(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)
લોગઇન:
ચાહ જીવવાની ભળી છે આગમાં,
કૂંપળો નાજુક બળી છે આગમાં.
ચીસ, કોલાહલ, બની ગઈ જિંદગી,
કારમી પીડા મળી છે આગમાં.
જીવવાની ઝંખના લઈને કૂદ્યા,
તોય પણ એ ક્યાં ફળી છે આગમાં?
દેહ ભૂકો થઈ ગયો, કૂદકા પછી,
પાંસળી અનહદ કળી છે આગમાં.
જિંદગી નખશિખ જ્વાળામુખમાં,
એષણા સાથે ઢળી છે આગમાં.
- પીયૂષ ચાવડા
રાજકીય રોશનીથી પ્રજા દાઝી રહી છે. ભષ્ટ્રાચારનો ભભકો જ્વાળાનું સ્વરૂપ લઈ રહ્યો છે. લગાવ લાગવગનું સ્વરૂપ ધારણ કરે છે. પ્રજાએ મૂકેલી આશા, પ્રજાને ઓશિયાળી બનાવી રહી છે. મીલીભગલનો મેળાવળો થઈ રહ્યો છે. આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા-વાળી વાત રાજકીય નારો થઈ ગયો છે. એકતાનું સૂત્ર ખરેખર સાચું પડી રહ્યું છે. બધા એક થઈને લૂંટી રહ્યા છે પ્રજાને. સૂરતના ટ્યૂશન ક્લાસિસના આગનો બનાવ હોય કે બરોડાના હરણી તળાવની ચકચારી ઘટના, મોરબીના ઝૂલતા પુલની કરૂણતા હોય કે રાજકોટની તાજેતરમાં બનેલી ભયાવહ ઘટના, ખુરશીમાં બેઠેલી જાડી ચામડીઓ મતઉઘરાણી સિવાય કશામાં માનતા નથી. દરેક ઘટનાને તેઓ મતબેન્ક તરીકે જ જુએ છે. ભાજપ હોય કે કોંગ્રેસ, આપ હોય કે મનપા. આવી કોઈ ઘટના થાય એટલે ટોળે વળે છે પોતે કેટલા સારા છે એ સાબિત કરવા અને એનાથી પણ વધારે બીજો પક્ષ કેટલો ખરાબ છે તે બતાવવા દોષોના દરિયા ઠાલવે છે એકબીજા પર. એમને મુદ્દો મળી જાય છે. પ્રજાની હાલાકી તેમની માટે મુદ્દાથી વધારે કશું જ નથી. દરેક પક્ષ એક જ ગાણું ગાય છે અમે હોત તો આમ ન થવા દેત. અને જોવા જઈએ તો દરેક સરકારના કાળમાં આવું કશુંક ને કશુંક કાળોતરું થયેલુ જ હોય છે. ત્યારે તેમની માનવતા ક્યાંં મરી પરવરે છે?
એક મધ્યમ વર્ગીય પરિવાર માટે નાના નાના મેળાવડા જ તો એકમાત્ર સુખનું માધ્યમ હોય છે. એમની પાસે નથી નથી વર્લ્ડ ટૂરની વ્યવસ્થા કે અમેરિકાના ડિઝની લેન્ડમાં જઈને મજા કરવાની આર્થિક ત્રેવડ. અમદાવાદ-રાજકોટ-સુરત જેવા શહેરમાં ભરાતા મેળા કે ગેમઝોન તો એમના આનંદનું ઠેકાણું છે. પણ એ આનંદના ઠેકાણાના પાયામાં ભ્રષ્ટાચારના તણખા પડે પછી આગ ન લાગે તો જ નવાઈ. એક જ પરિવારના પાંચ પાંચ સાત સાત માણસો એક સાથે હોમાઈ જાય એ પરિવારમાં તો જે જેવતા રહી ગયા હોય તેને ય એમ થાય કે ભગવાને મને કેમ બાકી રાખ્યો? મૂળ પ્રશ્ન એ છે કે ભ્રષ્ટાચાર આચરનાર જ બાકી રહી જાય છે, હોમાઈ જાય છે સામાન્ય પ્રજા.
જ્યારે આવી કરૂણ ઘટના બને છે ત્યારે તાત્કાલીક દોડાદોડી થવા લાગે છે. સહાયની પીપુડીઓ વગાડાય છે. નેતાઓ ભારે હૈયે શોક વ્યક્ત કરે છે. ઘણી વાર તો એમ થાય છે કે નેતાઓ સંવેદના વ્યક્ત કરવા માટે આવી કરપીણ ઘટનાઓની રાહ જોતા હશે, કશું ન થાય તો એમના પથ્થરિયા હૃદયમાં સંવેદના જાગતી નથી. જ્યારે આવા ગેમઝોન એનઓસી વગર ધમધમતા હોય, અપૂરતી સુવિધા અને અણબનાવ બનવાની પૂરી સંભાવના ધરાવતા હોય ત્યારે તેમની સંવેદના છૂમંતર થઈ જાય છે, એ ત્યારે જ જાગે છે જ્યારે બનાવ બને, પહેલાં નથી. એના પાયામાં જ્યારે અનીતિ આચરવામાં આવી હોય ત્યારે તેમના પેટનુંં પાણી પણ નથી હલતુંં, ક્યાંથી હલે, તેનો એક ભાગ તેમના સુધી પણ પહોંચ્યો હશેને. જવાબદાર અધિકારીઓ તે વખતે એસીમાં બેસીને મજા માણતા હોય છે અને જ્યારે આવું કશુંક થાય ત્યારે સંવેદનાના છાણા શેકવા આવે છે આગમાં. પહેલા તો ફાયરસેફ્ટીથી લઈને એનઓસી સુધી લાગવગના લંગર નખાયેલા હશે, તો જ આ રીતે બેકાળજીપૂર્વક બધું ધમધમી શકેને?
એક માતાપિતા માટે સંતાથી વધારે કશું જ નથી હોતું અને એ પણ સરકારની બેદરકારીને લીધે છીનવાઈ જાય તો ફરિયાદ કરવી કોને. જ્યારે વાડ પોતે ચીભડાં ગળતી હોય તો રાવ ક્યાં નાખવી? પીયૂષ ચાવડા જેવો સંવેદનશીલ કવિ આવી કપરીણ ઘટના જોઈને અંદરથી દ્રવી ઊઠે છે, એટલે જ તેની કલમથી આવી કવિતાઓ સરી પડે છે. કવિનું કામ લોકોની વેદનાને વાચા આપવાનું છે. આગની આ જ્વાળામાં રાજકીય નેતાઓ પોતાના રોટલા શેકશે, અજાણ્યાઓ માટે એ ચર્ચાનો મુદ્દો બની રહેશે, પણ જેનો પરિવાર બળીને ખાખ થઈ ગયો છે, તેને તો આ ઘટનાની જ્વાળા આજીવન દઝાડતી રહેવાની છે. એની બળતરા મરતા સુધી રહેવાની છે. એની ચીસો છેક સુુધી પડઘાતી રહેશે એમના કાનમાં. સ્વજન ગુમાવ્યાનો વસવસો ઘૂંટાતો રહેશે હૃદયના ખરલમાં.
એકાદ ઘટનામાં થેયલી ભૂલ તો હોય તો સમજી પણ શકાય, પણ કેટકેટલી ઘટનાઓના લંગર લાગેલાં છે. કઈ કઈ ઘટના ગણાવવી?
લોગઆઉટ:
થઈ શકે ના કોઈ રીતે એની ભરપાઈ,
જો કદી આ કાળજામાં આગ લાગેછે.
– રાકેશ હાંસલિયા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો