हैं तटस्थ या कि आप नीरो हैं?

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

चैन की बाँसुरी बजाइये आप
शहर जलता है और गाइये आप
हैं तटस्थ या कि आप नीरो हैं
असली सूरत ज़रा दिखाइये आप

- गोरख पाण्डेय

ગોરખ પાન્ડેય હિન્દીના ક્રાન્તિકારી કવિ. તેમણે દેશના સળગતા પ્રશ્નોને કવિતા દ્વારા વાચા આપી. કવિતાના હથિયાર દ્વારા આકરા પ્રહારો કર્યા. પ્રજાના નમાલાપણા અને ભ્રષ્ટ્ર નેતાઓના મરી ગયેલા આત્માને જગાડવાના પ્રયત્નો કર્યા. કવિ ફિરદોસ દેખૈયાએ પણ સુંદર પંક્તિઓ લખી છે,
ફકત બળવો કરાવે છે, કવિતા કૈં નથી કરતી,
પછી જીવતાં ચણાવે છે, કવિતા કૈં નથી કરતી.

આજકાલ બળવાની કવિતા પોતે જ બળીને રાખ થઈ ગઈ છે. તંત્રની બેદરકારીએ નિર્દોષ પ્રજા ભડથું થઈ રહી છે, કહેવાતા સત્તાધારીઓના આત્માએ જળસમાધિ લઈ લીધી છે, અને પ્રજા મૌનવ્રતમાં લીન છે. પ્રજા પાસે જો કોઈ શક્તિ હોય તો એ છે સહનશક્તિ. સહન કરવામાં પાવધરા થઈ ગયા છીએ આપણે. બેચાર દિવસના દેકારા બાદ બધું જૈસે થે થઈ જાય છે અને કોઈના પેટનું પાણી પણ નથી હલતું. નિર્દોષો પાણીમાં ડૂબે કે આગમાં બળે, પુરમાં તણાય કે બળબળતા તાપમાં શેકાય, ખુરશી નીચે પાણી ન આવે ત્યાં સુધી કોઈને કંઈ જ ફરક નથી પડતો.

રાજકોટની આગ દુર્ઘટના કે બરોડાની, એ ઘટનાઓમાં જો સત્તા જવાનો ભય ન હોય તો એક પણ નેતા મુલાકાત લેવાની વાત તો દૂર, પોતાની વાતમાં આ દુર્ઘટનાઓનો ઉલ્લેખ સુધ્ધાં નહીં કરે. તે તમારી સેવા એટલે કરે છે કે તેમને ભય છે, ખુરશી ગુમાવવાનો. એક પણ નેતા એવો જોયો ક્યારેય કે પોતાનો મત વિસ્તાર ન હોય, સત્તા ન મળવાની હોય, કોઈ મોટો લાભ ન હોય, છતાં આવા ગંભીર મુદ્દાઓમાં દોડીને મદદ કરે. પ્રજાના પ્રશ્નો ઉઠાવે. કોઈ નથી એવું આસપાસમાં. સર્વત્ર અંધેર છે. નિસ્વાર્થ ભાવે મદદ કરનાર એક પણ મોટો માણસ આપણી પાસે નથી. કોકને ખુરશી જવાની બીક છે તો કોકને બિઝનેસ, કોઈકને નોકરીનું ઉચ્ચ પદ ગુમાવવાનો ભય છે તો કોકને પ્રતિષ્ઠા. જ્યાં સુધી આ લોકો પાસે કશુંક ગુમાવવાનો ભય છે ત્યાં સુધી તેઓ પરાણે તો પરાણે નીચેના વર્ગ પર ધ્યાન આપશે.

ગોરખ પાન્ડેયની આ કવિતા આજે પણ એટલી જ સાંપ્રત લાગે છે. બેકારી, ગરીબી, હિંસા, અત્યાચાર જેવા પ્રશ્નો વધી રહ્યા છે, ત્યારે મંદિરની સ્થાપના, ધાર્મિક અંધશ્રદ્ધાને આગળ કરાઈ રહી છે, તે કરૂણતા નહીં તો બીજું શું? તમે સબ સલામતની વાંસળી વગાડો છો, અને શહેર ભડકે બળી રહ્યું છે. રોમ સળગી રહ્યું હતું ત્યારે નીરો ફીડલ વગાડતો હતો. કવિનો પ્રશ્ન ખૂબ આકરો છે. આજે જ્યારે દેશમાં વિવિધ પ્રશ્નો આગનું સ્વરૂપ લઈ રહ્યા છે ત્યારે તમે તટસ્થ છો કે નીરો જેમ પોતાનું વાદ્ય વગાડમાં પડ્યા છો? પારુલ ખખ્ખરે પણ પોતાની કવિતા દ્વારા ધરાદાર પ્રહારો કરેલા, ગંગામાં તણાતા શબ જોઈને તેમની કલમ પોકારી ઉઠેલી,

રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે,
રાજ, અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગે
બળતું જોઈ ફીડલ વગાડે ‘વાહ રે બિલ્લા-રંગા’!
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

પ્રજા ભલે દોજખમાં અટવાયેલી હોય પણ આપણા ખુરશીપ્રિય નેતાઓ પણ પોતાપોતાની અંગત વાંસળીઓ વગાડવામાં લીન છે. હિન્દીના સુપ્રસિદ્ધ કવિ રામધારીસિંહ દીનકર કવિતા દ્વારા ધારદાર પ્રશ્ન પૂછે છે, “દો મેં સે ક્યાં તુમ્હે ચાહિયે, કલમ યા કી તલવાર?” અકબર ઇલાહાબાદીએ પણ લખેલું, ખીંચો ન કમાનો કો ન તલવાર નિકાલો, જબ તોપ મુકાબીલ હો તો અખબાર નિકાલો.” આજકાલ એવા અખબાર પણ ક્યાં છે કે જે સરકાર સામે લાલ આંખ કરી પ્રજાના પ્રશ્નોને વાચા આપે. આપણા ઘર સુધી પાણી નથી આવતું ત્યાં સુધી સું કામ બોલવું? જ્વાળા આપણી ઝૂંપડીને નથી દઝાડતી તો ચૂપ રહો એ જ આપણી નીતિ છે. આવી સ્થિતિમાં નવાઝ દેવબંદી યાદ ન આવે તો જ નવાઈ.

લોગઆઉટ:

जलते घर को देखने वालों फूस का छप्पर आपका है
आपके पीछे तेज़ हवा है आगे मुकद्दर आपका है
उस के क़त्ल पे मैं भी चुप था मेरा नम्बर अब आया
मेरे क़त्ल पे आप भी चुप है अगला नम्बर आपका है
- नवाज़ देवबंदी

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો