માના પેટમાંથી મળેલી ટૂંટિયું વાળવાની તાલીમ

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે 
આવતી કૉલમ 
અંતરનેટની કવિતા’નો લેખ
લોગઇન:

ઊભા થઈએ
તો છાપરું અડે
લાંબા થઈએ
તો ભીંતડું
તોય
કાઢી નાંખ્યો જનમારો
સાંકડમાંકડ

દોહ્યલામાં કામ લાગી
માના પેટમાં મળેલી
ટૂંટિયું વાળીને રહેવાની તાલીમ

– વજેસિંહ પારગી

ગુજરાતીમાં ભાષાની ચીવટાઈ બાબતે ખૂબ ગરીબાઈ પ્રવર્તે છે. આવી સ્થિતિમાં વજેસિંહ પારગી જેવો છેવડાનો માણસ ભાષા-ચોકસાઈમાં પ્રથમ હરોળનું કામ કરતો. જયંત પાઠકે લખ્યું હતું, ‘આંગળીમાં આદિવાસીનું તીણું તીર’ તે વાત વજેસિંહને બરોબર લાગુ પડતી. આદિવસી પરિવારમાંથી આવેલ આ કવિની આંગળીમાં રહેલી કલમ તીણા તીર જેવું કામ કરતી. એ તીર મુદ્રારાક્ષસની ક્ષતિને બરોબરનું વીંધતું. ભાષાની ભૂલ તેમની ઝીણી આંખે તરત પકડાઈ જતી. આજના સમયમાં આવા જાગ્રત પ્રૂફરીડર દીવો લઈને ગોતવા જાવ તોય ન મળે. વજેસિંહ તો ચીંથરે વીંટ્યું રતન હતા. થોડા દિવસ પહેલા જ આપણે આ રતનને ગુમાવ્યું. લાંબા સમય સુધી કેન્સરની બીમારી સામે ઝઝૂમીને અંતે દાહોની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ભાષાના વિશાળ જંગલમાં આજીવન ‘આગિયાનું અજવાળું’ પાથરતા રહેલા આ સર્જકે પોતાની મસ્તીથી સર્જનની સાદડી વણી છે. પોતાના ચિત્તમાં બાઝતા વિચારોના ઝાકળમાંથી મોતી બનાવવાના પ્રયત્નો કર્યાં છે. ટૂંકી કવિતા લખતા આ કવિનું વિચારવિશ્વ વિશાળ હતું. દાહોદના અંતરિયાળ ગામમાંથી શહેરમાં સ્થાયી થયેલા વજેસિંહે જીવનના અનેક વરવાં રૂપો પ્રત્યક્ષ જોયાં-અનુભવ્યાં હતાં. સાંકડમાંકડ જિંદગી તેમને માફક આવી ગઈ હતી. આખી જિંદગી તેઓ એક ફક્કડ ગિરિધારી જેવી જીવ્યા છે. 
જલન માતરીનો એક શેર છે- 
એટલું મોટું મળ્યું છે ઘર ‘જલન’ કે શું કહું, 
સ્હેજ ચાલું છું ને ઘરની બહાર આવી જાઉં છું

પ્રથમ પંક્તિ જોતા લાગે છે કે કવિ પોતાના વિશાળ ઘર વિશે કહે છે. પણ પછીની પંક્તિમાં ખબર પડે છે કે ખરેખર તો કવિ વિશાળ નહીં, પોતાના નાનકડા - ખોબા જેવડા ઘર પર કટાક્ષ કરે છે. વજેસિંહ પારઘી તો આનાથી પણ આગળ જાય છે. ઘરની બહાર નીકળવાની પણ જરૂર નથી. ઘર એટલું નાનકડા કૂબા જેવડું છે કે ઊભા થઈએ તો માથું ટકરાય અને આડા પડીએ તો પગ અથડાય ભીંતે. આવી સ્થિતિમાં રહેવું કઈ રીતે? છતાં તેમણે જન્મારો કાઢી નાખ્યો. તેનું કારણ પણ ખૂબ કાવ્યાત્મક આવ્યું છે. જન્મારો આવી સંકડાશમાં કાઢવા માટે ટૂંટિયું વાળીને રહેવાની તાલીમ તેમને જન્મ પહેલાથી મળતી આવી છે - છેક માના ગર્ભમાં હતા ત્યારથી. બાળક ગર્ભમાં ટૂંટિયું વાળીને પડ્યું રહે તેમ આજીવન અમે ગરીબાઈ, દરિદ્રતામા, હાડમારીમાં એક નાનકડા ઘરમાં ટૂંટિયું વાળીને પડ્યા રહ્યા. કેવી કરૂણતા!

જોકે આ ટૂંટિયું વાળવાની વાત સાંકડા ઘર સુધી સીમિત નથી. કવિ તો પ્રતીકના પલકારે મોતી પરોવતો હોય. એ કોઈ એક વિષયની વેલની વીંટળાઈને ન રહે. એ તો અર્થના આકાશમાં લાંબી ઉડાન ભરવા પ્રયત્ન કરતો હોય છે. વજેસિંહની આ કવિતા એવા જ પ્રયત્નનું સફળ પરિણામ છે. વાત વ્યથાની છે. ઘરની ભીંતો અને છત તો પ્રતીક માત્ર છે. વિશાળ બંગલામાં રહીને પણ તમે ટૂંટિયું વાળીને રહેતા હોવ તેવું બને. સંજોગોની ભીંતો ચારે બાજુથી એવી ભીંસવા લાગે કે વિશાળ બાહુને સમેટવા પડે. લાંબા પગને ટૂંટિયામાં ફેરવી નાખવા પડે. ગર્વથી ઊંચું રહેતું માથું નીચે ઢાળી દેવું પડે. પરિસ્થિતિમાં પીંજરમાં પૂરાઈને પડ્યા રહેવું પડે. 

માત્ર આર્થિક કે સામાજિક સંકડાશ એ જ દુઃખ કે પીડાનું કારણ હોય તેમ નથી હોતું. જગતનાં દુઃખ જોઈએ ત્યારે ખબર પડે કે આપણાં દુઃખો તો કશું નથી. સુખ બાબતે આપણને પારકી થાળીનો લાડુ મોટો લાગે છે. બીજાની નકામી વસ્તુ પણ આપણને બહુ સારી અને કિંમતી લાગે છે. એ જ વસ્તુ આપણી પાસે આવે તો નકામી જણાય છે. દુઃખ બાબતે એનાથી ઊંધું છે. બીજાનું દુઃખ હંમેશાં આપણને નાનું લાગે છે, આપણને થાય છે કે હું જ દુનિયામાં સૌથી વધુ દુઃખી છું. જીવનમાં ઊભી થતી સંકડાશની સોયથી ઘાયલ થવાને બદલે તેના વડે ફાટેલી હાલતને સાંધવા પ્રયત્ન કરીએ તો કમ કે કમ વિપતના વસ્ત્રને થીંગડું તો લાગે. વહેલા-મોડાં એ પહેરી તો શકાય. કમ કે આપણી દરિદ્રતાના ઢાંકી તો શકાય. 

લોગઆઉટ:
ज़िंदगी तू ने मुझे क़ब्र से कम दी है ज़मीं
पाँव फैलाऊँ तो दीवार में सर लगता है
— बशीर बद्र


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો