કલ્પાંત કરતી ક્યારની નિર્વસ્ત્ર દ્રૌપદી

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

ઇતિહાસને ઊંચકી શકું એવાય સ્કંધ છે;
પણ શું કરું? ઇતિહાસ તો પાનાંમાં બંધ છે.
કલ્પાંત કરતી ક્યારની નિર્વસ્ત્ર દ્રૌપદી,
ધૃતરાષ્ટ્રની ક્યાં વાત આખું વિશ્વ અંધ છે.

- અશોક ચાવડા

મહાભારતનો જાણીતો પ્રસંગ છે. જુગટું ખેલાઈ રહ્યું છે. યુધિષ્ઠિર બધું હારી ચૂક્યો છે, પોતાને અને પોતાના ભાઈઓને પણ દાવમાં ગુમાવી બેઠો છે. એવા સમયે દુર્યોધન ઓફર કરે છે કે જો દ્રૌપદીને દાવમાં મૂકે અને જીતે તો જે કંઈ હાર્યો છે તે બધું જ તેને પરત આપવામાં આવશે. હાર્યો જુગારી બમણું રમે તે નીતિથી યુધિષ્ઠિર પણ છેલ્લી બાજીમાં આર યા પાર કરી લેવા માગે છે. પણ ષડયંત્ર રચાઈ ચૂક્યું છે. પાસા ફેંકાય છે અને દ્રૌપદીને પણ હારી બેસે છે. સભામાં તેને હાજર કરવામાં આવે છે અને દુઃશાસન તેનું વસ્ત્રાહણ કરે છે. પોતાના પાંચ પાંચ પતિ હોવા છતાં દ્રૌપદી લાચાર બની રહે છે. ભીષ્મ જેવા ભીષ્મ આંખ આડા કાન કરે છે. ધૃતરાષ્ટ્રને તો આંખો જ નથી કે તે બંધ કરે, પરંતુ એ પોતાનું મગજ બંધ કરીને બેસી રહે છે. દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય જેવા વડીલો ચુપચાપ બધો ખેલ જોયા કરે છે. સભાના તમામ વડીલો મૌન સેવી લે છે. દ્રૌપદી પોતે આટલી નિરાધાર ક્યારેય નહોતી બની, હાજર રહેલા વ્યક્તિમાંથી કોઈ મદદ નથી કરતું, તેનું હૈયું ચિત્કાર કરીને કૃષ્ણને મદદ માટે પોકારે છે અને કહેવાય છે કે કૃષ્ણએ તેના ચીરે પૂરે છે.

આજે પ્રત્યેક ક્ષેત્રમાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ થાય છે, પણ કોઈ કૃષ્ણ નથી તેના ચીર પૂરવા માટે. પુષ્યમિત્ર ઉપાધ્યાયે લખ્યું છે,
સુનો દ્રૌપદી શસ્ત્ર ઉઠાલો, અબ ના ગોવિંદ આયેંગે.
કબ તક આસ લગાઓગી તુમ, બિકે હુએ અખબારો સે,
કૈસી રક્ષા માંગ રહી હો દુઃશાસન દરબારો સે?
સ્વયં જો લજ્જાહીન પડે હૈ, વો ક્યા લાજ બચાયેંગે?
સુનો દ્રૌપદી! શસ્ત્ર ઉઠા લો, અબ ના ગોવિંદ આયેંગે…

જન્માષ્ટમી આવે છે, મટકી ફોડાય છે, ગીતો ગવાય છે અને દ્રૌપદીઓ શોષાય છે… દરેક ગામને ગોકુળિયું કરવાની વાત કરતા શાસકો ગોપીઓ પર બળાત્કાર થાય, શોષણ થાય, અન્યાય થાય ત્યારે આંખ આડા કાન કરીને બેસી રહે છે. સત્તાપક્ષા કે વિરોધપક્ષ પરસ્પર આક્ષેપબાજીની રમતો ચાલુ કરે દે છે. સળગેલા ઘરોને ચૂલા તરીકે જુએ છે અને પોતપોતાના રોટલા શેકવા બેસી જાય છે. ગૌરવ લેવાની એક પણ પળ ન ચૂકનારા સત્તાલોલુપો સમસ્યાથી સો ગાઉ છેટા રહે છે. હારેલી ક્રિકેટ ટીમને ફોન કરીને આશ્વાસન આપી રાષ્ટ્રીય દિલાસો વ્યક્ત કરે છે, પણ આગમાં હોમાયેલા પરિવારોને કે જેમની દીકરી પર બળાત્કાર થયો છે તેમના માતાપિતાને કે સરકારી નીતિનો ભોગ બનેલા પરિવારો પર નજર સુધ્ધાં નથી નખાતી. અને જો નજર પણ કરે તો તેમાં ક્યાંક ને ક્યાંક રાજકીય સ્ટંન્ટ હોય છે.

ભારતને રામરાજ્ય બનાવવાની વાત કરતા શાસકો પોતે જ લોહી ચૂસતા કીડા બની જાય ત્યારે પ્રજા કોની પાસે જાય? વાડ પોતે ચીભડા ગળે ત્યારે ફરિયાદ કોને કરવાની? કયા કૃષ્ણને રાવ કરવી? દવાખાનામાં કે બસસ્ટેન્ડમાં, રિક્ષામાં કે બસમાં, સ્કૂલમાં કે કોલેજમાં, ઘરમાં કે શેરીમાં પ્રત્યેક જગ્યાએ ગોપીઓ વસે છે, દરેક ઘરમાં સીતાજીનો વાસ છે, હર એક નારી મીરાં કે રાધા છે, પણ સલામતીમાં બાધા છે. વિઘ્નોનું એક શાંત વાવાઝોડું હંમેશાં તેમની આગળપાછળ મંડરાતું રહે છે. દીકરીઓએ ટૂંકા વસ્ત્રો ન પહેરવા, રાત્રે બહાર ન નીકળવું, તૈયાર થઈને બહાર ન જવું એવા શિખવનારા વડીલો પોતાના પુત્ર કે ભાઈને પ્રત્યેક સ્ત્રી પ્રત્યે આદર રાખતા કેમ નથી શીખવતા?

નિર્ભયાકાંડને હજી વધારે સમય પણ નથી થયો અને બીજો એવો જ આઘાત દેશ જોઈ રહ્યો છે. આવા અનેક નાના-મોટા આઘાતો રોજેરોજ ક્યાંક ને ક્યાંક થતા જ રહે છે. આપણે ઇતિહાસમાંથી કશું શીખતા નથી. એને પાનામાં બંધ રાખી મૂકીએ છીએ. અશોક ચાવડાએ પોતાની કવિતા દ્વારા સમગ્ર માનવજાતના ગાલ પર ધારદાર તમાચો માર્યો છે. દ્રૌપદીઓ તો યુગોથી કલ્પાંત કર્યા કરે છે, પણ એ સાંભળનાર કાન ક્યાં છે? યુગોથી ચીરહરણ થઈ રહ્યા છે પણ એ અટકાવનાર હાથ ક્યાં છે? ઘણા તો એવી ઘટનામાં ય મજા લેતા હોય છે, એ પણ એટલા જ ગુનેગાર છે.
દુઃશાસન ચીર ખેંચે એવી ઘટનામાં મજા લે છે,
ગુનો સરખો જ પાડો લાગુ જોનારા બધા ઉપર.

સત્તા પર બેસેલા ધૃતરાષ્ટ્રો અંધ થઈ બેસી રહે, ભિષ્મો, દ્રોણો અને કૃપાચાર્યો આંખ આડા કાન કરે ત્યારે દ્રૌપદીઓનું વસ્ત્રાહરણ સર્જાતું હોય છે.

લોગઆઉટ:

ચલાયું છે જ નહિ, પ્રેમના ઘરમાં જવાયું છે જ નહિ
મુસીબત એ જ છે દ્વારથી પાછા વળાયું છે જ નહિ
ધર્મને ખોયા કરો, દૂરથી સીતાહરણ જોયા કરો,
બીજું તો થાય શું આપણી અંદર જટાયુ છે જ નહિ

- મિલિંદ ગઢવી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો