મજૂર, શેતૂર અને લાલ રંગનો ધબ્બો

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

શું તમે ક્યારેય શેતૂર જોયું છે?
એ જ્યાં પડે, એટલી જમીન પર
તેના રસથી લાલ રંગનો ધબ્બો પડી જાય છે
પડવાથી વધારે પીડાદાયક બીજુંં કંઈ નથી
મેં અનેક મજૂરોને ઇમારતોથી પડતા જોયા છે
પડીને શેતુર બની જાય છે

- સાબિર હકા (ઈરાની કવિ, અનુ. અનિલ ચાવડા)

સૌમ્ય જોશીનું ખૂબ વણખાયેલું નાટક ‘દોસ્ત ચોક્કસ અહીં નગર વસતું હતું’માં એક હૃદયદ્રાવક સિન છે. અમદાવાદમાં કરફ્યુ લદાઈ ગયો છે. પુરબહાર હિંસા ચાલી રહી છે. તેવામાં એક મજૂર ઘરની બહાર નીકળે છે, ઘરમાં અન્નનો એક દાણો નથી. ખાવું શું? ક્યાંક કશુંક ખાવાનું મળી જાય એ આશાએ… પણ બાપડો એ હિંદુ-મુસ્લિમનાં તોફાનોનો ભોગ બની જાય છે. કોઈ તેના પેટમાં ખંજર હુલાવી દે છે. ત્યારે ખાલી પેટ ખંજરથી ભરાય છે અને તેના મુખમાંથી ચાર પંક્તિઓ સરી પડે છે,
ખંજર ઘૂસી ગ્યું ને તરત એણે કહ્યું,
કે આમ તો આ જે થયું સારું થયું
દસ દિવસની દડમજલની બાદ હાશ
આજ સાલું પેટમાં કંઈ તો ગયું.

પન્નાલાલ પટેલે પોતાની નવલકથા માનવીની ભવાઈમાં છપ્પનિયા દુકાળને ઉલ્લેખીને લખેલું ‘ભૂંડામાં ભૂંડી ભૂખ, અને એથી ય ભૂંડી ભીખ…’ એક સ્વમાની મજૂરની કરૂણતા એ કે બાપડો મરવા પડે તોય ભીખ નથી માંગી શકતો. તેને ભીખ માગવા કરતા ભૂખ્યા મરી જવું વધારે વહાલું લાગે છે. કેટકેટલા ખેડૂતોની આવી અવદશા છે. પોતે જ પકવેલો પાક પોતાને મોટી દુકાનો અને મોલમાંથી ખરીદવો પડે એ મહાદુઃખ નહીં તો બીજું શું?

ઈરાની કવિ સાબિર હકા પોતે એક મજૂર છે. ઊંચી ઊંચી ઇમારતોમાં કપચી, સિમેન્ટ અને રેતીના તગારાં ઊંચકે છે. ભારેખમ પથ્થરો અને ઈંટો સાથે પનારો પાડે છે. કડિયાકામ કરીને પેટિયું રળે છે. વેઠ એટલે શું એ તે સારી રીતે જાણે છે. તેની કવિતામાં મજૂરની અનુભવજન્ય વ્યથા છે. ઊંચી ઊંચી ઇમારતોના ચણતરમાં સેંકડો મજૂરોનો ફાળો હોય છે, જેમાં એ પોતે ભાગ્યે જ પ્રવેશી શકવાના છે. તોતિંગ બિલ્ડિંગોની ચમક નાનકડી ચાલીમાં દસ બાય દસની અંધારી ઓરડીમાં પડ્યા રહેતા કામદારોના ઘસાયેલા, ફરફોલા પડેલા, બરછટ હાથમાંથી આવેલી હોય છે. જ્યાં કામ કરીને પોતાના પગમાં છાલા પડી ગયા છે, તેની ચકાચોંધમાં તે ક્યારેય પગ નથી મૂકી શકવાના, તેમાં નથી સામેલ થઈ શકવાના છતાં, પોતાનું પેટિયું રળવા મથ્યા કરે છે રાતદાડો.

કવિ સાબિર હાકાએ મજૂરને શેતુરના ફળ સાથે સરખાવ્યા છે. શેતૂરના ઝાડ પર બેસેલાં શેતૂર પાકીને ધરતી પર ખરી પડે છે. જ્યાં પડ્યા હોય ત્યાં લાલ રંગનો ધબ્બો પડી જાય છે. મજૂરો પણ આ શેતૂર જેવા છે. ઊંચી ઇમારતો પરથી કામ કરતાં પટકાઈ પડે છે, તેમનો દેહ પડતાની સાથે સેતૂરની જેમ છૂંદાઈ જાય છે અને તેમાંથી રક્તરેલો વહી નીકળે છે. લાલ ધબ્બાથી ધરા ખરડાય છે. શેતૂરનો લાલ રંગ અને મજૂરનું લોહી બંને સરખું છે. કોઈને એની કિંમત નથી. આવતી કાલે મજૂર દિવસ છે. આ દિવસે પણ મજૂરો તો મજૂરી જ કરતા હશે, મજૂર દિવસની ઊજવણી કરશે તેમના માલિકો. તેમના હૃદયમાં કામદારો પ્રત્યે કરૂણા છે તે બતાવવા મોટું આયોજન કરશે.

ખુરશીમાં બેસનાર માલિકને સાહેબ-સાહેબ કરીને બધા અધમૂઆ થઈ જનાર લોકોએ ક્યારેક કોઈ મજૂરને સર કે સાહેબ કહ્યો હોય એવો દાખલો નથી. ક્યારેય કોઈ મોચીને સુથારને, વેલ્ડરને સાહેબ, કડિયાને બધા સાહેબ કહેતા હોય તેવો કિસ્સો આજ સુધી સંભળાયો નથી… સાહેબ તો ઠીક તેમને એક માણસ તરીકને સન્માન આપીએ તોય મજૂરદિન લેખે લાગશે. સમાજ તો સત્તા આગળ શાણપણ નેવે મૂકીને લળીલળીને વંદન કરવાથી ટેવાયેલો છે. મજૂર પાસે રહેલી શ્રમની મિલકત એને દેખાતી નથી, એને તો મોંઘી ગાડી અને મોટું ઘર દેખાય છે, પણ એના ચણતરમાં કેટલાનો પરસેવો રેડાયો છે એ ક્યાં દેખાય છે?

લોખંડને વેલ્ડિંગ કરનાર વેલ્ડરને તમે જોયો હશે. પોતાના મશીનથી તે બે ધાતુને જોડે છે ત્યારે તેમાંથી તણખા ઊડે છે. આ તણખા તેનાં કપડાં પર પડે છે, જેના લીધે તેના વસ્ત્રોમાં અનેક કાણાં પડી જાય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કવિએ કેટલી સુંદર કવિતા લખી છે. તેનાથી લોગઆઉટ કરીએ

લોગઆઉટઃ

ઈશ્વર પણ એક મજૂર છે.
જરૂર એ વેલ્ડરોનો પણ વેલ્ડર હશે
ઢળતી સાંંજના તેની આંખ
તગતગે છે લાલ અંગારા જેમ
રાત્રે એનું પહેરણ કાણેકાણા થઈ ચૂક્યું હોય છે.

- સાબિર હાકા (અનુ. અનિલ ચાવડા)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો