એક સાંજે આપણે બન્ને મળેલાં યાદ છે?

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

એક સાંજે આપણે બન્ને મળેલાં યાદ છે?
ને સમયનાં શાંત વારિ ખળભળેલાં યાદ છે?

મેહુલો જામ્યો હતો એ મેઘલી રાતે અને,
આપણે બેઉ જણાં વાતે વળેલાં યાદ છે?

દૂર જ્યારે પણ થયેલાં એકબીજાથી કદી,
આગમાં એકાંતની છાનાં બળેલાં યાદ છે?

આપણાં હૈયાં હતાં ક્યારેક જે પથ્થર સમાં,
મીણ માફક એ જ હૈયાં ઓગળેલાં યાદ છે?

આપણું મળવું અહીં જાણે વિરલ ઘટના હતી,
કૈંક મનમાં પ્રેમકાવ્યો સળવળેલાં યાદ છે?

- નીતિન પારેખ

પ્રણયભાવ સનાતન છે. જે મનુષ્ય જન્મ્યો છે, યુવાન થયો છે અને પ્રેમનો ભાવ નથી જાગ્યો તેવો માણસ સંભવ નથી. તમામ ભાવોમાં પ્રણયભાવ ઉત્કટ હોય છે. તેની માટે ફના થવાની સુધી માણસની તૈયારી હોય છે. પૈસો, પદ અને પ્રસિદ્ધિ તેની સામે ફિક્કાં લાગે છે. પ્રેમનો પર્યાય માત્ર પ્રેમ હોય છે. પ્રેમને પ્રેમ સિવાય કશું ખપતું નથી. પ્રેમમાંથી પ્રેમ બાદ થયા પછી પણ પ્રેમ જ બચતો હોય છે. પ્રેમનો સરવાળો પણ પ્રેમ અને બાદબાદી પણ પ્રેમ. પ્રણય હોય ત્યાં વિરહ પણ હોય, ને નફરત પણ. વાદ પણ હોય અને સંવાદ પણ. ઘણી વાર અઢળક વાતો થાય અને છતાં લાગે કે એક શબ્દ ઉચ્ચારાયો નથી અને કેટલીક વાર એક શબ્દ સુધ્ધા બોલ્યા વિના અઢળક વાતો થઈ જાય.

બહુ ઓછા પ્રેમની પગદંડી પર ચાલીને તેને ઇચ્છિત મુકામ સુધી પહોંચાડી શકતા હોય છે. થોડાંક ડગલાં સાથે ચાલ્યા હોઈએ તે સથવારાને જીવનભરનો પ્રવાસ બનાવવો ઘણો મુશ્કેલ હોય છે. પ્રથમ મુશ્કેલી તો એ બે પાત્રોની સારીનરસી બાબતોનો સ્વીકાર કરવાની હોય છે. એ બધું થઈ ગયા પછી બંને પરિવારને એક કેડી પર ચલાવવો એનાથી પણ મુશ્કેલ હોય છે. પરિવાર ધારો કે માની પણ જાય તો બીજી આર્થિક, સામાજિક, માનસિક અનેક અડચણોના એરુ ફેણ ચડાવીને બેઠા હોય છે. તેના ડંખ ઝીલવાની બધાની તૈયારી હોતી નથી. પરિણામે અળગા થવું પડે છે. પણ પેલો પ્રણયભાવ હૃદયના ક્યારામાં મુરઝાયેલા ફૂલની જેમ હંમેશાં પડ્યો રહે છે. જ્યારે જ્યારે એ પ્રેમીની યાદ આવે, તેને મળેલા હોઈએ તે જગાએ જવાનું થાય કે તેને લગતી કોઈ ઘટના બને કે તરત પેલું મુરઝાઈને પડેલું ફૂલ ફોરમવા લાગે છે. અને મનોમન પ્રિય પાત્રને યાદ કરીને પોતાની જાતને જ, કવિ તેજસ દવેએ લખ્યું છે તેવું પૂછી બેસાય છે,
પાંપણ પર ઝૂલતાં’તાં શમણાં એ શમણાંનો હું પણ એક ભાગ હતો, યાદ છે?

હમણાના શમણાએ ભલે દશા અને દિશા બદલી હોય પણ એક સમયે હું આ આંખનું નૂર હતો. આપનો હૃદયનો રહેવાસી હતો. આવું બધું કહેવાનું અને યાદ કરાવવાનું પ્રત્યેક પ્રેમીને ગમતું હોય છે. રમેશ પારેખનું આ ગીત તો ક્યાંથી ભૂલી શકાય?

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને ઘેરાતી રાત મને યાદ છેઃ ઘેરાતી રાત તને યાદ છે?

કવિ ભાવેશ ભટ્ટે પણ આ જ કક્ષામાં મૂકી શકાય તેવા ભાવની સુંદર ગઝલ લખી છે. વર્ષો પછી પ્રેમી પ્રેમિકાને મળે છે અને થોકાક પ્રશ્નો પૂછે છે, “મારા જીવનમાં તું આવી’તીને, હેંને? રણમાં તારી પગલી પાડી’તીને હેંને?” આખી ગઝલમાં મજા ‘હેંને’ શબ્દની છે. ગઝલ એના ભાવ પ્રમાણે ચાલે છે, ચોટ અંતિમ શેરમાં આવે છે, અગાઉના તમામ શેરમાં પ્રેમભાવ બળકટ રીતે વ્યક્ત થાય છે, તે મારી માટે આમ કર્યું, મેં તારી માટે તેમ કર્યું, આપણે એકબીજા વગર રહી ન શકતા વગેરે વગેરે. પણ અંતિમ શેરમાં કવિ કહે છે,

તારાં સુધી આંચ આવવાં લાગી જ્યારે
મને મૂકી પડતો તું ભાગી'તી ને, હેંને?

છેલ્લી પંક્તિમાં ચોટ લાવવાનો કીમિયો સોનેટમાં વપરાય છે, પણ કવિએ એ કામ ગઝલમાં કરી બતાવ્યું છે. એ દૃષ્ટિએ તે ગઝલસોનેટની કક્ષામાં મૂકી શકાય.

કવિ નીતિન પારેખે આ ભાવને પોતાની રીતે ઝીલ્યો છે. મળવાથી છુટ્ટા પડવા સુધી, પ્રેમથી વિરહ સુધીની સ્મરણગાથા તેમણે એક ગઝલના મણકામાં સરસ રીતે પરોવી છે. સાંજ, વરસાદ અને સરોવર કિનારો એ પ્રેમના મીઠાં સરનામાં છે. પ્રણયભાવને આ સ્થળો સાથે ખાસ લગાવ છે. જિંદગી આમ તો બધી ભાવનાઓનું મિશ્રણ છે. જે જે ટક્યું તે તહેવાર, જે સાચવ્યું તે સોનું, જે વહેંચ્યું તે ઉલ્લાસ.

લોગઆઉટ:

એકઠું જે કર્યું તે અંધારું,
વ્હેંચીએ તે પ્રકાશ લાગે છે.
– નીતિન પારેખ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો