સત્ય બ્હાર આવે છે!

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

તપાસ થાય પછી સત્ય બ્હાર આવે છે,
પ્રયાસ થાય પછી સત્ય બ્હાર આવે છે.

ભર્યું છે તેજ-તમસ કેટલું આ સૃષ્ટિમાં?
અમાસ થાય પછી સત્ય બ્હાર આવે છે!

પ્રયાણ સ્વપ્ન સમી જાતરાનું થાય અને
પ્રવાસ થાય પછી સત્ય બ્હાર આવે છે.

નિહાળી બીજ અભિપ્રાય કેમ આપો છો?
વિકાસ થાય પછી સત્ય બ્હાર આવે છે!

પ્રથમ નજરથી તમે જેને ખાસ માનો છો,
એ ખાસ થાય પછી સત્ય બ્હાર આવે છે!

પહેલાં વાત કરે છે એ સાત જન્મોની,
સમાસ થાય પછી સત્ય બ્હાર આવે છે!

– શૈલેશ ગઢવી

સત્ય સાપેક્ષ હોય છે. એકનું સત્ય બીજાનું ન પણ હોય. ઢળતી સાંજે ભારતના કોઈ સુંદર સરોવર કિનારે બેસેલા વ્યક્તિનું સત્ય આથમતા સૂર્યનું અજવાળું હોઈ શકે, જ્યારે એ જ સમયે અમેરિકામાં બેઠેલા માણસને પોતાનું સત્ય ઊગતા સૂર્યના અજવાળામાં પ્રાપ્ત થાય તેમ બને. સત્ય - સ્થળ, કાળ, વ્યક્તિ, વર્તન, દશા અને દિશા પ્રમાણે રૂપ ધારણ કરતું હોય છે. એ રૂપમાં આપણું સ્વરૂપ કયું છે તે કળી લેવાનું હોય છે. એ શોધવા માટે જાતતપાસના જળમાં ખૂબ ઊંડી ડૂબકી મારવી પડે છે. એ મહાસાગરની ઊંડી ડૂબકી પછી પણ સત્યનું સોનેરી મોતી હાથ લાગ્યું તો લાગ્યુંં. મહાસાગરમાં મોતી શોધવા જતા મરજીવાને પણ ક્યાં એક ડૂબકીમાં મોતી મળી જાય છે. સેંકડો કોશિશ પછી એકાદમાં માંડ કંઈક પ્રાપ્ત થતું હોય છે. વળી આપણું સત્ય આપણું એકલાનું નથી હોતું. આપણી સાથે જોડાયેલી વ્યક્તિઓ, આસપાસનું વાતાવરણ, આપણું વર્તન અને આપણી સાથે થતું વર્તન, આપણા વિચારો, વાણી અને વ્યવહાર એ બધામાં છૂટુંછવાયું વિખેરાયેલું પડ્યું હોય છે. એને અંતરમનના અજવાળે બેસીને એકઠું કરવું પડતું હોય છે. નીતિન પારેખનો સુંદર શેર છે-
એકઠું જે કર્યું તે અંધારું,
વ્હેંચીએ તે પ્રકાશ લાગે છે.

દિવસે ખરા તડકે લાગે છે કે નભમાં સૂર્ય સિવાય કશું જ અસ્તિત્વ ધરાવતું નથી, પણ રાત પડતાની સાથે સેંકડો તારાઓ ચમકી ઊઠે છે. આકાશ ચંદ્ર સહિત અનેક ગ્રહોથી રળિયાત થતું દેખાય છે. અમાસમાં તો ચંદ્રની પણ બાદબાકી થઈ જાય છે, પછી પણ સેંકડો સિતારાઓના દર્શન થાય છે. ઘણી વાર આપણે અમુક પ્રકાશમાં અંજાયેલા હોઈએ છીએ અને તેના લીધે જિંદગીના અનેક સિતારાઓ આપણે નિહાળી જ નથી શકતા. જેવો જીવનમાં અંધકાર છવાય કે તરત ભાન થાય કે કોના કોના અજવાળાથી આપણે વંચિત હતા. ઘણાં સત્ય આઘાતની અણિયાળી તલવારથી લોહીઝાણ થયા પછી જ સમજાતાં હોય છે. આંખ સામે હોય છતાં ન કળાતું સત્ય એક દિવસ અચાનક સોયની જેમ ભોંકાય છે. બદામ ખાવા કરતા ઠોકર ખાવાથી વધારે યાદ રહેતું હોય છે.

વિશાળ વડનું બીજ રાઈના દાણા જેવું નાનું હોય છે, તેની આવી સૂક્ષ્મતા જોઈને હસનારા જ્યારે તે ભીંંત ફાડીને ઊગી નીકળે છે ત્યારે મૂર્ખા સાબિત થતા હોય છે. એક નાનું બીજ વિશાળ વડનું સત્ય સાચવીને બેઠું હોય છે. જેની સાથે જિંદગીની સત્ય શોધવાના સપનાં સેવ્યાં હોય તે ખરેખર પ્રાપ્ત થાય ત્યારે પેલું સપનામાં જોયેલું સત્ય આભાષી લાગી શકે. આ જ તો છે જિંદગી. બધાને એમ લાગે છે કે સુખ સામા કિનારે છે. સામા કિનારાવાળાને પણ એવુંં જ લાગતું હોય છે.

કવિ શૈલેષ ગઢવીએ પોતાના હૃદયના સરોવરમાં ડૂબકી મારીને ગઝલરૂપી મોતી મેળવ્યું છે. ગઝલ જેટલી સરળ છે, એટલી જ મુશ્કેલ છે. ગંગાસતી કહે છે તેમ વીજળીના ચમકારે મોતી પરોવવાનું હોય છે, પણ ચોવીસે કલાક બલ્બ હાથવગો થઈ જાય પછી મોતી પરોવવાનું મન રહેતું નથી. મળી જાય પછી તેની મહોબત રહેતી નથી. અભાવ ક્યારેક પ્રાપ્તિ તરફ દોરી જાય છે. કોઈ પણ કલામાં જ્યારે સિદ્ધ થઈ ગયાનો ભાવ આવે ત્યારે કલા ચૂપચાપ ત્યાંથી વિદાય લઈ લેતી હોય છે. શૈલેષ ગઢવીની આ ગઝલ માવજત માગી લે તેવી છે. સજ્જતા ન રહે તો સરી જાય. શેરના પ્રથમ મિસરા પછી બીજા મિસરામાં માત્ર કાફિયા પૂરતી જ જગા છે, અર્થાત્ પ્રથમ પંક્તિની રચના પર જ શેરની સજ્જતાને ઊભી રાખવાની છે. આમ કરવામાં તેઓ તેઓ પૂર્ણપણે સફળ થયા છે. મત્લાથી મક્તા સુધીનો તેમનો પ્રવાસ સાદ્યંત આસ્વાદ્ય થયો છે.

લોગઆઉટઃ

ભર્યા દરબાર વચ્ચે ઊભવાનું ખૂબ કપરું છે !
ગુનાના ભાર વચ્ચે ઊભવાનું ખૂબ કપરું છે !

તરુ માફક બધી મુશ્કેલીઓ વ્હોરી તો લઈએ પણ,
સમયના માર વચ્ચે ઊભવાનું ખૂબ કપરું છે!

નથી કોઈ ગતાગમ આભ ક્યારે તૂટવાનું છે?
સતત આસાર વચ્ચે ઊભવાનું ખૂબ કપરું છે.

કર્યા કરવી છે કેવળ સરભરા શ્વાસોચ્છવાસોની,
પણ અંદર બ્હાર વચ્ચે ઊભવાનું ખૂબ કપરું છે !

શરત એવી, જરા પણ લાગણી સાથે તણાવું નહીં,
વિના આધાર, વચ્ચે ઊભવાનું ખૂબ કપરું છે!

થયાં છે પ્હાડ ચરણો બુદ્ધ માફક કેમ નીકળવું ?
આ અંતરગાર વચ્ચે ઊભવાનું ખૂબ કપરું છે.

~ શૈલેશ ગઢવી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો