પ્રેમ કરવો અને પુસ્તક વાંચવું

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

પ્રેમ કરવો
અને પુસ્તક વાંચવું
એમાં કોઈ અંતર નથી હોતું.
કેટલાક પુસ્તકોનું
મુખપૃષ્ઠ જોઈએ છીએ
ભીંજવે છે.
પાનાં ઉથલાવીને મૂકી દઈએ છીએ.
કેટલાંક પુસ્તકો
તકિયા નીચે મૂકીએ છીએ.
અચાનક જ્યારે પણ આંખ ખૂલે છે
ત્યારે વાંચવા માંડીએ છીએ.
કેટલાંક પુસ્તકોનો
શબ્દેશબ્દ વાંચીએ છીએ
એમાં ખોવાઈ જઈએ છીએ
ફરી પાછું વાંચીએ છીએ
અને આત્મામાં વસાવી દઈએ છીએ.
કેટલાંક પુસ્તકોમાં
રંગ-બેરંગી નિશાની કરીએ છીએ
દરેક પંક્તિ પર વિચારીએ છીએ
અને કેટલાંક પુસ્તકોનાં
નાજુક પૃષ્ઠો પર
નિશાની કરતાં પણ ડરીએ છીએ.
પ્રેમ કરવો
અને પુસ્તક વાંચવું
એમાં કંઈ અંતર નથી હોતું.

– સુતીંદરસિંહ નૂર (પંજાબી), અનુ. સુજાતા ગાંધી

પ્રેમ કરવો અને પુસ્તક વાંચવું બંને સ્થિતિની સરખામણી કવિએ કેટલી સરસ અને સહજ રીતે કરી આપી છે આ કવિતામાં. જે વાંચનરસિક છે, ગ્રંથની ગરિમાને સમજે છે તે લોકો આ વાત ખૂબ સારી રીતે અનુભવી શકશે. પ્રેમ કેટલા વિવિધ પ્રવાહે વહેતો હોય છે. જોકે સત્ય એ પણ છે કે પ્રેમમાં પંડિત થવા કરતા પ્રેમમાં ગાંડા થવું સારું. એમાં જ પ્રેમની ખરી ગરિમા છે. પંડિતાઈ તો પ્રેમને ખૂંચે છે. તેમાં તો થોડું ભોળપણ, થોડું ગાંડપણ, થોડી દિલદારી, થોડી ખુમારી. સંપૂર્ણપણે ફના થવાની તૈયારી પણ જોઈએ.

પ્રેમ કેટકેટલા સ્વરૂપે વહેતો હોય છે. પહેલી નજરનો પ્રેમ, અંતિમ નજરનો પ્રેમ અને દરેક નજરનો પ્રેમ… આ બધું બોલવામાં નજીક નજીકનું લાગે, પણ તેના અર્થમાં આસમાન જમીનનું અંતર છે. મિલનનો પ્રેમ અને જુદાઈનો. જોયાનો પ્રેમ અને નહીં જોયાનો. એક તરફી અને બેતરફી. સામાજિક અને વ્યક્તિગત. સમજણપૂર્વક થયેલો પ્રેમ અને સંજોગોવશ થયેલો પ્રેમ. કેટકેટલા રૂપ પ્રેમના. નરસિંહ મહેતાએ લખ્યું છેને, જૂજવે રૂપે અનંત ભાસે. પ્રેમ આ રીતે અનંત રૂપે વિસ્તરે છે. વિવિધ રૂપ, સ્થિતિ, આકાર, સમજણ અને સંયોગ રચીને.

પ્રેમ કરવો અને પુસ્તક વાંચવું, એ આજના લબરમૂછિયાઓને કદાચ જૂનું લાગે. એમને તો પ્રેમ કરવો ને નેટફ્લિક્સ કે એમેઝોન પ્રાઈમ જોવું એ સરખામણી વધારે યોગ્ય લાગતી હશે. હવે તો ઘણા થિયેટરમાં સાથે જવાની વાતને પણ જૂનવાણી ગણવા લાગ્યા છે. સિનેમાના સૂર એમને દૂરના ભાસે છે. ગમતા વ્યક્તિ સાથે એકલા બેસીને કોઈ રોમેન્ટિક ફિલ્મ ફોનમાં જોવી વધારે ગમતી હોય છે ઘણાને. આ એમના પ્રેમનો પ્રકાર છે, બીજું શું. જૂજવે રૂપે અનંત ભાસે ! સમયાંતરે પ્રેમ પોતાનું રૂપ બદલે છે, ભાવ નહીં. વોટ્સએપ કે ફેસબુકના મેસેજબોક્સમાં પ્રેમનો એકરાર થાય કે ચિઠ્ઠી લખીને કે રૂબરૂ ગુલાબનું ફૂલ આપીને. તે રીત અલગ હોઈ શકે, પણ હૃદયમાં ઊઠતાં તોફાનો તો સરખા જ રહેવાના. લાગણીનો ઉછાળ તો એવો જ રહેવાનો. રક્તમાં થતાં આંદોલનોમાં તો રોમાંચિત જ રહેવાના. માના હાથની રસોઈ દુનિયાના કોઈ પણ સ્થળે બેસીને ખાવ, તેમાં રહેલો માનો પ્રેમ તો એટલો જ ઊંડો અને વહાલભર્યો રહેવાનો છે. પ્રેમનું પણ કંઈક એવું જ છે. તમે માધ્યમો બદલો, રસ્તા બદલો, રૂપ બદલો, રીત બદલો, પણ હૃદયની ભાવના થોડી બદલાઈ શકશે? દુનિયાના દરેક માણસની આંખનાં આંસુ ખારાં જ હોય છે. ભાષા, પ્રદેશ, રંગ, સ્વભાવ ભલે બધું જ અલગ હોય. પ્રેમનું પણ એવું જ છે. જગતનો દરેક માણસ તેમાં રહેલી ભાવનાને સરખી રીતે અનુભવે છે.

થોડા દિવસ પહેલા ગયેલા વેલેન્ટાઇનમાં ઘણાએ પોતાના પ્રણયભાવ અનુભવ્યા હશે. જોકે વર્તમાન સ્થિતિ જોતા વેલેન્ટાઇનના વેલીએ ફૂલ થઈને ખીલેલી લાગણી અત્યારે પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવી ગઈ હશે. કેમ કે આપણે તો પ્રસંગોપાત પાંદડી પર બેસનારા પતંગિયાં છીએ. ઉતરાયણ આવે એટલે પતંગ ઉડાડીએ કે ના ઉડાડીએ, પણ સોશ્યલ મીડિયામાં તો તરખાટ મચાવી દેવાનો. લાગવું જોઈએ કે આકાશમાં આપણી સિવાય કોઈની પતંગ જ ચગતી નથી. દિવાળીમાં ઘર ભલે અંધારે આળોટતું હોય, પણ ઓનલાઇન રોશનીની રેલમછેલ હોય. આંખો અંજાઈ જવી જોઈએ બધાની. એ જ દશા જન્માષ્ટમીની. મંદિરના પગથિયાં ચડવાની વાત તો દૂર ઘરમાં એકબીજાને જયશ્રી કૃષ્ણ બોલવા જેટલો ય સમય ન ધરાવતા આપણે વોટ્સએપ અને ફેસબુક પર કૃષ્ણની આખી કથાઓની કથાઓ શેર કર્યા કરીએ, સાચું ખોટું વાંચ્યા વિના. કોઈ પણ તહેવાર લો, બધાની આ જ દશા અને આ જ દિશા છે. આ વેલેન્ટાઇનમાં વહેંચાતા વહાલના પણ એવા જ હાલ થયા હશે એમાં શંકાને સ્થાન નથી.

પણ જેણે હૃદયના રંગથી ઉમંગને રંગ્યા હોય એને સલામ. નયનની નદીમાં નેહનો તરાપો મૂકનારની વાત અલગ છે. પ્રણયમાં સામાપૂરે તરનાર તો વીરલા હોય છે. મીરાંએ લખ્યું છે તેમ, જેને પ્રેમની કટારી વાગી હોય તેમની વાત જ નોખી છે.

લોગઆઉટ:

ફકત દિલની સફાઈ માંગે છે,
પ્રેમ ક્યાં પંડીતાઈ માંગે છે…

આંખને ઓળખાણ છે કાફી,
લાગણી ક્યાં ખરાઈ માંગે છે…

જોઈએ સુખ બધાંને પોતીકાં,
કોણ પીડા પરાઈ માંગે છે…

એક ઝાંખી જ એમની ઝંખે,
દિલ બીજું ન કાંઈ માંગે છે..

– કિરીટ ગોસ્વામી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો