ગુજરાતી સાહિત્ય અને રાજકારણ

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
અંતરનેટની કવિતા’નો લેખ
લોગઇન:

શબ્દ ક્યાં મારો કે તમારો છે?
શબ્દ હર કોઈનો દુલારો છે.

બુઠ્ઠા અણિયારા રેશમી બોદા
શબ્દના કેટલા પ્રકારો છે

ભાવ છે અર્થ છે અલંકારો
શબ્દનો કેટલો ઠઠારો છે

જો જરા અડકો છટપટી ઉઠશે
શબ્દ સંવેદનાનો ભારો છે

– રાહી ઓધારિયા

જ્યોર્જ બર્નાડ શોને કોકે પૂછ્યું તમે શા માટે લખો છો? તેમણે તરત સામે પ્રશ્ન કર્યો, “માછલીને કોઈ પૂછે છે કે તું શું કામ તરે છે?” બર્નાડ શો માટે લખવું સહજ હતું. આમ તો કોઈ પણ લેખનમાં સહજતા એ પાયાનો ગુણ છે. એક અંગ્રેજ કવિએ કહેલું, જે સહજતાથી વૃક્ષોને પાંદડાં ફૂટે એટલી જ સહજતાથી કવિને કવિતા ફૂટવી જોઈએ. કૃત્રિમતાથી પરાણે મગજ ઘસી ઘસીને સર્જાયેલું સાહિત્ય આર્ટિફિસિયલ થશે, આર્ટ નહીં. આર્ટ રચવા માટે હાર્ટ અને સ્માર્ટ બંનેની જરૂર છે. હાર્ટ એટલા માટે કે જે લેખન હૃદયની ભાવનામાંથી નથી જન્મ્યું તે ભાવહીન રહી જાય છે અને સ્માર્ટ એટલા માટે કે માત્ર લાગણીના ઊભરા નથી ઠાલવવાના. લેખનમાં લાગણીવેડા ન આવવા જોઈએ, લાગણીસભર થવું જોઈએ, એ પણ સાહજિક રીતે. 

ઘણા લોકો છંદમાં નથી લખી શકતા એટલે અછાંદસને મહત્ત્વ આપ્યા કરે છે અને અમુક લોકો છંદના એટલા હઠાગ્રહી છે કે માત્ર છંદો જ લખે છે! બાળક જે સહજતાથી ચાલતા, બોલતા, વ્યવહારુ જીવનની સારાઈ-નરસાઈ શીખે છે એટલી જ સહજતાથી લેખન શીખાય તો આપોઆપ કલમનું કામણ પણ સાહજિક બને! મોટાભાગનું તો તમારા જીવનમાંથી જ તમે શીખીને આવો છો, અન્ય ઠેકાણે તો તમે છંદ શીખો છો અને લેખનની વિશેષતા જાણો છો. ભાવની તાકાત તો માત્ર ને માત્ર તમારા હૃદયમાંથી જ આવે છે. પાણી પોતાનો રસ્તો કરી લે તેમ કવિતામાં નિરૂપાતી સાચી ભાવના પણ પોતાનો રસ્તો આપોઆપ કરી જ લે છે. એ પીડા સ્વરૂપે હોય કે આનંદ સ્વરૂપે, રૂદનરૂપે હોય કે હાસ્યરૂપે… બાગમાં કાળજીપૂર્વક ઊગાડેલા ગુલાબ કરતાં જંગલમાં જાતે ખીલેલું ફૂલ વધારે સુંદર અને સુગંધિત હશે! 

આજકાલ સાહિત્ય પરિષદ ચુંટણીની ચાવીથી સાહિત્યનું તાળું ખોલવામાં વ્યસ્ત છે. સાહિત્ય પરિષદમાં સાહિત્યનો અભાવ છે. રાજકારણ, ખટપટ ને કારણ વગરના કાવાદાવાથી ખદબદતી સંસ્થાનો સૂર બોદો થઈ ગયો છે. એના વાજિંત્રનો વાંક નથી, વગાડનારાઓમાં જ છે. એક સાહિત્યકારે પરિષદના સુધારાની ચર્ચા કરતા કહ્યું હતું કે ઉકરડાનું ડેકોરેશન ગમે તેટલું બદલો તે ઉકરડો જ રહે! જોકે એ પણ હકીકત છે કે ઉકરડા પર છોડ જલ્દી ઊગતાં હોય છે! જેને છોડ ઉછેરવા છે તેની માટે હજી પણ તક છે! બાકી ઉકરડામાં વધારો કરનારની કમી નથી!

છેલ્લા અમુક વર્ષોમાં પરિષદ સામાન્ય પ્રજાને આકર્ષવામાં સદંતર નિષ્ફળ ગઈ છે તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. પરિષદ પોતાની સાહિત્યિક સહજતા ગુમાવી બેઠી છે. યુવાન લોકોને ભૂલથી પણ સાહિત્યમાં રસ ન પડી જાય તેની પૂરી તકેદારી રાખે છે. સાહિત્ય પરિષદના કાર્યક્રમો પણ તેની બિલ્ડિંગ જેવા જર્જરિત હોય છે. સાહિત્ય અકાદમી કે પરિષદે જે કામ કરવું જોઈએ તે કામ મનીષ પાઠક અને હર્ષ બ્રહ્મભટ્ટ વિવિધ કાર્યક્રમો થકી કરી રહ્યા છે. મોરારીબાપુએ વર્ષો સુધી અસ્મિતાપર્વ દ્વારા સાહિત્ય અને સાહિત્યકારોને લોકપ્રિય કર્યા છે. આજે પણ નરસિંહ મહેતા એવોર્ડ અને બીજા અનેક પ્રયત્નથી તેઓ પોતાનું કર્મ નિસ્વાર્થ ભાવે કરી રહ્યા છે. અત્તર તો પોતાની સુગંધ ફેલાવવાનું જ છે. પણ ઘણી વાર અત્તરની બાટલીઓ પોતાને અત્તર સમજવા લાગે છે. ગુજરાતી સાહિત્યમાં આવી બાટલીઓ ખૂબ છે. શબ્દ એ કોઈની જાગીર નથી. એ બાટલીમાં કેદ નથી થતો. શબ્દ જે સેવે તે પામે. રાહી ઓધારિયાએ ખરું જ કહ્યું છે, શબ્દ મારો કે તમારો એકલાનો નથી. એ સૌનો છે. એટલા માટે જ આપણે ત્યાં શબ્દબ્રહ્મ કહેવાય છે. પણ ઘણા લોકો શબ્દભ્રમમાં જીવતા હોય છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ અને અકાદમી સ્વાયત્તા માટે જે રીતે શિંગડે શિંગડું ભરાવી રહી છે તેટલી મહેનત સાહિત્યના ઉત્થાન માટે કરી હોત તોય ચપટીક ફેર પડત. આ બંને સાહિત્યની એવી સંસ્થાઓ છે કે જેણે સમાજને દાખલો પૂરો પાડવો જોઈએ, પરંતુ તે કેવા દાખલા બેસાડી રહી છે તે આપણે બધા જાણીએ છીએ. 

લોગઆઉટ:

આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને કોકે કહેલું કે સાહેબ, તમે ઘણાં પુસ્તકો લખ્યાં છે, ઉત્તમ વક્તા છો, સાહિત્ય પરિષદના સભ્ય થઈ જાવ ને તો પરિષદને તમારો લાભ મળે. મોદી સાહેબે તરત કીધું મને ફુલ ટાઇમ રાજકારણ નહીં ફાવે!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો