કાઢું તમસ ભીતરના પ્રકટાવું એક હોળી

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

બાળું અનિષ્ટ જગના પ્રકટાવું એક હોળી
કાઢું તમસ ભીતરના પ્રકટાવું એક હોળી

આસુરી વૃત્તિ ડામું, ભય, ક્રોધને મિટાવું
સંતાપ ખાળું મનના, પ્રકટાવું એક હોળી

~ અજ્ઞાત

હોળીમાં આગ છે, ધૂળેટીમાં રંગ. હોળીમાં ભભકતી જ્વાળાની જલન છે, ધૂળેટીમાં રંગપીચકારીઓની છાલક. એકમાં પ્રેમ, ઉમંગ અને મસ્તીભર્યો માહોલ છે, જ્યારે બીજામાં અગનજાળ સામે અડગ રહેતી ભક્તિની શક્તિ. જિંદગી આવા બે છેડા એક સાથે લઈને ચાલે છે. જ્યારે તમે જીવનના મહત્ત્વના આનંદમાં લીન હોવ ત્યારે જ કોઈ છાના ખૂણે ચુપચાપ એક તણખો પડતો હોય છે, જે સમય જતાં હોળીનું રૂપ ધારણ કરે છે. તેમાંથી ઊગરી ગયા તો પ્રહલાદ્ ને બળી ગયા હોલિકા!

આપણે આપણી પુરાણકથાને આદર આપીને તેનો તહેવાર ઊજવીએ છીએ. એ આપણી સંસ્કૃતિ છે, તહેવારરૂપે આપણે તેનું સન્માન કરીએ છીએ. પણ જીવનમાં ડગલે ને પગલે હોળી અને ધૂળેટી તો ઊજવાતી જ રહે છે. નાનાં નાનાં સુખનાં કેટકેટલા રંગો છે જીવનમાં અને જોઈએ તો પીડાનો પણ પાર નથી. ઘણા અવસરોમાં તો હોળીની આગ સળગે છે કે ધૂળેટીનું રંગીન મેઘધનુષ રચાઈ રહ્યું છે તે કળવું અઘરું પડી જાય છે. ભેદરેખા નથી દોરી શકાતી.આનંદ અને શોક એક જ પ્રકારના કપડાં પહેરીને આવી જાય છે. જાણે ફિલ્મમાં આવતા બે ડુપ્લીકેટ પાત્રો. કયું પાત્ર કોણ છે સમજાય જ નહીં.

દીકરીની વિદાયના પ્રસંગ કેવો સુંદર છે, છતાં કરૂણ પણ ખરો. નવસંસાર ઉત્સવ છે, તો સાથે એક પરિવારથી અળગા થવાનો રંજ પણ છે. એક બાજુ કાળજાનો કટકો, જે વીસ પચીસ સુધી ઘરમાં રહ્યો. ઘરના ખૂણેખૂણાને કિલકારીઓથી ગૂંજતો કર્યો, એને હંમેશ માટે - પારકી થાપણ ગણીને બીજાને સોંપી દેવાની, અને એ પણ હસતા હસતા. અહીં સ્મિતના રંગો તો છે જ, આનંદનો અબીલગુલાલ તો ઉડે જ છે, પણ હૃદયમાં એક પ્રકારની જ્વાળા પ્રકટી રહી છે, કાયમી વિદાયની વસમી આગ લાગેલી છે ભીતર. દીકરી વિદાયના પ્રત્યેક પ્રસંગે માબાપના મનમાં હોળી અને ધૂળેટી ઉજવાઈ જાય છે અને આ ઘટનાની જાણ માત્ર તે બેને જ હોય છે.

અનેક પ્રસંગો જીવનમાં સુખ અને દુઃખ એક સાથે લાવે છે. તહેવારો આપણને એ જ તો શીખવે છે! આનંદ અને શોકની વચ્ચેથી નીકળતી એક પાતળી રેખા જ કદાચ ભાગ્યરેખા છે. દરેક વ્યક્તિમાં બે વ્યક્તિ જીવે છે, એક છે હિરણ્યકશ્યપ, બીજો પ્રહલાદ. સંજોગ પ્રમાણે બંને ગુણો વ્યક્તિત્વમાં ડોકિયા કર્યા કરે છે. ઘણાને ખરાબ નથી થવું હોતું, પણ સંજોગોની આંટીઘૂંટીમાં એવા અટવાય છે, ગોથે ચડે છે કે પરાણે પથ્થર થવું પડે છે. બાકી ફૂલ જેવા નરમ, રંગીન, સુગંધિત અને બધાનું સન્માન પામવાની ઝંખના કોને ન હોય? અને સામે પક્ષે અમુક ધરાર પથ્થર થતા હોય છે. વાતાવરણ અનુકૂળ હોય, જમીન ફળદ્રુપ હોય, હવા માપસર હોય, ખાતરપાણી સમયસર મળી રહેતા હોય છતાં ફાલવું જ ન હોય તેનું શું કરી શકાય? જેમને ધરાર હિરણ્યકશ્યપ થવું છે, અનીતિનો માર્ગ જ અપનાવવો છે, અંધારને જ પોતાની ઓળખ બનાવવી છે, ખરબચડા થઈને બીજાને વાગવું છે, તેનો ઇલાજ તો ભગવાન પણ ન કરી શકે. વિવેકાનંદે કહેલું, ભગવાન તેને જ મદદ કરે છે, જે પોતાને મદદ કરે. આવાં વ્યક્તિત્વની સાથે રહીએ ત્યારે જ આપણા પ્રહલાદપણાની ખરી પરીક્ષા થતી હોય છે.

લોગઇનમાં આપેલી કવિતાના કવિ કોણ છે, ખબર નથી, પણ તેમણે જીવનના અનિષ્ટ આગને હવાલે કરીને તેમાંથી અજવાળું મેળવવાનો માર્ગ અપનાવવાની વાત સરસ રીતે કરી છે. દરેક વ્યક્તિની જવાબદારી છે, પોતાનાં અનિષ્ટને નષ્ટ કરવાની. પોતે જ પોતાની હોળી થઈને બળીશું તો આપોઆપ ધૂળેટીના રંગીન મેઘધનુમાં મહાલી શકીશું. ઘણી વાર આગ જરૂરી હોય છે, શેકાઈને પાકા થવા માટે. કુંભારે ઘડેલું માટલું જો આગની ભઠ્ઠીમાં ન તપે તો તેમાં પાણી ક્યાંથી ભરી શકાય? જીવન તપશે નહીં તો અમૃતજળ ક્યાંથી પામી શકાશે? જ્યારે તમે દુઃખની ભઠ્ઠીને ધીક્કારો છો ત્યારે સમજી લેવું કે તમે પાકા થવા નથી માગતા. પીડા ઘડતર છે જિંદગીનું. પીડા વિના પૂર્ણતા નથી. તમામ ધર્મગ્રંથો, નીતિ-અનીતિના પાઠ કે પ્રેરણાત્મક વાર્તાઓ શું શીખવે છે? આ જ ને! જીવનમાંથી અંધાર દૂર થાય અને અજવાળું પ્રવર્તે. દુઃખ ભાગે, સુખ આવે. ન્હાનાલાલે કહ્યું છે તેમ દરેક અંતરાત્માની એક જ પ્રાર્થના હોય છે.

લોગઆઉટ:

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા
- ન્હાનાલાલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો