લોગઇન:
ફરી ચાલ, નખને અણી કાઢીએ;
ફરી સ્પર્શ તાજા ખણી કાઢીએ !
શરત આવવાની હો તારી અગર;
બધાં પાન વનનાં ગણી કાઢીએ!
બધી કોર તારી પ્રતીક્ષા કરી;
હવે દોટ કોના ભણી કાઢીએ?
તને કેવી રીતે ભૂલી જાઈએં?
કઈ પેર પગની કણી કાઢીએ?
ઈ તો આપમેળે ઊગે-પાંગરે;
ઈને ચ્યમ કરી ઝટ ચણી કાઢીએ?
– બાપુભાઈ ગઢવી
બાપુભાઈ ગુજરાતી ગઝલમાં થોડું હાંસિયામાં ધકેલાઈ ગયેલું નામ છે. પણ તેમણે જે લખ્યું, નક્કર લખ્યું. તેમની કવિતાનું પુષ્પ હૃદયની ક્યારીમાં ફૂલીફાલી હૃદય અને મનને તો રાજી કરે જ છે, આત્માનું ઓજસ પણ વધારે છે. તેમની એક ગઝલનો મત્લા ખૂબ લોકપ્રિય છે.
તમને સમય નથી અને મારો સમય નથી,
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.
મનહર ઉધાસના સ્વરમાં આ ગઝલ ઠેરઠેર ગુંજતી થયેલી અને ખાસ્સી લોકપ્રિય પણ બનેલી. બે પ્રેમીઓ વચ્ચે સર્જાતી પરિસ્થિતિની વિસંવાદિતામાં કયા પ્રેમીને આ શેર ન લાગુ પડે? ઘણા સંજોગોમાં તો આ શેર શિલાલેખ જેવો સાબિત થાય. બાપુભાઈએ આવા અને ઉમદા અને યાદગાર શેર આપ્યા છે.
તેમની ઉપરોક્ત ગઝલના દરેક શેરમાં પ્રતીક્ષા પડધાય છે. ફરી નખની અણીથી સ્પર્શને ખણી કાઢવાથી લઈને…. ચણી કાઢવા સુધી પ્રતીક્ષાનો પીંડ વધારે ઘાટો થતો જાય છે.
પ્રતીક્ષાનું પંખી દરેક વ્યક્તિની જિંદગીના ઝાડ પર માળો બાંધતું હોય છે. કોઈકની ડાળી પર તેનો સમય લાંબો હોય તો કોકનો સાવ ટૂંકો. કોકને તો આયખાભર આ જ ડાળી પર બેસીને બુલબુલ જેમ ગાયા કરવું પડે છે ગીત. ઊજવ્યા કરવુંં પડે છે પોતાનું શબરીપણું. એ પછી પણ પોતાના મનના માનેલ રામ આવે તો ઠીક, નહીંતર એ ગીતને લંબાવ્યા કરવું પડે છે છેલ્લા શ્વાસ સુધી. બધા શબરી કે અહલ્યા જેવા ભાગ્યશાળી ઓછા હોય કે જેની રાહ જોતા હોઈએ તે આવે ! વહાલપૂર્વક બોરની જેમ પોતાની જિંદગીને ચાખે ! અને સ્પર્શથી પથ્થર જેવું થઈ ગયેલું અહલ્યાપણું દૂર કરે ! ઘણાનું જીવન રામમિલન વિનાના શબરીપણા જેવુંં હોય છે. પ્રભુસ્પર્શ વિનાના અહલ્યા જેવું હોય છે. તેમને ક્યારેય નથી સાંપડતી ગમતી વ્યક્તિના મિલનની મહેક. આવાં વ્યક્તિનું જીવન કદી નહીં વંચાયેલ કે કદી નહીં લખાયેલ પ્રતીક્ષાની પોથી જેવું હોય છે, જે ક્યાંક ખૂણેખાંચરે પડી રહે છે, ઊધઈ લાગી જાય ત્યાં સુધી. શબરી અને અહલ્યા તો ભાગ્યશાળી કે તેમને રામ મળ્યા અને તેમની કથા આલેખાઈ રામાયણ જેવા મહાકાવ્યમાં - વાલ્મીકિ જેવા મહાકવિ દ્વારા. કેટકેટલી અધૂરી કથાઓ પ્રતીક્ષામય પડી છે આપણી આપસપાસ આલેખાયા વિના !
ઘણા સંજોગોમાં તો પ્રતીક્ષા એટલી વસમી હોય છે કે કોઈને ખબર પણ નથી પડવા દેવાની હોતી કે આપણે પ્રતીક્ષામાં છીએ. ભીતરની આગને એક રાગ તરીકે આલાપવી પડે છે. ભભકતી જ્વાળાને પુષ્પો તરીકે વ્યક્ત કરવા પડે છે. અને એની મહેકની ચર્ચાઓ કરવી પડે છે ઠાલી ઠાલી. વ્યથામાં બાઝી જતાં ઝળઝળિયાંને હરખનાં આંસુ તરીકે ઉઘાડા પાડવા પડે છે. પ્રતીક્ષાને પીંડને ચોક્કસ ઘાટ આપી શકીએ તો શબરી, નહીંતર આજીવન બેસબ્રી! મોટાભાગના માણસોની જીવન શબરી અને બેસબરી નામના બે પાટા પરથી પસાર થતી ટ્રેન જેવું હોય છે.
બાપુભાઈએ આ ગઝલમાં પ્રતીક્ષાને બરોબર ઘૂંટી છે. ભક્તિમાં લીન ભક્ત શ્રદ્ધામાં ડૂબીને મંદિરનાં પગથિયાં ચડે તેમ આ ગઝલમાં કવિ પ્રતીક્ષારૂપી મંદિરનાં પગથિયાં ચડી રહ્યાં છે. પ્રતીક્ષાના પગથિયાં ચડવામાં તેમને જરાકે દુઃખ નથી. કવિ તો એટલું જ ઇચ્છે છે કે આ બધાં પગથિયાં ચડ્યાં પછીયે જેની ઝંખનાં છે તેનાં દર્શન થવા જોઈએ. રાહ જોવામાં કશો વાંધો છે જ નહીં, આવવાની શરત હોય તો તો આખા જંગલનાં એકેએક પાનને ગણી કાઢવાની તૈયારી છે. એકએક દિશામાં નેજવું કરીને નજર નાખવાની તત્પરતા છે. પણ બધી દિશાના દરવાજા પર સજ્જડબંબ તાળાં લાગી જાય ત્યારે કઈ બાજુ નજર નાખવી?
અગન રાજ્યગુરુએ પણ પ્રતીક્ષાને પોતાની ગઝલમાં સરસ રીતે ઘૂંટી છે.
લોગઆઉટ:
કોને ખબર છે ક્યારે તારી જુદાઈ જાશે,
લાગે છે વૃક્ષનાં સૌ પર્ણો ગણાઈ જાશે.
એની નજર પડે આ સંયમ ઉપર તો સારું,
ઝાઝું હસાવશે તો શાયદ રડાઈ જાશે.
છે ભાગ્ય પર ભરોસો કે ચાલવા જશું તો,
રસ્તા વચાળે ઊંચી ભીંતો ચણાઈ જશે.
તો પણ મને છે આશા કાગળની નાવ પાસે,
જાણું છું મેઘ વધતાં હમણાં તણાઈ જશે.
તારા વિરહની પીડા એવી હદે વધી છે,
કે બોલવા જશું તો ગઝલો ગવાઈ જાશે.
મારા જીવન વિશે કૈં પૂછો નહીં તો સારું,
બાકી ‘અગન’ તમારી આંખો ભરાઈ જાશે.
– ‘અગન’ રાજ્યગુરુ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો