લાખો નિરાશા અને એક આશા

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે,
ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે.
- મણિલાલ નભુભાઈ દ્વિવેદી

ગુજરાતીમાં કહેવત છે - આશા અમર છે. આશા અને દિલાસાની કોઈ ભાષા નથી હોતી. લાખલાખ નિરાશાની નદીમાં તમે ગોથાં ખાઈ રહ્યા હોવ છતાં આશાનું એક નાનકડું તણખલું તમને ડૂબવા નથી દેતું. પ્રત્યેક સંબંધ એક આશાના પવિત્ર બંધનથી બંધાયેલો હોય છે. આશાની હોડી પર અપેક્ષાનો ભાર લદાય ત્યારે તે જીવનના સાગરમાં હાલકડોલક થવા લાગે છે. વધારે વજન વહાણ ડુબાડે છે. પ્રેમમાં તો ડૂબવાનો અર્થ જ તરવું થાય છે. ક્યારેય કોઈ એમ નથી કહેતું કે હું પ્રેમમાં તરી ગયો. હંમેશાં એવુંં જ કહેવાય છે કે પ્રેમમાં ડૂબી ગયો. ક્યારેય કોઈ એમ પણ નથી કહેતું કે હુંં તેના પ્રેમમાં ઊભો થયો. હું તેના પ્રેમમાં પડ્યો એમ જ કહેવાય છે. અહીં પડવાનો અર્થ ઊભા થવાનો છે. પ્રેમમાં મરવાનો અર્થ પણ જીવવુંં થાય છે. મરીઝનો પેલો શેર યાદ કરો.
જીવન મરણ છે એક બહુ ભાગ્યવંત છુંં,
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છુંં.

જો પ્રેમી પર ફિદા થવાની ઘટના જીવનમાં ન હોય તો તો જીવન મરણ જેવું થઈ જાય. એટલે જ તો મરીઝે એવુંં કહ્યું કે જીવન અને મરણ બંંને મારી માટે એક છે. હુંં તારી પર મરી શકું છું એટલે વધારે સારી રીતે જીવી શકું છું. અને આવું થાય છે તે માટે હુંં ભાગ્યશાળી છું.

પ્રેમમાં રહેલી આશા ચિરંજીવ હોય છે. અધૂરા પ્રેમને પામવાની ઝંખનાનું ઝાડ તો આકાશને ય આંબી જાય તેટલું ઊંચું હોય છે. પ્રેમીને એટલી જ ઝંખના હોય છે પોતાનું ગમતું પંખી અસ્તિત્વના આંગણે આવે, આંગણાના ઝાડ પર માળો બાંંધે, ટહુકીને જીવનને રળિયાત કરે. આટલી નાનકડી આશાનો દીવડો તેના હાથમાં હોય ત્યારે અંધારાના ધોધના ધોધ માથે પછડાતા હોય તો ય તેને પરવા નથી હોતી.

ઘણીવાર તો પ્રેમીની એક ઝલક ઈશ્વરના દર્શન જેટલી પવિત્ર લાગે છે. મંદિર જવા કરતા મહેબૂબની ગલીમાં જવાની વાત પ્રેમીને વધારે પવિત્ર લાગતી હોય છે. આરતી કરતા પ્રણયગીતમાં તેનું મન સાધનાની અનુભૂતિ વધારે ગહન રીતે કરતું હોય છે. તેને પ્રેમીનું નામ પ્રભુના નામ જેટલી જ પવિત્રતાની અનુભૂતિ કરાવતું હોય છે. જ્યારે તમે દિલથી કોઈને ચાહો છો ત્યારે તે પ્રેમ પ્રભુતાનો અનુભવ કરાવતો હોય છે. જ્યારે પ્રેમની પવત્રતા ગહન હોય ત્યારે ગમતી વ્યક્તિ નફરત પણ કરે તોય તેના પ્રત્યે દુર્ભાવ નથી થતો. જ્યારે સનમ ખફા થઈને ખંજર હુલાવતી હોય ત્યારે પણ તેની અંદર ઊંંડે ઊંડે એક પ્રકારની રહમ જ દેખાતી હોય છે. પ્રેમ તમામ શરતોથી પર હોય છે. તેમાંં તો હૃદયનો પવિત્ર ભાવ જ સર્વોચ્ચ શિખર પર બિરાજે છે. અશરફ ડબાવાલાએ લખ્યું છેને
હું પ્રેમ એને તો કરું જો એ મને કરે
દિવાનગીમાં ક્યાંય એવું આવતું નથી

દિવાનગી તો દિલની શરતહીન ગલીમાં મસ્તીથી ચાલે છે. તેનું હૃદય તો પ્રણયના પંથમાં ફના થવા તત્પર હોય છે. તેને મન એક જ ધર્મ છે એ છે પ્રેમ. એક જ ગલી છે મહેબૂબની ગલી. “હું તને પ્રેમ કરુંં છુંં” આ વાક્યમાં જ ગીતા-કુરાન-બાઇબલ જેવા તમામ ગ્રંથોની પવિત્રતા એકરૂપ થઈ જાય છે. તમામ ધર્મોના ભેદની દીવાલો ધરાશયી થઈ જાય છે. તમામ જ્ઞાતિની વાડ છૂમંતર થઈ જાય છે. રંગરૂપ પણ ઓગળીને અદૃશ્ય થઈ જાય છે બચે છે તો માત્ર ને માત્ર પ્રેમ. આ જ વાક્યના શબ્દો આગળપાછળ કરો તો તેનો અર્થ અને અનુભૂતિ બંને બદલાઈ જાય છે. જરા આ રીતે વાંચી જુઓ
…પણ હું તને પ્રેમ કરું છું
હું પણ તને પ્રેમ કરું છુંં
હું તને પણ પ્રેમ કરુંં છુંં
હું તને પ્રેમ પણ કરું છું
હું તને પ્રેમ કરુંં પણ છું
હું તને પ્રેમ કરુ છું પણ…

આ વાક્યરચનાની ગોઠવણીમાં જ પ્રેમની કથા અને વ્યથા બંને સમજાઈ જશે. પ્રણયગ્રંથનાં તમામ પાનાં ઉકેલાઈ જશે, કોણ કયું વાક્ય વાપરે છે તેની પર નિર્ભર છે. તેની સાચી અનુભૂતિ અલખને પામવા સુધી લઈ જાય છે, પણ તે એટલું સહેલું નથી.

લોગઆઉટ:

ये इश्क़ नहीं आसाँ इतना ही समझ लीजे
इक आग का दरिया है और डूब के जाना है
- जिगर मुरादाबादी

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો