ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ |
લોગઇન:
વીતેલી કાલ લઈ આવે હું એવો જામ શોધું છું,
તમારી આંખમાં આજે ય મારું નામ શોધું છું.
હું સીતા જેમ બેઠી છું દશાનનની હવેલીમાં,
પરીક્ષા અગ્નિમાં ના લે હું એવો રામ શોધું છું.
~ મધુમતી મહેતા
ઘણીવાર એ સમજાવવું મુશ્કેલ થઈ જાય છે કે નારીવાદી સાહિત્ય એટલે શું? નારી દ્વારા લખાયેલું સાહિત્ય કે નારી વિશે લખાયેલું? આવી ચર્ચામાં સૂક્ષ્મ રીતે નારીનું ચીરહરણ થતું હોય છે. વર્ષો પહેલાં સાહિર લુધિયાનવીએ લખ્યું હતું,
औरत ने जनम दिया मर्दों को मर्दों ने उसे बाज़ार दिया
जब जी चाहा मसला कुचला जब जी चाहा धुत्कार दिया
એકવીસમી સદીમાં પણ કચડવાનું ચાલુ જ છે. એકવીસમી સદી, એક વસમી સદી બની રહી છે. મણિપુરની મહિલાઅત્યાચારની ઘટનાના પડઘા હજુ શમ્યા નથી, લોકો તેના આઘાતમાંથી બહાર નથી આવ્યા ત્યાં ઉજ્જૈનની કારમી ઘટના સામે આવી. બાર વર્ષની બાળકી પર થયેલ એ અત્યાચાર અને અત્યાચાર પછીની લાચારી કોઈનું પણ હૃદય ચીરી નાખે તેવી છે. બાળકી સતત અઢીએક કલાક આઠ કિલોમીટરના વિસ્તારમાં મદદ માટે રઝળતી રહી, પણ કોઈના હૈયામાં રામ ના જાગ્યો. લોકો લોહીમાં લથબથ બાળકીના ફોટા પાડતા રહ્યા - વીડિયો ઉતારતા રહ્યા પણ મદદ માટે હાથ લાંબો ન કર્યો! ભલું થજો એ યુવાન પુજારીનું જેણે તેને સહાય કરી. તેને હોસ્પિટલ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. પણ એ બાળકીએ આટલા લાંબા સમય સુધી આ હાલતમાં રઝળવું પડ્યું એ જ શરમની વાત છે.
સ્ત્રીને આપણે દેવી, શક્તિ વગેરે કહીને તેને સ્ત્રી નથી રહેવા દેતા. સ્ત્રી તો આજે પણ પૂર્ણ રીતે આઝાદ નથી. મધુમતી મહેતાએ માત્ર બે પંક્તિમાં જ અનેક સ્ત્રીઓના જીવનનો ચીતાર રજૂ કરી દીધો છે. બાળકી હોય કે વૃદ્ધા, ગૃહિણી હોય કે નોકરિયાત, હજી પણ એ દશાનનની હવેલીમાં કેદ છે. ક્યાંક એ કહેવાતા રિવાજોના દોરડાથી બંધાયેલી છે તો ક્યાંક આબરૂના પરદા પાછળ ઢંકાયેલી છે! એને ડગલે પગલે પરીક્ષામાંથી પસાર થવું પડે છે. આપણે ત્યાં છોકરો જોવા આવે ત્યારે છોકરીને પ્રોડક્ટની જેમ રજૂ કરાય છે- સજાવી ધજાવીને, શું શું આવડે છે તેના લિસ્ટ સાથે. ખાવાનું બનાવતા આવડે છે બરોબર? સિલાઈકામ ફાવે છે? કેટલું ભણેલી છે? અમારા ઘરમાં આમ નો થાય - તેમ નો થાય. આ તો કરવું જ પડે. સામેનો માણસ પણ જાણે એક હ્યુમન રોબોટ ખરીદવા આવ્યો હોય એ જ રીતે ચકાસણી કરશે. આ પણ એક અગ્નિપરીક્ષા જ છે ને!
ચંદ્રકાંત બક્ષીએ લખ્યું હતું, ‘સ્ત્રી બુદ્ધી પગની પાનીએ જેવી કહેવત શોધનારના આખા શરીરમાં કદાચ બુદ્ધીનો કોઈ ડિપાર્ટમેન્ટ જ નહીં હોય‘ આજની સ્ત્રી સાઇકલથી લઈને વિમાન સુધીનાં વાહનો સુપેરે ચલાવી શકે છે. સિલાઇમશીનથી લઈને તોપ સુધ્ધાં ફોડે છે. તમામ રમતોમાં ઇન્ટરનેશનલ લેવલે નામ કરતી થઈ છે. બિઝનેસ વુમન બની છે. છતાં સ્ત્રીની સામાજિક પ્રતિષ્ઠા અને ઘરની સ્થિતિ જુદી હોય તેવાં પણ અનેક કિસ્સાઓ જોવા મળે છે. ઘણાં ગામોમાં સરપંચ હોય મહિલા, પણ કામ તેમના પતિશ્રી જ કરતા હોય. પંચાયતના બજેટથી લઈને મીટિંગ સુધી પતિ જ બધું હાથવગું રાખે, ભલું થજો સરકારનું કે તેમાં ઘણાં કામ માટે સહી ફરજિયાત હોય છે નહીંતર એ પણ પતિદેવ જ કરી નાખે! ઘણી સ્ત્રી પિંજરમાંથી બહાર નીકળતી થઈ, ઊડવા લાગી, પણ પગ બાંધી રાખ્યા. પરીક્ષા પતી નથી.
મધુમતી મહેતા સ્ત્રી હોવાથી સ્ત્રી તરીકે આપવી પડતી આંતરિક અને બાહ્ય પરીક્ષાઓથી સારી રીતે પરિચિત છે. તેમની કવિતા તમામ નારીની પીડાનું પ્રતિનિધિત્વ કરે છે. સ્ત્રીની અગ્નિપરીક્ષા ન લે તેવા રામની શોધ આજીવન ચાલે છે.
લોગઆઉટ:
યુગ તો વટાવી જાઉં, મને ક્ષણ નડ્યા કરે,
જન્મો જનમનું કોઈ વળગણ નડ્યા કરે.
હું મધ્યબિંદુની જેમ નથી સ્થિર થઈ શકી,
ત્રિજ્યા અને પરિઘની સમજણ નડ્યા કરે.
એને વળાવી દ્વાર અમે બંધ તો કર્યા,
એના જતા રહ્યાનું કારણ નડ્યા કરે.
બુદ્ધ થઈ જવા મેં કોશિશ ઘણી કરી,
આ રક્તમાં થીજેલું સગપણ નડ્યા કરે.
આપણે ત્વચાથી પર થૈ નથી શક્યા,
દૃષ્ટિ છે ધૂંધળી ને દર્પણ નડ્યા કરે.
– મધુમતી મહેતા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો