સરકારી હોર્ડિંગનો છાંયડો

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

આજ સુધી એને
એક પણ સરકારી યોજનાનો
લાભ મળ્યો ન હતો . .

જિંદગીથી હતાશ,
પરસેવે રેબઝેબ એવો એ
એક દિવસ છાંયડો શોધી
ફૂટપાથ પર બેઠો . .

એટલી ટાઢક વળી કે
છાંયડો શેનો છે એ જાણવા
કુતૂહલવશ એણે નજર ફેરવી . .

અંતે એને
એક સરકારી યોજનાનો લાભ
મળી જ ગયો . .

એ છાંયડો હતો
સરકારી યોજનાના
એક મસમોટા હોર્ડિંગ બોર્ડનો !

- નિનાદ અધ્યારુ

ભારતમાં દર પાંચ વર્ષે પંચવર્ષીય યોજના લાગુ કરવામાં આવે છે. પહેલી પંચવર્ષીય યોજના 1951થી 1956 સુધી કરવામાં આવેલી, જેનો ખર્ચ 2,069 કરોડ રૂપિયા હતો. એ પછી દર પાંચ વર્ષે આ યોજના નવી રણનીતિ સાથે લાગુ કરવામાં આવી, જેમાં ગરીબી અને મોંઘવારી ઘટાડવી, શિક્ષણ અને આરોગ્યની સવલતો વધારવી. સામાન્ય માણસને ઉપર લાવવો. સામાજિક ભેદભાવો દૂર કરવા, આર્થિક ક્ષેત્રે પ્રગતિ સાધવી. ગરીબોના કલ્યાણ અને સહાય માટેનાં પગલાં લેવાં… જેવાં અને પ્લાન ઘડવામાં આવ્યા. 1951થી લઈને અત્યાર સુધીમાં બારેક પંચવર્ષીય યોજનાઓ લાગુ કરવામાં આવી અને તેમાં અબજો રૂપિયા ખર્ચાયા, પણ શું દેશમાંથી ગરીબી નાબૂદ થઈ? શિક્ષણનું સ્તર સુધર્યું, બીમારીઓ ઓછી થઈ? સ્વાસ્થ્યનુંં સ્તર ઊંચું આવ્યુંં? મોંઘવારી ઓછી થઈ? ભૂખમરો નાબૂદ થયો? છેવાડાનો માણસ બે પાંદડે થયો? ખેડૂતો ઊંચા આવ્યા? તેમને તો આજે પણ - આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ પોતાના હક માટે રેલીઓ કરવી પડે છે. જાતિભેદ સરકારી ચોપડે તો ખતમ થઈ ગયો, પણ આજેય એક દલિતનો વરઘોડો નીકળી શકતો નથી. અદમ ગૌંડવીનો શેર યાદ આવે છે.

તુમ્હારી ફાઈલો મેં ગાંવ કા મૌસમ ગુલાબી હૈ,
મગર યે આંકડે જૂઠે હૈ, યે દાવા નબાવી હૈ.

સરકારી ચોપડા તો સરકારના ગુણગાનથી ભરેલાં છે. એમાં ગુણ કોના અને ગાન કોના એ કહેવાનની જરૂર નથી. જેવું બજેટ મંજૂર થાય કે અધિકારીઓના ઓળખીતા પાળખીતાના ટેન્ડરો આપોઆપ મુકાઈ જાય, પાસ થઈ જાય અને તેમના બેન્ક એકાઉન્ટમાં રૂપિયાની રેલમછેલ થઈ જાય. જેના નામે યોજના લાગુ કરાઈ હોય એ તો બાપડો જાણતો પણ ન હોય કે આપણી પાછળ કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. એ તો પડ્યો હોય છે ક્યાંંક ખેતરના શેઢે કે ફૂટપાથ પર. ગરીબ તો કહેવાતા ધનલોલુપો માટેનો રસ્તો છે. તેમના નામે પોતાના તરભાણા ભરવાનો. આટઆટલી પંચવર્ષીય યોજનાઓ પછી પણ ગરીબી, બીમારી અને ભૂખમરામાં રતિભાર પણ ફર્ક ન પડતો હોય તેનો અર્થ શું છે? ગરીબો આજે પણ ફુટપાથ પર પોતાની રાત કાઢે છે. ઝૂંપડપટ્ટીઓ આજે પણ એટલી ને એટલી જ છે. સવાલ એ છે કે તો પછી આ અબજો રૂપિયાનું થાય છે શું? દર પાંચ વર્ષે બજેટમાં મૂકાતા હજારો કરોડના આંકડાવાળી રકમ ખર્ચાય છે ક્યાં? ગરીબરથ નીકળીને કોના બંગલા સુધી જાય છે?

નિનાદ અધ્યારુએ ખોખલી સરકારી યોજનાઓ પર લપડાક મારી છે. ગરીબરથ નીકળે છે, પણ તેમાં બેઠા હોય છે ધનવાનો. ઘરનું ઘરની જાહેરાતો થાય છે, પણ તે ઘરના બજેટમાંથી બને છે મળતિયાઓના બંગલા, ભૂખમરો નાબૂદી માટે ખર્ચાતા કરોડો રૂપિા જાય છે ધરાયેલાની થાળીમાં, ખેતી અને ખેડૂતો માટે ઢગલાબંધ રૂપિયા બજેટમાં મૂકાય છે, પણ તે જાય છે, શેઠિયાઓના ખિસ્સામાં. ગામડાગામનો ખેડૂત તો બિચારો એ યોજનાઓથી અજાણ પોતાની ખેતીમાં મસ્ત હોય છે. સરકારને એવો રસ પણ નથી કે તે ખરેખર જાણે અને તેનો લાભ લે. તેમને રસ છે પોતાની સરકાર ટકાવવામાં. કોઈ પણ ભોગે અને કોઈ પણ શરતે.

સમાજની આ જ વીડંબના છે. કવિ આવી વિડંબના જુએ છે ત્યારે તેનું હૃદય કકળી ઊઠે છે. તેના કકળતા હૈયામાંથી સત્યના મોતી સરી પડે છે અને તેમાંથી રચાય છે કવિતા. સમાજમાં પ્રવર્તતી અનીતિ એક કવિને અંદરથી ડિસ્ટર્બ કરી નાખે છે. તે પોતે તેની સામે ક્રાંતિકારી તો નથી થઈ શકતો, પણ કવિતારૂપી હથિયાર ઉગામી ક્રાંતિ માટેનો માર્ગ ચોક્કસ ઉઘાડો કરે છે. માનવજીવનમાં ચાલી રહેલી આવી બદીઓ સામે બત્તી કરી લોકોનું ધ્યાન ખેંચવું એ પણ એક મુહીમ છે. ઘણા લોકો આવા અન્યાય પર પછેડી ઢાંકવામાં જ સમય કાઢતા હોય છે, જ્યારે શબ્દસેવી સાચો કવિ તો તેવી પછેડીઓને ફાડતો હોય છે અને આવાં વિકૃત સત્યને સમાજ સામે લાવીને મૂકી દેતો હોય છે. પછી સમાજે નક્કી કરવાનું કે આ અન્યાય સામે આંખ મીંચામણા કરવા કે તેનો ઉકેલ લાવવો.

લોગઆઉટ:

'ઘરનું ઘર' એ યોજનાના બેનરોને,
કંઈક લોકો છત તરીકે વાપરે છે.

- કુણાલ શાહ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો