(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)
લોગઇન:
માએ મનને ગજાવ્યાં ગઝલગોખમાં રે!
માએ અમને તેડાવ્યા શબદચોકમાં રે!
લાય લોહીમાં જગાવી અલખ નામની ને;
અમને રમતા મેલ્યા છે ગામલોકમાં રે!
મારું ઉપરાણું લઈને આ આવ્યું છે કોણ?
હૈયું છલકે ને હરખ ઊડે છોળમાં રે!
પહોંચું પહોંચું તો ઠેઠના ધામે હું કેમ?
લાગી લાગીને જીવ લાગ્યો પોઠમાં રે!
રહે જાતરા અધૂરીને ને ફળતો જનમ;
એવો મંતર મૂક્યો છે કોણે હોઠમાં રે!
મારે પીડાની મા કેવી હાજરાહજૂર!
કાં તો ડૂમે દેખાય કાં તો પોકમાં રે!
જેની નેજવાના ગઢ ઉપર દેરી બાંધી;
એની ગરબી ગવાય રોમેરોમમાં રે!
– અશરફ ડબાવાલા
નવરાત્રી આવતાની સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમવા ઘેલા થઈ જાય છે. તેમના ચરણ ગરબાના તાલમાંં તાલ પુરાવા લાગે છે. ગરબા ગુજરાતની પરંપરા, ગૌરવ અને ઓળખ છે. ગરબા વિશે ન જાણતો હોય તેને ગુજરાતી કહેવો કે કેમ એ પણ પ્રશ્ન છે. નવ-નવ દિવસ ગરબે રમ્યા પછી પણ ન થાકનારા ખૈલેયાઓ દશેરાએ પણ મન મૂકીને નાચે છે. પણ એમાં ગરબારૂપી સામૂહિક નૃત્ય કેન્દ્રસ્થાને નથી. કેન્દ્રમાંં તો શ્રદ્ધા છે. સતત નવ દિવસ રાક્ષસી અત્યાચાર સામેની માતાજીની લડાઈ આપણને અન્યાય સામે લડવાની પ્રેરણા આપે છે. આ લડાઈની ઊજવણીને આપણે ભક્તિ, પૂજા અને નૃત્ય થકી વ્યક્ત કરીએ છીએ. બ્રહ્માંંડ પોતે એક મહાકાય ગરબા જેવું છે, જેમાં સેંકડો ગ્રહોરૂપી દીવડાઓ યુગોથી ઝળહળી રહ્યા છે.
ગુજરાતી સાહિત્યના ગગનચોકમાં અનેક સર્જકોએ પોતાના દીવડા પ્રગટાવીને ભાષાના ગરબાને ઝળહળતો કર્યો છે. તેને પોતાના હૃદયનું અજવાળું આપીને રળિયાત કર્યો છે. ગુજરાતી ગઝલમાં સમયાંતરે વિવિધ પ્રયોગો થતા રહ્યા છે. પરંપરાના સ્વરૂપને ગઝલમાં ઓગાળી તેનો ભાવ અને ભાવનાને અનોખી રીતે રજૂ કરવામાં અનેક સર્જકો બખૂબી સફળ રહ્યા છે. અશરફ ડબાવાલા તેમાંના એક છે. ડાયસ્પોરા સાહિત્યના દરિયામાં શબ્દનું વહાણ તરતું રાખવામાં તેમનો ફાળો અમૂલ્ય છે. વિદેશી ભૂમિ પર સ્વદેશી કવિતાનું બીજ રોપી તેને નિરંતર પોષણ આપતા રહેવાનું કામ સહેલું નથી. કવિતાના વિવિધ સ્વરૂપોમાં મૂલ્યવાન પ્રદાન કરીને આ કપરું કામ તેમણે બખૂબી પાર પાડ્યુંં છે. લોગઇનમાં આપવામાં આવેલી ગઝલ આ વાતની સફળ સાબિતી છે.
ગરબામાં મા આદ્યશક્તિની આરાધના રજૂ કરવામાં આવે છે, અહીં કવિએ ભાષારૂપી આદ્યશક્તિની આરાધના કરી છે. તેમણે પ્રથમપંક્તિમાં જ ભક્તિભાવરૂપે તે વાત કરી છે. માએ મનને ગજાવ્યા ગઝલગોખમાં રે… એમ કહે છે ત્યારે કવિ કવિતાનો ભાવ ગરબાનો રાખે છે, પણ સ્વરૂપ ગઝલનું લે છે. આ સમન્વય બહુ અલાયદો અને અનોખે છે. અને અહીં મા એટલે કોણ? કવિ તો અહીં ભાષાને જ જગદંબા અને જગતજનની ગણે છે. ભાષારૂપી જગદંબા કવિના મનનો નાદ ગઝલગોખ ગજાવે છે. નાદમાંથી જ તો શબ્દ જન્મે છે. એટલા માટે જ તો બીજી પંક્તિમાં શબ્દના ચોકમાં જવાની વાત કરે છે. પ્રત્યેક શેર એક નોખી ભાવના લઈને પ્રગટે છે. જાણે ગઝલના ચોકમાં ભરાતા સંવેદનાના તાલ. તેમાં વ્યથા છે અને કથા પણ છે. તેમાં વેદના છે અને સંવેદના પણ. તેમા લાગણી છે અને બળબળતી લાય પણ. એક શેરમાં તો પીડાને જ મા તરીકે રજૂ કરે છે.
મારે પીડાની મા કેવી હાજરાહજૂર!
કાં તો ડૂમે દેખાય કાં તો પોકમાં રે!
વ્યથા ચિત્તમાં ઊછાળા મારતી હોય પણ આંસુની વાટે બહાર ન નીકળે શકે તો ડૂમાનુંં રૂપ ધારણ કરતી હોયછે. પણ એ વ્યથાનો બંધ તૂટે ત્યારે પોક મૂકાઈ જાય છે. આ જ ઘટનાને જાણે માતાજી પોતે હાજરાહજૂર થઈને દર્શન આપતા હોય તેવી ભાવના સાથે કવિએ રજૂઆત કરી છે.
કવિએ ગઝલ અને ગરબી બંને સ્વરૂપને એકમેકમાં બખૂબી ઓગાળી દીધા છે. તેમની એક અન્ય ગઝલ છે, જે વાંચતા ભજન અને ગઝલ પરસ્પર ઓગળી ગયા હોય તેવું લાગે. તેનાથી લોગઆઉટ કરીએ.
લોગઆઉટઃ
એની ઊંચી ડેલી છે ને મારા નીચા ઓટાજી,
સંબંધોના સરવાળાઓ અંતે પડતા ખોટાજી.
રખડી રઝળી આવ્યો છું હું ચોરાઓ ને ચૌટાંઓ;
તોય વધ્યા છે મારામાં બેચાર હજી હાકોટાજી.
કાલે પાછાં ઠેલાયાં’તાં મારા હાથોનાં વંદન,
ચરણોમાં આવી ગ્યા આજે પંડિત મોટામોટાજી.
જીવનના ફાનસનો કિસ્સો એમ થયો છે પૂરો લ્યો,
દિવસે ઝળહળ વાટ હતી ને સાંજે ફૂટ્યા પોટાજી.
ફળિયામાંથી ઝાંઝર લઈને ચાલ્યાં ગ્યાં’તાં પગલાં જે,
રસ્તે રસ્તે શોધ્યાં એને, ક્યાંય જડ્યા નહિ જોટાજી.
આખેઆખો જનમ લઈને તરસ અઢેલી બેઠા’તા;
અંતસમયમાં શું સૂઝ્યું કે જીવ થયા ગલગોટાજી.
એમ જીવી ગ્યા માણસ થઈને પીડાઓના જંગલમાં,
ફૂલ સુકાયું હાથોમાં ને મનમાં ફૂટ્યા કોંટાજી.
- અશરફ ડબાવાલા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો