(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)
લોગઇન:
हताशा से एक व्यक्ति बैठ गया था
व्यक्ति को मैं नहीं जानता था
हताशा को जानता था
इसलिए मैं उस व्यक्ति के पास गया
मैंने हाथ बढ़ाया
मेरा हाथ पकड़कर वह खड़ा हुआ
मुझे वह नहीं जानता था
मेरे हाथ बढ़ाने को जानता था
हम दोनों साथ चले
दोनों एक दूसरे को नहीं जानते थे
साथ चलने को जानते थे।
– विनोद कुमार शुक्ल
હતાશા હિંસક છે. એ નિરાશાની એટએટલી તલવારો વીંઝશે તમારી પર કે તમે લોહીલુહાણ થઈ જશો. એક નાની નિષ્ફળતા પણ મહાકાય હથોડાની જેમ એ રીતે તમારા માથા પર કે તમ્મર આવી જશે. આટલાથી એ અટકશે નહીં. એ તમને કોઈ વાતમાં રસ નહીં લેવા દે. રંગબેરંગી ઉત્સવોને પણ બ્લેક એન્ડ વાઇટ કરી નાખશે. આજુબાજુ ઉજવાતા તમામ આનંદને શોકમાં તબદિલ કરી નાખશે. પ્રિયમાં પ્રિય વ્યક્તિનો સાથ પણ નિસહાય થઈ ગયાનું લાગવા માંડશે. આસપાસના તમામ બલ્બ જાણે તમારી પર અંઘકાર ફેંકી રહ્યા હોવાની અનુભૂતિ થશે. એવી ઊંડી ખાઈમાં એ તમને ધકેલી દેશે કે ગમે તેટલી ચીસો પાડો કોઈ સાંભળી નહીં શકે, તમે પોતે પણ નહીં. હતાશા પોતાનાં તમામ હથિયાર લઈને તૂટી પડશે ત્યારે આંખ સામે તમામ રસ્તા હોવા છતાં એક ડગલું સુધ્ધાં નહીં ભરી શકાય. મન દ્વિદ્ધાના દરિયામાં ડૂબી જાય, ચિંતા જાણે ચક્રવાત જેમ ત્રાટકે. તમામ ગાત્રો શિથિલ થઈ જાય છે. ખરા ટાણે જ હતાશા હાવી થઈ જતી હોય છે. મરીઝસાહેબ લખે છે.
બસ ઓ નિરાશ દિલ, આ હતાશા ખરાબ છે,
લાગે મને કે જગમાં બધા કામિયાબ છે.
એ વખતે એવું લાગે કે બસ એક મને બાદ કરતાં આખું જગત જલસા કરી રહ્યું છે. મારા સિવાય આખું વિશ્વ સફળતાના શિખરો ચડી રહ્યું છે, એક માત્ર હું જ અધોગતિની ખાઈમાં ધકેલાઈ રહ્યો છું.
વિનોદકુમાર શુક્લએ હતાશાને આશામાં પરિવર્તિત કરી શકે તેવી જાદુઈ કવિતા લખી છે. દુ:ખના દરિયામાં ડૂબી રહેલા માણસનું નામઠામ આપણને ખબર ન હોય, પણ તેનું દુ:ખ તો કળાય. મુસાફરને ન જાણતા હોઈએ, પણ જે ટ્રેનમાં બેઠો છે તે ક્યાં જવાની છે તેની તો ખબર પડે કે નહીં? અનેક માણસો આપણી આસપાસ હોય છે, જેની પર હતાશાનાં હથિયારો ફરી વળ્યાં હોય. નિરાશાએ ધારદાર ન્હોરથી લોહીલુહાણ કરી નાખ્યા હોય. આશાના તમામ ઠરી ગયેલા દીવડા પછી બચેલા અંધકારમાં ક્યાંક ટૂંટિયું વળીને પડ્યા હોય છે આવા લોકો. તેમના અંધકારભર્યા જીવનમાં દિલાસાનો એક નાનકડો દીવો પેટાવવા પ્રયાસ કરજો, શક્ય છે કે આ દીવો હતાશ વ્યક્તિ માટે સૂરજ જેવો તેજસ્વી સાબિત થાય.
પૈસા કે સાધનની મદદ કરતા એક સારું વાક્ય ખૂબ મોટી અસર કરતું હોય છે. ઘણી વાર તો શબ્દોની પણ જરૂર નથી હોતી. હતાશ વ્યક્તિના ખભે હાથ મૂકી બે ડગલાં સાથે ચાલીએ તો એ ચાલવું ચારધામ જાત્રા કરતા ય વધારે પાવન બની જતું હોય છે. ગાંધીજીએ દરિદ્રોમાં દેવના દર્શન કરવાનું કહેલું. દરિદ્રને દેવની પૂજા જેટલું સન્માન આપી પગભર બનાવવાની વાત કરેલી. જે હતાશ છે, નિરાશ છે એ સંપત્તિના ઢગલાં આળોટતા હોવા છતાં દયાને પાત્ર છે. ભાવનાઓને પરિચયની જરૂર નથી હોતી. દુનિયાનો સૌથી પૈસાદાર માણસ રડે તો પણ એના આંસુ પણ ખારાં જ હોય. કોણ છે, ક્યાં છે, શું છે, કેમ છે તે મહત્ત્વનું નથી, મહત્ત્વની છે ભાવના, સંવેદના, અનુભૂતિ. સુખ અને દુઃખ બંને સ્થિતિમાં બેલેન્સ જાળવી શકનારા બહુ ઓછાં હોય છે.
લોગઆઉટ:
વલણ એકસરખું રાખું છું આશા નિરાશામાં
બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં
સદા જીતું છું એવું કૈં નથી, હારું છું બહુધા, પણ
નથી હું હારને પલટાવવા દેતો હતાશામાં
– અમૃત ઘાયલ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો