લોગઇન:
जो पुल बनाएँगे
वे अनिवार्यत:
पीछे रह जाएँगे।
सेनाएँ हो जाएँगी पार
मारे जाएँगे रावण
जयी होंगे राम,
जो निर्माता रहे
इतिहास में
बंदर कहलाएँगे।
~ अज्ञेय
અજ્ઞેયનું પૂરું નામ સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન. આધુનિક હિન્દી કવિતાના પ્રમુખ કવિ. ૧૯૧૧માં જન્મેલા આ કવિ ક્રાંતિકારી વિચારો ધરાવતા. એ માત્ર કાગળ પર નહીં, રીયલ લાઈફમાં પણ બોમ્બ ફોડી જાણતા. ભારતની આઝાદીમાં સક્રિયપણે ભાગ લેવા યુવાનીમાં બોમ્બ બનાવતા પકડાયેલા. પણ ત્યાંથી તે આબાદ ફરાર થયેલા. યુદ્ધ, ક્રાંતિ, હિંસાથી બહુ સારી રીતે પરિચિત. તેમની કવિતા વાસ્તવિકતાની વેલી પર પાંગરેલાં ફૂલ જેવી છે. નક્કર હકીકત સોય ઝાટકીને કહેવામાં તેમને જરા પણ સંકોચ નથી.
પ્રસ્તુત કવિતા તેમના કવિત્વને બખૂબી રજૂ કરે છે. રશિયા યુક્રેન યુદ્ધ આટલા લાંબા સમય બાદ પણ પત્યું નથી, ત્યાં ઇઝરાયેલ-પેલેસ્ટાઇનની લોહિયાળ જંગ શરૂ થઈ ગઈ છે. ભારત-કેનેડાના વણસેલા સંબંધો પણ એક પ્રકારના અંગારા જેમ તમતમી રહ્યા છે. વિશ્વ જાણેઅજાણે યુદ્ધના ઓછાયા નીચે દબાઈ રહ્યું છે. સંવાદના સૂર બંધ કરીને વિવાદના રણશિંગાં ફૂંકાઈ રહ્યા છે. ક્યાંક સરહદનો વિવાદ છે તો ક્યાંક વેપારનો. ક્યાંક મહાસત્તા બનવાની મહેચ્છા છે તો ક્યાંક પોતાનો ડંકો વગાડવાની લાલસા. ક્યાંક પોતાના ધર્મની ધજાને ઊંચી કરવાની પેરવી છે તો ક્યાંક પોતાની જાતને. આ બધામાં મુખ્ય ભય એ જ છે કે ચારે તરફ ફેલાઈ રહેલી અફડાતફડી ક્યાંક ત્રીજું વિશ્વયુદ્ધ ન નોતરે. કેમકે એ બધામાં સામાન્ય માણસનો જ મરો છે. બબ્બેવિશ્વયુદ્ધમાં કરોડો લોકોની કત્લેઆમ જોયા બાદ પણ માણસ હિંસાથી ધરાયો નથી. અહિંસાની આંગળી પકડીને ચાલવું નથી, એને અડી અડીને છૂટી જવું છે. જગતને ગાંધીની આજે પણ એટલી જ જરૂર છે, જેટલી પહેલા હતી. વિશ્વએ અહિંસા પરમો ધર્મનું સૂત્ર અપનાવ્યા વિના છૂટકો નથી. બધા બધું જાણતા હોવા છતાં પોતાના અંગત લાભો ખાતર હિંસાને ધાર કાઢતા હોય છે. યુદ્ધ ઇચ્છે છે કોણ? અને કરે છે કોણ? પોલ વાલેરીએ બિલોરી કાચ જેવું ચોખું સત્ય લખેલું; "યુદ્ધ એક એવું સ્થાન છે, જ્યાં યુવાન લોકો એકબીજાને જાણતા નથી કે નફરત પણ નથી કરતા. તેઓ એકબીજાની કત્લેઆમ કરી નાખે છે, અને આવું કરવાનો નિર્ણય એવા ઘરડા માણસો લે છે, જે એકબીજાને જાણે છે અને ધિક્કારે છે, પણ એકીજાને મારતા નથી.” આ જ છે યુદ્ધની કરૂણતા!
જે સરહદ પર લડે છે એને તો સીધી રીતે કશી જ લેવાદેવા નથી હોતી એકબીજા સાથે. સરહદ પર તૈનાત સૈનિક સરહદની કાંટાળી વાડથી એકબીજાને જોયા કરતા હોય છે. ઘણી વાર તો તેઓ વસ્તુની અદલાબદલી પણ કરતા હશે. સ્માઈલ આપતા હશે એકબીજાને. માણસ કાંઈ ચોવીસ કલાક એકબીજાને ઘૂરીને થોડો બેસી રહે? કદાચ થોડીઘણી મિત્રતા પણ થઈ જતી હશે. પણ અચાનક ઉપરથી ઓર્ડર આવે કે તરત તૂટી પડવાનું એકબીજા પર. કેમ ઓર્ડર અપાયો છે, શું કામ સામેવાળાને મારવાનો છે એ પણ નથી ખબર હોતી ઘણી વાર. હિન્દીના પ્રસિદ્ધ એક્ટર વિજયરાજે નિર્દેશિત કરેલી ફિલ્મ, ‘ક્યા દિલ્લી ક્યા લાહોર‘ આ મુદ્દે ખાસ જોવા જેવી છે.
યુદ્ધમાં જીત કે હાર રાજાની થાય છે, પણ મરે છે સામાન્ય માણસો. લડે છે સૈનિકો, પણ જયજયકાર રાજાની થાય છે, રાજા તો રાહ જોતો હોય છે ક્યારે વિજયનાદ સાંભળવા મળે! રાજા ક્યાં પોતે લડવાનો છે. યુદ્ધમાં પહેલા પ્યાદાં જ મરતાં હોય છે. સામાન્ય પ્રજાનો ઉપયોગ નેતાઓ માત્ર પ્યાદા તરીકે જ કરે છે. એ તમારી પાસે તમારી મહેનતે અને તમારા ખર્ચે પુલ બનાવડાવશે પણ તખ્તી કોની લાગશે? ફલાણા નેતાએ આ પુલ બનાવ્યો!! અજ્ઞેયજીએ આ સમગ્ર સ્થિતિ પર ધારદાર કટાક્ષ કર્યો છે. એ પણ રામાયણની કથાના પ્રતીકને આધારે. રામાયણ એવી મહાકથા છે કે જેમાં અનેક પ્રતીકોનો ભંડાર ભર્યો છે. જીવનની દરેક ઘટનાનું પ્રતીકાત્મક રૂપ તેમાં જોઈ શકાય.
કવિતામાં જે સ્થિતિ વર્ણવાઈ છે તે આજે પણ અક્ષરશ: સાચી છે. આજે પણ સેતુ બનાવડાવાય છે, સૈનાઓ તેની પરથી પસાર થાય છે, રાજાઓની જયજયકાર બોલાય છે, પુલ બનાવનારા આજે પણ રઝળે છે! કંઈ નહીં, કરો યુદ્ધો, બોલાવડાવો પોતાની જય! બોલો ફલાણા રાજાની…..
લોગઆઉટ:
યુદ્ધમાં લોહીનાં તળાવ ભરવા કરતાં કોઈનું આંસુ લૂછવું વધારે બહેતર છે.
~ કવિ બાયરન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો