મેં તો આપ્યાં છે ફૂલ મને માફ કરો

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

મારી થઈ ગઈ છે ભૂલ મને માફ કરો,
મેં તો આપ્યાં છે ફૂલ મને માફ કરો.
- બેફામ

ગુજરાતી ગઝલનું અલાયદું નામ એટલે બેફામ. ગઝલકાર તરીકે સુપ્રસિદ્ધ અને ગીતકાર તરીકે સિદ્ધ. તમે બેફામનું આ ગીત તો સાંભળ્યું જ હશે- “નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે. જિંગરને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે?”

ઉપર લોગઇનમાં આપેલી પંક્તિઓ આ ગીતના અંતરામાંથી લેવામાં આવી છે. એ લેવાનું કારણ એટલું જ કે આજકાલ માફીના માહોલે જોર પકડ્યું છે. રૂપાલા અને ક્ષત્રિય સમાજની ખેંચાખેંચ, નિવેદનબાજી અને માફીનામાની વાતો મસાલા ભરીભરીને ચગાવાઈ રહી છે. રાજકારણમાં માફી અને ગુસ્તાખી બંને પ્રિપ્લાન્ડ હોય છે ઘણી વાર. આપણને ચિત્ર કંઈક જુદું દેખાડાય અને હકીકત કંઈક અલગ હોય. ક્યારે કેવું નિવેદન કરવુંં, એ નિવેદનને વિવાદમાં કેવી રીતે ફેરવી નાખવું અને એ વિવાદનો ચોરેચૌટે ઢોલ કઈ રીતે વગાડવો, રાજકીય રંગ કેવી રીતે આપવો, તે બધું પૂર્વનિર્ધારિત હોય છે. એમાં ઘણી વાર થાય એવું કે જાહેરમાં એકબીજા પર નિવેદનબાજી કરતા નેતાઓ અંગત રીતે સારા મિત્રો હોય, અને મિત્રો ના હોય તોય પોતપાતાના લાભ ખાતર એકબીજાના ખોળામાં બેસી જતા હોય. એ પરસ્પર વાટાઘાટો કરી લે કે હું આમ બોલુંં એટલે તમે આમ કરજો. તમે આમ કરશો તો તેમ થશે. તેમ થશે પછી આપણે આમ કરીશું. બધા ભેગામળીને આમતેમ-જેમતેમ કર્યા કરે. અને સામાન્ય પ્રજા બાપડી એ હોબાળામાં જોડાય પણ ખરી. બહાર દેખાતુંં ચિત્ર એ સાચું સમજી લે. અને એ ચિત્રના રચનાર કલાકારો ચિલ્ડ એસીમાં બેસીને હસતા હોય કે ખરી છે પ્રજા!

જલનસાહેબનો શેર યાદ કરવા જેવો છે-
કરશે ગુનાઓ માફ સૌ અલ્લાહ એટલે,
પાપોની લીલા મારી લગાતાર હોય છે.

સત્તાધીશોને ખબર છે કે ગમે તેવા ગુનાઓ કરીએ, પણ પ્રજાને ભોળવીશું એટલે એ માફ કરી દેવાની છે. એટલે પોતાના પાપલીલા જુદી જુદી રીતે તેઓ લગાતાર રાખે છે. આમ તો માનવસ્વભાવ છે. રાજનેતાઓની જ વાત નથી. દરેક માણસ જુદી જુદી રીતે માફી માફી રમતો હોય છે. બે પરસ્પર પ્રેમીઓ ક્યારેક એકબીજાની માફીનો ઢોંગ કરે છે. પતિપત્નીમાં તો આવું વારંવાર થાય છે. બે મિત્રોમાં પણ ક્યાં નથી થતું આવું? જ્યારે તમને ખબર હોય કે તમને માફી મળી જ જવાની છે ત્યારે તમારા ગુનામાં એક પ્રકારના આત્મવિશ્વાસ આવી જાય છે. સત્તાધીશો આ વાત સારી રીતે જાણે છે. તેમને ખબર છે કે જેની લાઠી તેની ભેંસ. જેની સત્તા તેનો આદેશ. પોતે સત્તામાં હોય પછી કોને ગુનેગાર ગણવા ને કોને નહીં એ પણ પોતે જ નક્કી કરવાના ને? હકીકતમાંં તો તેમને આવી માફી-બાફીમાં રસ પણ નથી હોતો. તેમને તો આમ કરતા ય પોતાની ખુરશી સલામત રહે છે કે નહીં, તેની જ પડી હોય છે. બાકી કોની લાગણી દુભાઈ છે ને કોની નથી દુભાઈ એનાથી એમને શું લેવાદેવા?

આપણે ત્યાં પુરાણોમાં કહેવાયું છે, क्षमा वीरस्य भूषणम् અર્થાત ક્ષમા એ વીરોનુંં આભૂષણ છે. પણ આજકાલ તો માફીઓ ચોકલેટની જેમ વહેંચાઈ રહી છે. સોરી અને થેન્ક્યુ પોતાની ગરિમા ગુમાવી બેઠા છે. માફી પોતે વિચારતી હશે કે હવે મને માફ કરો, બહુ થયું. સજા આપનાર કરતા માફ કરનાર મોટો હોય છે, એ વાત આપણે જાણીએ છીએ. પણ એ કેવી સ્થિતિમાં, કેવી વાતે એ પણ જોવાનું ને? જાપાનમાં એક કહેવત છે કે પશ્ચાતાપ વિનાની માફી પાણી પર ખેંચાયેલી લકીર જેવી છે, એક ક્ષણમાં ભંસાઈ જાય. રાજનેતાઓ આવી લકીરો રોજ ખેંચતા રહે છે. ખેર આ બધું તો ચાલતું જ રહેવાનું છે. આપણે મરીઝની એક સુંદર ગઝલ માણીએ.

લોગઆઉટ:

એમાં હતી મતલબની અસર માફ કરી દે
તે પહેલી મહોબ્બતની નઝર માફ કરી દે

અલ્લાહને લોકો તો ભલે આપશે માફી
સાચી તો એ માફી છે કે ઘર માફ કરી દે

ઉત્સાહ હતો તુજમાં એ દેખાયો ન મુજને
કીધી છે મેં ખોટી જે સબર માફ કરી દે

કરવી છે મારે તો તારી રહેમતની પરીક્ષા
માફી તો નહીં માંગું મગર માફ કરી દે

લે, આવી કયામત, હવે ઊઠું છું, કરું શું?
વરસોનો તજી સંગ ઓ કબર માફ કરી દે

બંદો છું હું તારો જરા ઈઝ્ઝત રહે મારી
સ્વમાની છું માફીની વગર માફ કરી દે

પરદો તો રાખવો'તો તારા નામને લેતા
પણ કંપી ગયા મારા અધર માફ કરી દે

એ માફી અધૂરી છે 'મરીઝ' એમાં મજા શું
બુધ્ધિ ન કરે માફ, જીગર માફ કરી દે

- મરીઝ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો