(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)
લોગઇન:
પહાડો વચ્ચેથી નીકળી નગરમાં આવશું એ ભય હજી તમને,
નગરનાં શ્વેત સુરજ ધૂળથી ખરડાવશું એ ભય હજી તમને.
બહુમાળી મકાનોની અડોઅડ આવીને ઊભા હશે પહાડો;
અમે કાળા, ઠીંગુજી કારસા સરજાવશું એ ભય હજી તમને.
અમોને ઝાડવાનાં છાલ, પર્ણો આપે છે ખોરાક ને વસ્ત્રો,
છતાંયે પેટ ખાલી શહેરમાં ખવડાવશું એ ભય હજી તમને.
અમે અમનેય પણ અહીંથી કશે કાઢી નથી શક્તા,
અને તમને ઉચાળા કો’ક દિ’ બંધાવશું એ ભય હજી તમને.
અમે આદિમ ઉપેક્ષિતો અમોને કોઈ ભય કેવો કદીયે પણ,
છતાં ક્યારેક ભયભીત થઈ નગર ધ્રુજાવશું એ ભય હજી તમને.
- કરસનદાસ લુહાર
આઝાદીનાં આટલાં વર્ષો પછી આભડછેટ, મંદિરપ્રવેશ અને જાતિવાદના ઝેરની કડવાશમાં જો ઘટાડો થયો હોય, પરસ્પર ઐક્યભાવ વિકસ્યો હોય, સમાનતાના સૂર વહેતા થયા હોય તો તેમાં એક માત્ર વ્યક્તિ કારણભૂત છે, એ છે આજના જ દિવસે અર્થાત્ 14 એપ્રિલના રોજ મહારાષ્ટ્રની શૂદ્ર ગણાતી મહારજાતિમાં જન્મેલ ડૉ. બાબાસાહેબ આંબેડકર. તેમણે કાયદાની કડક હથોડીથી પીડિતની બેડીઓને તોડીને સમાન હકનું રણશિંગું ફૂંક્યું. જો કે એ કામ એટલું સહેલું નહોતું. આઝાદીનાં પંચોતેર વર્ષ વીત્યાં પછી પણ એક શૂદ્ર-દલિત યુવાન વરઘોડો કાઢી પરણવા જાય તે અમુક કહેવાતા ઉચ્ચ સજ્જનોથી સહન ન થાતું હોય તો પંચોતેર વર્ષ પહેલા કેવી દશા હશે? આજે પણ દલિત કે આદિવાસી જ્ઞાતિના લગ્નમાં વાગતા બેન્ડવાજા ઘણા ઉચ્ચ જાતિનો અહમ લઈને ફરનારના કાનમાં ખીલાની જેમ ભોંકાય છે. એક દલિત સમાજનો માણસ મૂછને વળ ચડાવે તો તેમના ઈગો પર ગાળિયો ટૂંપાતો હોય તેવું તેમને લાગે છે. શૂદ્રએ પહેરેલા શૂટબૂટ જોઈને પોતાના અધિકારો પર આકરા પ્રહારો થતા હોય તેમ છંછેડાઈ જાય છે ઘણા લોકો. અભ્યાસના જોરે ઉચ્ચ આસને બેસનાર છેવાડાનો માણસ તેમની આંખને કણાની જેમ ખૂંચે છે.
આજે પણ જાતિવાદ, જ્ઞાતિવાદ, ધાર્મિક અંધશ્રદ્ધા અને કોમવાદનું રાજકીય ઝેર ઓકાતું દેખાય ત્યારે એકતા અને સમાનતાના બણગાં ખોખલાં પુરવાર થતા હોય તેવું લાગે છે. ચૂપચાપ એક લોહિયાળ રમત ખેલાઈ રહ્યાની પ્રતિતિ થાય છે. કરસનદાસ માણેકે આ વાત બહુ સાવધાનીપૂર્વક આલેખી આપી છે તેમની ગઝલમાં. આજે પણ મહાનગરને એવો ભય છે કે છેવાડાનો માનવી આવીને એમની ઇમારતના પાયા હચમચાવી દેશે, તેમની સત્તાની ખુરશીમાં હક માગશે. તેમના ઓરડામાં પથરાયેલું અજવાળું કોકની કાળી મજૂરીના પ્રતાપે છે તેવું સોય ઝાટકીને સંભળાવી જશે તો તેમની આબરુ કેટલી રહેશે? તમારા ઘરને અજવાળવામાં અમારું અસ્તિત્વ દાઝીને ખાખ થવા આવ્યું છે એવું બંડ પોકારીને કહેવાવા લાગશે ત્યારે ઊંચી ઇમારતના પાયાની શી વલે થશે? આ જ વાતનો ભય છે મહેલવાસીઓને. અનાજોના ગોદામ સંઘરીને બેઠેલા શેઠિયાઓને ખોફ છે કે જમીનને ખેડનાર અને ખરા હકદાર એક દિવસ તેમની ડેલીઓના તોતીંગ દરવાજા ઉખાડી ફેંકશે. એટલે બધા જ પોતાનો ગઢ વધારે મજબૂત કરવામાં પડ્યા છે.
ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની બૂમો પડાઈ રહી છે, જો કે એ આજકાલની નથી પડી રહી. ભારત આઝાદ નહોતો થયો ત્યારની આ માથાકૂટો ચાલે છે. તેની સામે 1940માં જ આંબેડકરે લાલ બત્તી ધરતા કહેલું, "જો ભારત હિંદુરાષ્ટ્ર બની જાય તો તેમાં કોઈ શંકા નથી કે આ દેશ માટે મોટો ખતરો બની જશે. હિંદુ કંઈ પણ કહે, પણ હિંદુત્વ સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારા માટે એક ખતરો છે." આજથી વર્ષો પહેલાં જે ખતરા પ્રત્યે આંબેડકરે ચેતવણી ઉચ્ચારી હતી એ આજે ભારતના દરવાજા પર દસ્તક આપી રહ્યો છે. સારી નોકરી ધરાવનાર દલિતને સારા વિસ્તારમાં ઘર લેવું હોય તો કહેવાતા એકતાવાદીઓ ઘૂસવા નથી દેતા. સોસાયટીના સેક્રેટરીઓના નાકનું ટેરવું ચડી જાય છે. અને મંચ પર ઊભા રહીને એકતાની પીપુડીઓ વગાડવી છે. આવા બે મોઢાળાઓ ભેગા થઈને હિન્દુ રાષ્ટ્ર લાવવા માગે છે, કોની ખાતર? ગુજરાતી દલિત સાહિત્યના દાદા જોસેફ મેકવાની તેમની ખ્યાતિપ્રાપ્ત નવલકથા ‘આંગળિયાત’માં કહેવાતા સ્વરાજની ખોખલી પોલ બહુ સચોટતાથી ખોલી આપી છે. આજે અધિકારો અપાય છે તો અધિકારોનું પણ એક રાજકારણ ખેલાય છે. સમાનતાના ચશ્મા ચડાવીને જ્ઞાતિવાદની કણીઓ આંખમાં નાખવામાં આવે છે. ઉંબાડિયું પકડાવનારા દૂર ઊભા ઊભા હસ્યા કરે છે અને દાઝનારા દાઝ્યા કરે છે અને સિફતથી છેવાડાના માણસને બહાર ધકેલી દેવાય છે.
લોગઆઉટ:
ગલી શેરી મહોલ્લો ને કબરની બહાર રાખ્યો છે,
મને બહુ કાળજીપૂર્વક નગરની બહાર રાખ્યો છે.
જો તારું હોત તો હું પણ ખુશીથી બહાર આવી જાત,
અહીં તો તેં મને મારા જ ઘરની બહાર રાખ્યો છે.
નજરમાં કેમ આવું હુંં કે મારી વેદના આવે,
સદીઓની સદીથી બસ નજરની બહાર રાખ્યો છે.
કદી ના કોઈએ જાણ્યું કે મારા પર વીતી છે શું?
ખબર કેવળ તને છે તેં ખબરની બહાર રાખ્યો છે.
જમાનાની નવી આબોહવાને માન આપીને,
મને સાથે જ રાખીને સફરની બહાર રાખ્યો છે.
- અશોક ચાવડા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો