બાળક, ભૂખ, વિસ્મય અને લાચારી

લોગઇન:

બાળકે શું કામ દોરી ભાખરી,
શિક્ષકે આપી વિષયમાં તો પરી.
ખાસ રડવાનું હતું કારણ છતાં,
ના રડ્યાં, આંખોની તાજી સર્જરી.

- ગુંજન ગાંધી

કવિતામાં બાળક અને ભૂખ, બાળક અને ગરીબી, બાળક અને સામાજિ વિસંવાદિતા જેવા અનેક વિષયે ખૂબ સુંદર નિરૂપણ થયાં છે. નિદા ફાજલીનો આ દુહો કોને નહીં યાદ હોય?

બચ્ચા બોલા દેખ કે મસ્જિદ આલીશાન,
અલ્લા તેરે એક કો તના બડા મકાન?

સ્વાભાવિક રીતે જ બાળકને આવો પ્રશ્ન થાય. પણ આવો પ્રશ્ન ક્યારે થાય? જ્યારે બાળક દસ બાય બસની ઓરડીમાં ભીંસોભીંસ માણસો સાથે રહેતું હોય. રાત્રે કોણ ક્યાં ઊંઘશે તેની રોજ પળોજણ થતી હોય. બે માણસ મહેમાન આવી ચડે તો ઘર આખું ફાંફે ચડે એવી નોબત હોય ત્યારે બાળકને સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય કે અહીં આટઆટલા માણસો રહીએ છીએ, એક નાનકડી ઓરડીમાં અને આ ભગવાન તો જુઓ. પોતે એકલો રહે છે અને આટલી બધી જગ્યા રોકીને બેઠો છે!

પ્રણવ પંડ્યાની ગઝલ ‘પ્રભુપંચાયતમાંં બાળક’ આ વિષયને સરસ રીતે ન્યાય આપે છે. પ્રભુની પંચાયતમાં બાળક પોતાની વાત રજૂ કરી રહ્યું છે. તેમાં એક અદભુત શેર છે-
બળથી બાળક તને જો વંદે તો,
બાળમજદૂરી ન ગણાય પ્રભુ?

મોટાભાગના માતાપિતાઓ મંદિરમાં જઈને બાળક પાસે આવી બાળમજૂરી કરાવતા હોય છે. જે-જે કરો બેટા - જે જે કરો બેટા… કહીને છોકરાનું લોહી પી જાય. પેલા બિચારાને પગે ના લાગવુંં હોય, રમવું હોય, આમથી તેમ દોડવુંં હોય, ખરેખર તો એનું આ રમવું એ જ ઈશ્વરને પાયલાગણ બરોબર છે. પણ મોટેરાઓના ગણિત જુદાં હોય છે. ઈશ્વરને બાળક વંદે તેમાં ઈશ્વરના આશીર્વાદ કરતા અન્ય લોકો પોતાના બાળકને કેટલું ડાહ્યું ગણે છે તેમાં તેમને વધારે રસ હોય છે.

બાળક પોતાના વિસ્મયભર્યા જગતમાં રમમાણ રહે છે. ઘણી વાર સહજ રીતે તે બહુ મોટી વાત કરી નાખે છે. મોટારાઓને મગજમાં તો એવી વાત આવે પણ ક્યાંથી? એમના મનમાં તો મોટપણાનો ભાર મૂકાઈ ગયો હોય. સહજતા ઉપર સામાજિકતાના થર ઉપર છર ચડી ગયા હોય. સમજણના પથરા મૂકાઈ ગયા હોય. ગૌરાંગ ઠાકરનો શેર આ ક્ષણે યાદ આવે-

દોસ્ત વિસ્મય વષય તો અઘરો છે,
કોઈ બાળક વગર ભણાય નહીં.

વિસ્મય વિષય મોટેરાઓ માટે ખૂબ કપરો છે. તેની માટે બાળક થવું પડે. ગુંજન ગાંધીએ આવા સહજ વિસ્મયની કેડી પર ચાલીને અદભુત શેર નિપજાવ્યો છે. તેમણે પ્રશ્ન કર્યો છે કે શિક્ષકે તમામ બાળકોને એક સુંદર પરીનું ચિત્ર દોરવા કહ્યું છે, તો પછી પરી દોરવાને બદલે એક બાળકે ત્યાં ભાખરી શું કામ દોરી? કવિ તો આટલું કહીને અટકી જાય છે, પણ ભાવક સમજી જાય છે બાળકની ભૂખ, તેની લાચારી, તેના ઘર, પરિવાર અને મનમાં ઘેરાતા અતૃપ્તિનાં વાદળો. ઘર, પરિવાર, ગરીબાઈ, અછત અને લાચારી ઘણું બધું છતું થાય છે બે પંક્તિ દ્વારા. પન્નાલાલ પટેલે પોતાની સુપ્રસિદ્ધ નવલકથા ‘માનવીની ભવાઈ’માં લખેલું ભૂંડામાં ભૂંડી ભૂખ ને એથી ય ભૂંડી ભીખ. આ નવલકથા પરથી સુંદર ગુજરાતી ફિલ્મ પણ બનેલી, જેમાં ઉપેન્દ્ર ત્રિવેદી મુખ્ય અભિનેતા હતા. છપ્પનિયા દુષ્કાળનું વરવુંં ચિત્ર ઊભું કરતી આ નવલકથા ભૂખને ખૂબ ઊંડાણપૂર્વક આલેખી આપે છે. ભૂખ માણસને શું ન કરાવી શકે? પણ ભીખ માગવી એનાથી ય વધારે કપરી લાગી પન્નાલાલને. ખેડૂત હતાને! જગત માટે ધાન ઉગાડતા ખેડૂતને પોતે ધાન માટે રઝળવું પડે - ભીખ માંગવી પડે એ એમનાથી ક્યાંથી સહન થાય?

ગુંજન ગાંધીએ બાળકના વિસ્મય દ્વારા ઘણું બધું કહી દીધું છે. બાળક પરીને બદલે ભાખરી દોરવા માંડે ત્યારે સમજી લેવું કે ભૂખ અને લાચારીના ડંખ અસહ્ય થઈ રહ્યાં છે. બીજો શેર પણ ધ્યાન ખેંચે છે. રડી પડાય અને રડવું જ પડે એવી નોબત આવી ગઈ છતાં ન રડ્યા, તેનું કારણ? તો કહે આંખોની સર્જરી કરાવેલી છે. રડે તો આંખને નુકસાન થાય તેમ છે. ડોક્ટરની સ્પષ્ટ ના છે, આંસુ આવશે તો આંખને ભારે નુકસાન થશે. ખારાશ હાનીકારક છે. પણ નહીં રડીને હૃદયને અને મનને જે નુકસાન થાય તેનું શું? ખેર આ જો જીવનની વિડંબના છે.

લોગઆઉટ:

દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો
એ ઘરમાં તુ જનમ્યું શાને, જે ઘરમાં ઉપવાસ ફરજ છે,
દર્દ વ્યથા પરીતાપ ફરજ છે, ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે ..
- શૂન્ય પાલનપુરી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો