(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)
લોગઇન:
જંગલ કપાઈ રહ્યું હતું
એકેએક ઝાડ ઘાતકી રીતે નષ્ટ થઈ રહ્યું હતું
છતાં બધાં ઝાડ
કુહાડીને વોટ આપી રહ્યાં હતાં
કેમકે બધાં વિચારી રહ્યાં હતાં કે
કુહાડીના હાથમાં રહેલું લાકડું એના સમાજનું છે
- અજ્ઞાત (તુર્કીશ કવિતા)
પોલિટિકલ જ્ઞાન એટલું સરળ છે કે સાધારણ મજૂર પણ બેફિકર થઈને ચર્ચી શકે છે. કયા નેતાએ શું કરવું શું ન કરવું તેનું મહાજ્ઞાન તેઓ ચપટી વગાડતાં પીરસી દે છે. જ્યારે તેમને પોતાને એક ગલી, શેરી, ફ્લેટ કે સોસાયટીનું નેતૃત્વ કરવાનું આવે તો ફાંફે ચડી જતા હોય છે. બીજી તરફ રાજનીતિનું જ્ઞાન એટલું મુશ્કેલ છે કે અચ્છા અચ્છા જ્ઞાનીઓ તેમાં થાપ ખાઈ જાય છે. રણયુદ્ધમાં હજારો દુશ્મનો વચ્ચેથી વિજેતા થઈને નીકળતો યોદ્ધો રાજકીય લડતમાં ભોંયભેગો થઈ જાય તો નવાઈ નહીં. રાજરમતના આટાપાટા એટલા વિકટ હોય છે તેમાં તમામ ગ્રંથોનું જ્ઞાન કાગળની પસ્તી થઈને રહી જતું હોય છે ને અંગૂઠાછાપ આગળ આવીને ઊભા હોય છે.
મૂળ પ્રશ્ન એ છે કે નફ્ફટાઈ લાવવી ક્યાંથી? જે લોકોએ હરખભેર બહુમતીથી તમને ચૂંટ્યા હોય એ જ વિસ્તારમાં પાંચ વરસ સુધી ડોકિયું ય ના કરવું એ કામ સહેલું નથી. લોકોના જ પૈસા બે હાથે વાપરવા ને છતાં તેમનો પ્યાદા તરીકે ઉપયોગ કરવો એ નાનીસૂની આવડત તો ના જ કહેવાયને. જાહેરમાં પ્રજાને માયબાપ ગણતા રહેવાનું અને ઓફિસમાં બેસીને એ જ પ્રજાને ધૂળ બરોબર પણ સ્થાન ન આપવાનું બેધારું વ્યક્તિત્વ કોઈ સામાન્ય માણસ તો ન જ વિકસાવી શકે ને. એની માટે ભારોભાર લંપટતઆ જોઈએ. હલકાઈની તમામ હદ વટાવીને ય માસૂમ બની બની રહેવાનું કૌવત જેનામાં ઠાંસીઠાંસીને ભર્યું હોય તે જ માણસ આ કામ કરી શકે. આજકાલ આવું કૌવત ધરાવનારની સંખ્યા વધતી જાય છે.
લોગઇનમાં આપેલી કવિતા દરેક સમાજની - દરેક રાષ્ટ્રની નગ્ન હકીકત રજૂ કરે છે. જ્ઞાતિ અને ધર્મ તો સત્તાધીશોનાં મુખ્ય હથિયાર છે. તેઓ આ હથિયારની ધારને હંમેશાં ચમકતી રાખવા માગે છે. તેઓ નહીં ઇચ્છે કે હિન્દુ મુસ્લિમ એક થાય, તેઓ હરગિજ નહીં ચાહે કે ગરીબો સમૃદ્ધ થાય, તેઓ ક્યારે એવું પણ નહીં ઇચ્છે કે ખેડૂતો ઉપર આવે. આ બધી સમસ્યાઓ જ તો તેમની સત્તાનો પાયો છે, કોઈ પોતાનો પાયો શું કામ તોડે? આ સમસ્યાનો ઉપયોગ એ પોતાની સત્તાના રક્ષણ માટેના હથિયાર તરીકે કરે છે. અને હાથો બનનારાઓને ખબર જ નથી હોતી છે કુહાડી માટે તે કામ ખરી રહ્યો છે તે એક દિવસ પોતાના જ ઝાડ પર નિર્દયી રીતે ફરી વળવાની છે!
ધર્મ-જ્ઞાતિની ચેસમાં આ લોકો એક્કા હોય છે. ક્યારે કયાં પ્યાદાને કઈ ચાલ ચલાવવી, કયા વજીરને આગળ ધરી દેવો એ વિશેનું તેમનું ગણિત રામાનુજનને ય હંફાવે એવું હોય છે. આર્યભટ્ટે શૂન્યની શોધ કરી પણ આ લોકોએ શૂન્યમાંથી શૂન્ય જાય તોય કરોડો-અબજો કઈ રીતે બનાવવા તેનું જાદુઈ ગણિત જાણતા હોય છે. જ્યારે તમને લાખો રૂપિયા આપવાની વાત કરે ત્યારે સમજી જવાનું કે તમારાં ખિસ્સાં ખાલી કરવાનો પેંતરો રચાઈ રહ્યો છે.
એક નેતા ઘેટાનાં ગામમાં જઈને ભાષણ આપતો હતો, મિત્રો તમે મને મત આપશો તો આ શિયાળામાં દરેકને એક એક ધાબળો આપવામાં આવશે! પણ તેણે એ ન કીધું કે ઊન ક્યાંથી આવશે! ઊન માટે તો એ જ ઘેટાંને વેતરવાનાંને? જ્યારે કશુંક લાભ આપવાની ભ્રામક જાહેરાતો થાય ત્યારે સમજી જવું કે તે આપણને ઘેટાં સમજીને ધાબળાં આપવાની વાત કરે છે, આપણાં ઊન પર કાતર ફેરવવાની કીમિયા ઘડાઈ રહ્યા છે. ઉસ્માન મીનાઈનો એક શેર યાદ આવે છે
ઇલેક્શન તક વો ગરીબો ખાસ હુજરા દેખતે હૈ
હુકુમત મિલ ગઈ તો સિર્ફ મુજરા લેખતે હૈ.
તમારો એક મત દેશ બદલી શકે છે એવા ભ્રમમાં ન રહેતા. જો ખરેખર તેનાથી દેશ બદલાઈ જતો હોય તો એ લોકો તમને એવું કરવા દે ખરા? બધું સાફ સુથરું સારું થઈ જાય તો તો એમનું અસ્તિત્વ ખતરામાં આવી જાય એવું તો એમને જરાય પાલવે નહીં. એ તમારી જ ચામડી ઉતરડીને તમને ચંપલ વેચશે ને છતાં કહેશે જુઓ મેં તમારા પગને રક્ષણ આપ્યું!
લોગઆઉટ:
એક ઘેટું ટાઢથી થરથર થતું
જોયા કરે ભરવાડ પાસે કામળી!
~ અરવિંદ ભટ્ટ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો