(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)
લોગઇન:
બે બળદની જોડ વેચી શ્હેરમાં આવ્યા છીએ
દૂરતા સેઢાની વેઠી શ્હેરમાં આવ્યા છીએ
ભીડ કેવળ ભીડ છે, પાદર સમો કલશોર ક્યાં?
પ્રેમના સંબંધ છેકી શ્હેરમાં આવ્યા છીએ
ગામનો એકક માણસ 'કેમ છે?' પુછતો હતો
એ બધાના પ્રશ્ન ફેંકી શ્હેરમાં આવ્યા છીએ
પર્ણથી લઈ વૃક્ષ સુધી સીમને મળતાં હતા
મૂળ પોતાના જ ખેંચી શ્હેરમાં આવ્યા છીએ
ઘર ગલી ને સીમ છોડ્યા, ગામની રજરજ તજી
નામની લઈ માત્ર પેઢી શ્હેરમાં આવ્યા છીએ
ક્યાં ગયું આકાશ ખુલ્લું? ક્યાં ગયા ટહૂકા અરે!
ઊંબરા મરજાદ ઠેકી શ્હેરમાં આવ્યા છીએ
પ્રેમ, કરૂણા કે દયા કંઈ હવે ઉગતું નથી
જાત થઈ ગઈ બિન ખેતી શ્હેરમાં આવ્યા છીએ
- નરેશ સોલંકી
વતનઝૂરાપો ગજબની ચીજ છે. જે ધરામાં ઊછર્યા, મોટા થયા, રમ્યા, પડ્યા, ઊભા થયા એ માટીને છોડીને અન્ય મુકામે કાયમ માટે વસવાનું થાય એનો વસવસો છાતીમાં બોમ્બની જેમ રોજ ફૂટ્યા કરતો હોય છે, જોકે એની જાણ પોતાના સિવાય કોઈને હોતી નથી. ગામ ત્યજીને શહેરમાં આવનારા લાખો લોકો છે. તેમાંથી હજારો લોકો મનમાં હજી માટીનો મોહ સંઘરીને બેઠા છે. એ માટી જેમાં તેમની મમતા ફૂલીફાલી છે, એ માટી જેની વાત આવતા મન મહોબતમાં લીન થઈ જાય છે. એ માટી જ્યાં બાળપણ ચણી બોર જેવું મીઠું લાગતુંં, એ માટી જેની સુગંધ શ્વાસમાં રેલાઈ રહી છે, એ માટી જ્યાં ફુંકાયેલી સ્નેહની શરણાઈઓ આજે પણ કાનમાં ગૂંજી રહી છે, એ માટી, જેમાં જીવ ઓગળીને શિવ સુધી પહોંચ્યાની મોકળાશ અનુભવે છે. એ માટી જેની ધૂળની વાત કરતા આખું આયખું ગોકુળ થઈ ગયાનો અનુભવ કરે છે. એ ગામ કે શહેરમાં આવ્યા પછી હજી તેના તળાવની પાળે શરીરનું એક અંગ બેઠું છે. એ રસ્તો કે જેની હજી પણ પગલાને ઝંખના છે. એ શેરી કે જ્યાં હજી જૂનો કલરવ સંઘરાયો છે. એ ગામ કે જેનું નામ નયનમાં ભીંનાશ થઈને તરવરી ઊઠે છે.
નરેશ સોલંકીએ ગામ છોડીને શહેરમાં આવી ચડવાની વ્યથાને હૃદયની વાટકીમાં બરોબર ઘોળીને લખી છે. સ્વાનુભવની સણસણતું તીર છાતીમાં વાગ્યું હોય એ જ આવા ઝૂરાપાના જંગલને કાગળમાં ઊભું કરી શકે. બે બળદની જોડ વેચીને કે ખેતરની દૂરતા વેઠીને શહેરમાં આવવું એટલું પૂરતુંં નથી, એની સાથે સાથે ઘણુંં ઘણું જતુંં રહેતું હોય છે. ગામડાં હવે વાર્તાના વર્ણન જેવા રળિયામણાં નથી રહ્યાં, લીલોતરી, તળાવ, ચોરો, નદી, ઝરણા, પંખીઓ એ બધું જૂની વાત થઈ ગઈ. ઘણાં ગામડાં ગંદકીના ઉકરડાં જેવા થવા લાગ્યાં છે. જ્યાં ત્યાં રઝળતા પ્લાસ્ટિકના કાગળિયા, ઉબડખાબડ રસ્તા, અને નાતજાતના વાડામાં બંધાઈને બાખડ્યાં કરતાં ગામડાં પુસ્તકોના વર્ણનોને શરમાવે છે. છતાં આવા લુખા-સૂકા વતનને પણ કાયમ માટે છોડીને અન્ય સ્થળે વસવાનું થાય તેનો ડૂમો આજીવન ગળામાં ગાંઠ થઈને પડ્યો રહેતો હોય છે. જેનો કોઈ ઇલાજ નથી હોતો. કેન્સરની ગાંઠ શરીરના એટલા અંગને કાપીને કાઢી શકાતી હોય છે, પણ આવી પીડાની ગાંઠ નથી મટતી કે નથી ઘટતી. વળી એ વ્યથા કે વલવલાટ નરી આંખે જોઈ પણ નથી શકતું કોઈ.
ઘણાને વતનઝૂરાપો લાગણીવેડાં જેવો લાગતો હોય છે. તેવા લોકો એમ કહેતા હોય છે કે શહેર ના જ ગમતું હોય તો જતા રહો ને પાછા ગામમાં, કોણે તમને આમંત્રણ આપ્યું‘તું? એ જ તો વ્યથા છે, કે ગામડે જવાય એવું નથી અને શહેર ગોઠતું નથી. વતનઝૂરાપાને લાગણીવેડા સમજનાર શહેરીજન પોતે એક એક પોળ કે સોસાયટીમાંથી બીજી પોળ, સોસાયટી કે ફ્લેટમાં રહેવા જાય તો આખી જિંદગી જૂની જગાને, લોકોને, પ્રસંગોને મિસ કર્યા કરતો હોય છે. ત્યારે તેમને લાગણીવેડા નથી દેખાતા ! વતનમાં કશું જ ન હોય, છતાં તેનું નામ પડતાં આપોઆપ મનમાં આંબાં મહોરી ઊઠતા હોય છે એ હકીકતને નકારી શકાય તેમ નથી.
મણિલાલ હ. પટેલની વતનઝૂરાપાની સીમાસ્તંભ કવિતા આ પળે ન સાંભરે તો જ નવાઈ.
લોગઆઉટ:
બા-ની સાથે ગયું બાળપણ ગામ જવાની હઠ છોડી દે
વસતિ વચ્ચે વિસ્તરતું રણ ગામ જવાની હઠ છોડી દે
નથી વાવતા ભાઈ મકાઈ ગામ જવાની હઠ છોડી દે
લોહી ખરું પણ નથી સગાઈ ગામ જવાની હઠ છોડી દે
પાદર રસ્તા નામ પૂછશે ગામ જવાની હઠ છોડી દે
‘કોનું છે ભૈ કામ?’ પૂછશે ગામ જવાની હઠ છોડી દે
- મણિલાલ હ. પટેલ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો