(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)
લોગઇન:
બે પંખીને મળવું છે, પણ નથી મળાતું.
એક વળાંકે વળવું છે, પણ નથી વળાતું!
એક પંખી છે પિંજરપૂર્યું,
પગ પણ બાંધ્યા પાશે;
અવર પંખી તે છિન્ન-પાંખ છે,
ઊડતાં કેમ ઉડાશે?
બે પંખીને ઊંચે જવું છે, નથી જવાતું;
જોડે રહીને,
જલ પીવું છે એક ઝરણનું, નથી પિવાતું! –
એક પંખીને દિવસ મળ્યો છે,
અવર પંખીને રાત,
એક કથે ને અવર સુણે એ,
કેમ બને રે વાત?
બે પંખીને,
એક ડાળ પર ઝૂલવું છે, પણ નથી ઝુલાતું
એકબીજામાં ખૂલવું છે, પણ નથી ખુલાતું. –
– ચંદ્રકાન્ત શેઠ
ચંદ્રકાન્ત શેઠની કલમથી અનેક ઉત્તમ ગીતો નીવડ્યાં છે. આ તેમાંનું એક છે. બે પંખીનાં મિલનની અવઢવ, મુશ્કેલીઓ, દશા અને દિશા વિશે તેમણે હૃદયસ્પર્શી ભાવ નિપજાવ્યો છે. આ બે પંંખી એવાં તમામ વ્યક્તિઓનાં પ્રતિક છે, જે મિલનની મર્માળુ ગલીઓથી વેગળાં છે. તેઓ પ્રેમના પમરાટથી મહેકતી કેડી પર સાથે ચાલવાની મહેચ્છા રાખે છે, પરંતુ અણીદાર અડચણો તેમને તેમ કરવા દેતી નથી. આસપાસ રચાયેલી રીત-રિવાજોની દીવાલો તેમને મિલનની માળા નથી ગૂંથવા દેતી. ડગલે ને પગલે ભેદભાવની ભીંતો આંખ આગળ આવીને ઊભી રહી જાય છે. સ્થળ-કાળની કઠણાઈઓ, સંજોગોની ભોંકાતી સોય, અને સ્થિતિ-પરિસ્થિતિનું જાળું એવુંં તો ગૂંંથાય છે કે તેમાં તે અટવાઈ જાય છે.
બે વિરોધાભાસી જગતમાં, સંજોગોમાં વસતાં વ્યક્તિત્વોને હૃદયની એક ડાળ પર ઝૂલવું હોય છે, પણ જગતને તેમનું ઝૂલવું પોસાતું નથી. જગતને પોતાના નિયમો હોય છે. એણે રચેલી કેડી પર અને એણે નક્કી કરેલાં ડગલાં ભરીને ચાલશો તો તમે સારા, પણ જેવા તમારા હૃદયનું સાંભળીને પોતાનું ડગલું જાતે માંડશો કે દુનિયાદારી ભીંતની જેમ તમારી આગળ આવીને ઊભી રહી જશે. તેની પર માથું પછાડી પછાડીને તમે મરી જશો, તો તમને હારેલા ગણશે, હસશે તમારી પર. ઠેકડી ઉડાડશે તમારી. પણ એ જ ભીંતને ભોંયભેગી કરશો તો તમતમી ઊઠશે તમારી પર. તમને ધૂળભેગા કરવા કોશિશ કરશે. ભીંતને ભાંગીને ભૂક્કો કરીને પોતાનું આકાશ જાતે રચીને એમાં ઉડ્ડયન કરશો તો આંખ પર નેજવું કરીને ઈર્ષાથી તમને નિહાળતા રહેશે. સમય જતાં કહેશે, જુઓ કેવો છકી ગયો છે.
પ્રણયના પંખીને નિયમબધ્ધ સળિયાથી બનેલા પીંજરામાં રહીને પાંખો ફેલાવવાનું નથી ફાવતું. એણે પોતાનું આકાશ શોધીને તેમાં ઊંચી ઉડાન ભરવી હોય છે. ગમતાં પંખી સાથે રહીને નેહ નિતરતા નભને આંબવું હોય છે, વાદળોમાં વિહાર કરવો હોય છે. હૃદયની વીણાના તાર ઝંઝેડી ગમતા સૂર છેડવા હોય છે. નયનની લિપિ ઉકેલવી હોય છે. કોઈની સાથે મીઠી નજરનો પુલ બાંધવો હોય છે, પછી તે પુલ પર હાથમાં હાથ નાખીને ચાલવું હોય છે. વહાલના વહેતા ખળખળતા નીરને ખોબો ભરીભરીને પીવું હોય છે. પણ સતત એક અદૃશ્ય બેડી તેના પગમાં બંધાયેલી હોય છે, જે આ બધું નથી કરવા દેતી. પંખીને ઊડવું છે, પણ નથી ઉડાતું, પેલી બેડી જાણે અજાણે તેને બાંધી રાખે છે. ક્યાંક પગમાં સાંકળ છે તો ક્યાંક પાંખ ઘવાયેલી છે. તમારી આશાનો દીવડો પવનથી બુઝાય નહીં એટલે તેની ફરતે અમે ટેકણિયું મૂક્યું છે એમ કહીને એ દીવો સાવ ઠારી નાખશે. મિલનની મીણબત્તીને ઓલવી નાખશે.
ગીત, છાંદસ, અછાંદસ, ગઝલ જેવાં વિવિધ કાવ્યસ્વરૂપોમાં ઊંડું ખેડાણ કરવાની સાથે ગદ્યમાં પણ મહત્ત્વનું પ્રદાન કરનાર ચંદ્રકાન્ત શેઠે નવલકથા સિવાય તમામ સ્વરૂપોમાં ખૂબ કામ કર્યું છે. ‘શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને, એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.’ કે “ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ” કે “સાંકડી શેરીમાં આકાશ વેચવા નીકળ્યો છું” કે “ઊંડું જોયું અઢળક જોયું” જેવાં તેમણે રચેલાં અનેક કાવ્યો ગુજરાતી ભાષાનાં ઘરેણાં સમાન છે. આ સર્જકને આપણે થોડા સમય પહેલા જ ગુમાવ્યા. ગુજરાતી ભાષાના આકાશમાં શીતળ ચંદ્રની જેમ તેઓ હર હંમેશ ચમકતા રહેશે.
લોગઆઉટઃ
નભ ખોલીને જોયું, પંખી નથી નથી;
જળ ખોલીને જોયું, મોતી નથી નથી.
સતત છેડીએ તાર, છતાં કંઈ રણકે નહીં;
આ કેવો ચમકાર ! કશુંયે ચમકે નહીં !
ખોલી જોયા સૂર, હલક એ નથી નથી;
ખોલી જોયાં નૂર, નજર એ નથી નથી. –
લાંબી લાંબી વાટ, પહોંચતી ક્યાંય નહીં;
આ પગલાં ક્યાં જાય?મને સમજાય નહીં;
આ તે કેવો દેશ? દિશા જ્યાં નથી નથી !
આ મારો પરિવેશ? હું જ ત્યાં નથી નથી !
- ચંદ્રકાન્ત શેઠ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો