ભાઈની બહેની લાડકી

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી…

લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે…

એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો…


આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે…..

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે …

- લોકગીત

અભિમન્યુ માતાના ગર્ભમાં હતો ત્યારે જ યુદ્ધના છ કોઠાની કથા સાંભળીને તેમાં પારંગત થઈ ગયો હતો. સાતમાં કોઠાનું જ્ઞાન પ્રાપ્ત કરે તે પહેલાં માતાને ઊંઘ આવી ગઈ અને તે સાતમા કોઠાનો વ્યૂહ જાણી ન શક્યો. કુરુક્ષેત્રના મહાયુદ્ધમાં સાત કોઠા ભેદવાની વિમાસણ સર્જાઈ ત્યારે અભિમન્યુ આગળ આવ્યો અને કહ્યું કે આ કામ હું પાર પાડીશ. ત્યારે માતા કુંતી તેને અમર રાખડી બાંધે છે, જેથી તે આ કપરા કોઠાઓમાં સુરક્ષિત રીતે વિજય મેળવે. જ્યાં સુધી તેના કાંડા પર રાખડી છે, ત્યાં સુધી તે અજેય છે, દુશ્મનો તેનો વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. આ રાખડી તેનું સુરક્ષાકવચ છે. જો કે કપટથી કાંડા પરની રાખડી તોડી નાખવામાં આવી અને અંતે અભિમન્યુ હણાયો. આ યુદ્ધના કોઠાની કથા સમજાવતું સુંદર લોકગીત છે આપણે ત્યાં,

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે.

અનેક લોકગીતો, કાવ્યો અને ફિલ્મગીતોમાં ભાઈબહેનના પવિત્ર પ્રેમને હરખભેર દર્શાવાયો છે. તિરંગા ફિલ્મનું ગીત ખૂબ લોકપ્રિય છે, इसे समझो ना रेशम का तार भैया, मेरी राखी का मतलब है प्यार भैया… હરે રામા હરે ક્રિષ્ના ફિલ્મનું ગીત પણ ખૂબ જાણીતું છે, फूलों का, तारों का सबका कहना है एक हज़ारों में मेरी बहना है… ફિલ્મોમાં દર્શાવાયેલા ભાઈબહેન પરનાં ગીતો એક આગવો અભ્યાસ માગી લે છે. એક પરિવારમાં એક માતાપિતાના બે સંતાન હોય, એક ભાઈ અને એક બહેન, આ સંબંધ કેટલો પવિત્ર અને પાવન છે. આ સંબંધને તહેવારરૂપે ઉજવાય એ જ મોટી વાત છે. ભાઈબહેનના પ્રેમને આવો ગૌરવપૂર્વક દર્શાવતો તહેવાર અન્ય કોઈ દેશ કે ધર્મમાં જોવા મળતો નથી.

રક્ષાબંધનમાં ભાઈના કાંડા પર બાંધવામાં આવેલો દોરો ભલે સામાન્ય હોય, પણ તેમાં રહેલો પ્રેમ અસામાન્ય હોય છે. પુરાણકથાઓમાં સામાન્યની મહત્તા વિશેષ રીતે દર્શાવાય છે. જેમ કે રામાયણમાં જંગલમાં એક ઝૂંપડી બાંધીને પ્રભુની પ્રતીક્ષા કરતી શબરી, રામને નદીપાર કરાવતો કેવટ, સીતાની ભાળ મેળવતો લાવતો જટાયુ. રામ તો રાજા હતા, એ જટાયુ જેવા પંખીને કહીને અયોધ્યા સંદેશો પહોંચાડાવી શક્યા હોત, કે જલદી સેના લઈને આવી ચડો, લંકા પર આક્રમણ કરવાનું છે. પણ રામે એવું ન કર્યું, તેમણે લોકલ લોકોનો સહારો લીધો. આવી સામાન્ય બાબતો જ સંબંધને અને વ્યક્તિને અસામાન્ય બનાવે છે. કાંડા પર રહેલો રાખડીનો દોરો ભલે આંચકાથી તૂટી જાય તેટલો નાજુક હોય, પણ તેમાં રોપેલી શ્રદ્ધા અતૂટ છે. તેને ધારદાર તલવારથી કાપી નથી શકાતી કે બોમ્બથી ઊડાવી નથી શકાતી.

ભાઈની સલામતી માટે બહેન શ્રદ્ધાપૂર્વક તેના કાંડા પર જે બાંધે એ ભાઈની સલામતીનું બહેન દ્વારા અપાયેલું પ્રેમાળ પ્રતીક છે. બહેન ઇચ્છે છે કે ભાઈના જીવનના કુરુક્ષેત્રમાં અનેક વિઘ્નરૂપી યુદ્ધોમાં સુપેરે પાર પડે. જિંદગીના કપરા કોઠાઓ ભેદવામાં તે ક્યારેય પાછો ન પડે. તેને ઊની આંચ ન આવે. બાળપણમાં જે બહેન સાથે માથાફોડી કરતા હોઈએ, નાની નાની વાતે ઝઘડી પડતા હોઈએ એ જ બહેનનો વિદાયનો સમય આવે છે ત્યારે હૈયું ભરાઈ આવે છે. આંખો નદીઓ બનીને વહેવા લાગે છે. હવે આવો પ્રેમાળ ઝઘડો કોણ કરશે મારી સાથે? સમય ભલે બદલાય પણ પ્રેમ નથી બદલાઈ શકતો.

લોગઆઉટ:

चंदा रे, मेरे भैया से कहना,
मेरे भैय्या से कहना, बहना याद करे

क्या बतलाऊँ कैसा है वो
बिलकुल तेरे जैसा है वो
तू उसको पहचान ही लेगा
देखेगा तो जान ही लेगा
तू सारे सँसार में चमके
हर बस्ती हर गाँव में दमके
कहना अब घर वापस आ जा
तू है घर का गहना
बहना याद करे… ओ चंदा रे...

- साहिर लुधियानवी

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો