂર રહેતી નથી, કારણ કે તેનું મન પોતે જ માર્ગ બની જાય છે. અને ત્યારે જ, કોઈ એક શાંત ક્ષણે, તેને ખબર પડે છે જે ફળ માટે તે દોડતો હતો, તે તો હંમેશાં તેની અંદર જ હતું.

લોગઆઉટઃ

ધીરે ધીરે રે મના, ધીરે સબકુછ હોય;
માલી સીંચે સૌ ઘડા, ઋતુ આયે ફલ હોય
– કબીર

લોકશાહીના પેટમાં સત્તાની ગાંઠ

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

ગઈ કાલે
લોકશાહીના પેટમાં સખત દુખાવો ઊપડ્યો.
ડૉક્ટરે તપાસીને કહ્યું:
'પેટમાં સત્તાની ગાંઠ છે'.
– ફિલિપ ક્લાર્ક

લોકશાહી એવું શરીર છે જેમાં દેશની પ્રજાનું રુધિર વહે છે. કાયદો અને સંવિધાન તેનું હાડ છે, લોકહિત તેની માંસમજ્જા છે. તેમાં સામાન્ય પ્રજાથી લઈને શિખર પર બેસેલા તમામને સમાન હકની ખાતરી આપવામાં આવે છે. શરીરનું દરેક અંગ ખૂબ મહત્ત્વનું છે, આંખ હોય કે કાન, હાથ હોય કે પગ, પીઠ હોય કે છાતી, હૃદય હોય કે મગજ. શરીરમાંથી કંઈ પણ ઓછું થાય તો તરત શરીર જવાબ આપવા માંડે. લોકશાહી કોઈ જીવતું શરીર ન હોવા છતાં, તેની પણ આંતરિક વ્યવસ્થા છે, તેની પણ પાચનશક્તિ છે. આ વ્યવસ્થામાં ગરબડ થાય ત્યારે પેટમાં દુખાવો ઊપડે.

લોકશાહીના પેટમાં દુખાવો ત્યારે ઊપડે, જ્યારે બાગડોર સંભાળનારને પ્રશ્ન પૂછવાનું અશોભનીય કે અપ્રાસંગિક ગણાવા લાગે. વધારે પડતું ગળપણ ડાયાબિટિસ કરી નાખે છે. શાસકોને માત્ર પોતાનાં ગળ્યાં ગળ્યાં વખાણ સાંભળવામાં જ રસ હોય, પ્રજાના પ્રશ્નોમાં જરા પણ રસ ન હોય, ત્યારે એ વખાણ અંદર ખાને ડાયાબિટિસની શરૂઆત હોય છે. પણ કમનસીબ એ કે એ ડાયાબિટિસ લોકશાહીને થાય છે. સરકાર સાથેની અસમહતી જ્યારે દેશદ્રોહ ગણાવા લાગે ત્યારે સમજી જવું કે લોકશાહીના પેટમાં સત્તાની ગાંઠ છે.

સત્તાની ગાંઠ એકાએક નથી થઈ જતી. તે ધીમે ધીમે વિકસે છે, અને એ વિકાસની પ્રક્રિયા ઘણીવાર દેખાતી નથી, કારણ કે તેને સામાન્ય ગણી લેવામાં આવે છે. કોઈ પણ માણસને નાનકડી બીમારી થાય ત્યારે તે ધ્યાન નથી આપતો, સમય જતાં એ બીમારી મોટા રોગનું સ્વરૂપ ધારણ કરે છે. નાનકડી ગાંઠને ફોલ્લી સમજીને અવગણી દેતો માણસ કેન્સરને નોતરી બેસે છે. લોકશાહીના દેહમાં આવી અનેક ફોડલીઓ છે, ગુમડાંઓ છે અને એ ગૂમડાં ગંભીર ગાંઠ બની ગયાં છે.

જ્યારે શાસક પોતાને પ્રજાનો પ્રતિનિધિ નહીં, પરંતુ પ્રજાથી ઉપર માનવા લાગે ત્યાં ગાંઠની શરૂઆત થાય છે. શરૂઆતમાં આ ગાંઠ નાની હોય છે, અસ્વસ્થતા ઊભી કરતી નથી. પરંતુ સમય જતાં, તે લોકશાહીના આંતરિક અવયવોને દબાવતી જાય છે — સંસ્થાઓને, ન્યાયપ્રણાલીને, મીડિયાને, શિક્ષણને. કવિ ફિલિપ ક્લાર્કે માત્ર બેચાર પંક્તિમાં જ ખૂબ ગંભીર અને ઊંડી વાત કરી નાખી છે. કોઈ પણ સમયે પ્રાસંગિક લાગે તેવી આ કવિતા માત્ર સત્તાને જ નહીં, લોકોને પણ પ્રશ્ન કરે છે કે લોકશાહીના પેટમાં સત્તાની ગાંઠ થવા પાછળ ક્યાંક પોતે પણ જવાબદાર નથીને?

લોકશાહીના પેટમાં દુખાવો ત્યારે ઊપડે છે, જ્યારે સંસ્થાઓ પોતાની ભૂમિકા ભૂલી જાય, ન્યાય ખરડાય, અન્યાય માથું ઊંચકે. માહિતી પ્રચાર બની જાય, શિક્ષણ જ્ઞાનને બદલે અનુસરણ શીખવે વગેરે. લોકશાહી માટે આ બધું આંતરિક રોગનાં લક્ષણો છે. આ દુખાવો રસ્તા પર ઊતરે ત્યારે આપણે તેને અશાંતિ કહીએ છીએ, કોર્ટમાં પહોંચે ત્યારે તેને ભાર ગણીએ છીએ, અને ઘરમાં ચર્ચા બને ત્યારે ટાળીએ છીએ. પરંતુ હકીકતમાં, આ દુખાવો લોકશાહીની ચેતવણી છે.

લોકશાહી એટલે By the people, For the people & Of the people હોવું જોઈએ, પરંતુ આજે તે વાત કંઈક આવી થઈ ગઈ છે, Buy the people, Floor the people, Off the people.

સત્તાની ગાંઠ મોટી ત્યારે થાય, જ્યારે સત્તાને પડકારવાનો વિચાર પણ અસ્થાને લાગે. જ્યારે એક વિચારધારા, એક પક્ષ અથવા એક વ્યક્તિ પોતાને દેશ સમાન માનવા લાગે ત્યારે લોકશાહીનું સ્વરૂપ બદલાય છે. દેશ એક જીવંત, બહુસ્તરીય વ્યવસ્થા છે; તેને એક અવાજમાં સમેટવાનો પ્રયાસ એ લોકશાહીના પેટ પર દબાણ છે. આ દબાણ લાંબા સમય સુધી ચાલે તો ગાંઠ વિકસે છે અને પછી દુખાવો અનિવાર્ય બને છે. આ દુખાવાની સૌથી કટુ વાત એ છે કે તેમાં પ્રજાની પણ ભૂમિકા હોય છે. લોકશાહીમાં રોગ માત્ર ઉપરથી નથી આવતો; જ્યારે નાગરિક પોતાની જવાબદારીને માત્ર મતદાન સુધી મર્યાદિત કરે, જ્યારે ખોટી વાત સાંભળીને પણ “મને શું?” કહે, ત્યારે તે ગાંઠને પોષણ પૂરું પાડે છે. લોકશાહી માત્ર શાસકોથી બનેલી નથી; તે નાગરિકોના વિવેકથી જીવંત રહે છે. વિવેકની કમી ગાંઠને મજબૂત બનાવે છે.

લોકશાહીના પેટમાં દુખાવો કોઈ દુર્ઘટના નથી; તે સંકેત છે. જેમ શરીર દુખાવા દ્વારા આપણને ચેતવે છે, તેમ લોકશાહી પણ પોતાની પીડા દ્વારા સમાજને ચેતવે છે. આ પીડાને દબાવવી નહીં, પરંતુ સમજવી જોઈએ. પેનકિલર દુખાવો ઓછો કરે છે, રોગ નહીં. લોકશાહીને પણ તરત શાંતિ આપતી દવાઓ નહીં, પરંતુ લાંબા ગાળાનો ઉપચાર જોઈએ.

લોકશાહીનું પેટ ખાલી ન રહેવું જોઈએ, પણ અતિભરેલું પણ નહીં. ખાલી પેટમાં ભૂખ ઉદ્ભવે છે અને અતિભરેલા પેટમાં ગાંઠ. સંતુલન જ તંદુરસ્તી છે. પ્રશ્ન પૂછવાનો અધિકાર, અસહમત થવાની સ્વતંત્રતા, અને સત્તાને જવાબદાર રાખવાની હિંમત આ ત્રણે મળીને લોકશાહીને સ્વસ્થ રાખી શકે. જ્યારે લોકશાહીના પેટમાં દુખાવો ઊપડે, ત્યારે તેને અવગણવો નહીં, કારણ કે એ દુખાવો આખરે આપણો જ હોય છે.

લોગઆઉટઃ

લોક હો, લોકોપયોગી તો બને;
બોલવાથી લોકશાહી થાય નૈ.
– અશોક વાવડિયા