(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)
લોગઇન:
આસુંઓનો ભાર લાગ્યો, એટલે લખતો રહું છું,
શબ્દ તરણહાર લાગ્યો, એટલે લખતો રહું છું.
બેવફાઈ, દર્દ, ખાલીપો છતાં પણ લાગણીને,
પ્રેમ મુશળધાર લાગ્યો, એટલે લખતો રહું છું.
આમને આમ જીંદગી હાંફી રહી છે ફેફસાંમાં-
શ્વાસને પડકાર લાગ્યો, એટલે લખતો રહું છું.
ના મળ્યો ઇશનો પુરાવો મંદિરો કે મસ્જિદોમાં,
જીવ એકાકાર લાગ્યો એટલે, લખતો રહું છું.
થઈ ગયો છું આ ક્ષણોની ભીડમાં હું કેદ ત્યારે,
ભીતરે વિસ્તાર લાગ્યો એટલે, લખતો રહું છું
~ પરેશ સોલંકી
કવિ શા માટે કવિતા રચે છે, કથાકાર કેમ વાર્તા-નવલકથા સર્જે છે. સંગીતકાર કેમ ધૂનમાં લીન થઈ જાય છે? ગાયક કેમ આલાપમાં ખોવાઈ જાય છે? શિલ્પી લીન થઈને પથ્થરને કેમ ટોચ્યા કરે છે? અભિનેતા જાતને ભૂલીને અન્ય પાત્રમાં કેમ ગરકાવ થઈ જાય છે? એ બધાના કારણમાં હૃદયમાં પડેલી એક ચિંગારી છે. કશુંક વિશેષ સર્જવાની ઝંખના છે. જગતના બ્લેકબોર્ડ પર પોતાના હસ્તાક્ષર છોડવાની મહેચ્છા છે. અંતરમાં ઉમટતા નાદને સાદ આપીને સંઘરવાનો મનોરથ છે. હરિહર ભટ્ટનું ગીત છે- “એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી” બસ એક ચિનગારી કાફી હોય છે જ્વાળા થવા માટે. તિખારો પૂરતો છે તેજ સુધી પહોંચવા માટે. મનમાં થતા ઉકળાટમાં એક તણખો પડે તો એનું તાપણું કરી શકાય. રમેશ પારેખે પણ લખ્યું છે- “પોતાની કડકડતી ઓકલતા લઈને સૌ ઊભાં છે ટોળાને તાપણે!” ઘણી વાર બહારથી ફાટફાટ થતો માણસ અંદરથી પોલો હોય છે! ઉપરથી નરમ લાગતો જણ અંદરથી ભડભડ સળગતો હોય છે. અને જ્યારે અંદરની આ આગ કલાસર્જનમાં વપરાય ત્યારે તે દૈવી સ્વરૂપ ધારણ કરતી હોય છે. આંસુ ઔષધ બની જતાં હોય છે. વેદના વીણા થઈને રણકી ઊઠતી હોય છે. પણ એ તણખા વારંવાર નથી થતા. એ દર્દનો સમય લાંબો નથી હોતો, એ તો વીજળીના ચમકારા જેવો હોય છે. એ ચમકે એ દરમિયાન કલાનું મોતી પરોવી લેવાનું હોય છે. મરીઝનો શેર કેટલો સાર્થક છે-
કાયમ રહી જો જાય તો પયગંબરી મળે
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે!
કોકવાર છલકતા દર્દને કાયમ સાચવવાનો પ્રયત્ન છે કવિતા. વીજના ચમકારા અને દર્દના લવકારાની બે પાતળી પગદંડીઓ પર શબ્દસર્જનનો રથ યાત્રા કરતો હોય છે. ભીતરમાં ભેજ હશે તો આપોઆપ શબ્દ વાદળ થઈને વરસશે. ચિનુ મોદીનો શેર યાદ આવે છે-
આ ગઝલ લખવાનું કારણ એ જ છે
આંખના ખૂણે હજીયે ભેજ છે!
બસ આ ભેજના તેજને સહારે જીવનના અંધકારમાં કલમનું કોડિયું લઈને નીકળવાનું છે. પરેશ સોલંકી આવા તેજ અને તણખા સાચવીને લખતો કવિ છે. તેમની કવિતામાં અંદરનું ઓજસ તો પ્રગટે જ છે, બાહ્ય જગતની બારીમાંથી પણ તે ડોકિયું કરી લે છે. તેમને ખ્યાલ છે કે જ્યારે આંસુનો ભાર વધે ત્યારે માત્ર શબ્દ તારણહાર થાય છે. તેમની સંવેદના કલમના છાંયડે બેસે છે. જીવન તો કાળઝાળ તાપનું બીજું નામ છે. એ તપે ત્યારે શબ્દના છાંયડે બેસવું, એ તમને ઠંડુંગાર થઈને ઠૂંઠવી નાખે ત્યારે કવિતાનું તાપણું કરવું, આંસુઓ ચોમાસું બનીને ખાબકે અને છાતીમાં પૂર આવે ત્યારે એકાદ બે ગમતી પંક્તિનું પાટિયું ગોતી લેવું, એના સહારે તરીને કાંઠે પહોંચી શકાશે. જિંદગી એક કાંઠાથી બીજા કાંઠા સુધીનો પ્રવાસ નથી તો બીજું શું છે. બંને વચે વહેતી ક્ષણોમાં જ બધું છે. બે કાંઠોની વચ્ચે તમામ સંબંધોનું સરવૈયું આવી જાય, નફાનુકસાનનો હિસાબ આવી જાય, મેળવ્યા ગુમાવ્યાની ગણતરી આવી જાય. બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થાની ત્રિકોણ પણ એમાં જ સમાઈ જાય. શ્રદ્ધા-અંધશ્રદ્ધા, જાત અને જગત બધું જ તેમાં જ ધરબાયેલું રહે. આયખાનું વહાણ આ બે કાંઠાની વચ્ચે નિરંતર સ્વનો ભાર ઊંચકીને પ્રવાસ કર્યા કરે. આ બે કાંઠાની વચ્ચે જ પીડા અને આનંદનું નીર ખળખળ વહ્યા કરે છે, રુદન કે સ્મિત મોજાં બનીને ઊછળ્યાં કરે છે, ઉકેલ કે દ્વિધ્ધાની ડૂબકીઓ લાગતી રહે છે. પરેશ સોલંકીની જ એક ગઝલથી લોગઆઉટ કરીએ.
લોગઆઉટ:
સત્વનું આ પતન દ્વિધામાં છે,
આજ આખ્ખું કવન દ્વિધામાં છે.
મનઝરૂખે ને જાત પિંજરમાં,
એક યોગી ગહન દ્વિધામાં છે.
બંદગી કે હતી એ યાચિકા?
મંદિરોનું નમન દ્વિધામાં છે.
પ્રેમનો અર્થ તો સમર્પણ છે,
વ્હાલ કરતું સજન દ્વિધામાં છે.
લાગણી શુષ્ક ને ધરા બંઝર-
બીજનું સંવનન દ્વિધામાં છે.
મુકત થઈ જા ‘પરેશ’ વળગણથી,
શ્વાસ નામે પવન દ્વિધામાં છે.
– ડો.પરેશ સોલંકી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો