સ્મરણોત્સવ અને મરણોત્સવ

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

ભીડમાં યાદો ભલે શાણી બની ગભરાય છે
એકલામાં ભલભલા માણસને ફાડી ખાય છે.
આપમેળે કોઈ પુસ્તકનું વજન થોડી વધે!
ક્યાંક ખૂણે એકલામાં ધૂળ ચોક્કસ ખાય છે.

- મહિમ્ન પંચાલ

સુપ્રસિદ્ધ વેબસિરિઝ ગેમ ઓફ થ્રોનનો વિલન નાઇકિંગ મડદાંઓની ફોજ લઈને માનવ વસાહતો પર ચડાઈ કરવા આવી ચડે છે. સમગ્ર માનવજાતને ખતમ કરી મડદાંઓનું સામ્રાજ્ય સ્થાપવું છે તેણે. તેની માટે તે ખાસ થ્રી આય રેવનને ખતમ કરવા માગે છે. આ થ્રી આય રેવન એક છોકરો છે, જે વર્તમાનમાં બનેલી અને ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓને પ્રત્યક્ષ જોઈ શકે છે. સમજો કે એ સ્મરણોના એક મહાગ્રંથ જેવો છે. કોઈ કહે છે કે તેણે થ્રી આય રેવનને જ શા માટે મારવો છે, એ તો યુવાન છોકરો છે, અપંગ છે. તે જ શું કામ? ત્યારે વેબસિરિઝનું એક મહત્ત્વનું પાત્ર ટાર્લી જવાબ આપે છે. યાદો. એ માનવજાતની તમામ યાદોને ખતમ કરી નાખવા માગે છે. જ્યારે આપણી સારીનરસી યાદો ખતમ થઈ જાય, તેમાંથી મળતો આનંદ કે શોક મટી જાય પછી માણસ અને પ્રાણીમાં કશો જ ફર્ક નથી રહેતો. એ જીવતો શું કે મરેલો શું?

દરેક વ્યક્તિ જીવનમાં એક કરતા વધારે વખત સ્મરણની સાંકડી ગલીઓમાંથી પસાર થાય છે. જ્યાં તે મીઠી યાદોની મહેક તો માણે જ છે, પણ ભૂતકાળમાં બનેલી કડવાશના ઘૂંટડાનો સ્વાદ પણ ફરી અનુભવે છે. યાદો માતાપિતાની હોય કે મિત્રની, પ્રેમની હોય કે નફરતની, વસ્તુની હોય કે વ્યક્તિની, કોઈ નિશ્ચિત જગ્યાની હોય કે અનિશ્ચિત સ્થાનની. એ આપણી અંદર હંમેશાં સંઘરાયેલી રહે છે.

યાદોને જુદી જુદી રીતે અનુભવે છે લોકો. અમુક લોકો ભૂતકાળને યાદ કરીને રાજી થાય છે કે કેવા સરસ મજાના દિવસો હતા. ભૂતકાળને વખાણી વખાણીને વર્તમાનને ભાંડ્યા કરે છે. જ્યારે અમુક એવા હોય છે જે ભૂતકાળના દુઃખને વર્તમાનમાં યાદ કરીને ફરીથી એટલાં જ દુઃખી થાય છે જેટલા ભૂતકાળમાં થયા હતા. અમુક લોકો ભૂતકાળની ખરાબ યાદો એટલા તાજી રાખે કે જેથી વર્તમાનમાં ફરી એ જ ભૂલ ન થાય. અમુક લોકો સ્મરણોની જમાપૂંજી પૂજાની આરતીમાં રહેલા ફૂલોની જેમ સાચવે છે, તેની મહેકને માણે છે - વર્તમાનને જરા પણ નુકસાન કર્યા વિના કે તેને ભાંડ્યા વિના. સ્મરણો રોજબરોજ હૃદયની થેલીમાં વધતાં જ જવાનાં છે. માણસ એક સ્મરણપોથી છે. રોજરોજ ભૂતકાળના પાનાંને વાંચીને શું અનુભવવું તે આપણા હાથમાં છે. જો આપણે તે પાનાંને વાંચીને તેનો મનોમન ઉત્સવ મનાવીએ તો સ્મરણોત્સવ નહીંંતર મરણોત્સવ. અર્થાત્ સ્મરણ ઝેર છે અને મારણ પણ. એનામાં અગ્ની જેવી લાહ્ય છે તો બરફ જેવી શીતળતા પણ છે. એ તીર માફક છાતીમાં ખૂંપે છે તો વળી ફૂલ માફક મહેકવંતા પણ કરે છે.

સ્મરણની થોડી મૂડીથી જીવન- વેપાર માંડ્યો છે,
કદી ત્યાં ખોટ ખાધી છે, કદી ત્યાં લાભ લાગ્યો છે.

આ પંક્તિઓ કોની છે, ખબર નથી. પણ સ્મરણની મૂડીથી જીવનના વેપારમાં થતા નફા-નુકસાનનો ચિતાર સરસ આપે છે.

વર્ષોથી ખાલી પડેલા ઘરની ભીંતે કૂણી કૂંપળો ફૂટી નીકળે અને સમય જતાં તે વૃક્ષનું રૂપ ધારણ કરે તેમ ખાલીપાના ખંડેરની ખખડધજ ભીંતો પર પણ યાદની કૂંપળો ફૂટે છે. તેમાંથી ફૂલોની મહેક મળે છે તો સાથે કાંટા પણ ચૂભે છે.

કવિ મહિમ્ન પંચાલે યાદની સારી અને ખરાબ બંને શક્તિનો ટૂંકમાં અને સચોટ રચિચય આપી દીધો. રણયુદ્ધમાં બાહોશ ગણાતો યોદ્ધો સ્મરણયુદ્ધમાં બેહોશ થઈ જાય છે. દરેક વ્યક્તિ એક જીવંત પુસ્તક છે. તેને વાંચો તો અનેક કવિતાની કળીઓ પુષ્પકળી જેમ ઉઘડતી અને કરમાતી અનુભવાય. રોજ તેમાં કશુંક ને કશુંક ઉમેરાતુંં રહે છે, પાનાં વધતાં રહે છે. ઘણાં વ્યક્તિત્વો ક્યારેય ન વંચાયેલાં પુસ્તકો જેમ રહી જતાં હોય છે. તેમની પર સમયની ધૂળ ચડે છે. જો કે આ ધૂળ તો એકલાપણાનું - ખાલીપાનું - વ્યથાના વલવલાટનું પ્રતીક છે. અને સ્મરણમાં વલોવાવું પ્રથમ શરત છે. તમે જેવા એકાંતની ગલીમાં પગ મૂકશો કે ખાલીપાના ખંડેરમાં પ્રવેશ કરશો કે તરત સ્મરણનું વલોણું ચાલું થઈ જશે. એ તમને ઝેરતું રહેશે.

લોગઆઉટ:

સાંજના વાતાવરણની એ જ તો તકલીફ છે,
બહુ વલોવે છે સ્મરણની એ જ તો તકલીફ છે.

- પ્રણવ પંડ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો