અભાવની આંગળી પકડી ચાલતું મન

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:


ચારે કાંઠે સ૨વ૨ છલકે નભ વ૨સાવે ફોરાં,

ગાતી નદીઓ, નાચે દરિયો, સૌ બોલાવે ઓરા-

ને તોય જીવણજી કોરા.


વાદળ કહે, લે પહે૨ મને, ને ઝાકળ કહે કે પી,

ઝરણું કહેતું ધરી આંગળી, રમવા ચાલોજી

ઘર પણ બોલે, નેહે નેવાં નીતરે જો ને મોરાં-

ને તોય જીવણજી કોરા.


વાત એમ છે, આંસુ દીઠું એક દિવસ કો’ આંખે,

બસ, તે દિ’થી ભીંજાવાનું આઘું આઘું રાખે-

પાણી મૂક્યું જીવણજીએ, ધખધખ ભલે બપોરા-

આ જીવણજી રહે કોરા.


– નંદિતા મુનિ


અભાવ માણસનો સ્થાયી ભાવ છે. ઇચ્છે તે બધું મળી ગયા પછી પણ કંઈક નથી મળ્યાનો વસવસો સતત પાંગરતો રહે છે. ઘણી વાર તો જોઈએ છે શું એની જ ખબર નથી હોતી. કશેક પહોંચવાની મહેચ્છા દોડતા રાખે છે, મંજિલનો મોહ થોભવા નથી દેતો, ‘એ દિલ હૈ મુશ્કિલ‘ ફિલ્મના ટાઇટલ ગીતમાં એક પંક્તિ છે, ‘સફર ખૂબસૂરત હૈ મંજિલ સે ભી‘ પણ સફરની સુગંધ માણવાને બદલે આપણે મંજિલે પહોંચવાની માથાકૂટમાં જ રહીએ છીએ. રસ્તામાં આવતા વીસામા વિસરાઈ જાય છે. માર્ગની મજા માણવાને બદલે તેને સજા તરીકે જોઈએ છીએ. આમાં ને આમાં આનંદ લેવાનું ચૂકી જવાય છે. અને પહોંચ્યા પછી તો ઊલટાનો મોટો ખાલીપો મોં ફાડીને ઊભો હોય છે, મંજિલે તો પહોંચી ગયા, હવે શું? મનોજ ખંડેરિયાનો શેર છે

જ્યાં પહોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં

મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને.


આપણી આસપાસ અનેક નાનાં નાનાં સુખનાં સરોવરો છલકાયા કરતાં હોય છે, પણ આપણે તેમાં ડૂબકી લગાવવાને બદલે મહાસાગરનું મોતી પામવાની લાલસા રાખીએ છીએ, આના લીધે દુ:ખના દરિયામાં ડૂબકાં ખાવાના દિવસો આવે છે. સુખરૂપી સોનાનાં ઈંડા આપતી એક અદ્રશ્ય મરઘી બધાની પાસે છે, કરૂણતા એ છે કે આપણને એ બધાં જ ઈંડાં એક સાથે જોઈએ છે. વાદળ તમને ભીંજાવા તત્પર છે, નદીઓ તમને ઈજન આપે છે તેના ખળખળતા ઝરણાના જોમને માણવાનું, દરિયાનો ઘૂઘવાટ પણ જો સરવા કાને સાંભળો તો ગીત બની રહે છે. આ બધા જ સાદ પાડીને બોલાવે છે, પણ આપણા કાનને એ ક્યાંથી સંભળાય? નંદિતા મુનિએ ‘તોય જીવણજી કોરા‘ કહીને ઘણું બધું કહી દીધું છે. આપણે કોરા રહેવાની કળામાં માહેર છીએ. ભલે બારે મેઘ ખાંગા થાય, નદીઓ નેહ વરસાવે, પંખીઓ છેડે કલરવનાં ગીત, વૃક્ષો હરિયાળીની ચાદર પાથરે, પણ આપણે તો એક લાંબા અભાવની ચાદર પોઢીને સૂતેલા છીએ. મજાલ છે કોઈની કે આપણને રાજી કરી શકે?


આપણાથી અભાવની આંગળી છૂટતી નથી. સતત એક વસવસાની વાડ આપણે ચોતરફ બનાવતા જ રહીએ છીએ. સ્વની શોધ કે પરમની શોધ કરવાની ઝંખના આવા અભાવના ગર્ભમાં જ પાંગરતી હોય છે. એમનેમ તો સિદ્ધાર્થ નામે રાજકુમાર મહેલ, મહેલાતો ત્યાગીને ભગવાન બુદ્ધ નહીં થયા હોય ને? એમનેમ વર્ધમાન બધું ત્યાગી મહાવીર સ્વામી નહીં બન્યા હોય ને? કશોક ખાલીપો અંદરથી ખોતરવા માંડે ત્યારે સુખસંપત્તિનાં તમામ સરનામાં સ્મશાનવત લાગે છે. 


કવિએ અહીં પોતાના અભાવનું કારણ આપ્યું છે. કમ સે કમ એટલું તો સદભાગ્ય કે તેમની પાસે અભાવનું કારણ છે. ઘણીવાર અકારણ અભાવના એરુ આભડતા હોય છે. એનું ઝેર આખી જિંદગી વેઠવું પડે છે આપણે અને આપણી આસપાસના બધાએ. અહીં કવિ પાસે કારણ છે. વરસાદ, ફોરા, નદી, સરોવર કે દરિયામાં ભીંજાવાનું સુખ તે એટલા માટે નથી માણી શકતા કેમ કે કોકના આંસુમાં તે પલળી ગયા છે. પલળવું અને ભીંજવું બે નજીકની ઘટના હોવા છતાં બંનેમાં જમીન આસમાનનું અંતર છે. કવિએ કોકની આંખે આંસુ જોયાં, એ આંસુનું કારણ કવિ પોતે છે એટલે પોતે પાણી મૂક્યું છે ભીંજાવા પર કે કોઈના વિવશ આંસુને પોતે લૂછી શકવા સક્ષમ નથી એટલે? કવિ તેની સ્પષ્ટતા નથી કરતા, પણ એની જરૂર પણ નથી. 


પ્રિય પાત્રના ગયા પછી ઊભા થતા અભાવને મનોજ ખંડેરિયાએ સુંદર રીતે કંડાર્યો છે.


લોગઆઉટ:


મારો અભાવ મોરની માફક ટહુકશે

ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.

~ મનોજ ખંડેરિયા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો