(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)
લોગઇન:
આ સ્થિરતા હવે ગતિ થઈ જાય તો મજા,
ઇચ્છાઓ ‘છે’ મટી, ‘હતી’ થઈ જાય તો મજા.
તણખો હતો હવે એ અગનઝાળ થઈ ગયો,
શંકા એ આગમાં સતી થઈ જાય તો મજા.
ખુલ્લી કે બંધ આંખ હો, રહે એક સમાન દૃશ્ય,
જીવને આ સ્થિતિની રતિ થઈ જાય તો મજા.
જગથી છૂપી હૃદયમાં બદીઓ હશે ઘણી,
ખુદની જ સામે એ છતી થઈ જાય તો મજા.
વૈરાગ્ય માટે ત્યાગ જગતનો કર્યા વગર,
સંસારમાં જ મન યતિ થઈ જાય તો મજા.
– કિરણ જોગીદાસ
માનવજીવન દુઃખથી ભરેલું છે. આ દુઃખનું કારણ શોધવામાં જ સિદ્ધાર્થ નામનો એક રાજકુમાર ભગવાન બુદ્ધ થઈ ગયો. જીવન દુઃખી હોવાનાં મુખ્ય ત્રણ કારણ બુદ્ધે આપ્યાં. એક છે એષણા અર્થાત ઇચ્છા. બીજું બુઢાપો અને ત્રીજું મૃત્યુ. દરેક માણસ ઇચ્છાની સાદડીઓ સીવ્યા કરે છે. જિજીવિષાના અનેક તાંતણાઓ મનમાં બેક્ટેરયાની જેમ સતત ફર્યા કરતા કરે છે. આટલું કરી નાખું, આમ થઈ જાય, પેલુંં કામ પતી જાય… આવી વિવિધ ઝંખનાઓના ઝાડ પર માણસ રોજ ચડઉતર કર્યા કરે છે. વિચારોનું વહાણ મનના દરિયામાં સતત વિહરતુંં રહે છે. તે ઇચ્છાની જાળ નાખ્યા કરે છે પાણીમાં, કોઈ મોટી માછલી પકડવાની આશાએ. જેમ પૃથ્વી પોતાની ધરી પર અટક્યા વિના ચાલ્યા જ કરે છે, તેમ વિચારો પણ જ્યાં સુધી આપણું મન અસ્તિત્વમાં રહે, ત્યાં સુધી અટકતા નથી. આપણે ઊંઘી પણ જઈએ, છતાં વિચારો સ્વપ્નસ્વરૂપે દેખા દીધા કરે છે. એટલા માટે જ સંતોએ નિર્વિચારની સ્થિતિનું માહાત્ત્મ્ય ગાયું હશે..
માણસ હોવું અને ઇચ્છાનું વળગણ ન હોવું એ કઈ રીતે સંભવ બને? ઇચ્છા એક રીતે બંધન છે - વળગણ છે. એમાંથી મુક્તિ મળી જાય તો બેડો પાર. કિરણ જોગીદાસે આ ગઝલમાં સ્થિરતાથી ગતિ ભણીની દિશા ચીંધી છે. જે ઇચ્છા વર્તમાનમાં ‘છે’ છ, તે ભવિષ્યમાં ‘હતી’ થઈ જાય તેવી ઝંખના સેવે છે. આના બે અર્થ થાય, એક તો જે અત્યારે ઇચ્છાઓ છે તે પૂર્ણ થઈ જાય, બીજો અર્થ એવો કે ઇચ્છા કરવાની ઇચ્છા જ મરી જાય. ચિનુ મોદીએ કહ્યું છે ને,
કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો
એ ય ઇચ્છા છે હવે એ પણ નહો.
આવી પંક્તિઓ ચિનુ મોદી જ કહી શકે, કેમ કે તેમને ખબર છે કે ઇચ્છાને હાથ અને પગ બંને છે, તેમણે પોતે જ એક ગઝલમાં લખેલું,
આંસુ ઉપર આ કોનાં નખની થઈ નિશાની,
ઇચ્છાને હાથપગ છે એ વાત આજે જાણી.
આપણે સંબંધના તપેલામાં અપેક્ષાના આંધણ મૂકીએ છીએ. તેને ઉકાળ્યા કરીએ છીએ. ફલાણાએ મારી માટે આટલું તો કરવુંં જોઈએને? હું આટલી આશા ય ના રાખી શકું? એકબીજા પ્રત્યે રાખેલી આવી અપેક્ષાની અણીઓ જ વધારે ધારદાર થઈને સમય જતાં આપણને ભોંકાય છે. અપેક્ષા ક્યારે આક્ષેપબાજીમાં ફેરવાઈ જાય તે ખબર નથી રહેતી. શંકાનું એક તણખળું હર્યાભર્યા સંબંધના બગીચાને બાળીને ખાખ કરી શકે છે. પણ કવિ તો અહીં એ શંકાને જ બાળીને ખાખ કરી નાખવાની કામના રાખે છે. કયો માનવી પૂર્ણ છે ધરતી પર? કયા માનવીએ એક પણ વાર કોઈની પર અપેક્ષા ન રાખી હો હોય કે શંકા ન કરી હોય? આપણે ભગવાન રામને પૂર્ણપુરુષોત્તમ કહીએ છીએ. પરંતુ એમણે પણ ધોબીના કહેવાથી સીતાની અગ્નિપરીક્ષા લીધેલી જ. ગર્ભવતી હોવા છતાંં લક્ષ્મણ દ્વારા તેમને જંગલમાં મોકલી દેવાયા હતા. અર્થાત્ ઈશ્વર જ્યારે માનવરૂપ ધારણ કરે ત્યારે તે પણ ઈશ્વર હોવા છતાં પૂર્ણ નથી રહી શકતો, કેમ કે માનવજીવન અપૂર્ણતાની છબી છે. આ અપૂર્ણતા જ તમારા માનવ હોવાની નિશાની છે. જીવનની તમામ બદી-અપૂર્ણતા જગત સામે છતી થાય ન થાય, જાત સામે તો છતી થવી જોઈએ.
આપણે ત્યાં સંસારમાંથી મન ઊઠી ગયું હોય અને સાધુ થઈ ગયા હોય એવા સેંકડો દાખલાઓ છે. તેમની કથાઓથી ગ્રંથો ભર્યા છે. પણ કવિ તો અહીં સંસારમાં રહીને સાધુત્વની વાત કરે છે. અર્થાત્ સંસારની સ્થિરતાને તે જુદી રીતે ગતિ આપવા માગે છે. સ્થિર રહીને ગતિ માપવાની વાત કેટલી અદ્ભુત છે. આ ક્ષણે જવાહર બક્ષીની શિલાલેખ જેવી ગઝલ યાદ ન આવે તો જ નવાઈ.
લોગઆઉટ:
દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે,
શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે.
કશે પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે,
અહીં ગતિ જ છે વૈભવ વિલાસ ચાલે છે.
દશે દિશાઓમાં સતત એક સામટી જ સફર,
અને હું એ ન જાણું કે શ્વાસ ચાલે છે.
અટકવું એ ગતિનું કોઈ રૂપ હશે,
હું સાવ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે.
– જવાહર બક્ષી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો