‘હા’ શબ્દ આટલો ટૂંકો કેમ હોય છે?

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

‘હા’ શબ્દ આટલો ટૂંકો કેમ હોય છે?
એ તો સૌથી લાંબો
અને સૌથી મુશ્કેલ હોવો જોઈએ,
જેથી તમે ક્યારેય કોઈનેય તરત ન કહી શકો,
અને તમારે એટલું બધું વિચારવું પડે
કે તમે 'હા' કહેતા પહેલાં વચ્ચે જ અટકી જાઓ...

- વેરા પાવલોવા (ભાવાનુવાદ - વિશાલ ભાદાણી)

વેરા પાવલોના રશિયવન કવયિત્રી છે, જેણે વીસ કરતા વધારે કાવ્યસંગ્રહો પ્રકાશિત કર્યાં છે અને પચીસ કરતાં વધારે ભાષામાં તેમની કવિતાઓના અનુવાદો થયા છે.

ઘણા લોકો કોઈ કામમાં સરળતાથી ના નથી પાડી શકતા. એવું કરવામાં તેમને સંકોચની અણીદાર સોય ભોંકાતી હોય છે. ના પાડીશ તો સામેવાળાને કેવુંં લાગશે? આટલું વાક્ય તેમને કોરી ખાય છે. તેમની મરજી હોય કે ન હોય. સોંપવામાં આવેલું કામ ગમે છે કે નહી, પોતે અન્ય કામમાં વ્યસ્ત છે કે નહીં, તેની પરવા કર્યા વિના સોંપાયેલા કામની સડક પર પરાણે ડગલાં ભરવા માંડે છે. આવા માણસોની સંખ્યા ઓછી નથી. એટલા માટે જ Steven Hopkinsએ How to Say No અને Henry Cloud તથા John Townsendએ BOUNDARIES નામનાં પુસ્તકો લખ્યાં છે. જે મનદુઃખ ના થાય તે રીતે પ્રેમથી ના પાડવાની કળા શીખવે છે. બંને પુસ્તકોની લાખો કોપીઓ વેચાઈ છે. જે સૂચવે છે કે લોકોને ના પાડવી હોય છે, પણ કયા શબ્દોમાં કહેવું તે સમજાતું નથી.

વેરા પાવલોનાએ સહેલાઈથી કહી દેવાતી ‘હા’ની સામે સવાલ ઊઠાવ્યા છે. તેણે શોધી કાઢ્યું છે કે ઝડપથી હા બોલાઈ જવાનું કારણ છે તેનો શબ્દ - હા. તેણે ‘હા’ શબ્દને આ સમસ્યાનું મૂળ ગણાવ્યો છે. આ બધી જફા ‘હા’ નામના શબ્દને લીધે ઊભી થાય છે. જો એ શબ્દ આટલો ટૂંકો ન હોત, લાંબો હોત, બોલવામાં સમય માગી લે તેવો હોત, અને ઉચ્ચારમાં પણ અઘરો હોત તો તેને બોલતી વખતે જતો સમય અને ઉચ્ચારમાં પડતી મહેનત દરમિયાન વિચારવાનો સમય તો મળી રહેત. હા પાડવાની ઇચ્છા ન હોય તો પેલો શબ્દ વચ્ચેથી જ અટકાવી દઈ શકાય. પણ એવું છે નહીં. એક અક્ષરનો શબ્દ તો છે. એ શબ્દ ઉચ્ચારાઈ જાય એટલે પત્યું. બંદુકમાંથી ગોળી નીકળી ગઈ, ધનુષમાંથી તીર છૂટી ગયું, પછી શું?

હા કહી દીધા પછી ઘણી વાર એમ થાય છે કે ક્યાં હા પાડી? આ અનુભવમાંથી દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક પસાર થઈ હશે. કોઈકના દ્વારા સોંપાયેલ કામ ઘણી વાર મન ન હોય છતાં કરી નાખીએ છીએ, અને વળી કર્યા પછી વસવસાની વાટકીમાં અફીણ જેમ ઘોળાતા રહીએ છીએ. સામેની વ્યક્તિ તો કહીને છટકી જાય છે, આપણે જવાબદારી ઘેનમાં ઘોરાતા રહીએ છીએ. મનોમન કચવાતા રહીએ છીએ, પોતાને જ કહેતા રહીએ છીએ કે આવું બોલીને ના પાડી દેવા જેવી હતી, તેવું બોલીને સમજાવી દેવા જેવા હતા. પણ ત્યાં સુધીમાં તો આપણે પોતે સામેના માણસે સોંપેલા કામે વળગી ગયા હોઈએ છીએ. એક લેખક કે કવિ પોતાનું સર્જન કરવા બેઠો હોય ત્યારે અચાનક અન્ય કોઈ ફોન કરીને કહે કે આ જુઓને કેવું લખાયું છે? આ એક વાક્યથી સર્જકનો પોતાનો લખવાનો વિચાર લટકી પડતો હોય છે અને બીજાએ સોંપેલા વિચારની ખીંટીએ લટકી જતો હોય છે. લગ્નનો દાખલો લઈ લોને. ઇચ્છા ન હોવા છતાં માતા-પિતા, પરિવાર, સમાજની શરમે ઘણા બધા હા પાડી દે છે અને પછી જિંદગીભર પોતાની ક-મને કહેવાયેલી ‘હા’ના પાણા એકલા ને એકલા ચુપચાપ પોતાના માથે માર્યા કરે છે.

પણ ધારો કે ના પાડવાની કળા આવડે છે - ના પાડી દીધી તો શું? મરીઝનો શેર ખૂબ પ્રચલિત છે.
હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

મરીઝ કહે છે, સાવ કોરીકોરી ના કહી દેવાની? થોડીક તો લાગણી બતાવવી’તી. જરાક તો સંવેદના રાખવી’તી. આવી અવહેલનાથી ના પાડવાની? થોડીક તો હમદર્દી દાખવવી’તી ના પાડવામાં. ના પાડવાની પણ એક કળા હોય છે. ઘણાની ના માથામાં પાણો માર્યો હોય એમ વાગતી હોય છે. કવયિત્રીએ હા શબ્દ સામે સવાલ ઊઠાવ્યો ત્યારે મરીઝ જેવા તો ના શબ્દ સામે પણ સવાલ ઊઠાવે કે ના શબ્દ પણ આટલો ટૂંકો ના હોવો જોઈએ, જેથી ના પાડનાર વ્યક્તિ પણ પોતાનો શબ્દ પૂરો કરે તે પહેલાં વિચાર બદલી શકે.

લોગઆઉટઃ

તારા સુધી પહોંચવા માટે
હુંં જીવનભર કવિતાઓ લખતી રહી,
પૂરી થઈ પછી ખબર પડી
કે હું ખોટા રસ્તે હતી.

- વેરા પાવલોવા (ભાવાનુવાદ - મનોજ પટેલ)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો