લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્રરેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.
શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.
ચાલ, સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ,
કે, હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.
આરજૂના કાટખૂણે જિંદગી તૂટી પડે –
ને પછી એ મોતનાં બિંદુ સુધી લંબાય છે.
બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.
– નયન દેસાઈ
ગુજરાતી સાહિત્યને સુરત ફળ્યું છે. નર્મદથી લઈને નયન દેસાઈ સુધીના સર્જકો કવિતાના કામણથી સાહિત્યને રળિયાત કરતા રહ્યા છે. ભગવતીકુમાર શર્માની વાત કરીએ કે અમર પાલનપુરીની, મુકુલ ચોક્સી કે રઈશ મનીઆર, કિરણસિંહ ચૌહાણ કે ગૌરાંગ ઠાકર, વિવેક ટેલર કે સંદિપ પૂજારા... કેટકટલા નોંધનીય સર્જકો આપ્યા આ શહેરે. ગુજરાતી ભાષાનો પહેલો મુશાયરો પણ સુરતમાં જ થયેલો. મરીઝને તો કઈ રીતે ભૂલી શકાય? સુરત એ સાહિત્યની શાન છે. આપણે આ શાનદાર શહેરના જાનદાર કવિ નયન દેસાઈને થોડા દિવસો પહેલા ગુમાવ્યા.
નયન દેસાઈ એટલે સુરતનું પાણીદાર નયન! આ ‘નયનનાં મોતી‘ની ચમક ગુજરાતી ભાષા રહેશે ત્યાં સુધી રહેવાની છે તેમાં કોઈ બેમત નથી. તેમનો કવિતાપટ વિશાળ છે. અણીદાર આક્રંદથી લઈને રસીલા રમૂજ સુધી તેમનો પટ પથરાયેલો છે. ક્યારેક તે મુશળધાર વરસાદ જેવા થઈ જાય છે તો ક્યારેક સ્થિર સરોવર! ક્યારેક કટાક્ષ થકી ખંધું હાસ્ય લાવી દે ચહેરા પર તો ‘મંજૂકાવ્યો‘ દ્વારા ખડખડાક હસાવે પણ ખરા. એમની શબ્દપસંદગી અને છંદની પ્રવાહિતા એવી હોય કે આપોઆપ ખેંચાઈ જઈએ.
"માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…"
આ તો એમની સિગ્નેચર ગઝલ છે; એમની ઓળખ છે.
ઘણી વાર તો એક ચિત્રકાર ચિત્રને વિશેષ અર્થ આપવાને બદલે રંગના લસરકા મારીને તેને વધારે મોહક બનાવવા પ્રયત્ન કરે છે. તેમ નયન દેસાઈ પણ શબ્દની પીંછી વડે અર્થના લસરકા મારે છે.
"આ વ્યક્તિ, આ ટોળું, આ શબ્દો, ધુમાડો;
આ આંખો, આ દૃશ્યો ને ઊંડી કરાડો."
આખી ગઝલ વાંચતાં જુદાં જુદાં દ્રશ્યોના લસરકા આંખ સામે છતાં થઈ જાય છે. લોગઇનમાં આપેલી ગઝલ પ્રયોગશીલતાનું સુંદર ઉદાહરણ છે. મજાની વાત એ છે આ કવિ પ્રયોગશીલ છે, પ્રયોગખોર નથી. ઘણીવાર પ્રયોગખોરીની લાહ્યમાં કવિતાનું ગળું ટૂંપાતું હોય છે. આ કવિએ કવિતાના ભોગે પ્રયોગો કર્યા હોય તેવું ધ્યાનમાં નથી આવ્યું. કંપાસના પરિકરને ધ્યાનમાં રાખીને લખાયેલી આ ગઝલ અર્થગર્ભિત છે. સ્કૂલના અભ્યાસમાં વપરાતા પરિકરનું પ્રતીક જીવનનું વર્તુળ દોરવામાં કામે લગાડે છે કવિ. લંબચોરસ ઓરડામાં ઘૂંટાતો સમય, શક્યતાનું વર્તુળ, સંબંધોના કોણમાપક દ્વારા હૃદયને છેદવાની વાત, આરઝૂનો કાટખૂણો કે શૂન્યતાની સાંકળો. દરેક જગ્યાએ કવિ અર્થનો અંગુલિનિર્દેશ કરે છે. જેમ અંધારામાં કંઈ દેખાતું ન હોય અને કોઈ વ્યક્તિ બેટરી વડે પ્રકાશનો ઝાંખો ફુવારો છોડે તેમ કવિ અહીં પ્રતીકની બેટરી વડે કલ્પનોના ફુવારા છોડે છે. આમ પણ શબ્દોમાં કહ્યા બાદ જે રહી જતું હોય છે એ જ કવિતા છે. એ કાગળ પર નહીં વાંચનારને હૃદયમાં અનુભવાતું હોય છે.
તમે સ્કૂલમાં પ્રમેય તો ભણી ગયા હશો. પૂર્વધારણા, ઉદાહરણ, પક્ષ, સાધ્ય અને સાબિતી…. આવું કંઈક આવતું હતું એ યાદ છેને? આ કવિએ તેનો ઉપયોગ ગઝલમાં બખૂબી કર્યો છે, આ રહી એ ગઝલ:
લોગઆઉટ:
– નયન દેસાઈ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો